અંત્યોદય : સમાજના નીચલામાં નીચલા એટલે ગરીબમાં ગરીબ રહેલા છેલ્લા માનવીનો ઉદય. ગામડાના વિકાસ માટે જે અનેક યોજનાઓ થયેલી છે તે યોજનાઓનો એક કાર્યક્રમ તે અંત્યોદય. આ કાર્યક્રમ સમાજની દરેક વ્યક્તિને ન્યૂનતમ જીવનસ્તર પ્રદાન કરવાનું લક્ષ્ય સેવે છે. આ યોજનાની શરૂઆત રાજસ્થાન સરકારે બીજી ઑક્ટોબર, 1977ના દિવસે કરી હતી, જે ત્યારપછી રાષ્ટ્રકક્ષાએ સ્વીકારવામાં આવી. આ યોજના પાછળ શરૂઆતમાં એવો ખ્યાલ હતો કે દરેક ગ્રામપંચાયત કે ગ્રામસભા ગામમાં સૌથી ગરીબ પાંચ કુટુંબોને અપનાવે. આ કુટુંબો એવાં હોય કે જેમની પાસે ઉત્પાદનનું કોઈ સાધન ન હોય અથવા કુટુંબમાં કમાઈ શકે તેવી 15થી 59 વર્ષની એક પણ વ્યક્તિ ન હોય અથવા ઉત્પાદનના સાધન વગરના કુટુંબની વાર્ષિક આવક રૂ. 1,200થી ઓછી હોય એટલે કે કુટુંબ ગરીબાઈની રેખા નીચે હોય. આ કુટુંબોને ગરીબાઈની રેખાથી ઉપર લાવવા ગામ જુદા જુદા આર્થિક કાર્યક્રમો ચલાવે, જેવા કે ખેતીની અને ઘર-થાળની જમીન આપવી, પશુ આપવાં, કારીગર કુટુંબ હોય તો તાલીમ આપવી વગેરે; જેથી કુટુંબ આર્થિક રીતે આત્મનિર્ભર થઈ શકે. વૃદ્ધ અને અપંગોને પેન્શન આપવાની જોગવાઈ પણ આ યોજનામાં છે. આ યોજના દ્વારા ગરીબાઈની રેખા નીચે જીવતાં બધાં કુટુંબોને આવરી લેવાનું પ્રયોજન હતું. જિલ્લા કક્ષાએ આ યોજનાના અમલ અંગેની જવાબદારી કલેક્ટરની હતી. રાજસ્થાન અને બીજાં રાજ્યોમાં આ યોજના હેઠળ ઘણાં કુટુંબોને લોન અને તગાવી આપવામાં આવી હતી, પણ તેઓ આત્મનિર્ભર થઈ શક્યાં નથી.

ઘનશ્યામ શાહ