અડાસનો ગોળીબાર

January, 2001

અડાસનો ગોળીબાર : અડાસ ગામે થયેલો ગોળીબાર (1942). ખેડા જિલ્લાના આણંદ તાલુકાનું અડાસ ગામ. અઢારમી ઑગસ્ટ 1942નો દિવસ. ‘હિંદ છોડો’ના ઐતિહાસિક ઠરાવનો અગિયારમો દિવસ. ‘કરેંગે યા મરેંગે’નો સંદેશો દેશના ખૂણે ખૂણે વ્યાપી ગયો હતો. રાષ્ટ્રીય નેતાઓની ધરપકડ સાથે વડોદરાના ચોત્રીસ યુવાનો ગ્રામજાગૃતિ માટે નીકળ્યા. બાજવા પહોંચ્યા. ત્યાંથી ગાડીમાં નાવલી ગયા. નાવલીથી ચાલતાં વડોદ ગયા. પોલીસની નજર છતાં સૂત્રો પોકારતા, પત્રિકા વહેંચતા. પોલીસ એમની પાછળ છે એવી જાણ થતાં આ સત્યાગ્રહીઓ અડાસ સ્ટેશને પહોંચ્યા. ગાડીમાંથી ઊતરેલા પોલીસોએ ચેતવણી વિના ગોળીબાર શરૂ કર્યો. યુવાનો ઘવાયા. રતિભાઈ પટેલ, રમણભાઈ પટેલ તથા મોહનભાઈ પટેલ સ્થળ ઉપર મૃત્યુ પામ્યા. તુલસીભાઈ મોદી અને મણિભાઈ પટેલ પછીથી મૃત્યુ પામ્યા. છ યુવાનો ઘાયલ થયા, શેષ ત્રેવીસ લાઠીનો ભોગ બન્યા. અડાસના આ હત્યાકાંડની યાદમાં સ્મૃતિસ્તંભ ઊભો કરવામાં આવ્યો છે. સ્તંભ ઉપર ગોળીબારનું દૃશ્ય કંડારેલું છે.

રસેશ જમીનદાર