અજિતનાથ મંદિર (તારંગા)

January, 2001

અજિતનાથ મંદિર (તારંગા) : મહેસાણા જિલ્લાના તારંગાના ડુંગર પર સોલંકી રાજવી કુમારપાળે બંધાવેલું  તીર્થંકર અજિતનાથનું મંદિર. મંદિર બંધાવ્યા અંગેનો મુખ્ય લેખ મળ્યો નથી. એક લેખમાં વસ્તુપાલે અહીં આદિનાથ અને નેમિનાથનાં બિંબ ઈ. સ. 1228માં સ્થાપ્યાની નોંધ છે. આ મંદિરનો અનેક વાર જીર્ણોદ્ધાર થયો છે. હાલના મંદિરમાં ગર્ભગૃહ, તેને ફરતો પ્રદક્ષિણાપથ, તેની સંમુખ 22 સ્તંભયુક્ત ગૂઢમંડપ અને એ ગૂઢમંડપમાંથી ત્રણ બાજુ કાઢેલી શૃંગાર-ચૉકીઓ નજરે પડે છે.

અજિતનાથનું મંદિર

ગર્ભગૃહમાં વિસ્તૃત પીઠિકા પર મૂલનાયક અજિતનાથની 2.6 મી. ઊંચી પ્રતિમા છે. ઊર્ધ્વદર્શનમાં મંદિરના મહાપીઠને ગજથર, અશ્વથર, નરથર વડે વિભૂષિત કરવામાં આવેલ છે. તેના ઉપરના મંડોવરને અનેક દેવદેવીઓ, દિક્પાલો, દિક્પાલિકાઓ, અપ્સરાઓ અને વ્યાલ શિલ્પોથી અલંકૃત કરેલ છે. બહારની દીવાલો ઉચ્ચકોટિનાં 740 શિલ્પોથી વિભૂષિત છે. ગર્ભગૃહ પર રેખાન્વિત શિખર અને ગૂઢમંડપ પર ભારે કદની સંવર્ણા છે. શૃંગાર-ચૉકી પર સમતલ છાવણ છે.

પ્રવીણચંદ્ર પરીખ

રામજીભાઈ ઠા. સાવલિયા