અચલા : બંગાળી નવલકથાકાર શરદ્ચન્દ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા ‘ગૃહદાહ’ની નાયિકા. એણે પિતાનો વિરોધ વહોરી, પોતે બ્રહ્મો સમાજી હોવા છતાં બ્રાહ્મણ મહિમ જોડે લગ્ન કર્યાં. લગ્ન પછી એને મહિમની તરફ પ્રેમ હોવા છતાં એ તેના મિત્ર સુરેશ પ્રત્યે પણ આકર્ષાઈ. સુરેશની ઉદ્દંડતાને કારણે સુરેશ એનો પ્રેમ પૂરો મેળવી ન શક્યો, પરંતુ અચલાએ એને મનથી ઉતારી નાખ્યો એવું પણ નહોતું. પરિણામે અચલા સુરેશની વાસનાને વશ થાય છે, એ સુરેશ જોડે ભાગી જાય છે. આમ મહિમનું ઘર ભાંગે છે. પછી તો શબ્દાર્થમાં પણ મહિમનું ઘર આગમાં ભસ્મીભૂત થાય છે. આ તરફ સુરેશનું મૃત્યુ થતાં અચલાને ફરીથી મહિમને આંગણે આવવું પડે છે. અચલા આત્માવલોકન કરી પ્રાયશ્ચિત્ત કરીને પાછી વિશુદ્ધ બને છે. તે તરત નિર્ણય ન લઈ શકતી, ભાવપ્રચુર નારી છે અને એની ભાવપ્રધાનતાને કારણે એને સહન કરવું પડે છે. એક સ્ત્રી એકસાથે બે પુરુષને ચાહી શકે, એ લેખકે અચલા દ્વારા નિરૂપ્યું છે અને પોતાનો ઉદ્ધાર એ પોતે જ આત્મશક્તિથી કરી શકે એમ દર્શાવ્યું છે.

ચન્દ્રકાન્ત મહેતા