અક્ષય કુમાર (ભાટિયા રાજીવ હરિઓમ) (જ. 9 સપ્ટેમ્બર 1967, અમૃતસર) : ફિલ્મ અભિનેતા.
અક્ષયકુમારનું મૂળ નામ રાજીવ હરિઓમ ભાટિયા છે. પણ ફિલ્મોમાં તે અક્ષયકુમારના નામે ઓળખાય છે. એમના પિતા હરિઓમ ભાટિયા અને માતા અરુણા ભાટીયા પંજાબી હિન્દુ છે. હરિઓમ ભાટિયા આર્મીમાં સર્વિસ કરતા હતા. અક્ષયકુમારનું બાળપણ દિલ્હીના ચાંદની ચોકમાં પસાર થયું. પિતા નિવૃત્ત થતાં દિલ્હી છોડીને મુંબઈ રહેવા આવ્યા. મુંબઈમાં કોલીવાડ તરીકે ઓળખાતા પંજાબી વિસ્તારમાં વસવાટ કર્યો. અક્ષયકુમારનો અભ્યાસ માટુંગાની ડૉન બૉસ્કો સ્કૂલમાં થયો. પછીથી ઉચ્ચ શિક્ષણ માટે ગુરુ નાનક ખાલસા કૉલેજમાં જોડાયા. પણ અભ્યાસમાં મન ન હોવાથી કૉલેજ છોડી દે છે. અક્ષયકુમારને માર્શલ આર્ટ શીખવાની ઇચ્છા હતી તેથી પિતાએ તેમને થાઇલૅન્ડ મોકલ્યા. માર્શલ આર્ટ્સ શીખવા બૅંગકૉક ગયા અને થાઈ બોક્સિંગ શીખવા થાઇલૅન્ડમાં પાંચ વર્ષ રહ્યા.

અક્ષય કુમાર
અક્ષયકુમાર ‘ટેકવોન્ડો’(Taekwondo)માં બ્લૅક બેલ્ટ (Black belt) ધરાવે છે. થાઇલૅન્ડમાં તે ‘મુય થાઇ’ (Muay Thai) શીખે છે અને શેફ (chef) અને વેઇટર તરીકે કામ કરે છે, ત્યાંથ પરત આવી કૉલકાતાની એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરે છે. પછીથી ઢાકા (બાંગ્લાદેશ)ની હોટલમાં શેફ (રસોઇયા) તરીકે કામ કરે છે. ત્યાંથી દિલ્હી આવીને એક જ્વેલરીની દુકાનમાં કામ કરે છે. એ બધુ છોડીને મુંબઈ રહેવા આવે છે અને મુંબઈમાં તે માર્શલ આર્ટ્સ શીખવવાના ક્લાસિસ શરૂ કરે છે. આ સમયમાં તેના એક વિદ્યાર્થી, કે જે પોતે એક મૉડલ સંયોજક હતો, તે અક્ષયકુમારને એક ફર્નિચરની કંપની માટે મૉડેલિંગ કરવાનું કહે છે. પહેલા બે દિવસમાં તે એઠલા પૈસા મેળવે છે કે તેના આખા મહિનાની કમાણીથી પણ તે વધુ થાય છે. આ ઉપરથી અક્ષયકુમાર મૉડલ બનવાનું નક્કી કરે છે.
આ સમયમાં ફોટોગ્રાફર જયેશ શેઠના સહાયક તરીકે કોઈ પણ જાતના વળતર વગર અઢાર મહિના સુધી કામ કરે છે. બદલામાં તેને મૉડલિંગ માટેનો પૉર્ટફોલિયો તૈયાર કરી દે છે. કેટલીક ફિલ્મોમાં પાર્શ્વ નૃત્યકાર તરીકે પણ તે કામ કરે છે. એક સવારે તે એક જાહેરાતના શૂટિંગ માટે જવાની બૅંગ્લોર ફ્લાઇટ ચૂકી જાય છે. અને નિરાશ થઈ પોતાનો પૉર્ટફોલિયો લઈને એક સ્ટુડિયોમાં જાય છે. તે સાંજે નિર્માતા પ્રમોદ ચક્રવર્તી તેની એક ફિલ્મ દીદાર માટે અક્ષયકુમારને કરારબદ્ધ કરે છે.
અક્ષયકુમારની અભિનય કારકિર્દી 1987માં શરૂ થયેલી ત્યારથી આજ સુધીમાં તેણે 133 ફિલ્મોમાં અભિનય કર્યો છે. નવ જેટલી ટેલિવિઝન સિરીયલોમાં હોસ્ટ તરીકે કાર્ય કર્યું, ત્રણ મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું. બે અંગ્રેજી ફિલ્મોની હિન્દી આવૃત્તિમાં વોઇસ ઓવર કરેલ છે. પણ તેની ઉલ્લેખનીય ફિલ્મો બહુ ઓછી છે. 1994 સુધીની મોટા ભાગની ફિલ્મ સામાન્ય હતી. એ પછી પણ અક્ષયકુમારની ફિલ્મમાં બીજા પણ નામી અભિનેતાઓને સામેલ કરવામાં આવતા હતા. એટલે જ ઇન્ડિયન એક્સપ્રેસે તેના એક લેખમાં અક્ષયકુમારને ઓલવેઇઝ ડિપેન્ડેબલ (always dependable) કહ્યો હતો.
અક્ષયકુમાર સ્ટન્ટ અને કૉમેડી એમ બંને પ્રકારની ફિલ્મ કરે છે. પ્રિયદર્શન દિગ્દર્શિત ફિલ્મ હેરાફેરી (2000) એની પ્રથમ સફળ ફિલ્મ ગણાય છે. આ એક કૉમેડી ફિલ્મ છે અને તેની સિક્વલ (sequel) ‘ફિર હેરાફેરી’ (2006) પણ સફળ રહ્યું.
અક્ષયકુમારનું નામ સૌથી વધુ 13 વખત સહાયક અભિનેતા તરીકેના શ્રેષ્ઠ ઍવૉર્ડ માટે નૉમિનેટ થયું છે. તેને ફિલ્મ ‘અજનબી’ (2002) માટે શ્રેષ્ઠ ખલનાયક(Villan)નો અને ‘ગરમ મસાલા’ (2006) માટે શ્રેષ્ઠ હાસ્ય અભિનેતા(Comedian)નો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો છે. 2016માં ‘રુસ્તમ’ અને ‘ઍરલિફ્ટ’ એમ બંને ફિલ્મ માટે રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. 2008માં વીન્ડસર યુનિવર્સિટી(University of Windsor)એ ભારતીય સિનેમામાં તેના યોગદાન માટે ઓનનરી ડૉક્ટરેટ ઑફ લૉ(Honorary Doctarate of Law)ની માનદ પદવી આપી છે. ભારત સરકાર દ્વારા 2009માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવેલ છે. કૅનેડાની સરકારે અક્ષયકુમારને કૅનેડાની નાગરિકતા આપી છે. જાપાન તરફથી ‘Japanese honour of “Katana” and six degree black belt in “Kuyukai” એનાયત થયો છે.
વ્યક્તિગત જીવનમાં અક્ષયકુમાર કીકબૉક્સિંગ, સ્વિમિંગ, પારકોર (Parkour) જેવી રમતોને પ્રોત્સાહન આપવાનું કામ કરે છે. મુંબઈનાં બાળકો માટે માર્શલ આર્ટ્સની એક સ્કૂલ સ્થાપવા માગે છે અને તે માટે મહારાષ્ટ્ર સરકારે તેને ભાયન્દરમાં જમીન પણ આપી છે.
અક્ષયકુમારે જાણીતા અભિનેતા દંપતી રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી ટ્વીન્કલ ખન્ના સાથે 17 જાન્યુઆરી, 2001ના રોજ લગ્નગ્રંથિથી જોડાયેલા છે. એમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.
અભિજિત વ્યાસ