અગ્રવાલ, ભારતભૂષણ

January, 2001

અગ્રવાલ, ભારતભૂષણ (જ. 3 ઑગસ્ટ 1919, મથુરા, ઉત્તરપ્રદેશ; અ. 23 જૂન 1975, સિમલા, હિમાચલપ્રદેશ)  : હિન્દી કવિ, નાટકકાર અને નિબંધકાર. આગ્રા યુનિવર્સિટીના અંગ્રેજી વિષય સાથે એમ.એ. (1941) અને દિલ્હી યુનિવર્સિટીના પીએચ.ડી. (1968). ‘હિન્દી નવલકથા પર પાશ્ચાત્ય પ્રભાવ’ એ તેમના મહાનિબંધનો વિષય. 1941માં કૉલકાતાથી પ્રકાશિત ‘સમાજસેવા’ પત્રના સંપાદક. 1948થી 1959 સુધી આકાશવાણી સાથે જોડાયેલા. 1960–74 સુધી સાહિત્ય અકાદમી, દિલ્હીમાં ઉપસચિવ; છેલ્લે સિમલાના ઉચ્ચતર અધ્યયન સંસ્થાનમાં અધ્યાપક. કવિ, નાટકકાર અને નિબંધકાર તરીકે તેઓ હિન્દીની પ્રગતિવાદી અને પ્રયોગવાદી ધારા સાથે જોડાયેલા રહ્યા છે. ‘તારસપ્તક’ના પ્રસિદ્ધ કવિઓમાં તેમનો સમાવેશ થયેલો છે. તેઓ મુખ્યત્વે કવિ હતા. પ્રારંભમાં તેમની કવિતા પર મૈથિલીશરણ ગુપ્તનો પ્રભાવ હતો. પછીથી તેમણે સામાજિક પદાર્થને આધુનિક ભાષા અને પરિવેશમાં રજૂ કરવાનો પડકાર સફળપણે ઝીલ્યો છે.

ભારતભૂષણ અગ્રવાલ

‘ધ્વનિકે બંધન’, ‘જાગતે રહો’, ‘મુક્તિમાર્ગ’, ‘ઓ અપ્રસ્તુત મન’, ‘અનુપસ્થિત લોગ’, ‘એક ઊઠા હુઆ હાથ’, ‘ઉતના વહ સૂરજ હૈ’ તેમના કાવ્યસંગ્રહો છે. ‘પલાયન’, ‘સેતુબંધન’ તથા ‘ઔર ખાઈ બઢતી ગઈ’ તેમણે રચેલાં ધ્વનિરૂપકો છે. ‘પ્રસંગવશ’ તથા ‘કવિકી દૃષ્ટિ’ તેમના સમીક્ષાગ્રંથો છે.

રામકુમાર ગુપ્તા