અચલપુર : આ શહેર મહારાષ્ટ્ર રાજ્યના અમરાવતી જિલ્લામાં આવેલું છે. આ શહેર એલિચપુર અને ઇલિયાચપુર તરીકે પણ ઓળખાતું હતું. તે વિદર્ભ પ્રદેશમાં આવેલું છે.

ભૌગોલિક સ્થાન, પરિવહન અને વસ્તી : અચલપુર 21 16´ ઉ. અ. અને 77 31´ પૂ. રે. પર આવેલું છે. જેનો વિસ્તાર 35 ચો. કિમી. જેટલો છે. જ્યારે વસ્તી 1,12,293 (2011) હતી. અચલપુર અને પરટવાડા જોડકાં શહેરો છે. આ શહેરોને ફરતે સપન અને બીરચાન નદીઓ વહે છે, જે ચંદ્રભાગા નદીની શાખા નદીઓ છે. આ શહેરની ફરતે નાની ટેકરીઓ આવેલી છે. જે સાતપુડા હારમાળાના ભાગ રૂપે છે. આ શહેર મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ રાજ્યના સરહદી વિસ્તારમાં સ્થિત છે. મધ્યપ્રદેશની સીમા આ શહેરથી 12 કિમી. દૂર છે. આ શહેર સમુદ્રની સપાટીથી 369 મી.ની ઊંચાઈ ધરાવે છે.

પરટવાડા શહેર પાસેથી મહારાષ્ટ્રના રાજ્ય ધોરી માર્ગો નં. 6 અને નં. 24 પસાર થાય છે. અહીં રાજ્યની પરિવહનની બસો અને ખાનગી બસોની સુવિધા ઉપલબ્ધ છે. આ સિવાય સાઇકલરિક્ષા અને ઑટોરિક્ષા મળી રહે છે.

ભારતમાં 1903ના વર્ષમાં બ્રિટિશરોના શાસન દરમિયાન રેલવે સ્થપાઈ હતી તે અચલપુર રેલવે સ્ટેશન આજે પણ કાર્યરત છે. તે મુંબઈ – કૉલકાતાના રેલમાર્ગ પર આવેલું છે.

અચલપુરમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ આશરે 88 % છે. અહીં મુખ્યત્વે મરાઠી ભાષા બોલાય છે.

ઇતિહાસ : અચલપુર પહેલાં રાષ્ટ્રકૂટ સામ્રાજ્યના ભાગ સ્વરૂપે હતું. આઠમી અને નવમી સદીમાં રાષ્ટ્રકૂટ અને કલચુરી રાજાઓ વચ્ચે યુદ્ધ થયું હતું. મધ્યયુગમાં નવમીથી બારમી સદી સુધી તે જૈન સંસ્કૃતિનું કેન્દ્ર રહ્યું હતું. અચલપુરમાંથી સાતમી સદીનું એક તામ્રપત્ર મળી આવ્યું છે. આચાર્ય હેમચંદ્રસૂરિએ તેમના વ્યાકરણમાં અચલપુરનો ઉલ્લેખ કર્યો છે. જૈન વિદ્વાન ધનપાલે તેમનો વિખ્યાત ગ્રંથ ‘ધમ્મપરિકખા’ અહીં લખ્યો હતો. અચલપુરમાં અરિકેસરી નામે એક જૈન રાજા થયો હોવાનો ઉલ્લેખ આચાર્ય જયસિંહસૂરિએ નવમી સદીમાં તેમની ‘ધર્મોપદેશમાલા’માં કર્યો છે. 13મી સદીમાં ડેક્કનનું એક જાણીતું શહેર બન્યું હતું. ઈ. સ. 1294થી ઈ. સ. 1318 સુધી હિંદુઓનો હિંદુઓનું પ્રભુત્વ હતું, ત્યારબાદ દિલ્હી સલ્તનતના તાબામાં આવ્યું હતું. 18મી સદીમાં હૈદરાબાદના નિઝામનું વર્ચસ્વ સ્થપાયું હતું. ત્યારબાદ અહીં બ્રિટિશરોનું પ્રભુત્વ ઊભું થયું હતું. 1947માં ભારત સ્વતંત્ર થતાં તેનો સમાવેશ મધ્યપ્રદેશમાં થયો હતો. 1956માં ભાષાના મુદ્દે આ શરેહનો 1960 પછી મહારાષ્ટ્ર રાજ્યમાં સમાવેશ કરાયો છે.

નીતિન કોઠારી

હેમન્તકુમાર શાહ