અણબિયામા (1942) : આધુનિક પંજાબી લઘુનવલ. આધુનિક પંજાબી લેખક ગુરુબક્ષસિંહ ‘પ્રીતલડી’ની આ લઘુનવલ છે. આ કૃતિમાં લગ્નની સમસ્યાનું નિરૂપણ છે. નાયિકા પ્રભા પ્રચલિત સામાજિક મૂલ્યોની અવગણના કરીને એના સહાધ્યાયી ચિત્તરંજનની જોડે જેલમાં એક રાત વિતાવે છે, અને એ એની પત્ની હોય એમ વર્તે છે. વિધિવત્ લગ્ન કર્યા વિના એના બાળકની મા બને છે, ને સમાજસેવાના કામમાં લાગી જાય છે. ચિત્તરંજન પણ જેલમાંથી છૂટીને સમાજને જાગ્રત કરવાના કામમાં લાગી જાય છે અને પ્રભાને મળે છે. બંને વિના લગ્ને દાંપત્યજીવન ગાળે છે તથા બાળકને ઉછેરે છે. પ્રિયતમા કરતાં સ્ત્રીના માતૃસ્વરૂપને એમાં વધુ મહત્ત્વ અપાયું છે. એ નવલ પ્રગટ થઈ ત્યારે પંજાબી સમાજમાં એની આકરી ટીકા થઈ હતી.

ચન્દ્રકાન્ત મહેતા