અચ્યુતાનંદ દાસ (15મી-16મી શતાબ્દી) : પંચસખામાંના સૌથી નાના, ભવિષ્યદર્શન કરાવતા પ્રસિદ્ધ પુસ્તક ‘માળિકા’ના ઊડિયા લેખક. 1955માં ઉડિસા (આજનું ‘ઓરિસા’ રાજ્ય)માં બહુ મોટાં પૂર આવ્યાં હતાં. ‘માળિકા’માં આ પૂરની આગાહી કરતી પંક્તિઓ છે. સમાજસેવક તરીકે પણ અચ્યુતાનંદ ખ્યાતિ પામ્યા હતા. કૈબર્ત અને ગોપાળ જાતિના લોકોને મંત્ર તથા શાસ્ત્ર શીખવાનો નિષેધ હતો. પરંતુ ઉચ્ચ કુળમાં જન્મેલા અચ્યુતાનંદ એ જાતિની વચ્ચે રહ્યા તથા કૈબર્ત જાતિની આધ્યાત્મિક ઉન્નતિ માટે ‘કૈબર્તગીતા’ અને ગોપાળ જાતિને સામાજિક શિક્ષણ આપવા માટે ‘ગોપળક ઓગાળ પર્યાય’ લખ્યાં. ઊડિયા સાહિત્યમાં આ પ્રકારની કૃતિઓ આજે પણ વિરલ છે. ઉડિસાની સાધારણ જનતા માટે પણ અચ્યુતાનંદ કંઈ ને કંઈ લખતા રહ્યા હતા. એક વિદ્વાનના મત પ્રમાણે એમણે ‘એક લાખ ગ્રંથ’ લખ્યા હતા ! (ગ્રંથનો અર્થ અહીં શ્લોક કે પદ માનવામાં આવે છે !) ‘ગુરુભક્તિ ગીતા’, ‘અણાકાર સંહિતા’, ‘છેંતાળીસ પરબ’ વગેરે અચ્યુતાનંદની અન્ય કૃતિઓ છે. તેમનો ગ્રંથ ‘હરિવંશ’ મૂળ પુસ્તકનો અનુવાદ નથી. એમાં મૌલિક કલ્પનાને મોકળું મેદાન આપવામાં આવ્યું છે.

વર્ષા દાસ