અંતુલે, અબ્દુલ રહેમાન

January, 2001

અંતુલે, અબ્દુલ રહેમાન (જ. 9 ફેબ્રુઆરી 1929, રાયગઢ, મહારાષ્ટ્ર, અ. 2 ડિસેમ્બર 2014, મુંબઈ, મહારાષ્ટ્ર) : મહારાષ્ટ્રના અગ્રણી રાજપુરુષ. વતન આંબેટ, કોલાબા જિલ્લો, મહારાષ્ટ્ર. 1980થી 1982 સુધી મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન. તે પહેલાં તેઓ અખિલ ભારતીય કૉંગ્રેસ પક્ષના મંત્રીપદે કામ કરતા હતા.

અબ્દુલ રહેમાન અંતુલે

1962માં મહારાષ્ટ્ર વિધાનસભામાં ચૂંટાયા અને 1976 સુધી વિધાનસભાના સભ્યપદે ચાલુ રહ્યા. આ ગાળા દરમિયાન તેઓ પહેલાં કાયદા, ન્યાયખાતા તથા શિક્ષણના પ્રધાન અને પછીથી મકાન, સંદેશાવ્યવહાર તેમજ કાયદા અને ન્યાયખાતાના પ્રધાન હતા. 1977માં કૉંગ્રેસે સત્તા ગુમાવ્યા છતાં તેઓ કૉંગ્રેસ(આઇ)ને વળગી રહ્યા હતા. 1977માં તેઓ કૉંગ્રેસ(આઇ)ના સચિવપદે પુન: નિયુક્ત થયા હતા અને 1980 સુધી તે સ્થાને રહ્યા હતા. 1976થી 1980 દરમિયાન તેઓ રાજ્યસભાના સભ્ય હતા. 1980માં મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ પક્ષ સત્તા ઉપર આવતાં તેઓ મહારાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાયા હતા. પરંતુ 1982માં ‘ઇન્દિરા ગાંધી પ્રતિભા પ્રતિષ્ઠાન’ નામ ધરાવતાં ટ્રસ્ટો અંગે મુંબઈ હાઇકૉર્ટનો ચુકાદો તેમની વિરુદ્ધ જતાં તેમને મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપવું પડ્યું હતું. કૉંગ્રેસપક્ષમાંથી પણ તેમને દૂર કરવામાં આવ્યા હતા, જોકે સપ્ટેમ્બર 1988માં તેમને ફરીથી કૉંગ્રેસમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ લાંબા ગાળા સુધી રાજકારણમાં તેઓ નિષ્ક્રિય રહ્યા અને 1999માં 13મી લોકસભાની ચૂંટણીમાં તેમણે ઔરંગાબાદ મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી સક્રિય રાજકારણમાં પુન: પ્રવેશ કર્યો. પરંતુ આ ચૂંટણીમાં તેઓ પરાજિત થયા હતા. તેમણે લખેલા ગ્રંથોમાં ‘પાર્લમેન્ટરી પ્રિવિલિજિઝ : મહાજન રિપૉર્ટ અનકવર્ડ’, ‘એપૉઇન્ટમેન્ટ ઑવ્ અ ચીફ જસ્ટિસ’, ‘ડેમૉક્રસી : પાર્લમેન્ટરી ઑર પ્રેસિડેન્શિયલ’નો સમાવેશ થાય છે.

દેવવ્રત પાઠક