અતિઅમ્લતા (hyper-acidity)

January, 2001

અતિઅમ્લતા (hyper-acidity) : પેટમાંની અસ્વસ્થતા દર્શાવતો વિકાર. જનસમાજમાં 40 % લોકોને કોઈ ને કોઈ ઉંમરે અતિઅમ્લતાની તકલીફ થતી હોય છે. દર્દી પેટના ઉપલા ભાગમાં કે છાતીની મધ્યમાં બળતરા, ખાટા ઘચરકા કે ઓડકાર, જમ્યા પછી પેટમાં ભાર લાગવાની અથવા ઊબકા કે ઊલટીની ફરિયાદ કરે છે. આ બધાંને અતિઅમ્લતા, અજીર્ણ કે અપચા તરીકે ઓળખવામાં આવે છે. પેપ્ટિક વ્રણ (peptic ulcer) કે ઍસિડના વધુ ઉત્પાદનને કારણે નહિ, પરંતુ અન્નનળી અને જઠરના ચલન(motility)ના વિકારને કારણે મહદ્અંશે આ લક્ષણો ઉદભવે છે. તેથી જઠરમાંથી અન્નનળીમાં અવળા જતા વિપરીતગામી (reflux) જઠરરસમાંના ઍસિડ અને પેપ્સિન અન્નનળીના નીચલા છેડાની અંદરની દીવાલ(અંત:કલા, endothelium)ને નુકસાન કરે છે. તેવી જ રીતે પક્વાશયમાંથી જઠરમાં થઈને અન્નનળીમાં પ્રવેશતા પિત્ત(bile)ના ઍસિડ અને સ્વાદુપિંડરસ(pancreatic juice)ના ઉત્સેચકો (enzymes) પણ નુકસાન કરે છે. તેને કારણે ચાંદાં(erosion)વાળો અન્નનળીશોથ (oesophagitis) થાય છે. અમુક ખોરાક, ચિંતા કે ખિન્નતા (depression) આવા ચલનવિકારો સર્જે છે. કૃમિ તથા જિયાર્ડિયાસિસ જેવા રોગ, પિત્તાશય(gall bladder)ના રોગો (દા.ત. પથરી, શોથ inflammation) તથા સ્વાદુપિંડના રોગો પણ આવાં લક્ષણો સર્જે છે. ધૂમ્રપાન, મદ્યપાન, તમાકુસેવન, કૉફી અને ચૉકલેટ અતિઅમ્લતાનાં લક્ષણોને વધારે છે. જઠરમાંના ઍસિડ(અમ્લ)નું પ્રમાણ જાણવાથી અતિઅમ્લતાનું નિદાન થઈ શકતું નથી, કેમ કે તે મોટા ભાગના કિસ્સામાં વધેલું હોતું જ નથી. બેરિયમ ચિત્રશ્રેણી અને અંત:નિરીક્ષા (endoscopy) નિદાન માટે ઉપયોગી છે. તેમના વડે ઘણી વખત ઉરોદરપટલીય સારણગાંઠ (hiatus hernia), જઠરશોથ (gastritis), પક્વાશયશોથ (duodenitis) અથવા પેપ્ટિક વ્રણનું નિદાન શક્ય બને છે. પ્રત્યામ્લો (antacids) મુખ્યત્વે ખટાશના શમનમાં ઉપયોગી છે. સીમેટીડીન, રેનીટીડીન જેવાં હિસ્ટામીનરોધકો અને સુક્રાલફેટ જેવાં આવરણકારી ઔષધો પેપ્ટિક વ્રણની ચિકિત્સામાં ઉપયોગી છે. ચિંતાશમન અને ખિન્નતાનું નિવારણ કરવા માટેની મનશ્ચિકિત્સા ખૂબ ઉપયોગી રહે છે. જરૂર પડ્યે અપથ્ય (અનુકૂળ ન હોય તેવા) ખોરાકનો તથા તમાકુ, દારૂ, ધૂમ્રપાન વગેરેનો ત્યાગ પણ ઉપયોગી ચિકિત્સા બની રહે છે. વિપરીતગામિતા(reflux)ના દર્દીને જમ્યા પછી બે કલાક માટે ચત્તા સૂવાની સલાહ આપવામાં આવે છે. કૉફી, ચૉકલેટ તથા ચરબીયુક્ત ખોરાક ઘટાડવાની સૂચના પણ આપવામાં આવે છે. પ્રત્યામ્લો અને જરૂર પડ્યે બેથાનિકોલ, સિઝાપ્રાઈડ કે મેટોક્લોપ્રોમાઇડ જેવાં ઔષધો ઉપયોગી બની રહે છે. (જુઓ : અપચો)

સુધાંશુ પટવારી

શિલીન નં. શુક્લ