અજંતાની ગુફાઓ

પ્રાચીન ભારતની જગવિખ્યાત બૌદ્ધ ગુફાઓ. મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં ઔરંગાબાદથી 103 કિમી. અને જલગાંવ રેલવે સ્ટેશનથી 55 કિમી.ના અંતરે આ ગુફાઓ આવેલી છે. અજંતા નામનું ગામ સમીપમાં હોઈને ગુફાઓ એ નામે ઓળખાઈ છે. બાઘોરા નદીની ઉપલી ખીણની શૈલમાળાના એક પડખાને કોતરીને અર્ધચંદ્રાકારે 30 જેટલી ગુફાઓ તેના સ્થાપત્ય અને શિલ્પભંડાર સમેત કોતરી કાઢવામાં આવી છે. આ ગુફાઓ વર્ષો સુધી ઝાડી-ઝાંખરાંને કારણે અવાવરુ અને ઢંકાયેલી રહી. પરંતુ ઈ. સ. 1819માં મદ્રાસ સેનાના કેટલાક યુરોપીય સૈનિકોએ તેને અચાનક ખોળી કાઢી. 1824માં જનરલ સર જેમ્સ ઍલેક્ઝાન્ડરે રૉયલ એશિયાટિક સોસાયટીની પત્રિકામાં એનું વિવરણ લખી વિદ્વત્જગતને આશ્ચર્યમાં મૂકી દીધું.

અજંતાની બધી જ ગુફાઓ બૌદ્ધધર્મપરક છે અને તે ઈ. સ. પૂ. 200થી ઈ. સ. 650 દરમિયાન ત્રણ તબક્કે કંડારાયેલી છે. ઈ. સ. પૂ. 150થી ઈ. સ. 100ના પ્રથમ તબક્કાની ગુફા નં. 8થી 10 અને 12, 13 હીનયાન સમયની છે. બાકીની મહાયાન ગુફાઓ પૈકીની 11 અને 14થી 20 ઈ. સ. 400થી ઈ. સ. 550 સુધીના બીજા તબક્કાની અને બાકીની 1થી 7 અને 21થી 29 ઈ. સ. 500થી 650 સુધીના ત્રીજા તબક્કાની છે. હીનયાન ગુફાઓ સાદી છે, જ્યારે મહાયાન ગુફાઓ અલંકરણાત્મક તેમજ બુદ્ધની પ્રતિમાઓથી પરિપૂર્ણ છે. ભારતીય ભિત્તિચિત્રોની કલાશૈલીનો અહીં 800 વર્ષનો ઇતિહાસ જ્ઞાત થાય છે. વસ્તુત: કલાનાં ત્રણ સ્વરૂપ સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકલાનો અહીં ત્રણેય તબક્કામાં ત્રિવેણી સંગમ થયો હોઈને આ સ્મારક અદ્વિતીય ગણાય છે.

પ્રથમ તબક્કો : મહાયાન પ્રાવસ્થાના આ તબક્કામાં ગુફા નં. 8, 9, 10, 12 અને 13 પૈકી નં. 9 અને 10 ચૈત્યગૃહ એટલે કે બૌદ્ધ મંદિરો છે. ગુફા નં. 10 અજંતાની સૌથી પ્રાચીન ગુફા છે.

વિસ્તારની દૃષ્ટિએ આ ભવ્ય ગુફા 30 મીટર ઊંડી, 12 મીટર પહોળી અને 10 મીટર ઊંચી છે. એમાં સ્તૂપની ગોળાકાર પીઠિકાને બે થર છે અને અર્ધઅંડાકાર ઘૂમટની વધુ ઊંચાઈ તેને લગભગ નળાકાર બનાવે છે. મંડપ અને સ્તૂપને ફરતા પ્રદક્ષિણામાર્ગ વચ્ચે 59 સ્તંભોની પંક્તિ છે. ચૈત્યની ઢોલાકાર કે નળાકાર છતમાં પહેલાં લાકડાની વળીઓ લગાવી હશે જેનાં છિદ્રો હજી પણ જોવામાં આવે છે. ગુફા નં. 9 પણ ચૈત્યગૃહ છે. એના મુખમંડપની મધ્યમાં પ્રવેશ દ્વારા ઉપરાંત બે પાર્શ્વગવાક્ષ બનેલા છે અને ત્રણેય પર છજાં કાઢેલાં છે. એના ઉપર સંગીતશાળા છે, જેનાં પર 3.5 મીટર ઊંચું કીર્તિમુખ કંડારેલું છે. તેની સામેની વેદિકાનું અલંકરણ રોચક છે. અંદરનો મંડપ ચોરસ છે અને એમાં સીધા સ્તંભો કંડારેલા છે.

અજંતાની ગુફાનો નકશો

ગુફા નં. 12, 13 અને 8 વિહાર છે. એમાં સૌથી જૂની ગુફા નં. 12 છે જે ગુફા નં. 10ના ચૈત્ય સાથે સંકળાયેલ હતી. ભિક્ષુઓની સંખ્યામાં વૃદ્ધિ થતાં ગુફા નં. 13 પાછળથી કંડારવામાં આવી. ગુફા નં. 12નો વિહાર શૈલોત્કીર્ણ વાસના સરસ દૃષ્ટાંતરૂપ છે. તેનો અંદરનો મધ્યખંડ 12 × 12 મીટર ચોરસ છે. એની બંને તરફ સ્તંભોની હાર છે, જેની શિરાવટી ઘોડાની નાળ જેવા (ચૈત્યાકાર કમાન) સ્વરૂપે અલંકૃત કરી છે. ત્રણેય બાજુ ચાર ચાર આવાસ-કુટીઓ છે. એમાં વિશ્રામ-ચોકીઓ ઓશીકા સાથે કંડારેલી છે. આ કુટિરોના દરવાજા લાકડાના હતા જે હવે નષ્ટ થઈ ચૂક્યા છે. ગુફા નં. 13નો વિહાર પહેલાં ભિક્ષુ-નિવાસ હતો, પાછળથી એને મોટા સભામંડપમાં ફેરવી નાખવામાં આવ્યો છે.

આ તબક્કાનાં ચિત્રો ગુફા નં. 9 અને 10માં અનુપમ રીતે આલેખાયેલાં જોવા મળે છે. અજંતાનાં બધાં ચિત્રો ભિત્તિચિત્રોનું સ્વરૂપ ધરાવે છે. એ માટે ભિત્તિને તૈયાર કરવા અંગે ખડકની સખત અને છિદ્રાળુ સપાટી પર પથ્થરના કણ, માટી, છાણ અને કુસકી વગેરેના મિશ્રણમાંથી તૈયાર કરેલ જાડો અને સરખો લેપ લગાડી, એને ઘસીને સપાટ તથા સુંવાળો કરી એ ભીનો હોય તે દરમિયાન તેના પર ચૂનાનો થર લગાડવામાં આવ્યો છે. એના પર પહેલાં લાલ ગેરુથી ચિત્રની રૂપરેખા કરી પછી જુદા જુદા રંગો પૂરવામાં આવ્યા છે. ત્યારબાદ રૂપરેખાને કોઈ ઘેરા રંગ વડે પુન: આલેખવામાં આવી છે. રેખા અને રંગના ઘેરા-આછા પટ દ્વારા પદાર્થની નતોન્નતતા તેમજ ઘન પદાર્થના ત્રીજા માન(પરિમાણ)નો ભાસ કરાવવામાં કલાકારોએ અદભુત કૌશલ દાખવ્યું છે. રંગોમાં મુખ્યત્વે ધાતુરંગ (લાલ રંગ), કુંકુમ રંગ, સિંદૂર રંગ, હરિતાલ (પીળો રંગ), નીલ રંગ, વૈદૂર્ય રંગ, કાજલ (કાળો) રંગ, ખડી માટી (સફેદ) રંગ, ગેરુ માટી અને લીલો રંગ પ્રયોજાયા છે. મિશ્રિત રંગો પણ મર્યાદિતપણે પ્રયોજાયા છે. અજંતાનાં ચિત્રોમાં મોટે ભાગે ભગવાન બુદ્ધના આજન્મ કે પૂર્વજન્મના જીવનપ્રસંગોનું આલેખન થયું છે.

ગુફા નં. 9 અને 10માં અજંતાની ચિત્રશૈલીના પ્રાચીનતમ નમૂના રહેલા છે છતાં તેમાં પણ પરિપક્વ કલાશૈલીની ઉત્કૃષ્ટતા પ્રસ્ફુટ થઈ છે. અહીં રેખા અને રૂપ પર અદભુત કાબૂ જોવામાં આવે છે. ચિત્રોનું આયોજન પદ્ધતિસરનું છે. એના વિષયો મુખ્યત્વે બૌદ્ધ ધર્મના ખાસ કરીને જાતકકથાઓના પ્રસંગોને લગતા છે. ગુફા નં. 9ની ડાબી દીવાલ પર સ્તૂપની પૂજા માટે આવતા ભક્તોનું વૃંદ આલેખ્યું છે. આ જ દીવાલ પર માનવમેદનીને ઉપદેશ કરતા બુદ્ધનું દૃશ્ય છે. ગુફા નં. 10માં બોધિવૃક્ષની પૂજા માટે આવતી રાજાની સવારી રાજમાર્ગો પરથી પસાર થતી દર્શાવી છે. આ જ ગુફામાં આલેખાયેલ ષડ્દંત જાતકકથાના પ્રસંગોમાં પ્રાણીસૃષ્ટિ, વનસ્પતિસૃષ્ટિ, રાજપ્રાસાદ અને રાજપરિવારની ભૂમિકા સાથે ષડ્દંત ગજરાજ સ્વરૂપે જન્મેલા બોધિસત્ત્વની ઉદાત્ત ત્યાગભાવના તેમજ પોતાના પૂર્વભવના એ પતિને ઈર્ષાથી પ્રેરાઈને મારી નખાવવા માગતી રાણીને એ ગજરાજના વધસૂચક ષડ્દંતોનાં દર્શનથી થતી પશ્ચાત્તાપની સંવેદના અભિવ્યક્ત કરવામાં કલાકારને અદભુત સફળતા સાંપડી છે. શ્યામજાતકના પ્રસંગોમાં શરસંધાન, દુ:ખવેદના અને પશ્ચાત્તાપનાં તાદૃશ દૃશ્યો આલેખાયાં છે. રેખા અને રૂપના આલેખનમાં અહીં પ્રમાણ અને અભિવ્યક્તિની કલાસૂઝ નજરે પડે છે. ચિત્રકારોનું રેખા પરનું પ્રભુત્વ અદ્ભુત છે અને ભાવાભિવ્યક્તિ પણ સચોટ છે.

બીજો તબક્કો : મહાયાન પ્રાવસ્થાના આ પૂર્વ-તબક્કામાં ગુફા નં. 6-7 અને 15થી 19 વાકાટક-નરેશોના પ્રોત્સાહનથી કંડારાઈ હતી. હવે વિહારોમાં વચલા ખંડમાં નિયમિતપણે સ્તંભો ઉમેરાયા. ગુફા નં. 11માં વચ્ચે ચાર સ્તંભો ઉમેરાયા. ગુફા નં. 7માં ચાર-ચાર સ્તંભોની બે ચોકીઓ કંડારેલી છે. હવે મધ્ય ખંડની આગળ પ્રવેશચોકી અને મધ્ય ખંડની ત્રણે બાજુ હરોળબંધ આવાસ કરેલા હોય અને તેમાંની પાછલી હરોળના વચલા ખંડમાં ભગવાન બુદ્ધની પ્રતિમા કંડારાય એવી રચના નિશ્ચિત થઈ, જે પછીના વિહારોમાં પણ ચાલુ રહી. ગુફા નં. 6નો વિહાર બે મજલાનો એકમાત્ર વિહાર છે. નીચલા મજલમાં ચાર સ્તંભોની આસપાસ ચાર-ચાર સ્તંભોની સ્તંભાવલી કરેલી છે. ઉપલા મજલમાં મધ્ય ખડમાં માત્ર ચાર બાજુઓએ એવી સ્તંભાવલી કરી છે. આ રચના પછીના વિહારોમાં ચાલુ રહી. આ ગુફાના નીચલા મજલાના સ્તંભોમાં હાથીઓ અને યક્ષો દ્વારા ટેકવાયેલાં ઘટપલ્લવો, અંદરના ગર્ભગૃહના દ્વાર પરનાં મકર-તોરણો અને યક્ષો, ઉપલા મજલાના સ્તંભોની શિરાવટીના મધ્યભાગમાં કંડારેલાં મકરમુખ અને તેની દરેક ફાલનામાં હાથી ઉપર સવારી કરતા બે પુરુષોનાં શિલ્પો અને ગુફા નં. 7ની દ્વારશાખા પર મકર-સ્થિત બે દેવીઓનાં શિલ્પો મનોહર છે. ગુફા નં. 15માં બેઠેલા બુદ્ધની પ્રતિમા દૃષ્ટિગોચર થાય છે. ગુફાના દ્વારના ઓતરંગમાં થરવાળા શિખરઘાટનાં બે અંકનો છે, જેમાંના નીચલા થરમાં નાગફણાની છાયામુક્ત સ્તૂપ અને ઉપલા થરમાં ચૈત્યગવાક્ષનાં રૂપાંકન છે.

નાગરાજદંપતી (ગુફા 19)

ચૈત્યગવાક્ષની બંને બાજુએ કપોતયુગલો કંડાર્યાં છે. ગુફા નં. 16 અને 17માં વાકાટક-નરેશ હરિષેણ(475–500)ના આ ગુફાઓ કંડારાવ્યાને લગતા શિલાલેખ છે. ગુફા નં. 16ના ચોકમાં 20 સ્તંભો આવેલા છે અને તેની ત્રણે બાજુએ કુલ 14 આવાસો કંડારેલા છે. પાછલી હરોળમાં મધ્યના ગર્ભગૃહમાં પ્રલંબપાદાસનમાં બેઠેલી બુદ્ધની ભવ્ય પ્રતિમા જોવા મળે છે. આ ગુફાની છતમાંના પાટડાઓને છેડે કરેલાં કીચકો, વાદકો અને આકાશગામી દેવદેવાંગનાઓનાં શિલ્પો નયનરમ્ય છે. ગુફા નં. 17ની રચના પણ ગુફા નં. 16ને મળતી આવે છે. એની દ્વારશાખામાં અનેક ખંડો પાડીને ફૂલવેલની ભાત, કમલદલ, સાંકળી ઘાટનાં રૂપાંકનો, બુદ્ધનાં શિલ્પો, દ્વારપાલિકાઓ અને બે મકરસ્થિત દેવીઓનાં શિલ્પો ઉત્કૃષ્ટ પ્રકારનાં છે. ગુફા નં. 18 નાની અને સાદી છે અને તેમાંથી ગુફા નં. 19ના ચૈત્યગૃહમાં જવાય છે. ગુફા નં. 19નું ચૈત્યગૃહ અહીંના સ્થાપત્ય અને શિલ્પસજાવટ પરત્વે સર્વોત્કૃષ્ટ છે. એમાં અગાઉનાં ચૈત્યગૃહોની જેમ ગોળ પછીતવાળા લંબચોરસ ખંડની અંદર પાછલા ભાગમાં સ્તૂપ છે ને એની આગળના ભાગમાં બે ઊભી સ્તંભાવલી છે. સ્તૂપના ખંડની નીચે ઊંચી પીઠિકા કરેલી છે ને એના અગ્રભાગમાં વચ્ચે ગોખલામાં ઊભેલા બુદ્ધની પ્રતિમા કંડારેલી છે. સ્તૂપના અંડ પરની હર્મિકા પર ત્રણ છત્રની છત્રાવલી છે જેના પરનો કળશ છતને સ્પર્શે છે. આ ગુફામાં પત્ની સાથે બેઠેલા નાગરાજનું શિલ્પ ઉત્કૃષ્ટ છે. અંદરના સ્તંભોના ટેકાઓ પરનાં બુદ્ધનાં શિલ્પો, હાથીઓ, શાર્દૂલો, વાદકો, અપ્સરાઓ અને ભિક્ષુ યોગીઓથી આવૃત છે. ચૈત્ય ખંડના આગલા ભાગમાં સુશોભિત પ્રવેશચોકી છે અને એની ટોચના વચલા ભાગમાં જાળીવાળી મોટી ચૈત્યબારી નોંધપાત્ર છે. એ ભવ્ય ચૈત્યાકાર કમાનની બંને બાજુએ બે મોટા કદના યક્ષો કંડાર્યા છે. ગુફાની બહારની દીવાલમાં મુખ્યત્વે વ્યાખ્યાનમુદ્રામાં અને યોગમુદ્રામાં બેઠેલા બુદ્ધની પ્રતિમાઓ ઊભી અને આડી હરોળમાં કંડારી છે. વચ્ચે વચ્ચે જગ્યા જણાઈ ત્યાં બુદ્ધની અભયમુદ્રા અને વરદમુદ્રાવાળી ઊભી પ્રતિમાઓ કંડારી છે. આડી હરોળોમાં વચ્ચે એક એક ચૈત્યગવાક્ષના સુશોભનવાળી હરોળો કરી છે. આ ગુફાનાં શિલ્પો પર પૂર્વવર્તી ગંધાર- કલાનો પ્રભાવ જણાય છે. સંભવત: ગંધારમાં હૂણોએ વેરેલા વિનાશથી નાસી છૂટી પશ્ચિમ ભારતમાં અજંતા વગેરે કલાધામોમાં આવી વસેલા કલાકારોએ આ શિલ્પો કંડાર્યાં હતાં. ગુફા નં. 20 વિહાર છે ને તેમાં વ્યાખ્યાન આપતા બુદ્ધની પ્રતિમા નજરે પડે છે.

આ તબક્કાનાં ચિત્રો ગુફા નં. 16 અને 17માં જળવાયાં છે. ગુફા નં. 16ની ડાબી દીવાલ પર મૃત્યુ પામતી રાજકુમારીનું પ્રખ્યાત ચિત્ર છે. આ દીવાલ પર બુદ્ધને ખીરનું ભોજન કરાવતી સુજાતાનું દૃશ્ય પણ આલેખેલું છે. નંદરાજાના હૃદયપરિવર્તનની અને સંસારત્યાગની કથાનું આલેખન અસાધારણ લય અને ઉત્તમ ભાવની અભિવ્યક્તિ દર્શાવે છે.

રાજકુમારી

ગુફા નં. 17માં ષડ્દંત ગજરાજ, મહાકપિ, મહાહંસ, માતૃપોષક, શિબિ તેમજ રાજપુત્ર વિશ્વંતર વગેરે જાતકકથાઓ આલેખાઈ છે. કથાનકના પ્રસંગો ભેદદર્શક પટ્ટાઓના અંતરાય વિના સીધી સળંગ પ્રવાહિતાથી આલેખાયા છે. તેજછાયા વડે વ્યક્ત થતા ત્રીજા માન દ્વારા ચિત્રકલા અહીંની શિલ્પકલા સાથે નિકટતા ધરાવે છે. આ ગુફાના ગર્ભગૃહની ડાબી તરફની દીવાલ પર યશોધરા અને રાહુલને ઉપદેશ આપતા ભગવાન બુદ્ધની મહાકાય આકૃતિવાળું ચિત્ર માનવભાવોની અભિવ્યક્તિના ઉત્તમ ઉદાહરણરૂપ છે. અજંતાની ચિત્રકલાના કેંદ્રમાં બૌદ્ધ ધર્મ હોવા છતાં એમાં આનુષંગિકપણે માનવજીવનનું આબેહૂબ આલેખન થયું છે. જાતકકથાઓનાં ચિત્રોમાં રાજા અને રાણીઓ, રાજકુમારો અને રાજકુમારીઓ, સેનાપતિઓ અને સૈનિકો, બ્રાહ્મણો અને શ્રમણો, વેપારીઓ અને ગ્રાહકોની સાથોસાથ દેવ-દેવાંગનાઓ, અપ્સરાઓ, ગંધર્વો અને કિન્નરો પણ જોવામાં આવે છે. પાત્રોનાં વસ્ત્રાલંકારોનું પરિધાન અને કેશરચના આકર્ષક છે અને તેમાં વિપુલ વૈવિધ્ય પ્રવર્તે છે. પુરુષપાત્રો કરતાં નારીપાત્રોના આલેખનમાં અજંતાના ચિત્રકારોની સિદ્ધહસ્તતા વિશેષ વ્યક્ત થઈ છે. અહીં નારીને ક્યાંય પણ અશ્લીલતા ધારણ કરતી આલેખી નથી. નારીહૃદયના લજ્જા, આનંદ, આશ્ચર્ય, ભય, વિષાદ વગેરે સહજભાવોનું સુંદર નિરૂપણ થયું છે. ભારતીય ચિત્રકલાનાં તમામ ઉત્તમ લક્ષણો આ બીજા તબક્કાનાં ચિત્રોમાં પૂર્ણપણે વ્યક્ત થયાં છે.

ત્રીજો તબક્કો : અજંતામાં આ કાલ દરમિયાન પણ બૌદ્ધ ગુફાઓ કંડારવાની પ્રવૃત્તિ મોટા પાયા પર ચાલુ રહી. આમાં ગુફા નં. 21થી 26, નં. 1થી 5 અને 27થી 30 આવો રચનાક્રમ રહેલો છે. આમાં ગુફા નં. 26 અને 29 ચૈત્ય અને બાકીની બધી વિહાર સ્વરૂપની છે. આ બધી ગુફાઓ મહાયાન સંપ્રદાયની છે. અગાઉના આ શૈલગૃહોમાં ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચેલી શિલ્પકલા અને ચિત્રકલાનાં આ કાલમાં વળતાં પાણી થયેલાં જોવા મળે છે.

Cave 26, Ajanta

ચૈત્યગુફા નં 26

સૌ. "Cave 26, Ajanta" by Dey.sandip | CC BY 2.0

ગુફા નં. 21ના વિહારમાં વરંડાની બંને બાજુઓ એક એક નાનું ગર્ભગૃહ છે, જ્યારે અંદરના ખંડમાં પાછલા ભાગમાં મુખ્ય ગર્ભગૃહ છે. ગુફા નં. 22નો વિહાર નાનો છે. ગુફા નં. 23નો વિહાર વિશાળ છે, પણ અધૂરો છે. ગુફા નં. 24ના વિહારના સભાખંડને 20 સ્તંભ છે. આ વિહારની ઘણી કોતરણી અધૂરી રહી ગઈ છે, નહિ તો એ આ સમસ્ત વિહાર-સમૂહનો સહુથી ભવ્ય વિહાર બનત એવું એના થયેલા કોતરકામ પરથી લાગે છે. માત્ર એના પ્રવેશખંડને જ પૂરો કંડારવામાં આવ્યો છે. ગુફા નં. 25 નાની અને અધૂરી છે. આ બધી ગુફાઓનું રૂપાંકન ગુફા નં. 1 સાથે સામ્ય ધરાવે છે. ગુફા નં. 26નું ચૈત્યગૃહ ગુફા નં. 19ના ચૈત્યગૃહ કરતાં કદમાં મોટું છે. એના વરંડા, અગ્રભિત્તિ અને ચૈત્યખંડમાં અનેક બૌદ્ધ શિલ્પો કંડારેલાં છે. સ્તંભોની આમલક ઘાટની શિરાવટીઓ આકર્ષક છે. સ્તૂપની પીઠિકાની આગળના ગોખલામાં સિંહાસન પર બેઠેલા ભગવાન બુદ્ધની પ્રતિમા નજરે પડે છે. વરંડાની દીવાલ પર કોતરેલા લેખમાં આ સુગતાલય (બુદ્ધમંદિર) ભિક્ષુ બુદ્ધભદ્રે પોતાના મિત્ર ભવ્વિરાજ, જે અશ્મકરાજનો મંત્રી હતો, તેને ઉદ્દેશીને કરાવ્યું હોવાનું જણાવ્યું છે.

ગુફા નં. 1 અને 2 ખાસ દર્શનીય છે. ગુફા નં. 1ના વિહારની પ્રવેશચોકીનો કેટલોક ભાગ તૂટી પડ્યો છે, છતાં તેના સુશોભિત સ્તંભો અને પાટડા પરની સુશોભિત શિલ્પપટ્ટીઓને લઈને વિહારનો મુખવાળો ભાગ ઘણો શ્રમસાધિત અને દર્શનીય બન્યો છે. પ્રવેશચોકીની બંને બાજુ એક નાનું ગર્ભગૃહ કંડારેલું છે, જેમાં વ્યાખ્યાન આપતા ભગવાન બુદ્ધની પૂરા કદની પ્રતિમા નજરે પડે છે. મધ્યના સભાખંડની ત્રણ બાજુએ આવાસ-કુટીઓ છે. સભાખંડની અંદર 20 સ્તંભ કંડારેલા છે. સ્તંભનો ઘાટ કલાત્મક તથા વૈવિધ્યપૂર્ણ છે. એની શિરાવટીના મધ્યમાં કીચકની આકૃતિ અને એના નિર્ગત (બહાર નીકળતા) છેડાઓ પર પુષ્પમાળાઓ લઈ આવી રહેલ ઉપાસક દેવયુગલોની સુંદર આકૃતિઓ નજરે પડે છે. સ્તંભની કુંભીઓ પર પણ દેવદેવીઓની આકૃતિઓ કોતરી છે. પાછલા ગર્ભગૃહમાં ધર્મચક્રપ્રવર્તન કરતા ભગવાન બુદ્ધની મોટી પ્રતિમા છે. વિહારના વરંડામાં નરનારીઓનાં વૃંદો, ફૂલવેલની ભાત, બુદ્ધના જીવનપ્રસંગો અને અનેક પ્રાણીઓની મનોહર લીલાઓનાં શિલ્પો કંડારેલાં છે.

Cave 2, Main Shrine

ગુફા નં 2નું અંદરનું દૃશ્ય

સૌ. "Cave 2, Main Shrine" by Anandajoti | CC BY 2.0

ગુફા નં. 2નો વિહાર એના કરતાં કંઈક નાનો પણ વધારે સપ્રમાણ અને સુયોજિત છે. એના પ્રવેશખંડની બંને બાજુએ એક એક ગર્ભગૃહ કંડાર્યું છે, જેની આગળ કાઢેલી શૃંગારચોકીઓના સ્તંભો પર કંડારેલી શાલભંજિકાઓની શિલ્પકૃતિઓ આકર્ષક છે. સભાખંડ નાનો છે અને એની બંને બાજુ પાંચ પાંચ આવાસ-કુટીઓ આવેલી છે. સભાખંડના સ્તંભોની શિરાવટી પરનાં કમલદલનાં શિલ્પો કલાત્મક છે. આ ગુફાના પાછલા મુખ્ય ગર્ભગૃહમાં પણ વ્યાખ્યાન આપતા બુદ્ધની મોટી પ્રતિમા કંડારેલી છે. વિહાર નં. 3 અને નં. 5નું કંડારકામ અધૂરું રહી ગયું છે. વિહાર નં. 4 કદમાં મોટો છે. તેના ગર્ભગૃહમાં વ્યાખ્યાન આપતા બુદ્ધની કદાવર પ્રતિમાની બે બાજુએ બોધિસત્ત્વ વજ્રપાણિ અને પદ્મપાણિ નજરે પડે છે.

ગુફા નં. 27નો વિહાર બાજુના ચૈત્ય સાથે સંલગ્ન છે. એમાં સભાખંડ, અંતરાલ, ગર્ભગૃહ અને આવાસ કુટીઓ છે. ગુફા નં. 28નો દુર્ગમ વિહાર વરંડા કંડારીને અધૂરો છોડી દીધો છે. અર્ધવૃત્તાકારે રહેલાં આ શૈલગૃહોની સળંગ હરોળ અહીં પૂરી થાય છે. ગુફા નં. 20 અને 21 વચ્ચે ઊંચેના ભાગમાં ગુફા નં. 29નું અધૂરું દુર્ગમ ચૈત્યગૃહ આવેલું છે. આ ગુફાઓનું રૂપાંકન અને શિલ્પકામ ગુફા નં. 1ને મળતાં આવે છે.

પદ્મપાણિ, ગુફાનં. 1

આ તબક્કાનાં ચિત્રો ગુફા નં. 21, 22 અને 1 તથા 2 જોવામાં આવે છે. ગુફા 21નાં ઘણાં ચિત્રો લુપ્ત થયાં છે, જ્યારે સંઘ સમક્ષ વ્યાખ્યાન આપતા બુદ્ધનું ચિત્ર તેમજ છત પરનાં કેટલાંક ચિત્રો અંશત: મોજૂદ રહ્યાં છે. ગુફા નં. 22માં સાત માનુષી બુદ્ધો અને આગામી બુદ્ધ-મૈત્રેયની આકૃતિ આલેખી છે. આમાં નીચે દરેક બુદ્ધ અને ઉપર તેમનાં બોધિવૃક્ષનું નામ પણ આલેખાયું છે. ગુફા નં. 1 અને 2માં સંખ્યાબંધ ચિત્રો છે જેમાંનાં ઘણાં જળવાઈ રહ્યાં છે. ગુફા નં. 1નો તસુએ તસુ ચિત્રિત હતો. એના સ્તંભો અને શિલ્પો સુધ્ધાં ચિત્રિત હતાં. એનાં મોજૂદ રહેલાં ચિત્રોમાં કેટલાંકની જગતનાં ઉત્કૃષ્ટ ચિત્રોમાં ગણના થઈ છે. આ બે ગુફાઓમાં માયાદેવીનું સ્વપ્ન, એ સ્વપ્નનો ફલાદેશ, ગૌતમનો જન્મ, માર-વિજય, શ્રાવસ્તીનો ચમત્કાર, સુંદરી- ના પતિ નંદને દીક્ષાદાન જેવા બુદ્ધના જીવન-પ્રસંગો, પૂર્ણ અવદાન જેવી અવદાનકથાઓ તેમજ ભગવાન બુદ્ધના પૂર્વભવોને લગતી જાતકકથાઓ જેવી કે શિબિજાતક, શંખપાલજાતક, મહાજનકજાતક, સંપેપ્યજાતક, મહાહંસજાતક, વિદુરપંડિતજાતક, ક્ષાન્તિવાદીજાતક જેવી જાતકકથાઓના પ્રસંગો, બુદ્ધની અનેકાનેક વૈવિધ્યપૂર્ણ આકૃતિઓ શ્યામ રાજકુમારીની રમણીય આકૃતિ, ઈરાનના પાદશાહ અને ઈરાનના એલચી જેવી જણાતી વિદેશી વ્યક્તિઓને લગતાં ચિત્ર, બોધિસત્ત્વ પદ્મપાણિ અને વજ્રપાણિની મોટી દર્શનીય આકૃતિઓ છત પર ચોરસ ચોકઠાં અને એની અંદરનાં વર્તુળોમાં કરેલાં ફૂલવેલનાં સુશોભનો, ભૌમિતિક આકૃતિઓ, પશુ-પક્ષી, ફળો તથા કલ્પિત આકૃતિઓનું વિપુલ વૈવિધ્ય જોવામાં આવે છે. ગુફા નં. 1નું બોધિસત્ત્વ પદ્મપાણિનું ચિત્ર સર્વોત્તમ છે. હાથમાં નીલકમલ ધારણ કરીને ત્રિભંગમાં ઊભેલા બોધિસત્ત્વના મુખારવિંદ પર ચિંતન, મનોમંથન અને કરુણાના ભાવ અદ્ભુત રીતે અભિવ્યક્ત થયા છે. બધી જ ચિત્રકૃતિઓમાં કલ્પના, યોજના, રેખાંકન અને રંગપ્રયોગની બાબતમાં ચિત્રકારોની કલાદૃષ્ટિ તથા કુશળતા વ્યક્ત થાય છે.

આ તબક્કામાં સમગ્ર ભિત્તિને ચિત્રાલેખનથી ભરી દેવાનો લોભ વરતાય છે. અહીં રંગ અને રૂપનો અદ્ભુત સમન્વય સધાયો છે. પૂર્વકાલના બે તબક્કાઓની ચિત્રકલાની સરખામણીએ જોતાં જણાય છે કે અહીં સુરેખતાને સ્થાને કોણાત્મકતા આવી છે. રેખાનો લય અને આલંકારિકતાનું પ્રમાણ વધ્યાં છે. મૌલિકતાને સ્થાને પરંપરાપાલન, કલ્પનાને સ્થાને અનુસરણ અને વ્યક્તિત્વને સ્થાને સામાન્યત્વ નજરે પડે છે. અર્થાત્ આ તબક્કાની કલા શાસ્ત્રનું સર્જન નહિ પણ અનુસરણ કરે છે.

અજંતાના શૈલગૃહોની રચનાપ્રવૃત્તિ સાતમી સદીના મધ્યમાં અટકી પડી. યુઅન શ્વાંગે મહારાષ્ટ્રના પ્રવાસની નોંધમાં આ શૈલગૃહોનું વર્ણન કર્યું છે. એમાં એ પશ્ચિમ ભારતના અચલે બંધાવેલા એક વિહારનો નિર્દેશ કરે છે. ગુફા નં. 26ના શિલાલેખમાં પણ અર્હત અચલે આ પર્વત પર કરાવેલાં શૈલગૃહોનો ઉલ્લેખ છે તે આ સંદર્ભમાં બંધ બેસે છે.

પ્રવીણચંદ્ર પરીખ