અગ્રવાલ, વાસુદેવશરણ

January, 2001

અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઑગસ્ટ 1904, ખેડા ગ્રામ, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1966, વારાણસી) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર તરીકે નિયુક્તિ થઈ. 1941માં પીએચ.ડી. અને 1946માં ડી. લિટ્.ની પદવી પ્રાપ્ત કરી. સંસ્કૃત સાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ તેમના અધ્યયનના વિષયો રહ્યા. દર્શનશાસ્ત્રમાં પણ એમણે ઊંડો રસ દાખવ્યો અને પ્રાચીન ભારતીય ધર્મ, વેદ, પુરાણ, ઉપનિષદ, કલા, વિજ્ઞાન, ઇતિહાસ તથા પુરાતત્ત્વ પર મહત્ત્વનું સંશોધન કરતા રહ્યા. 1946થી 1951 દરમિયાન દિલ્હીમાં રહી ભારત સરકારના પુરાતત્વ વિભાગના વડા તરીકે કામ કર્યું. 1951માં સરકારી નોકરીમાંથી છૂટા થઈ બનારસ હિંદુ યુનિવર્સિટીમાં કલા અને સ્થાપત્યના પ્રાધ્યાપક તરીકે જોડાયા. છેલ્લે ત્યાંની કૉલેજ ઑવ્ ઇન્ડૉલૉજીના આચાર્યપદે હતા.

સાહિત્ય, કલા અને ધર્મ તેમના પ્રિય વિષયો હતા. એના પર એમણે વિવિધ વિદ્યાસંસ્થાઓના ઉપક્રમે વ્યાખ્યાનો આપ્યાં. 1946માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ‘મથુરા કલા’ પર, 1952માં લખનૌ યુનિવર્સિટીમાં રાધાકુમુદ મુકર્જી વ્યાખ્યાનમાળામાં ‘પાણિનિ’ વિષય પર અને રાજકોટમાં મેઘાણી વ્યાખ્યાનમાળાના ઉપક્રમે ‘ભારતીય લોકધર્મ’ પર આપેલાં વ્યાખ્યાનો તેમના પાંડિત્યના નિચોડરૂપ છે.

એમણે 84 જેટલા ગ્રંથો લખેલા છે, જેમાંના ઘણા હિંદી અને થોડા અંગ્રેજી ભાષામાં છે. ‘ઇન્ડિયન આર્ટ’, ‘કલા ઔર સંસ્કૃતિ’, ‘ભારતીય કલા’, ‘કલ્પવૃક્ષ’, ‘કાદંબરી – એક અધ્યયન’, ‘પાણિનિકાલીન ભારતવર્ષ’, ‘પૃથ્વીપુત્ર’, ‘ભારત કી મૌલિક એકતા’, ‘ભારતસાવિત્રી’, ‘ભારતીય લોકધર્મ’, ‘મથુરા કલા’, ‘માતા ભારતી’, ‘હર્ષચરિત  એક અધ્યયન’ વગેરે સાહિત્ય અને સંસ્કૃતિવિષયક તેમનું તલસ્પર્શી અને તત્ત્વદર્શી ચિંતન રજૂ કરતા ગ્રંથો ઉલ્લેખનીય છે.

અગ્રવાલજી ભારતીય મુદ્રા પરિષદ (નાગપુર), ભારતીય સંગ્રહાલય પરિષદ (પટણા) અને અખિલ ભારતીય પ્રાચ્ય વિદ્યા પરિષદ (પુણે)ના ગુવાહાટી અધિવેશનના પ્રમુખ પણ હતા. એમની સાહિત્ય અને પુરાતત્ત્વની સેવાઓની કદર રૂપે 1956માં પદ્માવત સંજીવની વ્યાખ્યા પુરસ્કારથી સાહિત્ય અકાદમી, દિલ્હીએ  સમ્માનિત કર્યા હતા.

પાણિનિ અને બાણના સંદર્ભમાં એમણે પ્રસ્તુત કરેલ અધ્યયન પ્રાચ્યવિદ્યાને ક્ષેત્રે સીમાચિહનરૂપ ગણાય છે. પ્રાચીન ભારતીય કલાનું અધ્યયન ભારતીય સાહિત્યના તલસ્પર્શી અધ્યયન વગર પાંગળું છે એમ એમણે દૃઢપણે પ્રતિપાદિત કર્યું. ભારતીય કલાના આયામો તેમજ ઉન્મેષોને સાહિત્યના તલસ્પર્શી અને મર્મદર્શી અધ્યયનથી અભિવ્યક્ત કરવામાં તેમનાં લખાણો નમૂનારૂપ ગણાય છે.

પ્રવીણચંદ્ર પરીખ