અદવાણી કલ્યાણ બૂલચંદ

January, 2001

અદવાણી કલ્યાણ બૂલચંદ (જ. 10 ડિસેમ્બર 1911, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાન; અ. 17 માર્ચ 1994, મુંબઈ, મહારાષ્ટ્ર) : અર્વાચીન સિંધી લેખક. અંગ્રેજી તથા ફારસીમાં એમ.એ.ની પદવી મેળવ્યા પછી 1942માં તેઓ હૈદરાબાદ(સિંધ)ની ડી. જી. નૅશનલ કૉલેજમાં સિંધીના પ્રાધ્યાપક અને વિભાગાધ્યક્ષ નિયુક્ત થયા. ભાગલાને કારણે 1948માં તેઓ સિંધ છોડીને ભારતમાં આવ્યા અને મુંબઈની ‘જય હિન્દ’ કૉલેજમાં અંગ્રેજી તથા ફારસીના પ્રાધ્યાપક તરીકે જોડાયા.

એમનું પ્રથમ પુરસ્કૃત પુસ્તક કાલિદાસના ‘શાકુંતલ’નું સિંધી રૂપાન્તર હતું. એ 1946માં પ્રગટ થયું હતું. 1951માં મધ્યકાલીન સિંધી સંતકવિ લતીફ પર એમણે એક સંશોધનાત્મક તથા આલોચનાત્મક પુસ્તક લખ્યું. એમાં લતીફની કવિતાની અનેક દૃષ્ટિથી ચર્ચા કરી છે. તે પછી સિંધી કવિઓ સમી અને સચલ વિશે એમણે સમીક્ષાગ્રન્થો અનુક્રમે 1953 અને 1954માં આપ્યા છે. અબદુલ લતીફ વિશેનો બૃહદ્ સમીક્ષાત્મક ગ્રન્થ ‘શાહ જો રસાલો’ 1968માં પ્રગટ થયો હતો, જે સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત થયો હતો. 1960માં એમનો કાવ્યસંગ્રહ ‘રાઝ-એ-નિયાઝ’ પ્રગટ થયો. એમના ત્રણે સંશોધનગ્રંથોને આધારે ભારતીય સાહિત્ય અકાદમીએ ‘ભારતીય સાહિત્યના ઘડવૈયા’ પુસ્તક-માળામાં ત્રણ પુસ્તિકાઓ પ્રગટ કરી છે.

જયંત રેલવાણી