અડાલજા, વર્ષા મહેન્દ્રભાઈ

January, 2001

અડાલજા, વર્ષા મહેન્દ્રભાઈ (જ. 10 એપ્રિલ 1940, મુંબઈ, વતન : જામનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર, નિબંધકાર. જાણીતા સાહિત્યકાર ગુણવંતરાય આચાર્યનાં પુત્રી. મુંબઈ યુનિવર્સિટીમાંથી 1960માં ગુજરાતી  સંસ્કૃત સાથે બી.એ. 1962માં સમાજશાસ્ત્ર સાથે એમ.એ. 1962થી 1965 સુધી આકાશવાણી, મુંબઈમાં પ્રવક્તા. 1975થી 1978 દરમિયાન ‘સુધા’નાં તંત્રી તથા ‘ફેમિના’નાં સંપાદક. લેખનની શરૂઆત આકાશવાણીમાં કામ કરતાં કરતાં નાનાં રૂપકો અને વાર્તાલાપોથી કરી. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રોમાં કૉલમલેખન. અભિનયક્ષેત્રે પણ ઉજ્જ્વળ કારકિર્દી. ગુજરાતી રંગભૂમિ પર ઇબ્સનનું, ‘ડૉલ્સ હાઉસ’ ટેનિસી વિલિયમ્સનું ‘ગ્લાસ મિનેજરી’, શૂદ્રકનું ‘મૃચ્છકટિકમ્’, દર્શકનું ‘ઝેર તો પીધાં છે જાણી જાણી’ વગેરે નાટકોમાં મુખ્ય ભૂમિકાએ અભિનય. 1965માં મહેન્દ્ર અડાલજા સાથે લગ્ન. 1966 પછી સાહિત્યસર્જન એકમાત્ર વ્યવસાય. આશા પારેખ દિગ્દર્શિત ‘જ્યોતિ’ ટી. વી. સીરિયલની પટકથા તથા સંવાદોનું લેખન. 1987માં ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં ‘નાટક, રંગભૂમિ અને સમાજ’ વિષય પરના પરિસંવાદમાં અધ્યક્ષ. 1978થી તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે સંકળાયેલા છે. તેમણે કુષ્ઠ રોગીઓની વસાહત, જેલ જીવન અને આદિવાસીઓ સાથે પણ કામ કર્યું છે.

તેમના સાહિત્યસર્જનને વિવિધ પારિતોષિકો મળ્યાં છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી અપાતું ભગિની નિવેદિતા પારિતોષિક વારાફરતી તેમની કૃતિઓ ‘મારે પણ એક ઘર હોય’ અને ‘ગાંઠ છૂટ્યાંની વેળા’ને મળ્યું છે. ‘આતશ’ નવલકથાને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતાં પારિતોષિકમાં તેમની ‘અવાજનો આકાર’, ‘એ’, અને ‘મંદોદરી’ વગેરે વિવિધ સ્વરૂપમાં લખાયેલી કૃતિઓને મળ્યાં છે. આ ઉપરાંત સનતકુમારી પારિતોષિક, ગુજરાત સાહિત્યસભા, ભારતીય ભાષા પરિષદ (કલકત્તા) તેમજ દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પણ પારિતોષિકો મળ્યાં છે. તેઓ સોવિયેટ લેન્ડ નેહરુ ઍવોર્ડ (1976), કનૈયાલાલ મુનશી ઍવોર્ડ (1997), રણજિતરામ સુવર્ણચંદ્રક (2005), નંદશંકર મહેતા ચંદ્રક, સરોજ પાઠક સન્માન અને ટૂંકી વાર્તાઓ માટે રામનારાયણ પાઠક ઍવોર્ડ પણ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

વર્ષા અડાલજાનું મુખ્ય સર્જનકાર્ય નવલકથાક્ષેત્રે છે. પીડિતો, ઉપેક્ષિતો પરત્વેની ઊંડી સંવેદનશીલતા તેમને હેતુલક્ષી અને પ્રતિબદ્ધ સાહિત્યસર્જન તરફ પ્રેરે છે. નારીજીવનના વિવિધ આયામો પણ તેમનાં સર્જનમાં ઝિલાયા છે. ‘શ્રાવણ તારાં સરવડાં (1968) પહેલી નવલકથા છે. સત્યઘટનાનો આધાર લઈ, જે તે સ્થળે જઈ જાતઅનુભવથી લખાયેલી હેતુલક્ષી નવલકથાઓમાંની નોંધપાત્ર કૃતિ ‘આતશ’ (1976) વિયેટનામના યુદ્ધ પર આધારિત છે. આદિવાસીઓ માટે ધૂણી ધખાવી બેઠેલા ચૂનીલાલ મહારાજના જીવનવૃત્તાંત પર આધારિત ‘ગાંઠ છૂટ્યાની વેળા (1980), જેલના ભીતરી જીવનની ભયંકર વાસ્તવિકતાને આલેખતી ‘બંદીવાન’ (1986) તો ‘ખરી પડેલો ટહુકો’ (1983) અપંગ અને માનસિક ખોડખાંપણવાળાં બાળકોની કથા છે. માત્ર દસ્તાવેજી અહેવાલ બની જવાને બદલે આ નવલકથાઓ જે તે વિષય પરત્વેના સર્જકના સંવેદનનું વાહન બની છે. ‘તિમિરના પડછાયા’ (1969), ‘એક પળની પરખ’ (1969), ‘મારે પણ એક ઘર હોય’ (1971), ‘રેતપંખી’ (1974) ‘માટીનું ઘર’ (1991) વગેરેમાં મનુષ્યની ખાસ કરીને દ્વિતીય જાતિ (second sex) ગણાયેલી સ્ત્રીની નિયતિનાં વિવિધ પાસાંઓનું હૃદયસ્પર્શી આલેખન છે. સામાજિક નવલકથાઓ ઉપરાંત તેમણે સુખ્યાત અંગ્રેજી રહસ્યકથાલેખક પેરી મેસનનો પ્રભાવ ઝીલતી ‘પાંચ ને એક પાંચ’ (1969), ‘અવાજનો આકાર’ (1975), ‘છેવટનું છેવટ’ (1976), ‘નીલિમા મૃત્યુ પામી છે’ (1977), ‘પાછાં ફરતાં’ (1981), ‘પગલાં’ (1983) જેવી રહસ્યકથાઓ આપી છે. આ સિવાય તેમની પાસેથી ‘અણસાર’ (1992), ‘મૃત્યુદંડ’ (1986), ‘શગ રે સંકોરું’ (2004), ‘પગલું માંડું હું અવકાશમાં’ (2005), ‘પ્રથમ પગલું માંડ્યું’ (2008), ‘આતશ’ અને ‘ક્રોસરોડ’ જેવી નવલકથાઓ પણ પ્રાપ્ત થયેલી છે.

વર્ષા અડાલજાની ટૂંકી વાર્તાઓમાં મુખ્યત્વે નારીનાં વિવિધ રૂપો, દાંપત્યજીવનની ભંગુરતા, પ્રણયની નાજુક વિરલ પળો તથા માનવસંબંધોની આંટીઘૂંટી વ્યક્ત થઈ છે. સંવેદનોની નાટ્યાત્મક-દૃશ્યાત્મક રજૂઆત આ પૈકીની મોટાભાગની વાર્તાઓની વિશેષતા છે. તેમની નવલકથાઓ અને વાર્તાઓ પરથી નાટ્યરૂપાંતરો થયાં છે તેમજ ટેલિ પ્લે અને ટી. વી. સીરિયલ પણ બન્યાં છે. ‘એ’ (1979), ‘સાંજને ઉંબર’ (1983), ‘એંધાણી’ (1989), ‘બીલીપત્રનું ચોથું પાન’ (1994), ‘ગાંઠે બાંધ્યું આકાશ’ (1998), ‘અનુરાધા’ (2003) અને ‘કોઈવાર થાય કે…’(2004) તેમનાં વાર્તાસંગ્રહો છે. તેમની વાર્તાઓનું સંપાદન ‘વર્ષા અડાલજાની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1992) નામે તેમનાં બહેન ઇલા આરબ મહેતાએ કર્યું છે.

‘બંદીવાન’ નવલકથાના વસ્તુ પરથી રચાયેલું ‘આ છે કારાગાર’ (1986) દ્વિઅંકી નાટક છે. ‘મંદોદરી’ (1998) એકાંકીસંગ્રહ છે. તેમાં ત્રણ એકાંકીઓ : ‘મંદોદરી’, ‘અપરાધી’ અને ‘ઘર ઘર રમીશુ’ સમાવેશ પામ્યાં છે. આ ઉપરાંત ‘તિરાડ’ (2003) અને ‘વાસંતી કોયલ’ (2006) જેવાં નાટ્યસંગ્રહો પણ પ્રાપ્ત થયા છે.

કતારલેખન તરીકે લખાયેલા લેખોમાંથી નિબંધસંગ્રહ ‘પૃથ્વીતીર્થ’ (1994) અને ‘આખું આકાશ એક પિંજરામાં’ (2007)નો સમાવેશ થાય છે. પ્રવાસવર્ણનની વાત કરીએ તો ‘નભ ઝૂક્યું’ (2002) ‘ઘૂઘવે છે જળ’ (2002), ‘શિવોહમ્’ (2006) ‘શરણાગત’ (2007) અને ‘શુકન ઇજિપ્ત’ની નોંધ લેવી ઘટે. ‘અમર પ્રેમકથાઓ’ એમનું જાણીતું સંપાદન છે. તેમના અન્ય પ્રકાશનોમાં ‘લાક્ષાગૃહ’,  ‘ત્રીજો કિનારો’,  ‘એની સુગંધ’,  ‘ન જાને સંસાર’,  ‘આનંદધારા’ અને ‘તું છે ને!’ જેવી કૃતિઓનો સમાવેશ થાય છે.  પ્રસંગલેખોનો સંગ્રહ ‘વાંસનો સૂર’  છે. આ ઉપરાંત કૃષ્ણા સોબતીની જાણીતી નવલકથા ‘મિત્રો મરજાની’નો સુંદર અનુવાદ તેમણે કર્યો છે. ‘ગુજરાતી સાહિત્યની પ્રેમકથાઓ’ (2000) એ તેમનું સંપાદન છે.

પારુલ કંદર્પ દેસાઈ