અંત્યેષ્ટિ : મરણોત્તર ક્રિયા. પ્રારબ્ધપ્રાપ્ત શરીરનાં નવ (કઠોપનિષદ મુજબ 11) દ્વારમાંથી કોઈ પણ એક માર્ગે પ્રાણ સૂક્ષ્મ શરીર સાથે બહાર નીકળી જાય છે ત્યારે સ્થૂલ શરીર મૃત કહેવાય છે. શરીર નશ્વર હોવાથી અસ્તિત્વ, જન્મ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને છેલ્લે નાશ પામે છે. જુદા જુદા ધર્મ અને સંપ્રદાય આ ઘટનાને અલગ અલગ રીતે ઓળખાવે છે. સ્વર્ગવાસ થયો, શ્રીજીશરણ થયા, ગોલોકવાસ થયો (હિંદુ-વૈષ્ણવો), દિવંગત થયા, અક્ષરધામ ગયા (સ્વામિનારાયણ), જન્નતનશીન થયા (મુસ્લિમ), ખુદાને પ્યારા થયા (પારસી) અને સામાન્ય રીતે અવસાન થયું કે મૃત્યુ પામ્યા એમ આ ઘટનાને વિવિધ રીતે ઓળખાવવામાં આવે છે.

હિંદુઓના જન્મથી મૃત્યુ પર્યંતના સોળ સંસ્કારમાંનો આ અંતિમ સંસ્કાર છે. તેમાં મૃતદેહના અગ્નિસંસ્કાર તથા અસ્થિવિસર્જનનો સમાવેશ થાય છે.

પૃથ્વી ઉપર થઈ ગયેલી અગણિત માનવજાતિઓમાં મૃત્યુ વિશેની માન્યતાઓ અને રૂઢિઓ અકળ રીતે પ્રવર્તતી જોવા મળે છે. શબના નિકાલ અંગે પ્રચલિત પરંપરાઓ પાછળ માનસિક અને સામાજિક સંદર્ભો રહેલા હોય છે. કુટુંબીઓ, આપ્તજનો વગેરે મૃત્યુ પામનાર વ્યક્તિના વિરહનો આઘાત અનુભવતાં, પણ મૃત્યુને એક અનિવાર્ય ઘટના તરીકે સ્વીકારતાં પ્રસંગની કરુણતા ઓછી થાય છે. લગભગ બધી સંસ્કૃતિઓમાં મૃત્યુને દેહાંતરની પ્રક્રિયા તરીકે સમજવામાં આવ્યું છે. આ લોકથી પરલોકની યાત્રામાં જીવને કષ્ટમુક્તિ મળે એવી ભાવનાથી અંત્યેષ્ટિ સંસ્કાર કરવામાં આવે છે. મૃત્યુ નજીક લાગે ત્યારે સંબંધીઓ એકત્રિત થઈને વ્યક્તિની અંતિમ ઇચ્છા જાણવા મથે છે. હિંદુઓમાં પુણ્યદાન અંગે જાહેરાત થાય છે. મુખમાં તીર્થોદક, ગંગાજળ ને તુલસીપત્ર મૂકે છે. ભગવદ્સ્મરણ કરે છે અથવા ગીતાનો પાઠ કરે છે  ખાસ કરીને આત્માની અમરતા અને દેહની ક્ષણભંગુરતાનો ઉલ્લેખ કરતા શ્લોકોનું પઠન કરે છે. ખ્રિસ્તીઓમાં ધર્મગુરુ પાસે જીવનભર કરેલાં પાપોનો એકરાર કરવાનો રિવાજ છે. મુસ્લિમો પણ કુરાનનું વાચન કરે છે, જેથી જીવ શાંતિથી દેહને ત્યજી શકે.

શબના નિકાલની છ પ્રથાઓ જાણવા મળી છે : (1) ઘરમાં કે આંગણામાં દાટવું, (2) શબને હોય તેવું જ રાખી મૂકવું (ઇજિપ્તની ‘મમી’ પ્રથા), (3) અગ્નિદાહ, (4) જલવિસર્જન, (5) જંગલ કે ખુલ્લામાં શબને મૂકી રાખવું, (6) શબનું ભક્ષણ કરવું. (7) ખાસ કબ્રસ્તાનમાં દાટવું.

ઋગ્વેદ પહેલાં અને પછી પણ અગ્નિદાહની પરંપરા વિશેષ રીતે પ્રચલિત હતી. હિંદુ રિવાજ પ્રમાણે મૃત્યુ થતાં જ શબને સ્નાન કરાવી નવાં વસ્ત્રો પહેરાવી જમીન ઉપર ગાયના છાણનું લીંપણ કરી સુવડાવવામાં આવે છે. આને ચોકો કરવો કહે છે. શબ પાસે દીવો મૂકે છે. ખ્રિસ્તીઓ ક્રૉસ મૂકે છે.

શરૂઆતમાં શબને ઘરમાં જ રાખી મૂકવાનો રિવાજ હતો. તેમાં એવી માન્યતા હતી કે કદાચ મૃતજન કોઈક દિવસ સજીવન થાય. પછી તેનો નિકાલ કરવાની અનેક રીતો અપનાવાઈ. મરનારની પ્રતિષ્ઠા, સ્ત્રી-પુરુષ કે બાળક વગેરેને ધ્યાનમાં લઈ વિધિ થતી હોય છે. મોટેભાગે બાળકને દાટવામાં આવે છે. હિંદુઓમાં અગ્નિસંસ્કાર વખતે માથું ઉત્તર તરફ રહે તે રીતે શબને ચિતા પર મૂકવામાં આવે છે. મુસ્લિમોમાં શબને જમણે પડખે અને મોં મક્કા તરફ રહે તે રીતે સુવાડવામાં આવે છે. ખ્રિસ્તીઓમાં પગ પૂર્વ બાજુ રાખવામાં આવે છે. બૌદ્ધધર્મીઓ પણ માથું ઉત્તર તરફ રાખે છે.

હિંદુઓમાં લગભગ મીટર લાંબા બે વાંસની વચ્ચે દસથી બાર આડા વાંસના ટુકડા થોડા થોડા અંતરે મુંજથી બાંધીને નનામી તૈયાર કરવામાં આવે છે (જે હવે શહેરોમાં તૈયાર મળતી હોય છે.) તેના ઉપર શબને બાંધી ઉપર સફેદ વસ્ત્ર (ખાંપણ), શ્રીફળ, પુષ્પ, ગંધ-દ્રવ્યો વગેરે મૂકવામાં આવે છે. બ્રાહ્મણોમાં સ્નાન કરીને આઠેક જેટલી વ્યક્તિઓ વારાફરતી નનામીને ઉપાડીને શબને સ્મશાનગૃહે લઈ જાય છે. પુત્ર કે નજદીકના સંબંધીઓ કાંધ આપે છે. અપવાદ બાદ કરતાં સ્મશાન સુધી એકલા પુરુષો જ જાય છે. મરનારનો સૌથી મોટો કે નાનો પુત્ર અને તે ન હોય તો ભત્રીજો કે ભાણેજ વગેરે દોણીમાં અગ્નિ સાથે આગળ ચાલે એવી હિંદુ પ્રથા છે. હવે સમયના અભાવે અથવા તો શહેરમાં દૂર દૂર આવેલા સ્મશાનગૃહ સુધી જવા માટે વાહનોનો ઉપયોગ થાય છે. શબવાહિનીમાં નનામી મૂકીને, લઈ જવામાં આવે છે. ડાઘુઓ ‘રામ નામ સત્ હૈ’ અથવા ‘નારાયણ, નારાયણ’ જેવું નામરટણ કરતાં કરતાં શબને સામાન્ય રીતે નદીકિનારે લઈ જાય છે. લાકડાંની (ક્યારેક ચંદનની) ગોઠવેલી ચિતા પર શબને ઉત્તર દિશા તરફ મસ્તક રહે તે રીતે સુવાડીને ઘેરથી લાવેલા અગ્નિને પૂળા સાથે વધુ સળગાવીને અગ્નિદાહ દેવામાં આવે છે. જે પુત્ર અગ્નિદાહ દે તે જ પછીની સરવણી વગેરે ક્રિયાઓ કરે તેવી પરંપરા હોય છે. અગાઉ ત્રીજે દિવસે ટાઢી વાળવાનો રિવાજ હતો. તેમાં દૂધ છાંટીને ભસ્મીભૂત બનેલા પાર્થિવ દેહનાં થોડાં અસ્થિ એકત્રિત કરીને ઘેર લાવતા અને અનુકૂળતાએ પ્રયાગ અથવા નર્મદા જેવી પવિત્ર નદીઓમાં પધરાવતા. અત્યારે સમયના અભાવે સ્મશાનગૃહોમાં અસ્થિ સ્વીકારી પૈસા લઈને પહોંચ આપી સામૂહિક રીતે ત્રિવેણીસંગમમાં અસ્થિ મોકલી આપવાની સગવડ હોય છે.

મૃતદેહ અપવિત્ર એટલે તેના સંબંધીઓ પણ મરણ પછી અમુક દિવસો સુધી અપવિત્ર ગણાતા. મરણોત્તર સંબંધો સાચવવાની ભાવનાથી અન્ન વગેરેનું દાન અને પાપનિવારણ માટે પ્રાર્થના કરવામાં આવતી. આમાંથી કર્મકાંડ ઊભું થયું. રૂપાંતરે આ પિતૃપૂજાનો સંપ્રદાય છે. હિંદુઓમાં 13 દિવસ સુધી સૂતક રાખવામાં આવે છે. મૃત્યુ પછી બીજા કે ત્રીજા દિવસથી બપોરના સમયે ગીતાનો પાઠ બ્રાહ્મણ પાસે કરાવવામાં આવે છે અને રાતે ભજનો કરે છે. કેટલીક જ્ઞાતિમાં બ્રાહ્મણ પાસે ‘ગરુડપુરાણ’નું વાચન કરાવવામાં આવે છે, જેમાં જીવની મૃત્યુ પછીની યાત્રાનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં ભય, શ્રદ્ધા, પાપની ભયાનકતા અને જીવને ‘વૈતરિણી’ પાર કરવાની યાતનાઓ વગેરે અત્યંત ઘેરા રૂપમાં વર્ણવેલી હોય છે. સ્નેહીઓ અને મિત્રો, મૃતના કુટુંબીઓને આશ્વાસન મળે તે હેતુથી ‘બેસણું’ રાખે છે. તેને માટે ઉઠમણું શબ્દ પણ વપરાય છે. પરંતુ પહેલાં હિંદુઓ 10મા દિવસે નાપિતને બોલાવી વપન કરાવી બપોરના દેવદર્શને જઈ શોકની સમાપ્તિ કરે તેને માટે જ ‘ઉઠમણું’ શબ્દ વપરાતો.

હિંદુઓમાં મૃત્યુ પામનારના સદગુણોની પ્રશસ્તિ અને એના વિરહની વ્યથા વ્યક્ત કરતા ‘મરસિયા’ સ્ત્રીઓ દ્વારા ગવાતા. હવે રોવા-કૂટવાની પ્રથા શિક્ષિત સમાજમાંથી લુપ્ત થતી જાય છે.

ઉત્તરક્રિયામાં 10મા દિવસે સુંવાળું કાઢ્યા પછી 11મા દિવસે નદીકિનારે જઈને પિતૃઓ સહિત મૃતાત્માને પિંડદાન કરવામાં આવે છે. 12મા દિવસે ઘેર પિતૃઓને પિંડદાન વગેરેથી શ્રાદ્ધ કરાવી બ્રાહ્મણોને ભોજન અપાય છે. (શરાદી માટે હવે બ્રાહ્મણો ઘણુંખરું બેસતા નથી.) 13મા દિવસે કપડાં, છત્રી, સોટી, પાનપેટી, છીંકણી, પગરખાં, ખાટલો, ગાદલું, ઓશીકું, ચાદર, વાસણો, ઘરેણું, અન્ન ભરેલાં ધાતુપાત્રો વગેરે પુત્રીને કે અન્ય બ્રાહ્મણને આપવામાં આવે છે તે સજ્જા અથવા શય્યાદાન કહેવાય છે. પ્રતિમાસ બ્રાહ્મણને સીધું અને દક્ષિણા માટીનાં જલપાત્ર અને નવાં વસ્ત્ર સહિત અપાય તેને માસિયો કે માસિશો કહેવાય છે.  બ્રાહ્મણોમાં દરેક માસ પૂરો થવા પહેલાં નજીકના દિવસે પિંડ બનાવી શ્રાદ્ધક્રિયા કરવામાં આવે છે. એને માસિક શ્રાદ્ધ કહે છે. વર્ષને અંતે પ્રેતની વિદાયની ઉજવણી પણ ભોજન અને દાન સાથે કરાય છે તે વાર્ષિક શ્રાદ્ધવરશી કહેવાય છે.

બાળકના મૃત્યુના આરંભના ત્રણ દિવસ મકાનની છત પર દીપ અને મૃત્તિકાપાત્રમાં દૂધ મૂકવામાં આવે છે.

હિંદુઓની પ્રેતની મુક્તિ અને પિતૃઓની શાંતિ અર્થે કરવામાં આવતી આ ધાર્મિક વિધિ સંકુલ અને ખર્ચાળ પણ હોય છે. શિક્ષિત લોકોમાં હવે જ્ઞાતિભોજન(પ્રેત-ભોજન)ની પ્રથા ઘટી ગઈ છે. પ્રેતકર્મ કે પિંડદાન કરનાર ન હોય તો અવગતિ થાય એવી દૃઢ માન્યતાનો ‘લુપ્તપિંડોદકક્રિયા’ શબ્દોથી ગીતામાં ઉલ્લેખ છે. વળી અપમૃત્યુ કે અકાલમૃત્યુ થયું હોય તો ‘નારાયણ-બલિ’ કરાવવાનો રિવાજ છે. નારાયણ એટલે વિષ્ણુને અર્પણ થતાં દ્રવ્યોની ધાર્મિક વિધિ.

સંન્યાસી સ્વેચ્છાએ પ્રાણત્યાગ કરે તો તેને દાટીને ઉપર સમાધિ રચવામાં આવે છે. તે બ્રહ્મલીન થયા ગણાય છે. બાકીના સાધુઓના સામાન્ય રીતે નદીકિનારે અગ્નિસંસ્કાર થતા હોય છે. નદીમાં પથ્થર સાથે શબને વહાવી દેવાનો રિવાજ પણ છે.

આ અવલમંજિલના સ્થાન માટે સ્મશાન, કબ્રસ્તાન વગેરે શબ્દો વપરાય છે. અંતસમયે ‘કલમા’ બોલે તો સ્વર્ગમાં જાય એવી મુસ્લિમોમાં માન્યતા છે. મૃત્યુ પછી કુરાનમાંથી ‘ફાતિહા’ પણ ભણે છે. મુસ્લિમો શબને દાટવા માટે કબ્રસ્તાનમાં સરઘસ-આકારે લઈ જાય છે. શબની પાલખીને જનાજો કહે છે. તેઓ માને છે કે મૃતાત્મા કયામતને દિવસ સુધી ભૂમિમાં સૂતો રહે છે.

બેસણા માટે મુસ્લિમો ઝિયારત અને સિંધી લોકો ‘પઘડી’ શબ્દ વાપરે છે.

મિસરમાં શબને સાચવવાનો રિવાજ હતો. પણ તે ખર્ચાળ હોવાથી રાજાઓ અને ઉમરાવો પૂરતો મર્યાદિત હતો. લાકડા જેવું, સૂકું થઈ ગયેલું શબ ‘મમી’ તરીકે ઓળખાતું. તેમાં મસાલો ભરવામાં આવતો. રાજા કે ઉમરાવના ‘મમી’ ઉપર બંધાયેલ શંકુ આકારની કબર કે સમાધિને પિરામિડ કહે છે.

શ્રીલંકા, ચીન, મ્યાનમાર વગેરે દેશોમાંના બૌદ્ધો મૃતદેહને ખુલ્લી જગામાં ઝાડ ઉપર, ખડક ઉપર કે પછી બાંધવામાં આવેલા લાકડાના મંચ ઉપર એવી ભાવનાથી રાખવામાં આવતો કે પક્ષી કે પ્રાણીઓના ખોરાક તરીકે કામ આવે. પારસીઓ મૃતદેહના કાન પાસે મંત્ર ભણીને કશ્તી કમરે બાંધે છે, પછી અગિયારીમાં ખાસ મુકરર કરેલા કૂવામાં (દખ્મ) લટકાવે છે, તેનો થોડા દિવસોમાં ગીધ ભક્ષણ કરીને નાશ કરે છે.

ખ્રિસ્તીઓમાં પુનર્જન્મની કલ્પના નથી. અંત્ય સંસ્કારનું ગીત (dirge) ગાવાની પ્રથા છે. બૌદ્ધ ધર્મના અનુયાયીઓ બેત્રણ મહિના સુધી શબને પેટીમાં મૂકીને ધર્મપાઠ કરે છે અને પછીથી તેને અગ્નિદાહ દે છે.

જૈનો ત્રીજા દિવસે રાખને નદીમાં પધરાવી જૈન મંદિરમાં પાઠપૂજા કરીને દસ દિવસ સુધી સૂતક પાળે છે. અન્ય કર્મકાંડ તેમનામાં નથી હોતું, પણ દાનધર્મ કરે છે.

શીખ સંપ્રદાયમાં મરનાર અંગે શોક-વિલાપ નિષિદ્ધ ગણાય છે. તેઓ ધાર્મિક પ્રાર્થના કરે છે. તેમનામાં મૃતનું સ્મારક પણ નિષિદ્ધ ગણાય છે. દસ દિવસ ઓછું-વત્તું સૂતક પાળે છે. તે દરમિયાન સૂવા-બેસવાનું જમીન પર જ રાખે છે. મરનારને ઘેર ગ્રંથસાહિબમાંથી પાઠ કરે છે.

જ્યૂ લોકોમાં પુનર્જન્મની કલ્પના નથી. મરનાર પિતૃઓ પાસે જાય છે એમ માને છે. પ્રેતદહન થતું નથી, પણ દફન થાય છે. સાત દિવસનું સૂતક અને દફનના દિવસે ઉપવાસ કરે છે. બીજે દિવસે મૃતકના નજીકના સંબંધીઓ મિષ્ટભોજન કરતા હોય છે. તેમના ધર્મગ્રંથ તાલમુદમાંથી ‘કાદિશ’ મંત્રો બોલવાનો રિવાજ છે.

લિંગાયતમાં અગ્નિસંસ્કાર થતા નથી. મૃતદેહને મીઠા સાથે જમીનમાં દાટી દે છે. તેઓ સૂતક પાળતા નથી અને વર્તુળાકારમાં બેસી ભોજન કરે છે.

જંગલી પ્રજાઓમાં શબને ખાવાનો રિવાજ પ્રચલિત હતો. મરનારની શક્તિ અને ગુણો પ્રાપ્ત થાય એવી માન્યતાથી પ્રેરાઈને તે હાડકાંને પણ ખાંડીને ખાતા કે પીતા.

સામાન્ય રીતે એક વરસ સુધી શોક પાળવાનો રિવાજ હોય છે. તે દરમિયાન લગ્ન ઇત્યાદિ શુભ કાર્યો નિષિદ્ધ ગણાતાં હોવાથી ઉજવાતા નથી. ઉતાવળ હોય તો બેડું સોંપીને સ્ત્રીઓ શોકદર્શક વસ્ત્રો બદલે છે.

ધંધાદારી વિલાપ કરનાર વ્યક્તિઓનો સાથ લઈને પણ ગ્રીસ, રોમ, મિસર, ભારત વગેરે દેશોમાં આંસુ સારી મરસિયા જેવાં ગીત ગાઈને મરનારના વિરહનો આઘાત શમાવવાનો પ્રયત્ન થાય છે.

સદગતની પાછળ ધાર્મિક કે સામાજિક સંસ્થાઓને નાનાં-મોટાં દાન આપવાનો રિવાજ પણ પ્રચલિત છે. શ્રીમંતો મોટાં ટ્રસ્ટો બનાવે છે અને મરનારની સ્મૃતિ અર્થે પ્રતિમા, તૈલચિત્ર, બાવલું, વગેરે તૈયાર કરાવે છે, રસ્તાઓ કે સંસ્થાઓ સાથે નામ જોડવાં વગેરે વિવિધ પ્રકારે જીવાત્માની સ્મૃતિ જાળવવાની પરંપરા રૂઢ થતી જાય છે.

રોગચાળો, અકસ્માત વગેરેમાં થતાં અસંખ્ય મૃત્યુને લીધે પણ સમૂહમાં અગ્નિદાહ દેવાય છે. વનસ્પતિ અને સમયના બચાવ અર્થે હાલમાં મહાનગરોમાં વિદ્યુત-સ્મશાનગૃહોનો ઉપયોગ કરવામાં આવે છે.

રમણિકભાઈ જાની