અંદાજપત્ર (budget)

February, 2001

અંદાજપત્ર (budget) (ભારત સરકારનું) : ભારત સરકારનો આગામી વર્ષ માટેના આવક અને ખર્ચના અંદાજો રજૂ કરતો દસ્તાવેજ. આવું અંદાજપત્ર મોટી પેઢીઓ, મોટાં બિનસરકારી સંગઠનો, સરકારી-અર્ધ સરકારી સંસ્થાઓ અને રાજ્ય સરકારો પણ તૈયાર કરે છે. આ બધાં સંગઠનો આગામી નાણાકીય વર્ષની તેમની પ્રવૃત્તિઓના આયોજન માટે તેમજ તેમના વિત્તીય વ્યવહારોને નિયંત્રણમાં રાખવા માટે અંદાજપત્રની પ્રયુક્તિનો ઉપયોગ કરે છે.

ભારત સરકારનું અંદાજપત્ર લોકસભામાં ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે (કામકાજના છેલ્લા દિવસે) રજૂ કરવાની પરંપરા છે, પરંતુ અસાધારણ સંજોગોમાં તે વર્ષના કોઈ પણ મહિનામાં રજૂ થઈ શકે છે, દા.ત., કેન્દ્ર સરકારનું 1998–99ના વર્ષ માટેનું અંદાજપત્ર પહેલી જૂન, 1998ના રોજ રજૂ થયું હતું, પરંતુ તે અગાઉ 25 માર્ચ, 1998ના રોજ વચગાળાનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું.

અંદાજપત્ર રજૂ કરતા પહેલાં થોડા દિવસ અગાઉ ભારતના નાણાપ્રધાન ‘આર્થિક સમીક્ષા’ (economic survey) સંસદ સમક્ષ રજૂ કરે છે. આ આર્થિક સમીક્ષામાં અર્થતંત્રમાં ગત વર્ષ દરમિયાન થયેલા ફેરફારો તથા તેની પાછળનાં કારણો અને શક્ય અસરોનો ઉલ્લેખ કરવામાં આવે છે. ભારતમાં ‘આર્થિક સમીક્ષા’ એક એવો દસ્તાવેજ છે, જેમાંથી અર્થતંત્રને લગતી ઘણી વિગતો તેમજ વિકાસની દિશા અંગેની ઉપયોગી માહિતી મળે છે. અંદાજપત્ર રજૂ કરતી વખતે નાણાપ્રધાન તે અંગે પ્રવચન આપે છે. એ પ્રવચનમાં સરકારની નાણાકીય અને આર્થિક નીતિઓની ભૂમિકા આપવામાં આવે છે, આગામી નાણાકીય વર્ષમાં કરવેરા તથા સરકારના ખર્ચમાં કરાનાર ફેરફારોની જાહેરાત કરવામાં આવે છે અને સરકારે અમલમાં મૂકવા ધારેલા કાર્યક્રમોની ઘોષણા કરવામાં આવે છે.

અંદાજપત્રમાં આગામી વર્ષ માટેના આવક-જાવકના અંદાજો હોય છે. તેને અંદાજપત્રીય અંદાજો (budget estimates – BE) કહેવામાં આવે છે. પૂરા થઈ રહેલા કે થયેલા વર્ષ દરમિયાનના આવક-જાવકના સુધારેલા અંદાજો (revised estimates – RE) આપવામાં આવે છે અને તે અગાઉના વર્ષના ખરેખર (actual) થયેલા આવક-ખર્ચના આંકડા પણ તેમાં આપવામાં આવે છે.

અંદાજપત્ર બે વિભાગમાં વહેંચાયેલું હોય છે : (1) મહેસૂલી (revenue) વિભાગ અને (2) મૂડી (capital) વિભાગ. મહેસૂલી વિભાગમાં એવી આવક દર્શાવવામાં આવે છે, જેની પ્રાપ્તિથી સરકારની નાણાકીય જવાબદારી(ઋણ)માં વધારો થતો નથી. કરવેરાની આવક, જાહેર સાહસોના નફાની આવક, કેટલાક લાગા, ફીની આવક વગેરેનો મહેસૂલી આવકમાં સમાવેશ થાય છે. મહેસૂલી આવકને કરવેરાની આવક અને કરેતર આવક એવા બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. એ જ રીતે જે ખર્ચથી કોઈ ભૌતિક કે નાણાકીય અસ્કામતનું સર્જન કે પ્રાપ્તિ ન થાય તેનો સમાવેશ મહેસૂલી ખર્ચમાં કરવામાં આવે છે. દા.ત., સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન, વિવિધ હેતુઓ માટે અપાતી સબસિડી, ભૂતકાળમાં કરવામાં આવેલાં દેવાં પર ચૂકવવામાં આવતું વ્યાજ વગેરે.

જે આવકપ્રાપ્તિને પરિણામે સરકારના માથે જવાબદારી (ઋણ) સર્જાતી હોય તેને મૂડીવિભાગમાં દર્શાવવામાં આવે છે; દા.ત., નાની બચતોના સ્વરૂપે મેળવવામાં આવતી આવક, બજારમાં જામીનગીરીઓ(બૉન્ડ)ના વેચાણ દ્વારા મેળવવામાં આવતાં નાણાં, વગેરે. જે ખર્ચથી અસ્કામતનું સર્જન કે તેની પ્રાપ્તિ થતાં હોય તેને મૂડી વિભાગ પર દર્શાવવામાં આવે છે; દા.ત., લશ્કર માટે ટૅન્કો અને તોપો ખરીદવામાં આવે, રેલવેનાં સ્ટેશનો બાંધવામાં આવે અને એન્જિનો ખરીદવામાં આવે એ ખર્ચને મૂડી વિભાગ પર દર્શાવવામાં આવે છે. આમ ખર્ચનાં કેટલાંક શીર્ષકો આપણને મહેસૂલી તેમજ મૂડી એમ બંને વિભાગોમાં જોવા મળે છે. દા.ત., સંરક્ષણ ખર્ચની કેટલીક વિગતો મહેસૂલી વિભાગમાં અને કેટલીક વિગતો મૂડી વિભાગમાં જોવા મળે છે.

ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખર્ચને વિકાસલક્ષી (developmental) ખર્ચ અને વિકાસેતર (nondevelopmental) ખર્ચ એવા બે વિભાગોમાં વહેંચવામાં આવે છે. વિકાસલક્ષી ખર્ચમાં રેલવે, બંદરો અને સંદેશાવ્યવહાર પાછળ કરવામાં આવતા ખર્ચનો, બિનખાતાકીય ધોરણે ચાલતાં વેપારી ઔદ્યોગિક સાહસોમાં કરવામાં આવતા ખર્ચનો; કેન્દ્ર સરકારે રાજ્ય સરકારો, સ્થાનિક સંસ્થાઓ, વેપારી-ઔદ્યોગિક સાહસોને આપેલી લોનો વગેરેનો સમાવેશ થાય છે. પંચવર્ષીય યોજનાના કાર્યક્રમોના અમલ માટે કરવામાં આવતા મોટા ભાગના ખર્ચનો સમાવેશ વિકાસલક્ષી ખર્ચમાં થાય છે. વિકાસેતર ખર્ચમાં સંરક્ષણખર્ચ, વ્યાજની ચુકવણી, કર ઉઘરાવવા માટે થતો વહીવટી ખર્ચ, પોલીસવહીવટીતંત્રનો ખર્ચ, દુષ્કાળરાહત અંગે કરવામાં આવતો ખર્ચ, અનાજ માટેની સબસિડી, વિદેશી સરકારોને અપાતી ગ્રાન્ટ, લોનો વગેરેનો સમાવેશ થાય છે. આ વર્ગીકરણના આધારે એવી છાપ ઊભી થાય છે કે વિકાસલક્ષી ખર્ચ વધે તે ઇચ્છનીય ગણાય. ઘણે અંશે આ છાપ સાચી હોવા છતાં તે અમુક અંશે ગેરમાર્ગે દોરનારી છે; દા.ત., ભૂતકાળમાં વિકાસ માટે લોનો લઈને જે ખર્ચ કરવામાં આવ્યું હોય તેના પર વર્તમાનમાં જે વ્યાજ ચૂકવવામાં આવે તે વિકાસેતર ખર્ચ ગણાય છે, સિંચાઈક્ષમતા સર્જવા માટે જે ખર્ચ કરવામાં આવે તે વિકાસખર્ચ ગણાય, પરંતુ તેમને નિભાવવા માટે વર્ષોવર્ષ જે ખર્ચ કરવામાં આવે તેને વિકાસેતર ખર્ચ ગણવામાં આવે છે.

અંદાજપત્ર પર સરકારની આવક કરતાં સરકારનું ખર્ચ વધારે હોય તે હવે એક સામાન્ય સ્થિતિ બની ગઈ છે. આ સ્થિતિને ખાધ કહેવામાં આવે છે. આ ખાધનો વિવિધ દૃષ્ટિએ વિચાર કરીને તેના જુદા જુદા ખ્યાલો રજૂ કરવામાં આવ્યા છે. તેમાં બે ખ્યાલો ધ્યાનપાત્ર છે :

(1) મહેસૂલી ખાધ (revenue deficit) : અંદાજપત્રના મહેસૂલી વિભાગ પરની આવક કરતાં જાવક વધારે હોય તો તે બે વચ્ચેના તફાવતને મહેસૂલી ખાધ કહેવામાં આવે છે. મહેસૂલી વિભાગ પર સરકારને ખાધ હોય તેનો અર્થ એવો થાય કે સરકારને તેના ચાલુ ખર્ચને પહોંચી વળવા માટે પણ દેવું કરવું પડે છે. (2) રાજકોષીય ખાધ (fiscal deficit) : મહેસૂલી તેમજ મૂડી વિભાગ પરનું સરકારનું કુલ ખર્ચ જો સરકારની મહેસૂલી વિભાગ પરની આવક કરતાં વધી જાય તો તે તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. આ ખાધ સરકાર બજારમાં દેવું કરીને તથા રિઝર્વ બૅંક પાસેથી ધિરાણ મેળવીને પૂરી શકે. ખાધ પૂરવાના આ બંને માર્ગોનાં કેટલાંક અનિચ્છનીય પરિણામો આવતાં હોવાથી રાજકોષીય ખાધને એક ચોક્કસ મર્યાદામાં (રાષ્ટ્રીય આવકના ત્રણેક ટકાની આસપાસ) રાખવાની હિમાયત કરવામાં આવે છે.

ભારત સરકારનાં આવક અને ખર્ચ (રૂ. કરોડમાં)
199091 199697 199798

સુધારેલો અંદાજ

(revised estimate)

199899

મૂળ અંદાજ

(budgetary

estimate)

1. મહેસૂલી આવક (2+3) 54,954 1,26,279 1,38,514 1,61,954
2. કરની આવક (રાજ્યોનો 42,978 93,701 99,158 1,16,857
હિસ્સો બાદ કર્યા પછી)
3. કરેતર આવક 11,976 32,578 39,356 45,137
4. મહેસૂલી ખર્ચ 73,576 1,58,934 1,82,200 2,10,062
– વ્યાજની ચુકવણી 21,498 59,478 65,700 75,000
– સબસિડી 12,158 16,125 19,644 22,023
– સંરક્ષણખર્ચ 10,874 20,997 26,802 30,840
5. મહેસૂલી ખાધ 18,562 32,655 43,686 48,068
6. મૂડી ખાતે આવક 38,997 61,544 96,731 1,05,933
7. મૂડી ખાતે ખર્ચ 31,782 42,073 53,045 57,865
8. કુલ ખર્ચ 1,05,298 2,01,007 2,35,245 2,67,927
– યોજનાકીય ખર્ચ 28,365 53,534 60,630 72,002
– બિનયોજનાકીય ખર્ચ 76,933 1,47,473 1,74,615 1,95,925
9. રાજકોષીય ખાધ 44,632 66,733 86,345 91,025

નોંધ : યોજનાકીય ખર્ચ એટલે પંચવર્ષીય યોજનાના ભાગરૂપે કે સ્વતંત્રરૂપે વાર્ષિક યોજનામાં સમાવિષ્ટ કાર્યક્રમો, પ્રવૃત્તિઓ પાછળનું ખર્ચ. તે સિવાયના ખર્ચને બિનયોજનાકીય ખર્ચ કહેવામાં આવે છે.

ઉપર સારણીરૂપે ભારત સરકારનાં અંદાજપત્રોની કેટલીક વિગતો આપવામાં આવી છે. સારણીમાં વીસમી સદીના છેલ્લા દસકામાં જોવા મળેલાં કેન્દ્ર સરકારનાં આવક-ખર્ચનાં કેટલાંક વલણો જોઈ શકાય છે. તેમાંનાં કેટલાંક વલણો નીચે મુદ્દારૂપે મૂકેલ છે.

1. કેન્દ્ર સરકારની મહેસૂલી આવકમાં કરવેરાની આવકનો હિસ્સો 1990-91માં 78 ટકા હતો તે ઘટીને 1998-99ના અંદાજપત્રમાં 72 ટકા જેટલો થવાની ધારણા હતી. આમ કેન્દ્ર સરકારની મહેસૂલી આવકમાં કરેતર આવકનો હિસ્સો 22 ટકાથી વધીને 28 ટકા જેટલો થયો.

2. લગભગ એક દાયકાના સમયગાળામાં કેન્દ્ર સરકારના મહેસૂલી ખર્ચમાં 185 ટકાનો વધારો થયો, એટલે કે તે લગભગ ત્રણગણું થયું. મહેસૂલી ખર્ચના ત્રણ મુખ્ય ઘટકો છે : જૂનાં દેવાં પર વ્યાજની ચુકવણી, સબસિડી અને સંરક્ષણખર્ચ. 1990-91ના વર્ષમાં કુલ મહેસૂલી ખર્ચમાં આ ત્રણ ઘટકોનો હિસ્સો 60 ટકા હતો. 1998-99ના અંદાજપત્રમાં પણ તે 60 ટકા જ અંદાજવામાં આવ્યો હતો. આમાં દેવા પરના વ્યાજની ચુકવણીમાં દસકા દરમિયાન 250 ટકા જેવો મોટો વધારો થયો છે, એટલે કે વ્યાજની ચુકવણીનો બોજો સાડા ત્રણગણો થયો છે.

3. મૂડી ખાતેના ખર્ચમાં પ્રસ્તુત સમયગાળા દરમિયાન 82 ટકાનો વધારો થયો છે, જે મહેસૂલી ખર્ચમાં થયેલા વધારા કરતાં ઘણો ઓછો છે. કેન્દ્ર સરકારની કથળેલી વિત્તીય સ્થિતિનો નિર્દેશ આ વિગતમાંથી સાંપડે છે.

4. કેન્દ્ર સરકારની મહેસૂલી ખાધમાં લગભગ 160 ટકાનો અને રાજકોષીય ખાધમાં 100 ટકાથી અધિક વધારો થવા પામ્યો છે.

કાચી રાષ્ટ્રીય આવક(GDP)ના ટકારૂપે મૂકીએ તો મહેસૂલી ખાધ આ સમયગાળા દરમિયાન 3.2 ટકાથી ઘટીને 2.7 ટકા થઈ હતી, જ્યારે રાજકોષીય ખાધ 7.7 ટકાથી ઘટીને 5.1 ટકા જેટલી થશે એવો અંદાજ હતો. અલબત્ત, કારગિલ ક્ષેત્રમાં ખેલાયેલા યુદ્ધને કારણે તેમજ અન્ય કારણોથી કેન્દ્ર સરકારના 1998-99ના વર્ષના ખર્ચમાં, અંદાજપત્રમાં મૂકવામાં આવેલા અંદાજ કરતાં મોટો વધારો થયો અને સામે મહેસૂલી આવકમાં અંદાજપત્રના અંદાજ પ્રમાણે વધારો ન થવાથી કેન્દ્ર સરકારની મહેસૂલી તેમજ રાજકોષીય ખાધમાં મૂળ ધારણા કરતાં વધારો થવા પામ્યો હતો.

હસમુખરાય કેશવલાલ ત્રિવેદી