અણસાર (1992) : સમસ્યાપ્રધાન સામાજિક નવલકથા. ‘અણસાર’ નવલકથાનાં લેખિકા સામાજિક નવલકથાકાર તરીકે સુપ્રતિષ્ઠિત વર્ષા અડાલજા છે. સામાજિક નવલકથાઓ લખવા ઉપરાંત તેમણે કેટલીક વાર કોઈ ખાસ માનવીય સમસ્યાને કેન્દ્રમાં રાખીને પણ નવલકથાઓ લખી છે. ‘બંદીવાન’ એમની એક એ પ્રકારની નવલકથા છે, જેમાં તેમણે જેલમાં વર્ષોથી સજા વેઠી રહેલા કેદીઓની વેદનાને વાચા આપી છે.

પણ એમની ‘અણસાર’ નવલકથા તો સમાજના તમામ વર્ગોની ચેતનાને ધક્કો મારી તેમને જાગ્રત થવા પ્રેરે તેવી છે. તેમણે એ નવલકથામાં કુટુંબથી, સમાજથી અને સર્વ કોઈથી હડધૂત થતા, ઘોર નિરાશામાં સબડતા, રક્તપિત્તગ્રસ્ત માનવોની તીવ્ર વેદનાને અભિવ્યક્ત કરી છે. ઉપર્યુક્ત નવલકથામાં તેમણે ખાસ તો એ મુદ્દા પર ભાર મૂક્યો છે કે આજકાલથી નહિ, સેંકડો દાયકાઓથી સમગ્ર વિશ્વમાં રક્તપિત્તના દર્દીઓની નરાતાળ ઉપેક્ષા થઈ રહી છે. એની સતત ઘૃણા જ થતી રહી છે. સમાજ તો તેની ઉપેક્ષા કરે, પણ ખુદ નિકટનાં સ્વજનો પણ તેના પ્રત્યે તિરસ્કૃત વર્તન રાખતાં હોય છે.

સામાજિક ચેતનાને હચમચાવીને જાગ્રત કરવા માટે નવલકથાનો વિષય સર્વથા ઉચિત છે. વર્ષાબહેને રક્તપિત્તના વિષયને આત્મસાત્ કરવા, એના વિશે ઊંડી જાણકારી પ્રાપ્ત કરવા અને ખાસ તો રક્તપિત્તથી ગ્રસ્ત થયેલાં સ્ત્રીપુરુષોની કારમી, દયાપાત્ર સ્થિતિ સમજવા તેમણે એવા માનવીઓની વચમાં જઈને વાસ કર્યો હતો. તેમના પ્રત્યે અપાર અનુકંપા દાખવી, તેમની વેદનામાં સહભાગી થઈને તેમની વેદનાની વાત સાંભળી હતી. એ રીતે આ લેખકનો પ્રયાસ નારાયણ દેસાઈએ કહ્યું છે તેમ એક સાધના બની રહ્યો છે.

મનુષ્યને થતા સર્વ રોગોમાં રક્તપિત્ત જ એવો રોગ છે, જેમાં દર્દી કરુણા કે સેવાનું પાત્ર બનવાને બદલે ધિક્કાર અને ઘૃણાનું પાત્ર બને છે. વર્ષાબહેને રક્તપિત્તગ્રસ્ત દર્દીઓની સૃષ્ટિમાં માત્ર ડોકિયું નહિ, સંચાર કરીને એમના અંતરમાં રહેલા સતત વિષાદનો વાસ્તવિક ખ્યાલ મેળવ્યો છે.

લેખકને કોઈ ડૉક્ટરની કે સમાજસુધારકની હેસિયતથી આ નવલકથા લખવી નહોતી. એમનો પ્રશસ્ય હેતુ ‘સમાજના એક અંધારા ખૂણામાં એક આખો માનવસમૂહ કશા અપરાધ વિના સબડી રહ્યો છે, તેના પ્રત્યે અંગુલિનિર્દેશ કરવાનો છે. રક્તપિત્ત ચેપી રોગ નથી. એ રોગના દર્દીઓ સારી એવી માવજત અને સારવારથી સાજાય થતા હોય છે, છતાં એવા સાજા થયેલા દર્દીઓથી પણ દૂર ભાગવાની મનોદશા સમાજના પ્રત્યેક વર્ગમાં જોવા મળે છે’. એ વાત તેમણે નવલકથામાં કોઈ સાચા પ્રસંગ ઉપરથી રૂપાનું પાત્ર સર્જીને તેને રુગ્ણ સમાજમાં તેમજ સ્વજનો વચ્ચે ફરતું મૂકીને રજૂ કરી છે.

આમ, ‘અણસાર’ના સર્જકની વિશેષતા તેમણે કથાની સામગ્રી માટે સાચા પ્રસંગો, પાત્રો અને પ્રત્યક્ષ અનુભવનો આશ્રય કર્યો છે અને એમાંથી નવલકથાની ઇમારત ઊભી કરી તે છે. રૂપાનું પાત્ર નવલકથાના કેન્દ્રમાં છે. એને કુષ્ઠરોગનું નિદાન થતાં જ કુટુંબની નજરમાં તે ઉપેક્ષિત બની જાય છે. ખુદ એનો પતિ પણ એની પત્નીની ધરાર ઉપેક્ષા પોતાના જ પરિવારજનો કરી રહ્યા હોવા છતાં લાચારી અનુભવે છે, પણ એની મમ્મીનો સતત આગ્રહ રૂપાને રક્તપિત્તરોગની હૉસ્પિટલમાં મૂકી આવવા માટેનો છે.

અને લેખકને પણ રૂપા હૉસ્પિટલમાં જાય એ ઇષ્ટ ઘટના છે. એ રીતે રૂપાએ રોગના અન્ય દર્દીઓ સાથે સંપર્કમાં મુકાય, ડૉક્ટરો, નર્સોનું તથા રોગીને લોકલાજે પણ મળવા આવનારાં કુટુંબીજનોનું વલણ, વર્તન તાગવાનો મોકો મળે – એવું સર્જકનું આયોજન છે. રોગીઓના ચિત્તમાં ચાલતા અજંપા, એમનો માનસિક ઉન્માદ, એમની ઘોર હતાશા – એ સર્વનો સુરેખ ચિતાર રૂપાના પાત્રને કેન્દ્રમાં રાખીને લેખકે કર્યો હોય તેમ જણાય છે. ઘટનાઓના નિરૂપણમાં સચ્ચાઈનો અંશ પ્રતીત થાય છે. ઘટનાઓ હૃદયસ્પર્શી છે. ઘટના કે પાત્રના વર્ણનમાં પણ સર્જકની ક્ષમતા જણાઈ આવે છે.

તેમ છતાં આ નવલકથાના સર્જક જાણે પ્રયોજનને વશ વર્તીને ઘટનાઓ આલેખતા હોય, પાત્રો પણ એમનાં પ્રયોજનને અનુરૂપ થઈને ગતિ કરતાં હોય એવો અનુભવ થાય છે.

વાર્તાકારે કથાને અંતે રૂપાને હિંમતભેર પોતાની રુગ્ણ મનોદશામાંથી બહાર આવી સેવાકાર્યમાં પ્રવૃત્ત થતી દર્શાવીને કુષ્ઠરોગના દર્દી માટે આશાવાદ પ્રગટાવ્યો છે.

વાર્તાકારની આ નવીન વિષય નિરૂપતી નવલકથા, કલાદૃષ્ટિએ ભલે ઉત્તમ પ્રકારની ન ગણાઈ હોય પણ વાર્તાકારને મતે અહીં પ્રયોજન મહત્વનું છે. કલાને ભોગે પણ તેમણે પોતાનું પ્રયોજન સિદ્ધ કર્યું છે અને જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસ ટકી રહે તે માટેનો પેગામ આપ્યો છે.

આ નવલકથાને દિલ્હીની સાહિત્ય અકાદમી તરફથી ઈ. સ. 1995માં ઍવૉર્ડ મળી ચૂક્યો છે અને એનાં બે પુનર્મુદ્રણો ઈ. સ. 1996માં અને 1997માં થયાં છે.

મધુસૂદન પારેખ