અણુવય-રયણ-પઇવ (1256) (સં. અણુવ્રતરત્નપ્રદીપ) : કોઈ જાયસવંશીય કવિ લક્ષ્મણકૃત અપભ્રંશ ભાષાની કાવ્યકૃતિ. કવિ યમુનાતટ પર સ્થિત કોઈ ‘રાયવડ્ડિય’ (રાયવાડી) નામક નગરીનો નિવાસી હતો. તેના પિતાનું નામ સાહુલ અને માતાનું નામ જઈતા હતું. યમુનાતટ પરની જ ચંદવાડ નામે નગરીના ચૌહાણવંશી રાજા આહવમલ્લનો મંત્રી કણ્હ (કૃષ્ણ) કવિનો આશ્રયદાતા અને પ્રેરણાદાતા હતો.

પ્રસ્તુત રચનામાં આઠ સંધિઓ(પરિચ્છેદો)માં કવિએ જૈન શ્રાવકોએ પાલન કરવાયોગ્ય વ્રતો અર્થાત્ અણુવ્રતો વિશેની કથાઓ આપી, તે દ્વારા અણુવ્રતોનો મહિમા ગાયો છે. કૃતિમાં ઉચ્ચ કલ્પના, અલંકાર કે વિશિષ્ટ વર્ણનશક્તિનો અભાવ છે. માત્ર ધાર્મિક ઉપદેશ આપવા માટે જ કૃતિની રચના થઈ જણાય છે. કૃતિ અદ્યાવધિ અપ્રકાશિત છે.

રમણિકભાઈ મ.  શાહ