અડાલજની વાવ : અમદાવાદથી ઉત્તરે આશરે 20 કિમી. દૂર આવેલી સુપ્રસિદ્ધ વાવ. સુલતાન મહમૂદ બેગડાના સમયમાં મહાન સ્મારક સમાન બે વાવોનું સ્થાપત્ય થયું. એક અમદાવાદના અસારવા–પરામાં 1499માં મહમૂદ બેગડાના ઝનાનાની દદ્દાશ્રી બાઈ હરિ સુલ્તાનીએ દદ્દા (દાદા) હરિની વાવ બંધાવી અને બીજી અડાલજના વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રૂડાબાઈએ ભારતની વાવ સંવત 1555(ઈ. સ. 1499થી 1502)માં મહા સુદ પાંચમે પતિના સ્મરણાર્થે તે સમયના પાંચ લાખ ટકા (રૂપિયા) ખર્ચી અડાલજમાં બંધાવી. આ વાવને પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ ત્રણ પ્રવેશદ્વારમુખ છે. અને તેથી તે ‘જ્યા’ પ્રકારની વાવ ગણાય છે. સ્થાપત્યશાહાના ‘અપરાજિતપૃચ્છા’ પુસ્તકમાં ‘જ્યા’ પ્રકારની વાવનું બાંધકામ (દેવોને પણ) દુર્લભ હોય છે એમ જણાવ્યું છે. આ વાવ બાંધનાર મુખ્ય સ્થપતિ શ્રીમાળી જ્ઞાતિના ભીમાપુત્ર માસણ હતા. દક્ષિણ દિશામાં વાવનું મુખ્ય પ્રવેશદ્વાર છે. વાવ ભૂગર્ભમાં પાંચ માળની છે અને પાંચમો માળ પાણીની સપાટી નીચે છે. વાવની લંબાઈ 75.3 મીટર છે. આ વાવને નવ ફૂટ (ફૂટ = થાંભલાવાળું બાંધકામ) છે. ચાર મંડપ છે. ત્રણે પ્રવેશદ્વાર નીચેના પહેલા માળ તરફ જાય છે અને ત્યાં દ્વારમંડપ પર ભેગા થાય છે. વાવના બધા જ સ્તંભને ચાર ભાગ છે : (1) કુંભી, (2) સ્તંભ, (3) ભરણું, (4) સરૂ. સરૂના ભાગ પર આડા પાટડા છે. બધા જ પાટડા શિલ્પકામથી ભરપૂર છે. પ્રથમ મંડપને બે માળ છે. દરેક માળમાં ત્રણ ત્રણની હારમાં ચાર ચાર એમ બાર સ્તંભ છે. સરૂ અને સ્તંભને જોડતાં ત્રાંસાં નેજવાં છે. ત્રીજા અને ચોથા મંડપ વચ્ચે અષ્ટકોણ કુંડ આવેલો છે. કુંડને નવ મીટરના સમચોરસમાં ગોઠવેલ છે. બીજા મંડપના મુખ્ય સીડી પરના એક પાટડામાં પાટ પર એક રાજા બેઠા છે. તેમની બન્ને બાજુ ચમરી નાખનાર છે. બંને બાજુ શૃંગારિક દૃશ્યો પણ છે. તેમાં વલોણું કરતી અને વાળ ઓળતી સ્ત્રીઓ, ડમરુ અને કૂતરા સાથે ભૈરવ, નૃત્ય કરતી બાળાઓ, વાદ્યવાદકો તથા પોપટ સાથે એક છોકરી છે. શિલ્પકળાની દૃષ્ટિએ આખી વાવનું આ શ્રેષ્ઠ સર્જન છે. બીજે માળે ઊતરતાં સીડીના પ્રવેશદ્વાર પર નવગ્રહ કંડારેલા છે. વાવમાં 56 જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા છે. વાવમાં દુર્ગા, ચામુંડા વગેરે દેવીઓનાં શિલ્પો કંડારેલાં છે. વાવનું સમગ્ર શિલ્પ અને સ્થાપત્ય જોનારને મુગ્ધ કરે તેવું છે.

Adalaj Stepwell

અડાલજની વાવ

સૌ. "Adalaj Stepwell" by Shivajidesai29 | CC BY 2.0

કૃષ્ણવદન જેટલી