અદાણી, ગૌતમ શાંતિલાલ

August, 2023

અદાણી, ગૌતમ શાંતિલાલ (જ. 24 જૂન 1962, અમદાવાદ, ગુજરાત) : અદાણી જૂથના સ્થાપક અને અધ્યક્ષ.

તેમનો જન્મ ગુજરાતી જૈન પરિવારમાં થયો. પિતા શાંતિલાલ અદાણી અને માતા શાંતાબહેન અદાણી. તેમનો પરિવાર ઉત્તર ગુજરાતના થરાદ શહેરમાંથી સ્થળાંતર કરીને આવ્યો હતો. તેમના પિતા કાપડના વેપારી હતા. તેમનું શિક્ષણ અમદાવાદની શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાલય શાળામાં થયું હતું. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાં કોમર્સમાં સ્નાતકની ડિગ્રી માટે પ્રવેશ મેળવ્યો, પરંતુ બીજા વર્ષ પછી તેમણે અભ્યાસ છોડી દીધો.

ઈ. સ. 1978માં મુંબઈ જઈને તેમણે ડાયમંડ સોર્ટરનું કામ કર્યું. મુંબઈના ઝવેરી બજારમાં પોતાની હીરાની બ્રોકરેજ ફર્મની સ્થાપના કરતાં પહેલાં તેમણે બે-ત્રણ વર્ષ ત્યાં કામ કર્યું. ઈ. સ. 1981માં તેમના મોટા ભાઈ મહાસુખભાઈ અદાણીએ અમદાવાદમાં પ્લાસ્ટિકનું એક યુનિટ ખરીદ્યું અને તેમને સંચાલન સોંપ્યું. જે પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) આયાત દ્વારા વૈશ્વિક વેપાર માટે અદાણીનું ગેટવે બન્યું. ઈ. સ. 1985માં તેમણે પ્રાથમિક પોલિમરની આયાત કરવાનું શરૂ કર્યું. ઈ. સ. 1988માં તેમણે અદાણી એક્સપોર્ટ્સની સ્થાપના કરી, જે આજે અદાણી એન્ટરપ્રાઇઝ તરીકે ઓળખાય છે. ઈ. સ. 1991માં આર્થિક ઉદારીકરણની નીતિઓ આવતાં તેમણે ધાતુઓ, કાપડ અને કૃષિ ઉત્પાદનોના વેપારમાં ધંધાઓનું વિસ્તરણ કરવાનું શરૂ કર્યું. ઈ. સ. 1994માં ગુજરાત સરકારે મુંદ્રા પોર્ટના મેનેજરીયલ આઉટસોર્સિંગની જાહેરાત કરી અને ઈ. સ. 1995માં તેમને કોન્ટ્રાક્ટ મળ્યો. ઈ. સ. 1995માં તેમણે પ્રથમ જેટી ઉભી કરી. અદાણી પોર્ટ્સ એન્ડ SEZ (APSEZ) આજે સૌથી મોટી ખાનગી મલ્ટી-પોર્ટ ઓપરેટર છે. મુંદ્રા બંદર ભારતનું ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું બંદર છે. તે વાર્ષિક 210 મિલિયન ટન કાર્ગો હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવે છે.

ઈ. સ. 1996માં અદાણી પાવરની સ્થાપના કરવામાં આવી હતી. અદાણી પાવર 4620MWની ક્ષમતા ધરાવતો થર્મલ પાવર પ્લાન્ટ ધરાવે છે. આજે તે દેશની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપની છે. ઈ. સ. 2006માં અદાણીએ પાવર જનરેશન બિઝનેસમાં પ્રવેશ કર્યો. 2009થી 2012 સુધી તેમણે ઓસ્ટ્રેલિયામાં એબોટ પોઈન્ટ પોર્ટ અને ક્વીન્સલૅન્ડમાં કોલસાની ખાણ હસ્તગત કરી. મે, 2020માં અદાણીએ 6 બિલિયન યુ. એસ. ડોલરની કિંમતની સોલર એનર્જી કોર્પોરેશન ઑફ ઈન્ડિયા (SECI) દ્વારા વિશ્વની સૌથી મોટી સોલાર બિડ મેળવી. સપ્ટેમ્બર, 2020માં અદાણીએ મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટમાં 74% હિસ્સો હસ્તગત કર્યો. ફેબ્રુઆરી, 2022માં તેઓ એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. ઑગસ્ટ 2022માં ફોર્ચ્યુન દ્વારા તેમને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. મે, 2022માં અદાણી પરિવારે અંબુજા સિમેન્ટ્સ અને તેની પેટાકંપની ACCને સ્વિસ બિલ્ડિંગ મટિરિયલ્સ જાયન્ટ હોલ્સિમ ગ્રૂપ પાસેથી 10.5 બિલિયન ડોલરમાં હસ્તગત કરી હતી.

તેઓ અદાણી ગ્રૂપ એનર્જી, પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ, માઇનિંગ અને રિસોર્સિસ, ગેસ, ડિફેન્સ અને એરોસ્પેસ અને એરપોર્ટ જેવા વ્યવસાયો ધરાવે છે. ભારતને સંરક્ષણ અને સુરક્ષામાં આત્મનિર્ભર બનાવવાનું તેમનું સપનું છે. અદાણી જૂથમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન એનર્જી, અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, અદાણી વિલ્મર, એસીસી સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, અદાણી ગેસ, એનડીટીવી વગેરેનો સમાવેશ થાય છે. ગૌતમ અદાણી અદાણી એન્ટરપ્રાઇઝીસના ચેરમેન અને સહ-સ્થાપક છે. તેમને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની નજીક ગણવામાં આવે છે. માર્ચ, 2020માં, કોવિડ-19 વખતે અદાણીએ પીએમ કેર્સ ફંડમાં 100 કરોડનો ફાળો આપ્યો હતો. ગુજરાત સીએમ રિલીફ ફંડમાં 5 કરોડ અને મહારાષ્ટ્ર સીએમ રિલીફ ફંડમાં 1 કરોડ કરોડનો ફાળો આપ્યો હતો.

અનિલ રાવલ