અન્નાદુરાઈ સી. એન.

January, 2001

અન્નાદુરાઈ, સી. એન. (જ. 15 સપ્ટે. 1909, હાલનું કાન્ચીપુરમ, તામિલનાડુ; અ. 3 ફેબ્રુ. 1969, ચેન્નાઈ, તામિલનાડુ) : તામિલનાડુના અગ્રણી રાજકીય નેતા. કાંચીપુરમમાં વણકર કુટુંબમાં જન્મેલા કાંજીવરમ્ નટરાજન અન્નાદુરાઈ અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે 1934માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા હતા. એક વર્ષ એક શાળામાં શિક્ષક રહ્યા બાદ પત્રકારત્વ અને રાજકારણમાં પ્રવેશ્યા. અન્ના (મોટા ભાઈ) તરીકે પછીથી વિખ્યાત બનેલા કાંજીવરમે શરૂઆતમાં પેરિયાર ઈ. વી. રામસ્વામી સાથે ‘જસ્ટિસ પાર્ટી’માં કામ કર્યું અને તેને લોકાભિમુખ પક્ષ બનાવ્યો. ભારત સ્વતંત્ર થતાં પેરિયારનાં અલગતાવાદી મંતવ્યો સાથે મેળ ન ખાતાં અન્નાદુરાઈએ દ્રવિડ મુનેત્ર (પ્રગતિશીલ) કઝગમ (સમવાય) પક્ષની સપ્ટેમ્બર 1949માં સ્થાપના કરી.

અન્નાદુરાઈના નેતૃત્વ હેઠળ આ પક્ષે ત્યારના મદ્રાસ રાજ્યના કૉંગ્રેસના શાસન, હિંદી ભાષાના આધિપત્ય અને ચીજવસ્તુઓના વધતા ભાવો સામે આંદોલનો કર્યાં. 1962માં તેઓ રાજ્યસભામાં ચૂંટાયા હતા. 1965માં હિંદીવિરોધી આંદોલનોની તેમણે નેતાગીરી લીધી હતી. 1967ની વિધાનસભાની ચૂંટણીમાં ડી.એમ.કે.ને સ્પષ્ટ બહુમતી મળતાં તેઓ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. દક્ષિણ ભારતનો અવાજ કેન્દ્રમાં સંભળાય તે માટે તેમણે બે વર્ષના મુખ્ય પ્રધાનપદ દરમિયાન ભારે પ્રયાસો કર્યા હતા. રાજ્યોને વધુ સ્વાયત્તતા મળે તેવી માગણી તેઓ કરતા રહ્યા હતા. આધુનિક તામિલનાડુના નિર્માતા તરીકે અન્નાદુરાઈ દ્રવિડ પ્રજામાં સન્માનનીય સ્થાન ધરાવે છે.

સી. એન. અન્નાદુરાઈ

એમની પ્રતિભા બહુમુખી હતી. એઓ ગંભીર ચિંતક, શ્રેષ્ઠ વક્તા, તંત્રી, રાજકીય પુરુષ, સમાજસેવક તથા કુશળ અભિનેતા અને લેખક હતા. ‘નવયુગન’, ‘જસ્ટિસ’, ‘કુડિયરગુ’, ‘વિડુદલૈ’ ઇત્યાદિ પત્રપત્રિકાઓમાં પ્રગટ થયેલી વિવિધ રચનાઓ દ્વારા એમણે તમિલ સાહિત્યજગતમાં પ્રવેશ કર્યો હતો. અન્નાદુરાઈની પ્રસિદ્ધ સાહિત્યિક કૃતિઓ છે : ‘રંગોન રાધા’, ‘પાર્વતી બી. એ.’ (નવલકથાઓ); ‘ઇરવૂ’, ‘વેલૈક્કારી’, ‘ચન્દ્રોદયમ્’ (નાટક); ‘શેન્વાલૈ’, ‘રાજપાટ’, ‘રંગદૂરૈ ભાગવદાર’, ‘કપોદિપ્પુર કકાદલ’, ‘ઉણ્ણાવ્રદમ’, ‘ઓરન દણ્ડનૈ’, ‘જવમાલૈ’, ‘કુમારિકોટ્ટમ’ (વાર્તાસંગ્રહો). એમની કૃતિઓમાં સાંપ્રત કાળની જ્વલંત સમસ્યાઓનું ચિત્રણ છે. ‘રંગોન રાધા’માં માનવની દ્રવ્યલિપ્સા અને તેમાંથી ઉત્પન્ન થતી સમસ્યાઓનું ચિત્રણ છે. ‘પાર્વતી બી. એ.’માં આપવડાઈ કરનારાં માનવી કેવાં હાસ્યાસ્પદ અને ક્યારેક ખતરનાક નીવડે છે તેનું નિરૂપણ છે. એમનાં નાટકોમાં સમાજસુધારાનો સૂર છે. ‘દ્રાવિડનાડુ’, ‘કાંચી’ વગેરે પત્રિકાઓમાં તમ્બી(નાના ભાઈ)ના તખલ્લુસથી લખેલા પત્રોમાં રાજકારણ, અર્થનીતિ, સાહિત્ય, કલા, ઇતિહાસ વગેરે વિષયો પર નિબંધો છે. અન્નાદુરાઈ વાસ્તવવાદી સાહિત્યકાર હતા. એમણે સામાન્ય જનને લક્ષમાં રાખીને અભિધાપ્રધાન હાસ્ય અને વ્યંગના અનેક ગ્રંથો રચ્યા છે. એમના સર્જનાત્મક સાહિત્યમાં ભાવ અને કલ્પના બંનેનું વૈવિધ્ય છે.

અન્નાદુરાઈનું તમિલના શ્રેષ્ઠ વક્તાઓમાં સ્થાન છે. તમિળ નાટક, રંગમંચ તથા ચલચિત્રોના વિકાસમાં એમનો ફાળો ઘણો મોટો છે.

રાજ્યોની સ્વાયત્તતાના હિમાયતી હોવા છતાં તેઓ ભારતની એકતાના ટેકેદાર રહ્યા હતા.

કે. એ. જમના

હેમન્તકુમાર શાહ