અખો

( જ. આશરે 1600 જેતલપુર , જિ. અમદાવાદ ; અ. આશરે 1655 અમદાવાદ)

જ્ઞાનમાર્ગી ગુજરાતી સંતકવિ. જ્ઞાતિએ સોની. ‘ગુરુશિષ્યસંવાદ’ની ઈ. સ. 1645માં અને ‘અખેગીતા’ની ઈ. સ. 1649માં રચના તથા ગુરુ ગોકુળનાથનું ઈ. સ. 1641માં અવસાન. આ પ્રમાણોને આધારે અખાનો કવનકાળ ઈ. સ. સત્તરમી સદીના પાંચમા દાયકા આસપાસનો અને જીવનકાળ ઓછામાં ઓછો ઈ. સ.સત્તરમી સદીનો પૂર્વાર્ધ હોવાનું અનુમાન છે.

અખા વિશે કેટલીક જનશ્રુતિઓ પ્રચલિત છે. એ જેતલપુરના વતની હતા અને પિતાની સાથે અમદાવાદમાં આવી વસેલા. એમણે બાળપણમાં માતા, જુવાનીમાં પિતા, એકની એક બહેન તથા એક પછી એક બે પત્નીઓને ગુમાવ્યાં હતાં. વંશાનુગત સોનીનો વ્યવસાય કરતા અખા ભગત કેટલોક સમય ટંકશાળના ઉપરી બન્યા હતા. ધર્મની માનેલી એક બહેને તેમની પાસે કરાવેલી કંઠીની બાબતમાં એમના પર અવિશ્વાસ મૂક્યો તેમજ ટંકશાળમાં એમના પર ભેળસેળનો આરોપ મુકાયો એથી નિર્વેદ પામી એ સંસાર છોડી તત્ત્વશોધમાં નીકળી પડ્યા. જેમ સઘળાં સંતચરિત્રોમાં પાછળ કોઈક ને કોઈક દંતકથા ઊભી હોય છે, એવું જ અખા વિશેની આ જનશ્રુતિઓ વિશે કહી શકાય.

ગોકુળનાથને ગુરુ કર્યાનો ઉલ્લેખ અખા ભગત કરતા હોવાથી કેટલોક સમય એ પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયી રહ્યા હશે; પરંતુ પછીથી એ એમાંથી નીકળી ગયા. કાશીમાં બ્રહ્માનંદ ગુરુએ અખાની તત્ત્વજિજ્ઞાસા સંતોષી એવી જનશ્રુતિ છે પણ એને બીજું સમર્થન સાંપડતું નથી.

અખાનાં શિક્ષણ, સાધના અને અનુભવ વિશેની બીજી કોઈ ચોક્કસ માહિતી મળતી નથી, પરંતુ ભારતીય તત્ત્વદર્શનના બારીક અભ્યાસ ઉપરાંત એમને અનેક સાંસારિક વિષયોની પણ ઊંડી જાણકારી હોવાનું એમની કવિતામાં આવતા વિવિધ વિષયોના ઉલ્લેખો ઉપરથી પ્રતીત થાય છે.

અખો

અખાની કૃતિઓમાં અન્ય ભાષાઓના પ્રભાવો તથા ‘સાખી’ જેવા કાવ્યબંધો અખિલ ભારતીય પરંપરા સાથેનું એનું અનુસંધાન બતાવે છે. ગુજરાતમાં તો ઈ. સ.ની સત્તરમી સદીમાં બળવત્તર બનેલી જ્ઞાનમાર્ગી કવિતાધારાના અખા ભગત સૌથી મોટા પ્રતિનિધિ છે. એકંદરે તેઓ શંકરાચાર્યના કેવલાદ્વૈત વેદાંતને અનુસરતું તત્ત્વનિરૂપણ કરે છે; પરંતુ શંકરાચાર્યના વિવર્તવાદને સ્થાને ગૌડપાદાચાર્યના અજાતવાદને એ સ્વીકારે છે અને એમનો બ્રહ્મવાદ સર્વાત્મવાદને તથા નિર્ગુણવાદ સગુણવાદને સમાસ આપે છે. શંકરાચાર્ય રાખે છે તેમ, વિરક્તને માટે એ સંન્યાસમાર્ગનો આગ્રહ રાખતા નથી.

અખાએ પોતાના ગ્રંથોમાં વેદાન્તવિચારનું પારિભાષિક નિરૂપણ કર્યું છે; પરંતુ શાસ્ત્રજ્ઞાન કે દાર્શનિક મતનો એ મહિમા કરતા નથી. એ જીવનના પરમ લક્ષ્યરૂપ ગણે છે પરમાત્મતત્ત્વના અંતરમાં થતા અનુભવને, આતમસૂઝને. માટે જ શબરી, કરમાબાઈ જેવાં જ્ઞાની ભક્તોનો એ આદરપૂર્વક ઉલ્લેખ કરે છે. અખાએ તત્કાલીન ધાર્મિક તથા સાંસારિક આચારવિચારોની બારીક પરીક્ષા કરી છે અને જ્યાં જ્યાં દંભ, પાખંડ, વહેમ, અજ્ઞાન, અતાર્કિકતા, રૂઢિવશતા દેખાયાં ત્યાં ત્યાં એને નિર્મમપણે ઉઘાડાં પાડ્યાં છે. આ સઘળું અખાની સર્વગ્રાહી જાગ્રત વિચારશક્તિનો આપણને પરિચય કરાવે છે; પણ અખા ભગત માત્ર ચિંતક, ચિકિત્સક કે તટસ્થ જ્ઞાની નથી, સંસારને સાથે લઈને ઊંચે જવા માગનાર સંત છે. એમણે નિષ્કર્મણ્યતા નહિ પણ નિષ્કામતા પ્રબોધી છે અને સંસારી રસને સ્થાને દિવ્ય ઉલ્લાસ, ‘અક્ષયરસ’ તરફ નજર માંડી છે.

અખાએ ગુજરાતી તેમજ હિંદી ભાષામાં રચનાઓ કરી છે. એ સઘળી બહુધા તત્ત્વવિચારાત્મક છે. એમની દીર્ઘ ગુજરાતી રચનાઓમાં ‘અવસ્થાનિરૂપણ’ અને ‘પંચીકરણ’ અનુક્રમે શરીરાવસ્થાઓનું અને પંચમહાભૂતાદિ તત્ત્વોથી થતી પિંડ-બ્રહ્માંડની રચનાની પ્રક્રિયાનું પરંપરાગત રીતે પારિભાષિક નિરૂપણ કરે છે. પંચમહાભૂતભેદથી માંડી કેવલાદ્વૈત સુધીની ભૂમિકાઓ સમજાવતો ‘ગુરુશિષ્ય-સંવાદ’ સંવાદશૈલી, પારિભાષિક ને લૌકિક દૃષ્ટાંતો અને કેટલીક વર્ણનછટાઓથી રસાવહ બન્યો છે. વેદાન્તવિચારનાં મહત્ત્વનાં બિંદુઓને સૂક્ષ્મતાથી સ્પર્શતો ને જીવ-ઈશ્વરની સંલગ્નતા જેવા કેટલાક વિલક્ષણ વિચાર-ઉન્મેષો ધરાવતો ‘ચિત્તવિચારસંવાદ’ તર્કકાઠિન્ય છતાં ચિત્ત અને વિચારની પિતાપુત્ર તરીકેની કલ્પના, બંનેની સક્રિયતા દર્શાવતી પ્રશ્નોત્તરી તેમજ દૃષ્ટાંતો, સતત ઉપમાઓ તથા ઉપમાચિત્રોના બહોળા ઉપયોગને કારણે અખાની મૌલિકતા અને સર્જકતાની દૃઢ મુદ્રા ઉપસાવે છે; પણ અભ્યાસીઓમાં અખાની વધુ જાણીતી રચનાઓ ‘અનુભવબિંદુ’ અને ‘અખેગીતા’ છે. ‘અનુભવબિંદુ’ અખાના તત્ત્વવિચારના મુખ્ય અંશોને લાઘવથી અને હૃદયંગમ દૃષ્ટાંતોથી રજૂ કરતી રસાત્મક કૃતિ છે, તો ‘અખેગીતા’ (1649) એમના તત્ત્વવિચારને સર્વગ્રાહી રીતે આલેખતી દૃષ્ટાંતો ઉપરાંત ભાવચિત્રો ને બાનીની તાજગીભરી અસરકારક છટાઓથી મનોરમ બનતી સર્વોત્તમ કૃતિ છે. આ ઉપરાંત, અખા ભગતની ‘કૈવલ્યગીતા’ આદિ કેટલીક લઘુ કૃતિઓ ને ‘કક્કો’, ‘બારમાસ’, ‘પંદર તિથિ’ વગેરે પ્રકારની કૃતિઓ પણ મળે છે.

છપ્પા, પદ, સોરઠા અને સાખીઓ એમની છૂટક રચનાઓ છે. આમાં છપ્પા અખાનો પ્રથમ પંક્તિનો સૌથી વધુ લોકપ્રિય કૃતિસમૂહ છે. અખાનું તત્ત્વજ્ઞાન એમાં પણ ઉપમા-દૃષ્ટાંતવાળી સૂત્રાત્મક વાણીની મદદથી માર્મિક અભિવ્યક્તિ પામ્યું છે. એની લોકપ્રિયતા તો એમાં ધારદાર કટાક્ષોની મદદથી થયેલી ધાર્મિક-સામાજિક આચારવિચારોની બારીક ચિકિત્સાને આભારી છે. અખાનાં પદો મુખ્યત્વે બ્રહ્મતત્ત્વના સ્વરૂપને, એના અનુભવને વર્ણવે છે; બ્રહ્મજ્ઞાની સંત-ગુરુના સ્વભાવ અને મહિમાનું ગાન કરે છે અને ગુરુશરણ ને સંતસંગતનો બોધ આપે છે. શૃંગારભાવનો આશ્રય લેતાં કેટલાંક પદો મળે છે તે વેદાંતી અખાના વિલક્ષણ ઉન્મેષ તરીકે, તો સોરઠા અને સાખીઓ અભિવ્યક્તિની સઘનતાથી ધ્યાન ખેંચે છે.

અખાનાં પદો તથા સાખી ગુજરાતી ઉપરાંત હિંદી ભાષામાં પણ મળે છે. આ ઉપરાંત અખાની હિંદી કૃતિઓમાં ‘બ્રહ્મલીલા’ અને ‘સંતપ્રિયા’ પ્રમાણમાં દીર્ઘ રચનાઓ છે. પહેલીને મુકાબલે બીજીમાં નિરૂપણ વધારે પ્રાસાદિક ને ચમત્કૃતિયુક્ત છે. ‘અમૃતકલારમણી’ અને ‘એકલક્ષરમણી’ એ એમની પ્રમાણમાં લઘુ રચનાઓ છે, તો ‘જકડીઓ’ વિશિષ્ટ બંધારણ ધરાવતાં પદો છે. ‘કુંડળિયા’ તથા ‘ઝૂલણા’ પ્રકીર્ણ પ્રકારની રચનાઓ છે.

પોતાને ‘કવિ’ ન લેખાવવા માગતા  – કેમ કે ‘જ્ઞાની’ હોવું એ જ ઊંચી વસ્તુ છે  – અને છંદ જેવાં કાવ્યઓજારોનું પોતાને જ્ઞાન નથી એમ કહેતા અખા ભગત અનેક પદ્યબંધો ને કાવ્યબંધોની જાણકારી બતાવે છે ને ત્રણ મોટા કવિગુણોની આપણને આહ્લાદક પ્રતીતિ કરાવે છે,  ભાવમયતા, વિશ્વના પદાર્થોને અનુરૂપતાથી ઉપયોગમાં લેતી અનન્ય ચિત્રાત્મકતા અને માર્મિક, સૂત્રાત્મક, બલિષ્ઠ કાવ્યબાની.

જયંત કોઠારી

અખાનું તત્ત્વચિંતન : અખાનું તત્ત્વચિંતન એ કોઈ વાદ નથી, પરંતુ એક બ્રહ્મવેત્તાના વસ્તુ-સાક્ષાત્કારમાંથી આવેલું શાશ્વત પ્રજ્ઞાન છે. એમના તત્ત્વચિંતનનો વિશિષ્ટ પરિચય એમની સાખીઓમાં જોવા મળે છે. અખા ભગત એમની સાખીઓમાં કહે છે :

‘‘હું ઈશ્વરેય નથી તેમજ જીવ પણ નથી. અનાદિ અનંત પરમાત્મા સાથે પિંડ અને બ્રહ્માંડના દ્વૈતથી પર, સર્વને ધારણ કરનાર અખિલ વિશ્વાત્માની અલૌકિક ભૂમિકા એ મારું ઘર છે. સર્વાતીત મારો પંથ છે. મારી અંદર રહેલો આત્મા એ મારો ગુરુ છે.’’

એમની કવિતામાં અનુસ્યૂત તત્ત્વસિદ્ધાંતની ભૂમિકા નીચે પ્રમાણે છે :

સિદ્ધાંત : (1) પરમાત્મા–પરબ્રહ્મ : અનાદિ અનંત પરમતત્ત્વ કિંવા પરમાત્મા દૂર નથી; બધે છે, બધામાં છે. અજ્ઞાનીને તે દૂર ભાસે છે, જ્ઞાનીને તે હાજરાહજૂર છે. ‘જીવ, જગત અને ઈશ્વર’ની ત્રિપુટી રૂપે માત્ર બ્રહ્મ જ છે. ખંડ દેખાય છે તે મનોરચિત છે, તત્ત્વત: નથી. બ્રહ્મ પૂર્ણ છે, અખંડ છે. એમાં દ્વૈત છે જ નહિ. તે નિરંજન છે, નિર્વિકારી છે. એમાં કોઈ વિક્રિયા સંભવતી નથી, સદાયે જ્યમનું ત્યમ જ રહે છે. વિકાર માત્રનું મૂળ મનમાં છે. બ્રહ્મ સૌનું આદિ અને અંત છે. પરમાત્મા એ જ ખરું અસ્તિત્વનું તત્ત્વ છે.

‘‘અનંત ફેલ હૈ એકકા, અખા સો જાને કોઈ.’’

                                                            (સાખીઓ, પૃ. 106)

(2) આત્માજીવ : આત્મા અને પરમાત્મા વચ્ચે એક પણ સાંધો નથી. બન્ને વચ્ચે કાગળની કાપલી મૂકવા જેટલું પણ અંતર નથી. અવસ્થાભેદે કરીને ભિન્નતા ભાસે છે. આત્મા એ વસ્તુત: પરમાત્મા છે. અખાનો તત્ત્વસિદ્ધાંત આત્માપરમાત્માની એકતા ઉપર નિર્ભર થયેલો છે. કર્મે કરી આત્મા જીવભાવને પામેલો છે. જીવ એટલે વાસનાઓથી રજોટાયેલો આત્મા.

(3) જગત : અખાની તત્ત્વદૃષ્ટિએ જોઈએ તો જગતને જોવાની બે દૃષ્ટિ છે. એક પોતષ્ટિ અને બીજી ભાતદૃષ્ટિ. પોતદૃષ્ટિએ જોઈએ તો જગત બ્રહ્મ જ છે. બ્રહ્મ પોતે જ અનંત નામરૂપ ધારણ કરીને વિલસે છે. આ નામરૂપાત્મક ચેતનાને જગત કહેવામાં આવે છે. ભાતદૃષ્ટિએ જોઈએ તો જગત પરિવર્તનશીલ છે. जायते गच्छति इति जगत् । અર્થાત્ જે પળેપળ ઉત્પન્ન થઈ જતું રહે છે, પરિવર્તન પામે છે, જયમનું તેમ રહેતું નથી, ફેરફાર પામે છે : આ ભાતદૃષ્ટિએ થયેલું જગતનું દર્શન છે.

અખા ભગત કહે છે કે જગત આદિ અને અંત નથી, તે માત્ર વચ્ચે દેખા દે છે, માત્ર મધ્ય-વ્યક્ત છે. તેથી તે મનનું ઉટંગ છે, મન:સર્જિત છે, મન:કલ્પિત છે. અર્થાત્ જગત એટલે બ્રહ્મનું પ્રગટીકરણ (manifestation), સર્જન (creation) નહિ, પેદા કરેલી વસ્તુ નહિ, સૃષ્ટિ નહિ, કારણ કે ‘‘વિશ્વ નિયંતા જો બે કહેવાય, તો અખંડ બ્રહ્મની ખંડણા થાય.’’ (છપ્પા નં. 445)

અખા ભગત સૃષ્ટિવાદમાં માનતા નથી પણ દૃષ્ટિવાદમાં માને છે. જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ. વસ્તુત: જગત અને બ્રહ્મ એવા બે અલગ પદાર્થ નથી.

સાધના : પરમાત્મા સર્વવ્યાપી હોય તો તે પોતામાં પણ છે. એટલે તેને બહાર શોધવા જવાની જરૂર નથી. સ્વસ્વરૂપનું કેન્દ્રસ્થાન પોતાની અંદર છે. એટલે પોતાની જાતને સમજવામાં જ અખાનો સાધના-માર્ગ શરૂ થાય છે.

મનનું આવરણ અને વિક્ષેપ : નિજસ્વરૂપને જાણવામાં મન આવરણ પેદા કરી વિક્ષેપ કરે છે. આમ કરી મન મનુષ્યને ભ્રમમાં નાખે છે અને ભ્રમથી ગ્રસિત મનુષ્યને પોતે ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો છે, અને વચલી બાજી શું છે તેનું ભાન રહેતું નથી.

મનનો સ્વભાવ સંકલ્પ-વિકલ્પ કરી વાસનાઓ પેદા કરવાનો છે. આ વાસનાઓ પરિપૂર્ણ કરવા જતાં મનુષ્ય ખોટાઈમાં ઊતરી જઈ અજ્ઞાનને વશ થાય છે. આ બધી મનની ચેષ્ટાઓ ઠગારી હોય છે. મન મનુષ્યને તેના સ્વસ્વરૂપની ભાળ માટે ખોટું સરનામું આપે છે. આથી મનુષ્ય ગેરમાર્ગે દોરવાઈ બહારની દુનિયામાં, જે ખોવાયું નથી તે મેળવવા, ભટક્યા કરે છે. જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેને શોધવી તેનું નામ અજ્ઞાન છે. અખા ભગત આ વાતને સમજાવતાં કહે છે :

‘‘અજ્ઞાને સૌ આથડે અને દેવદેવી ધ્યાય;

જો પ્રભુ દેખે પંડમાં તો શીદ બહારે જાય ?’’

                                                           (અખાની વાણી, પદ નં. 10, પૃ. 140)

અખા ભગત કહે છે કે મનની ચેષ્ટાઓને કારણે મનુષ્ય પોતે પોતામાં ઊતરી શકતો નથી, અને બહારની દુનિયાના સુખ માટે અનેક તરકીબો ગ્રહણ કરે છે. કોઈ સંન્યાસ લઈ જુદા જુદા વેશ ધારણ કરે છે, કોઈ સિદ્ધ પાછળ દોડે છે, કોઈ ગુરુ કરવા લલચાય છે, કોઈ જ્યોતિષનો આશરો લઈ ગ્રહો અનુકૂળ થાય તેનાં અનુષ્ઠાન આદરે છે, કોઈ બાધા-આખડી કરે છે, કોઈ તીરથ કરવા જાય છે, કોઈ શાસ્ત્રોમાં પારંગત થઈ પંડિતાઈમાં ખોવાઈ જાય છે; પરંતુ આવી બહારની પ્રવૃત્તિને કારણે માણસની સુરતા વીખરાઈ જાય છે. તેને પોતાની જાતને ઓળખવાનો અવકાશ રહેતો નથી. પોતે ખુદ પરમાત્મસ્વરૂપ છે તે વાત તે ભૂલી જાય છે અને યાચક બનીને બેઆબરૂ થાય છે. આનું કારણ એ છે કે જેને સિદ્ધિઓ અને ચમત્કારોનું આકર્ષણ છે તેને આત્માનું અજ્ઞાન છે.

અખાના મતે સાચી સાધના એટલે પોતાની જ મુલાકાત. તેઓ કહે છે કે મનુષ્ય જ્યાં સુધી પોતાની મુલાકાત ન લે ત્યાં સુધી બહારના ભેદ ભાંગતા નથી. મનુષ્ય આખી પૃથ્વીની ભૂગોળ જાણતો હોય છે પરંતુ તેને પોતાનું ઘર ક્યાં આવ્યું તેની ખબર હોતી નથી. આત્મ-તત્ત્વવિચાર કરી પોતાનો મેળાપ કરવો એ જ તેમની સાધનાની બુલંદી છે, પોતે પોતામાં સમાવું એ તેમની સાધનાનું રહસ્ય છે.

‘‘અખા જીવ તણી એ વજા, અજને ઠામે પૂજે અજા.’’

(છપ્પા, નં. 64)

અખાની અજાતવાદી સાધના : અખાની તત્ત્વદૃષ્ટિએ જગત એ મનનું ઉટંગ (ઉપજાવેલું) હોઈ તેનું કોઈ સાચું અસ્તિત્વ નથી. જે નિરંતર બદલાયા કરે છે તેને પકડવાથી શો લાભ ? જે નિશ્ચલ અને નિર્વિકલ્પ હોય તેની સાધના હોય. અજાતવાદી સાધના એ જગતને તત્ત્વત: જોવાની દૃષ્ટિમાં રહેલી છે. જગતની નિરર્થકતાનું ભાન થવું એ આ સાધનાનું હાર્દ છે. અસત્ય અથવા માયાની સાધના કરવાની હોય તો ફજેતી થાય છે.

અખાની તત્ત્વદૃષ્ટિએ વાસનાઓથી બદ્ધ થવું અને નિજ સ્વરૂપને ભૂલી જવું એ જ બંધન છે. આ વાસનાઓથી છુટકારો પામવો; પોતે શરીર નથી પણ આત્મા છે – ખુદ પરમાત્મસ્વરૂપ છે તેનું ભાન થવું એ જ મોક્ષ છે.

અખાની તત્ત્વસાધનામાં જ્ઞાનનું મહત્ત્વ અગ્રસ્થાને જોવા મળે છે. આનું કારણ એ છે કે સ્વરૂપને ઓળખવાની શક્તિ બધાં પ્રાણીઓમાં માત્ર મનુષ્ય પાસે જ છે.

સતત આત્મચિંતન એ સહજતા છે. પાણીમાં પથ્થર નાખીએ તો પાણી પોતાની સહજતા ગુમાવી બેસે છે એમ આપણે જગત સાથે બહુ તાદાત્મ્ય રાખીએ તો સહજતા ગુમાવી બેસીએ. સહજતા એ આત્માનું સ્વાસ્થ્ય છે. ‘સ્વ’માં સ્થિર રહેવું એ સહજતા છે.

ધીરે ધીરે જગત સાથેનું સામેલપણું ઘટાડવું જોઈએ અને આત્મભાવમાં ઊતરી જવું જોઈએ. પોતાના સ્વમાં સાચી શાંતિ પડેલી છે. અખા ભગત કહે છે, જગત પરમાત્માનું પ્રગટીકરણ છે. એટલે તે ચોવીસ કલાક બરાબર ચાલે છે. તેનું આધારભૂત તત્ત્વ પરમાત્મા છે. એટલે તેમાં ફેરફારને અવકાશ નથી. જગતને સુધારવા જવું એ મૂર્ખતા છે. અખાની તત્ત્વદૃષ્ટિએ જાતને સુધારવી તે વધારે મહત્ત્વનું છે. સામાન્યપણાનો વૈભવ એ આત્માનો વૈભવ છે. વિશિષ્ટપણું એ અહં વધારનારું છે. વિશિષ્ટપણાનો વૈભવ એ અહં(ego)નો વૈભવ છે.

‘‘જેમ મીનને તરવું તે સહેજ, પંખી જેમ આકાશે સ્હેજ;
તેમ જ્ઞાતાને સાધન તે સૂઝ, એમ અખા સાને કરી બૂઝ.’’

(છપ્પા નં. 286)

અખાએ ગુરુનો મહિમા ખૂબ ગાયો છે; પરંતુ તેઓ માત્ર ગુરુ ઉપર જ નિર્ભર થવાનું કહેતા નથી. વસ્તુત: આત્માનુભૂતિનો માર્ગ એકલવાયો છે. આ માર્ગ ઉપર મુસાફરી જાતે કરવી પડે છે. ગુરુ દૃષ્ટિ આપે, સમજણની કચાશ દૂર કરે, પરંતુ હૃદયબળ તો પોતાની અંદરથી જ પ્રગટવું જોઈએ. અખા ભગત કહે છે કે અધ્યાત્મ એ વ્યક્તિગત શોધનો પ્રશ્ન છે; પોતાની રસવૃત્તિ ફર્યા કે ફેરવ્યા વિના જ્ઞાનનો કશો જ અર્થ નથી.

અખાની તત્ત્વદૃષ્ટિનો સાર મનને પરમાત્મામાં કેમ કરી શમાવવું કિંવા ‘અહં’ને પરમાત્મામાં કેમ કરી ફના કરવો તેમાં રહેલો છે. પરંતુ ‘અહં’નો લય એ કાંઈ સહેલી વાત નથી. આ તો વીરતાનો માર્ગ છે. પોતાના ‘અહં’ને નિર્મૂળ કરવા માટે પ્રેમ જરૂરી છે. અખા ભગત કહે છે કે પ્રેમ અને પ્રજ્ઞાન હોય તો જ અહં દૂર થાય છે. અખાની સાધના એ પ્રેમ દ્વારા પરમ અદ્વૈતની સાધના છે. પ્રેમ અને પ્રજ્ઞાન હોય તો જ અનુભૂતિ સુલભ બને છે. અખાએ સાધનામાર્ગના પ્રત્યેક પાસાને અનુલક્ષીને વાત કરી છે. તે ઘણી જ મહત્ત્વની છે.

‘‘મન વચન કર્મ હરિમાં ઢોળ, અખો સમજ્યો અંશે સોળ.’’

(છપ્પા નં. 631)

અખાની ખરબચડી ભાષા, તડ અને ફડ કહી દેવાની રીત એ એમને લાધેલી આત્માનુભૂતિને વ્યક્ત કરવાનું પરિણામ જણાય છે. આમ કરવા પાછળ તેમના હૃદયની નિખાલસતા (candour) છતી થાય છે. અખાએ તો અધ્યાત્મ-જગતના થાકેલા પ્રવાસીઓ માટે અંતિમ સત્યનો રાહ સરળ કરી આપ્યો છે.

દશરથભાઈ ઠક્કર