અધ્વર્યુ ભૂપેશ ધીરુભાઈ

January, 2001

અધ્વર્યુ, ભૂપેશ ધીરુભાઈ (જ. 5 મે 1950, ગણદેવી, ચીખલી, જિ. વલસાડ; અ. 21 મે 1982, ગણદેવી, જિ. વલસાડ) : ગુજરાતી કવિ, વાર્તાકાર, વિવેચક. પિતા શિક્ષક. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ગણદેવીમાં અને કૉલેજશિક્ષણ બીલીમોરામાં. અમદાવાદમાંથી એમ.એ. થઈ મોડાસા આદિ કૉલેજોમાં ચારેક વર્ષ ગુજરાતીનું અધ્યાપન કર્યું, પણ શિક્ષણની ને આખા સમાજની વ્યવસ્થામાં વ્યક્તિના સ્વાતંત્ર્યને ખરીદી લેવાની ભ્રષ્ટતા જણાતાં 1976માં નોકરી છોડી સ્વતંત્ર સાહિત્ય-લેખન ને ફિલ્મ-દિગ્દર્શનની દિશામાં અભ્યાસ આરંભ્યો. છેલ્લે છેલ્લે તો કલા ને સાહિત્યની સાર્થકતા વિશે પણ શંકા જાગેલી. ગણદેવીની નદીમાં ડૂબી જવાના અકસ્માતથી અવસાન.

કિશોરવયથી કવિતા-વાર્તા-સર્જન આરંભાયેલું. 18ની વયે પહેલી વાર્તા પ્રગટ થયેલી ત્યાંથી માંડીને 1980 સુધી રચેલી 25–30 વાર્તાઓમાંથી 16 વાર્તાઓનો અન્યસંપાદિત સંગ્રહ ‘હનુમાન-લવકુશમિલન’ (1982) મરણોત્તર પ્રકાશિત થયો. રચનારીતિ અને સંવેદનવિષયના વૈવિધ્યવાળી આ વાર્તાઓ સૂઝ ને સજ્જતાયુક્ત પ્રયોગશીલતાની વિશેષતા ધરાવે છે. ભૂપેશનાં અનેક કાવ્યોમાંથી પસંદ કરેલાં 50 ટકા જેટલાં કાવ્યોના અન્યસંપાદિત સંગ્રહ ‘પ્રથમ સ્નાન’(1986)માં સુબદ્ધ રચનાસૌંદર્ય તથા રહસ્યગર્ભ સંકુલતા ધરાવતાં દીર્ઘકાવ્યો, વિશિષ્ટ લિરિકલ ઝોક દેખાડતાં અરૂઢ ને નાદસૌંદર્યયુક્ત ગીતો તથા ઘનીભૂત અભિવ્યક્તિથી નિરાળાં તરી આવતાં છાંદસ-અછાંદસ લઘુકાવ્યો છે. વાર્તા-કવિતા બંનેમાં છઠ્ઠા-સાતમા દાયકાની એક લાક્ષણિક સર્જકપ્રતિભા તરીકે ઊપસતા ભૂપેશે નાટક અને ફિલ્મ-પટકથા પણ અજમાવ્યાં છે. સિદ્ધાંતચર્ચા, કૃતિસમીક્ષા ને ફિલ્મવિષયક આસ્વાદચર્ચાના એમના અનેક લેખોમાં તર્કવિનિયુક્ત માર્મિક વિવેચકદૃષ્ટિ દેખાય છે. સંપાદિત થનાર એમના પત્રોમાંથી જીવનને સમગ્ર સંદર્ભમાં જોનાર વિચારકનું વ્યક્તિત્વ ઊપસે છે.

રમણ સોની