અનંતમૂર્તિ, યુ. આર. (જ. 21 ડિસેમ્બર 1932, થીરથાહલ્લી, તા. શિમોગા, જિ. કર્ણાટક, અ. 22 ઑગસ્ટ 2014, બૅંગાલુરુ, કર્ણાટક) : આધુનિક કન્નડ લેખક.  સ્વાતંત્ર્યોત્તર કાળના કન્નડ સાહિત્યમાં અનંતમૂર્તિનું આગવું સ્થાન છે. બૅંગ્લોરની મહારાજા કૉલેજમાંથી અંગ્રેજી વિષય લઈને એમ.એ.ની પદવી લીધી. પછી ઇંગ્લૅન્ડ જઈને પીએચ.ડી. થયા. એમણે નવલકથા, નાટક, કવિતા તથા વિવેચન એમ વિવિધ ક્ષેત્રોમાં પ્રદાન કરેલું છે. એમની મુખ્ય રચનાઓ છે : ‘સંસ્કાર’ (નવલકથા), ‘પ્રશ્ને’ (વાર્તાસંગ્રહ), ‘ઇંદુમમિયવ કતે’ (ક્યારેય પૂરી ન થનારી વાર્તા), અભિનવ પ્રયોગાત્મક રચના ‘હરિનૈદુ પુદ્ગળુ’ (કવિતા), ‘આવાહને’ (નાટક), ‘પ્રજ્ઞેમતુ પરિસર’ (વિવેચનસંગ્રહ). એમની નવલકથા ‘સંસ્કારે’ કન્નડ સાહિત્યમાં આધુનિક નવલકથા પ્રતિ દિશાસૂચન કર્યું છે. તેમાં યથાર્થવાદી નિરૂપણ છે. વળી પ્રતીકો તથા સંકેતોનો પણ લેખકે તેમાં માધ્યમ તરીકે ઉપયોગ કર્યો છે.

અનંતમૂર્તિને 1994માં જ્ઞાનપીઠ ઍવૉર્ડ એનાયત થયો હતો. આ સન્માન મેળવનારા અનંતમૂર્તિ છઠ્ઠા કન્નડ લેખક હતા. 1998માં પદ્મભૂષણ આપીને સરકારે તેમનું સન્માન કર્યું હતું. 2004માં સાહિત્ય અકાદમી દિલ્હીની ફેલોશીપ, 2012માં યુનિર્વસિટી ઓફ કોલકાતા દ્વારા ડિ. લિટ.ની પદવી, 2013માં મેન બુકર ઇન્ટરનેશનલ પ્રાઇઝનું નામાંકન વગેરે સન્માન તેમને પ્રાપ્ત થયેલાં.

એમની સાહિત્ય કૃતિઓ ઉપરથી ફિલ્મો પણ બની છે.જેમાં સંસ્કાર, બારા, સૂખા, ઘટશ્રાદ્ધનો સમાવેશ થાય છે.

અનંતમૂર્તિએ રાજકારણમાં ઝંપલાવીને 2004માં લોકસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમનો પરાજય થયો હતો. એ પછી તેમણે 2006માં રાજ્યસભાની ચૂંટણી પણ લડી હતી, પણ એમાંય સફળ થયા ન હતા. રાજકારણમાં સફળ ન થયેલા અનંતમૂર્તિ લેખક તરીકે દેશ-વિદેશમાં જાણીતા હતા. 22મી ઑગસ્ટ, 2014માં હૃદયરોગના હુમલાથી 81 વર્ષની વયે તેમનું બૅંગાલુરુમાં નિધન થયું હતું.

એચ. એસ. પાર્વતી