અગ્નિપુરાણ

January, 2001

અગ્નિપુરાણ : અઢાર પુરાણોમાંનું એક. તેનો ક્રમ આઠમો છે. ડૉ. હઝરા છેલ્લે ઉપલબ્ધ થયેલાં વહ્નિપુરાણોને જ મૌલિક અગ્નિપુરાણ માને છે, કારણ કે અગ્નિના મહિમાનું પ્રતિપાદન અગ્નિપુરાણમાં નથી, પણ વહ્નિપુરાણમાં છે અને નિબંધગ્રન્થોમાં અગ્નિપુરાણને નામે જે અવતરણો આપવામાં આવ્યાં છે તે અગ્નિપુરાણમાં નહિ, પણ વહ્નિપુરાણમાં છે.

હાલના અગ્નિપુરાણમાં પાંચરાત્ર વૈષ્ણવ પૂજાઓનું માહાત્મ્ય તથા પ્રતિપાદન વિશેષ રૂપે દર્શાવ્યાં છે.

અત્યારે ઉપલબ્ધ અગ્નિપુરાણની શ્ર્લોકસંખ્યા વિશે અનેક મતભેદો પ્રવર્તે છે. અગ્નિપુરાણમાં, પુરાણોનાં દર્શાવેલાં લક્ષણો મુજબ, પાંચ વર્ણ્ય વિષયો છે : સર્ગ (વિશ્વની ઉત્પત્તિનું વર્ણન), પ્રતિસર્ગ (પ્રલયવર્ણન), વંશ (ચન્દ્રવંશી અને સૂર્યવંશી રાજાઓનું વર્ણન), વંશાનુચરિત (જુદા જુદા વંશના સુવિખ્યાત રાજાઓનાં ચરિત્રોનું નિરૂપણ) અને મન્વન્તરો (ચૌદ મનુઓના ગાળાનું વર્ણન).

આરંભમાં અવતારોની કથા આપી છે. એમાં મત્સ્ય, કૂર્મ, વરાહ, નૃસિંહ, વામન અને પરશુરામની તથા રામાવતારની કથા ઉપરાંત હરિવંશ સહિતની મહાભારતની કથા તથા બુદ્ધ અને કલ્કિ અવતારોની કથા છે.

આ પુરાણની વિશિષ્ટતા શાસ્ત્રીય અને લૌકિક વિષયોનું પ્રતિપાદન છે. જ્યોતિષશાસ્ત્ર તથા ધર્મશાસ્ત્રના વિવિધ વિષયોની તેમાં વિગતે ચર્ચા કરવામાં આવી છે. આયુર્વેદની ચર્ચામાં આધિવ્યાધિઉપાધિ તેમજ સહજ રોગોની ચર્ચા કરવામાં આવી છે; જેમાં રોગો, તેનાં કારણો અને ઉપચાર, ઔષધિઓ, સિદ્ધિમંત્રો એ બધું વિગતો આપીને દર્શાવ્યું છે. સર્વ રોગની શાંતિ માટે ભગવાન વિષ્ણુના ધ્યાન અને પૂજનનો ઉપાય પણ દર્શાવ્યો છે. માનવરોગો ઉપરાંત, અશ્ર્વો, હાથી, વૃક્ષો વગેરેના રોગો તથા તેના નિવારણની ચર્ચા પણ કરવામાં આવી છે.

રત્નપરીક્ષા પ્રકરણમાં રત્નોનાં નામો, તેમનો ઉપયોગ તથા તેમની ધાર્યાધાર્યતાની ચર્ચા છે.

છંદશાસ્ત્રની ચર્ચામાં છંદ અને જાતિનું નિરૂપણ કરી, સમ, અર્ધસમ અને વિષમ એ ત્રણ પ્રકારનાં વૃત્તોની ચર્ચા કરી છે.

સાહિત્યશાસ્ત્રના વિષયોની ચર્ચામાં, કાવ્યનું લક્ષણ, તેના પ્રકારો, મહાકાવ્યનાં લક્ષણો ઉપરાંત નાટ્યશાસ્ત્રના વિષયો, નાટકનાં લક્ષણો અને તેના પ્રકારો, નાન્દી, આમુખ, બીજ વગેરે પાંચ અર્થપ્રકૃતિઓ, પાંચ કાર્યાવસ્થાઓ, પાંચ સંધિઓ, નવ રસો ઉપરાંત સ્વભાવ નામનો દશમો રસ, નાયકનાયિકા વિદૂષક ઇત્યાદિના પ્રકારો, ચાર પ્રકારની વૃત્તિ, ચાર પ્રકારના અભિનય, માધુર્યાદિ ગુણો, દોષો, શબ્દાલંકારો તથા અર્થાલંકારો ઇત્યાદિનું નિરૂપણ છે. આ નિરૂપણમાં ભરતના નાટ્યશાસ્ત્ર અને દણ્ડિન્ના કાવ્યાદર્શનું અનુસરણ છે.

વ્યાકરણવિષયક નિરૂપણમાં પ્રત્યાહાર, સંધિ, શબ્દરૂપો, કારક, સમાસ, તદ્ધિત, કૃદન્ત વગેરેની ચર્ચા પાણિનિના વ્યાકરણને આધારે થઈ છે. કોશવિષયક ચર્ચા ‘અમરકોશ’ને આધારે કરવામાં આવી છે.

રાજધર્મની ચર્ચા બે વિભાગમાં કરવામાં આવી છે. પહેલા વિભાગને ‘પુષ્કરનીતિ’ નામ આપ્યું છે, કારણ કે એ નીતિનો ઉપદેશ પુષ્કરે રામને આપ્યો હતો. બીજા વિભાગને ‘રામોક્ત’ નીતિ કહી છે, કારણ કે એ નીતિનો ઉપદેશ રામે લક્ષ્મણને કર્યો હતો. ‘પુષ્કરનીતિ’માં રાજ્યાભિષેક, રાજસેવકોના આચારો, રાજપ્રાસાદ, રાજાના ધર્મો, રાજાનો દૈનિક કાર્યક્રમ તથા દંડનીતિનો સમાવેશ છે, તો ‘રામોક્ત નીતિ’માં રાજાના ગુણો, ષાડ્ગુણ્ય, શમદમાદિ ઉપાયો તથા યુદ્ધને આવરી લેવાયાં છે.

તે પછી ધર્મશાસ્ત્ર અને સ્મૃતિઓની છણાવટ કરતાં વર્ણાશ્રમધર્મો, સંસ્કારો, વિવાહના પ્રકારો, ગ્રહયજ્ઞ, વૈદિકયાગો, ઔર્ધ્વદેહિક શ્રાદ્ધ અને આચારવ્યવહાર અને પ્રાયશ્ચિત્તની ચર્ચા કરાઈ છે.

વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રની ચર્ચામાં મુખ્યત્વે મંદિરોની બાંધણી, મૂર્તિવિધાન, પ્રતિષ્ઠાવિધિ, મકાનો તથા ગોપુરોની બાંધણી, રાજપ્રાસાદની રચના વગેરે છે.

શસ્ત્રવિદ્યાની ચર્ચામાં ધનુર્વિદ્યા, મલ્લવિદ્યા, આયુધો, શસ્ત્રો અને અસ્ત્રોનો ઉપયોગ દર્શાવાયો છે.

અંતમાં અષ્ટાંગયોગની ચર્ચા કરીને ‘ગીતાસાર’, ‘યમગીતા’ અને અગ્નિપુરાણનું માહાત્મ્ય દર્શાવાયું છે.

આ રીતે અગ્નિપુરાણ સર્વવિદ્યાસંગ્રહ છે અને એ રીતે એ અન્ય પુરાણોથી જુદું પડે છે. ગુપ્તકાળ પછીના સમયમાં શાસ્ત્રો અને વૈજ્ઞાનિક વિષયોના ક્ષેત્રમાં સમાજમાં જે પ્રગતિ સધાઈ હતી તેનો ખ્યાલ એમાંથી આવે છે.

આ પુરાણની રચનાના સમય વિશે મતભેદ છે. દુર્ગાશંકર શાસ્ત્રીને મતે નવમી સદીના અંતમાં અને દશમી સદીના પ્રારંભમાં, પ્રો. કાણેને મતે નવમી સદીમાં, જ્યારે બલદેવ ઉપાધ્યાય સાતમી અને નવમી સદીની વચ્ચે આ પુરાણ બંગાળમાં રચાયું હોવાનું માને છે.

અરુણોદય જાની