અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા

January, 2001

અત્યધિક શ્વેતકોશી પ્રતિક્રિયા (leukaemoid reaction) : લોહીના કૅન્સર જેવું લાગતું, શ્વેતકોષોનું વધેલું પ્રમાણ. કેટલાક ચેપ, ઝેર, કૅન્સર અને અન્ય રોગોથી પીડાતા દર્દીઓની અસ્થિમજ્જા(bone marrow)માં નિયમનવાળી પ્રતિક્રિયા રૂપે અપક્વ કે/અને પક્વ શ્વેતકોષોનું ઉત્પાદન વધે છે. દર્દીના લોહીમાં અપક્વ કે 30,000થી 50,000 ઘમિમી.ના પ્રમાણમાં પક્વ શ્વેતકોષો પરિભ્રમણ કરતા થાય છે. દર્દીની લોહીની તપાસમાં રુધિરકૅન્સર (leukaemia) જેવી લાગતી આ પરિસ્થિતિ રુધિરકૅન્સર નથી હોતી. અસ્થિમજ્જામાં અપક્વ કોષોમાં ‘ફિલાડેલ્ફિયા’ રંગસૂત્ર કે ઑરદંડ (auer rod) હોતાં નથી. પક્વ શ્વેતકોષોમાં આલ્કેલાઇન ફૉસ્ફેટેઝનું પ્રમાણ ઘટતું નથી. આ જુદા જુદા પ્રકારના રુધિરકૅન્સરમાં નિદાનસૂચક ચિહનો ગણાય છે. અહીં બધા જ પ્રકારના રુધિરકૅન્સરના જેવી જ પ્રતિક્રિયા થયેલી જોવા મળે છે, પરંતુ મજ્જાબીજકોષી રુધિરકૅન્સર-(myeloid leukaemia)ના જેવી પ્રતિક્રિયા વધુ પ્રમાણમાં થાય છે. (જુઓ સારણી). ક્યારેક ચોક્કસ નિદાન કરવું મુશ્કેલ બને છે. ચિકિત્સાર્થે મૂળ કારણની સારવાર તથા અસ્થિમજ્જાની તપાસ જરૂરની છે. (જુઓ : અસ્થિમજ્જા).

                       અત્યધિક શ્વેતકોષી પ્રતિક્રિયાનાં કારણો અને પ્રકારો

કારણો પ્રતિક્રિયાનો પ્રકાર
(૧) ચેપ

ન્યુમોનિયા ઉ. મ. રુ. સમ
વ્યાપક ક્ષય ઉ./દી. મ. રુ. સમ
મધ્યમવક્ષીય (mediastinal) ક્ષય ઉ./દી. લ. રુ. સમ
અતિ એકકેન્દ્રીકોષી
(monocytic)
વિષાણુજ રોગો જેવા કે અછબડા, ઉ. લ. રુ. સમ
લાપોટિયું
ચેપી એકકેન્દ્રીકોષિતા (mononucleosis)
ઉટાંટિયું, ચેપી લસિકાકોષિતા
(lymphocytosis) દી. લ. રુ. સમ
અમીબાજન્ય રોગ આતિઇઓસીનરાગી કોષિતા
(૨) વિષાક્તતા (poisoning)
મદ્યજન્ય યકૃત મેદસ્વિતા
(alcoholic fatty liver) ઉ. મ. રુ. સમ
વ્યાપક દહન, પારો દી. મ. રુ. સમ
(૩) કૅન્સર
હાડકાંમાં રોગસ્થાનાંતરતા (metastasis), દી. મ. રુ. સમ
બહુમજ્જાર્બુદી કૅન્સર (multiple myeloma),
લસિકાર્બુદ (lymphoma), હૉજકિનનો રોગ,
તંતુકોષી કૅન્સર (fibrosarcoma),
ચેપયુક્ત કૅન્સરો
(૪) પ્રકીર્ણ
અતિશય રુધિરસ્રાવ (bleeding) કે દી. મ. રુ. સમ
રુધિરભંજન (haemolysis), સગર્ભી
આંચકી (eclampsia), આમવાતી
સંધિશોધ (rheumatoid arthritis),
ઉગ્ર સગુચ્છી મૂત્રપિંડ શોથ (acute
glomerular nephritis), ડાઉનનો
સંલક્ષણ, મહારક્તબીજકોષી પાંડુતા
(megaloblastic anaemia),
ઔષધ ઍલર્જી,
રુધિર પ્રતિક્ષેપ (transfusion) દી. મ. રુ. સમ
મધ્યવક્ષી ગર્ભપેશી અર્બુદ અતિએકકેન્દ્રીકોષિતા
(mediastinal teratoma) (monocytosis)
*ઉ.  ઉગ્ર (acute)
મ. મજ્જાબીજકોષી (myeloid)
રુ. રુધિરકૅન્સર (leukaemia)
દી. દીર્ઘકાલી (chronic)
લ. લસિકાબીજકોષી (lymphoid)

નોંધ : ઉ.મ.રુ. સમ = ઉગ્ર મજ્જાબીજકોષી રુધિરકૅન્સર(AML) સમ; દી.મ.રુ. સમ = દીર્ઘકાલી મજ્જાબીજકોષી રુધિરકૅન્સર (CML) સમ; ઉ.લ.રુ. સમ = ઉગ્ર લસિકાબીજકોષી રુધિરકૅન્સર (ALL) સમ; દી.લ.રુ. સમ = દીર્ઘકાલી લસિકાબીજકોષી રુધિરકૅન્સર (CLL) સમ.

શિલીન નં. શુક્લ