અગ્નિમિત્ર

January, 2001

અગ્નિમિત્ર : શુંગ વંશના રાજા પુષ્યમિત્રનો પુત્ર. એનું રાજ્ય વિદિશામાં હતું. એણે યજ્ઞસેનના પિતરાઈ માધવસેનને પોતાના પક્ષમાં લઈ વિદર્ભ પર આક્રમણ કર્યું અને યજ્ઞસેનને હરાવી માધવસેનને વિદર્ભનું અર્ધું રાજ્ય અપાવ્યું. માધવસેનની બહેન માલવિકા રાજા અગ્નિમિત્રને પરણી. તેને અનુલક્ષીને કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્રમ્’ નામે નાટક લખ્યું. એમાં જણાવ્યા અનુસાર અગ્નિમિત્રનું વર્ચસ્, દક્ષિણમાં વિદર્ભ પર્યંત પ્રસર્યું હતું. એણે સત્તાવાર રીતે રાજપદવી ધારણ કરીને 8 વર્ષ રાજ્ય કર્યું હતું.

ભારતી શેલત