અંત:સ્રાવી તંત્ર

January, 2001

અંત:સ્રાવી તંત્ર

(Endocrine system)

(માનવ અને માનવેતર પ્રાણીઓમાં) શરીરનાં કાર્યોનું રસાયણો દ્વારા નિયમન કરનાર તંત્ર. શરીરનાં કાર્યોનું નિયમન બે તંત્રો કરે છે : (1) ચેતાતંત્ર (nervous system) અને (2) અંત:સ્રાવી તંત્ર. ચેતાતંત્ર વીજ-આવેગો (electrical impulses) વડે અને  અંતસ્રાવી તંત્ર નલિકારહિત (ductless) ગ્રંથિઓના લોહીમાં સીધાં પ્રવેશતાં રસાયણો, અંત:સ્રાવો (hormones), પ્રતિપોષી (feed back) નિયંત્રણની અસર હેઠળ આ કાર્ય કરે છે. બંને તંત્રો એકબીજાંનું પણ નિયમન કરે છે. અંત:સ્રાવી તંત્રની ગ્રંથિઓ પણ એકબીજીનું નિયમન કરે છે.  અંત:સ્રાવી તંત્રની અસરોની સરખામણીમાં ચેતાતંત્રીય અસરો ઝડપી અને ટૂંકા સમયની હોય છે.

અંત:સ્રાવો : ગ્રંથિઓ દ્વારા ઉત્પન્ન થતો સ્રાવ (secretion) નળી વાટે કોઈ અવયવના પોલાણમાં પ્રવેશતો નથી, પરંતુ સીધો લોહીમાં પ્રવેશે છે તેથી તેને અંત:સ્રાવ કહે છે. અંત:સ્રાવ અલ્પ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે તથા તેની અસર તેના લક્ષ્ય-અવયવ (target organ) પર મર્યાદિત સમય માટે જ હોય છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં કેટલાક ચેતાકોષો માત્ર અંત:સ્રાવી કાર્ય કરે છે. પૃષ્ઠવંશી પ્રાણીઓ (માનવસહિત)માં અંત:સ્રાવી ગ્રંથિઓ ઉપરાંત મૂત્રપિંડ (kidney), સ્વાદુપિંડ (pancreas), શુક્રપિંડ (testis), અંડપિંડ (ovary), જઠર (stomach), નાનું આંતરડું (small intestine) અને જરાયુ (placenta) જેવા અન્ય કાર્ય કરતા શરીરના અવયવો પણ અંત:સ્રાવ ઉત્પન્ન કરે છે. માનવમાં અંત:સ્રાવ ઉત્પન્ન કરતા સઘળા અવયવો આકૃતિ-1માં દર્શાવ્યા છે. કેટલીક ગ્રંથિઓ અંત:સ્રાવી તેમજ બહિ:સ્રાવી (exocrine) પણ હોય છે. (દા.ત., સ્વાદુપિંડ.)

કાર્યો : અંત:સ્રાવી તંત્રના મુખ્ય ચાર કાર્યો છે : (1) શરીરમાંનાં રસાયણોનાં બંધારણ, પ્રમાણ અને ચયાપચય(metabolism)ના નિયમન દ્વારા શરીરમાંના આંતરિક પર્યાવરણને જાળવી રાખવું; (2) ચેપ, ઈજા, લાગણીજન્ય તણાવ (emotional stress), શરીરમાંનું પાણી ઘટી જવું (નિર્જલન, dehydration), ભૂખ્યા રહેવું (starvation), લોહીનું અતિશય વહી જવું, શરીરના તાપમાનમાં મોટો ફેરફાર થવો વગેરે સંકટમય (emergency) પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિભાવ (response) આપવો, (3) વૃદ્ધિ અને વિકાસનો સરળ, ક્રમિક સમન્વય કરવો, તથા (4) પ્રજનન અંગેની ક્રિયાઓ જેવી કે શુક્રકોષ (sperm) અને અંડકોષ (ovum)નું જનન, ફલીકરણ, ભ્રૂણ (embryo) અને ગર્ભ (foetus)નું પોષણ, જન્મ તથા નવજાત શિશુનું પોષણ વગેરે ક્રિયાઓનું પ્રાણીઓમાં નિયમન કરવું.

આકૃતિ 1 : અંત:સ્રાવી તંત્ર : માનવશરીરમાંની વિવિધ ગ્રંથિઓ : (1) અધશ્ચેતક, (2) પીયૂષિકા ગ્રંથિ, (3) શંકુપિંડ (pineal body), (4) ગલગ્રંથિ, (5) પરાગલગ્રંથિઓ, (6) વક્ષસ્થગ્રંથિ(thymus gland), (7) અધિવૃક્કગ્રંથિ, (8) મૂત્રપિંડ, (9) જઠર, (10) નાનું આંતરડું, (11) સ્વાદુપિંડ, (12) શુક્રપિંડ (નર), (13) અંડગ્રંથિ (માદા). ચિત્રમાં દર્શાવેલા અન્ય અવયવો (જે અંત:સ્રાવી ગ્રંથિતંત્રના ભાગરૂપ નથી) : (અ) મગજ, (આ) સ્વરપેટી, (ઇ) શ્વાસનળી, (ઈ) ફેફસું, (ઉ) હૃદય, (ઊ) ગર્ભાશય (માદા), (ઋ) શુક્રગ્રંથિકોષા (નર).

પ્રકાર : અંત:સ્રાવો મુખ્યત્વે બે પ્રકારના છે – જલદ્રાવ્ય (water soluble) અને મેદદ્રાવ્ય (fat soluble). પીયૂષિકા (pituitary) ગ્રંથિ, પરાગલ (parathyroid) ગ્રંથિ, સ્વાદુપિંડ તથા અધિવૃક્ક-મધ્યક (adrenal medulla)ના પ્રોટીન, પ્રોટીનજન્ય કે ઍમિનોઍસિડ(amino acid)વાળા અંત:સ્રાવો જલદ્રાવ્ય હોય છે. અધિવૃક્ક-બાહ્યક (adrenal cortex), અંડપિંડ તથા શુક્રપિંડના કૉલેસ્ટેરૉલમાંથી બનતા સ્ટીરૉઇડ અંત:સ્રાવો મેદદ્રાવ્ય હોય છે. (1) ઑલિગો પેપ્ટાઇડ અંત:સ્રાવોના દાખલા અધશ્ચેતક (hypothalamus) અને પીયૂષિકાગ્રંથિના અંત:સ્રાવો (2) પૉલિપેપ્ટાઇડ અંત:સ્રાવોના દાખલા પીયૂષિકાગ્રંથિ, અધશ્ચેતક, પરાગલગ્રંથિ, સ્વાદુપિંડ, જઠર, આંતરડું અને જરાયુમાં ઉત્પન્ન થતા અંત:સ્રાવો, (3) સ્ટીરૉઇડ અંત:સ્રાવો. અધિવૃક્ક બાહ્યક, અંડપિંડ, શુક્રપિંડ તથા જરાયુ(placenta)ના અંત:સ્રાવો, (4) કેટેકોલ-એમાઇન અને બાયોજેનિક-એમાઇન દા.ત., અધિવૃક્ક મધ્યક.

આકૃતિ 2 : અંત:સ્રાવી કોષોની મુખ્ય ગોઠવણીઓ : (i) કોષાવલિઓ (cell cords) અને વિવરાભો (sinusoids), (ii) ગલગ્રંથિમાંની પુટિકા (follicle) વ્યવસ્થા, (iii) નસમાંના લોહીની અંદર અંત:સ્રાવ ભેળવી શકે તેવા ચેતાસ્રાવી ચેતાકોષો.

કાર્યપદ્ધતિ : (જુઓ આકૃતિ 3) જલદ્રાવી અંત:સ્રાવો પ્રોટીન-સંશ્લેષણ (synthesis) દ્વારા ઉત્પન્ન થાય છે. તેમની ગ્રંથિઓ ભ્રૂણની પેશી(embryonal tissue)ની અંતસ્ત્વચા (endoderm) કે બહિસ્ત્વચા(ectoderm)માંથી ઉત્પન્ન થાય છે. લોહીમાં પ્રવેશેલો જલદ્રાવી અંત:સ્રાવ લક્ષ્ય-અવયવના કોષ પરના નિશ્ચિત સ્વીકારક (receptor) સાથે જોડાય છે. અંત:સ્રાવ કોષ સુધી માહિતી પહોંચાડે છે માટે તેને પ્રથમ સંદેશવાહક (first messenger) કહે છે. કેટલાક અંત:સ્રાવો કોષમાંના એડીનાઇલ સાઇક્લેઝ (adenyl cyclase), નામના ઉત્સેચકને કાર્યશીલ કરે છે. આ ઉત્સેચક સાઇક્લિક (ચક્રીય)

આકૃતિ 3 : અંત:સ્રાવોની લક્ષ્યકોષ પર અસર : (અ) જલદ્રાવ્ય અંત:સ્રાવો, (આ) મેદદ્રાવ્ય અંત:સ્રાવ

ઍડિનોસિઇન – 3, 5 મોનોફૉસ્ફેટ(cyclic adinosine – 3, 5 – monophosphate; cyclic AMP)નું ઉત્પાદન કરે છે. સાઇક્લિક એ. એમ.પી.ને દ્વિતીય સંદેશવાહક કહેવામાં આવે છે, જે કોષમાં જરૂરી ફેરફારો આણે છે. આમ, મોટાભાગના જલદ્રાવી અંત:સ્રાવો કોષમાંના સાઇક્લિક એ.એમ.પી.નું પ્રમાણ વધારીને પોતાનું કાર્ય કરે છે. પ્રૉસ્ટાગ્લૅન્ડિનો નામનાં દ્રવ્યો પણ સાઇક્લિક એ.એમ.પી.ના પ્રમાણને અસર કરે છે. અલ્પમૂત્રક (antidiuretic) અંત:સ્રાવ, ગર્ભાશય-આકુંચની (oxytocin) અંત:સ્રાવ, પુટિકા-ઉત્તેજક (follicular stimulating) અંત:સ્રાવ, પીતપિંડકારી (leutinising) અંત:સ્રાવ, ગલગ્રંથિ ઉત્તેજક (thyroid stimulating) અંત:સ્રાવ, અધિવૃક્ક-બાહ્યક ઉત્તેજક (adrenocorticotrophic) અંત:સ્રાવ, અલ્પકૅલ્શિયમકારી (calcitonin) અંત:સ્રાવ, પરાગલગ્રંથિ અંત:સ્રાવ, અતિગ્લુકોઝકારી (glucagon) અંત:સ્રાવ, એડ્રીનાલિન તથા નોરએડ્રીનાલિન વગેરે અંત:સ્રાવો ઉપર જણાવેલી પદ્ધતિ પ્રમાણે કામ કરે છે. અન્ય જલદ્રાવી અંત:સ્રાવો, ઇન્સ્યુલિન, વૃદ્ધિકારી (growth) અંત:સ્રાવ તથા દુગ્ધકારી (prolactin) અંત:સ્રાવ, સાઇક્લિક એ.એમ.પી. દ્વારા પોતાનું કાર્ય કરતા નથી. તેમના દ્વિતીય સંદેશવાહકો જ્ઞાત નથી.

સ્ટીરૉઇડ અંત:સ્રાવો તથા ગલગ્રંથિ અંત:સ્રાવો તેમના કોષ પરના સ્વીકારકો સાથે સંયોજાઈને કોષકેન્દ્રમાં પ્રવેશે છે. તેઓ કોષકેન્દ્રમાંના નિશ્ચિત જનીનને ઉત્તેજીને જરૂરી ઉત્સેચકોનું સર્જન કરે છે. આમ જલદ્રાવી તથા મેદદ્રાવી અંત:સ્રાવો અલગ અલગ પ્રક્રિયા દ્વારા પોતાનું કાર્ય કરે છે.

અંત:સ્રાવની કાર્યપદ્ધતિ : અંત:સ્રાવો કોષમાં ચાર પ્રકારનાં કાર્ય કરે છે :

(અ) કોષપટલ(cell membrane)ની પ્રવેશશીલતા (perme-ability) અન્ય પદાર્થો માટે વધારે છે; દા.ત., ઇન્સ્યુલિન અંત:સ્રાવ કોષમાં ગ્લુકોઝની પ્રવેશશીલતામાં વધારો કરે છે તેમજ અલ્પમૂત્રક અંત:સ્રાવ મૂત્રપિંડનલિકામાં પાણીની પ્રવેશશીલતામાં વધારો કરે છે.

(આ) કેટલાક ઉત્સેચકોના ઉત્પાદનમાં અંત:સ્રાવો જરૂરી છે.

(ઇ) કેટલાક ઉત્સેચકોનાં કાર્યોના નિયમન માટે અંત:સ્રાવો અગત્યના છે.

(ઉ) કેટલાક અંત:સ્રાવો લક્ષ્યકોષોના કાર્યની ગતિનું નિયમન કરે છે; દા.ત., કેટેકોલ એમીન પ્રકારના અંત:સ્રાવો સંદેશાવાહક તરીકે કાર્ય કરી લક્ષ્યકોષોના કાર્યને ઝડપી બનાવે છે, જ્યારે સ્ટીરૉઇડ અંત:સ્રાવ અને ગલગ્રંથિ અંત:સ્રાવની અસરને લીધે લક્ષ્યકાર્યોની ગતિ ધીમી પડે છે.

અંત:સ્રાવોનું નિયંત્રણ : (જુઓ આકૃતિ 4) શરીરમાં દરેક ચોક્કસ સમયે જરૂરી પ્રમાણમાં અંત:સ્રાવ લોહીમાં પ્રવેશે તે માટે તેનું નિયમન કરવામાં આવે છે. આ પ્રમાણમાં થતો બિનજરૂરી વધારો કે ઘટાડો રોગ અથવા વિકાસ સર્જે છે. મુખ્યત્વે સ્રાવોનું નિયમન વ્યસ્ત પ્રતિપોષી નિયંત્રણ (negative feedback control) દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના નિયમનમાં અંત:સ્રાવને કારણે થતી ચયાપચયી અસર અંત:સ્રાવના લોહીમાં સ્રાવનું પ્રમાણ ઘટાડે છે; દા.ત., પરાગલ ગ્રંથિનો અંત:સ્રાવ લોહીમાંના કૅલ્શિયમનું પ્રમાણ જાળવે છે. જો લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ ઘટે તો પરાગલગ્રંથિ અંત:સ્રાવનો સ્રાવ વધે અને કૅલ્શિયમનું પ્રમાણ વધે તો લોહીમાં પરાગલગ્રંથિના અંત:સ્રાવનું પ્રમાણ ઘટે (જુઓ અતિકૅલ્શિયમતા). અલ્પકૅલ્શિયમકારી અંત:સ્રાવ, ઇન્સ્યુલિન, આલ્ડોસ્ટીરૉન વગેરે અંત:સ્રાવનું નિયમન આ પ્રમાણે થાય છે.

આકૃતિ 4 : અંત:સ્રાવનું પ્રતિપોષી નિયંત્રણ. નોંધ : (+) ઉત્તેજન (–) નિગ્રહણ. પ્રક્રિયા : અંત:સ્રાવી ગ્રંથિ (અ) અંત:સ્રાવ ઉત્પન્ન કરે છે, જે લક્ષ્ય અંત:સ્રાવી ગ્રંથિ (આ) અથવા લક્ષ્ય અવયવના કાર્યનું ઉત્તેજન કરે છે. લક્ષ્ય અંત:સ્રાવી ગ્રંથિ અથવા લક્ષ્ય અવયવ તેમના કાર્ય કે અંત:સ્રાવ દ્વારા મૂળ અંત:સ્રાવી ગ્રંથિ(અ)નું નિગ્રહણ કરે છે.

ચેતાના આવેગો અથવા સંદેસસંકેતો (nerve impulses) એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન, અલ્પમૂત્રક (antidiuretic) અંત:સ્રાવ તથા ગર્ભાશય-આકુંચની (oxytocin) અંત:સ્રાવનો લોહીમાં સ્રાવ કરાવે છે. અધશ્ચેતક(hypothalamus)માંથી આવતા ચેતા-આવેગો અલ્પમૂત્રક અને ગર્ભાશય-આકુંચની અંત:સ્રાવોનો સ્રાવ કરાવે છે. ગર્ભાશય-આકુંચની અંત:સ્રાવ સિવાયના આ જૂથના અંત:સ્રાવોનું આમ ચેતાતંત્રના માધ્યમ દ્વારા નકારાત્મક કે વ્યસ્ત પ્રતિપોષી નિયમન થાય છે. પીયૂષિકા ગ્રંથિના અગ્રખંડ(anterior lobe)ના અંત:સ્રાવોનું અધશ્ચેતકમાં ઉત્પન્ન થતાં રાસાયણિક દ્રવ્યો (factors) દ્વારા નિયમન થાય છે. આવાં રાસાયણિક દ્રવ્યો વિમુક્ત કે વિમોચક (releasing) અને વિમોચનવિરોધી (release inhibiting) પ્રકારનાં હોય છે. વિમોચક દ્રવ્યો અંત:સ્રાવનું પ્રમાણ વધારે છે, જ્યારે વિમોચનવિરોધી દ્રવ્ય તે પ્રમાણે ઘટાડે છે.

આમ ચેતાકીય અંત:સ્રાવી નિયંત્રણ (neuroendocrine control) ચાર પ્રકારનું હોય છે :

(1) અંત:સ્રાવ–અંત:સ્રાવ પ્રતિપોષી તંત્ર

        અ. દીર્ઘ પ્રતિપોષી તંત્ર

        આ. લઘુ પ્રતિપોષી તંત્ર

        ઇ. અતિ લઘુ પ્રતિપોષી તંત્ર

(2) ચયાપચયક (દા.ત., ગ્લુકોઝ, કૅલ્શિયમ અને પાણી)

(3) ચેતા-અંત:સ્રાવ પ્રતિપોષી તંત્ર

(4) રેનિન-એંજિયોટેન્સિન તંત્ર

મગજમાં આવેલા અધશ્ચેતકનો બીજી અંત:સ્રાવી ગ્રંથિઓ પર ઘણો પ્રભાવ હોય છે. અધશ્ચેતકમાંથી વહેતું લોહી નિવાહી (portal) અભિસરણ-તંત્ર દ્વારા પીયૂષિકા ગ્રંથિમાં અધશ્ચેતક અંત:સ્રાવને ઠાલવે છે. (જુઓ આકૃતિ 5.)

અધશ્ચેતકમાંથી સ્રાવ થતા 7 જેટલા જુદા જુદા વિમોચક અંત:સ્રાવોની (releasing hormones) અસર હેઠળ અગ્રપીયૂષિકા ગ્રંથિના જુદા જુદા ભાગો અંત:સ્રાવોનું સંશ્લેષણ કરવા પ્રેરાય છે. આમ વિમોચક અંત:સ્રાવો અગ્રપીયૂષિકા ગ્રંથિને સક્રિય બનાવી તેમાંથી 6થી 7 સક્રિય અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે. આવી રીતે અધશ્ચેતકમાંથી ઉદભવતા વિમોચક અંત:સ્રાવો પીયૂષિકા ગ્રંથિ પર કાબૂ ધરાવે છે, તેને લીધે હવે પીયૂષિકા ગ્રંથિને પ્રધાન અંત:સ્રાવી ગ્રંથિ તરીકે ગણવામાં આવતી નથી. અધશ્ચેતક ગ્રંથિ પોતે પણ સ્વયં ઉત્તેજિત અંગ નથી અને તેને સક્રિય બનાવવામાં મધ્યવર્તી ચેતાતંત્ર  મુખ્ય ભાગ ભજવે છે, જ્યારે મધ્યવર્તી ચેતાતંત્ર પોતે બાહ્ય તેમજ આંતરિક ઉદ્દીપનો(stimuli)ની અસરથી ક્રિયાશીલ બને છે (આકૃતિ 6).

આકૃતિ 5 : અધશ્ચેતક દ્વારા પીયૂષિકા ગ્રંથિનું નિયંત્રણ : (1) અધશ્ચેતક, (2) અધશ્ચેતકીય કેન્દ્રો, (3) અધશ્ચેતક-પીયૂષિકા ચેતાપથ (nerve tract), (4) પશ્ચ (posterior) પીયૂષિકા ગ્રંથિ, (5) દૃષ્ટિપથ ચતુર્થક (optic chiasma), (6) ખોપરીના તળનું હાડકું, (7) અગ્ર (anterior) પીયૂષિકા ગ્રંથિ, (8) અધશ્ચેતકીય લોહીની નસોનું જાળું, (9) અધશ્ચેતકમાંથી અગ્ર પીયૂષિકામાં જતી લોહીની નસો, (10) અગ્રપીયૂષિકામાં લોહીની નસોનું જાળું, (11) પીયૂષિકા બખોલ (sella tursica). નોંધ : પીયુષિકા ગ્રંથિનું નિયંત્રણ ચેતા દ્વારા ચેતાકીય નિયંત્રણ કે નિવાહીઅભિસરણતંત્ર દ્વારા એમ બે રીતે થાય છે. (અ) ચેતાકીય નિયંત્રણ  અધશ્ચેતકીય કેન્દ્રોમાંથી ચેતાપથ દ્વારા પશ્ચ પીયૂષિકા ગ્રંથિમાં આવતા અંત:સ્રાવ (1, 2, 3, 4). (આ) અધશ્ચેતકનું નિવાહી અભિસરણ તંત્ર દ્વારા અગ્રપીયૂષિકાનું નિયંત્રણ (1, 7, 8, 9, 10). તીરની દિશા લોહીના વહનની દિશા દર્શાવે છે.

પૃષ્ઠવંશીઓની અધશ્ચેતક ગ્રંથિમાં વિમોચક (releasing) અને વિમોચન-વિરોધી અંત:સ્રાવો અથવા ઘટકો ઉત્પન્ન થાય છે, જે લોહીની નસો વાટે પીયૂષિકા ગ્રંથિમાં પહોંચીને તેનું નિયમન કરે છે (જુઓ આકૃતિ 4 અને 5 અને સારણી 1). અધશ્ચેતકના અંત:સ્રાવોનાં નામ નીચે મુજબ છે :

(1) ગલગ્રંથિ ઉત્તેજક અંત:સ્રાવ (TSH)-વિમોચક અંત:સ્રાવ (TSH-RH). (2) પુટિકા (follicle) ઉત્તેજક અંત:સ્રાવ-વિમોચક અંત:સ્રાવ (FSH-RH), (3) પીતપિંડકારી અંત:સ્રાવ-વિમોચક અંત:સ્રાવ (LH-RH), (4) અધિવૃક્ક-બાહ્યક(adreno-cortical)- ઉત્તેજક અંત:સ્રાવ  વિમોચક અંત:સ્રાવ (ACTH-RH) (5, 6) વૃદ્ધિકારક (growth) અંત:સ્રાવ  વિમોચક અંત:સ્રાવ (GH-RH) અને વિમોચનવિરોધી અંત:સ્રાવ (GH-RIH), (7, 8) દુગ્ધકારી (prolactin) અંત:સ્રાવ-વિમોચક અંત:સ્રાવ (P-RH) અને વિમોચનવિરોધી (P-RIH) અંત:સ્રાવ તથા (9, 10) કૃષ્ણકોષ (melanocyte) ઉત્તેજક અંત:સ્રાવ-વિમોચક અંત:સ્રાવ (MSH-RH) અને વિમોચનવિરોધી અંત:સ્રાવ (MSH-RIH).

આકૃતિ 6 : પર્યાવરણની અસર હેઠળ ચેતા અંત:સ્રાવ ઘટના

વ્યસ્ત પ્રતિપોષી વ્યવસ્થા (negative feedback mecha- nism) : આ વ્યવસ્થા સમજાવવા પીયૂષિકા ગ્રંથિ અને ગલગ્રંથિના પારસ્પરિક સંબંધનો દાખલો લઈએ. અધશ્ચેતક ગ્રંથિમાંથી પીયૂષિકા ગ્રંથિમાં લોહી મારફતે ઠલવાતો TSH-RH પીયૂષિકા ગ્રંથિમાં આવેલા કેટલાક કોષોને ઉત્તેજિત કરે છે. પરિણામે તે ગ્રંથિમાંથી TSH અંત:સ્રાવ રુધિરમાં ઠલવાય છે, જે ગલગ્રંથિ પર અસર કરે છે. તેને લીધે TSHના પ્રભાવ હેઠળ ગલગ્રંથિના કોષો ઉત્તેજિત થઈને પોતાનો અંત:સ્રાવ રુધિરમાં ઠાલવે છે. રુધિરમાં ગલગ્રંથિ અંત:સ્રાવનું સ્તર અગત્યનું છે. જો રુધિરમાં તે સ્તર સામાન્ય કરતાં ઓછું થાય તો અધશ્ચેતક ઉત્તેજિત થઈને વધુ ને વધુ TSH-RHને પીયૂષિકા ગ્રંથિમાં ઠાલવશે, તેથી પીયૂષિકા ગ્રંથિ સામાન્ય કરતાં વધુ પ્રમાણમાં TSHનું સંશ્લેષણ કરીને ગલગ્રંથિને વધુ સક્રિય બનાવશે અને તેનો વધુ પ્રમાણમાં સ્રાવ કરશે. પરંતુ જો તેનું સ્તર રુધિરમાં વધે તો અધશ્ચેતકના કાર્ય પર પ્રતિકૂળ અસર થઈને ઓછો TSH-RH પીયૂષિકા ગ્રંથિમાં પ્રવેશશે. એ રીતે ઓછા પ્રમાણમાં TSHનો સ્રાવ રુધિરમાં થવાથી ગલગ્રંથિની ક્રિયાશીલતા ઘટશે. આવી રીતે અધશ્ચેતક પીયૂષિકા ગ્રંથિ અને ગલગ્રંથિ વચ્ચે સ્વયં-નિયમન વ્યવસ્થા જોવા મળે છે (આકૃતિ 7).

દીર્ઘ પ્રતિપોષી નિયંત્રણ : આ પ્રતિપોષી નિયંત્રણમાં ત્રણ અવયવો સંકળાયેલા છે : અધશ્ચેતક ગ્રંથિ, પીયૂષિકા ગ્રંથિ અન ગલગ્રંથિ અથવા અન્ય અંત:સ્રાવ ગ્રંથિ. આ ત્રણ વચ્ચેની પ્રતિપોષી વ્યવસ્થાને દીર્ઘ પ્રતિપોષી નિયંત્રણ (long feedback control) કહે છે.

લઘુ પ્રતિપોષી નિયંત્રણ : અહીં માત્ર બે અંત:સ્રાવી ગ્રંથિઓ એકબીજીને ઉત્તેજિત કરે છે. અધશ્ચેતકમાંથી ઝરતો FSH-RH સ્રાવ રુધિર મારફતે અગ્રપીયૂષિકા ગ્રંથિના કેટલાક કોષોને ઉત્તેજિત કરે છે.

અતિ લઘુ પ્રતિપોષી નિયંત્રણ : આમાં માત્ર એક અંત:સ્રાવી ગ્રંથિ નિયંત્રણ કરતી હોય છે.

સ્વયંવર્તી ચેતાતંત્ર (autonomic nervous system) દ્વારા અંત:સ્રાવોનું નિયંત્રણ : સ્વયંવર્તી ચેતાતંત્ર પણ અંત:સ્રાવોનું નિયંત્રણ કરતું હોય છે; દા.ત., ભય જેવા સંજોગોમાં અનુકંપી (sympathetic) ચેતાતંત્ર અધિવૃક્ક મધ્યકને ઉત્તેજે છે. પરિણામે, એડ્રીનાલિન તેમજ નોરએડ્રીનાલિન અંત:સ્રાવો વિપુલ પ્રમાણમાં રુધિરમાં ઠલવાય છે. તેની અસર હેઠળ હૃદયના ધબકારા વધવા, કેશવાહિનીની દીવાલમાં આવેલા સાદા (smooth) સ્નાયુઓ સંકોચન પામવા અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધવા જેવી પ્રક્રિયાઓ શરીરમાં જોવા મળે છે. આથી ઊલટું, આનંદ જેવી લાગણીના પરિણામે પરાનુકંપી (parasympathetic) ચેતાતંત્ર રુધિરમાં એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિનનું પ્રમાણ ઘટાડે છે. તેની અસરથી હૃદયના ધબકારા ઓછા થવા, કેશવાહિનીઓમાં આવેલા સાદા સ્નાયુઓ શિથિલ બનવા અને રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટવા જેવી પ્રક્રિયાઓ શરીરમાં થાય છે.

આકૃતિ 7 : અધશ્ચેતક  પીયૂષિકા ગ્રંથિ  ગલગ્રંથિનાં કાર્યોનું સ્વયંનિયંત્રણ (પ્રતિપોષી પરિપથ દ્વારા)

અંત:સ્રાવી તંત્રની અધશ્ચેતક, પીયૂષિકા ગ્રંથિ અને શંકુ (pineal) ગ્રંથિ જેવી અગત્યની અંત:સ્રાવી ગ્રંથિઓ મસ્તિષ્કમાં આવેલી છે.

અધશ્ચેતક ગ્રંથિ : એ મસ્તિષ્કમાં આવેલા ગળણી (funnel) જેવા ચેતક(thalamus)નો નીચેનો ભાગ છે. અધશ્ચેતક મધ્યકશૃંગિકા (median eminence) દ્વારા પીયૂષિકા ગ્રંથિ સાથે જોડાયેલું છે. અધશ્ચેતકમાં અનેક અંત:સ્રાવી કેન્દ્રો આવેલાં છે, જેમાંથી સ્રાવ થતાં 10 જેટલા અંત:સ્રાવો અગ્ર પીયૂષિકા પર કાબૂ ધરાવે છે. અધશ્ચેતકમાં અનેક અંતર્વાહી અને બહિર્વાહી ચેતાપથો આવેલા હોય છે. ઑક્સિટોસિન અને વાસોપ્રેસિન પશ્ચપીયૂષિકા ગ્રંથિના અંત:સ્રાવો, અધશ્ચેતકમાં ઉત્પન્ન થઈ અધિ-ર્દક્ (supraoptic) ચેતાપથ અને પરાનિલય (paraventricular) ચેતાપથ દ્વારા પશ્ચપીયૂષિકા ગ્રંથિમાં ઠલવાય છે (જુઓ આકૃતિ 5).

(1) પીયૂષિકા ગ્રંથિ : માનવોમાં પીયૂષિકા 1.3 સેમી.ના વ્યાસવાળી નાની ગોળ ગ્રંથિ હોય છે; તે સ્ફેનોઇડ હાડકાની પીયૂષિકા ગુહા(sella tursica)માં આવેલી છે. તે મગજના અધશ્ચેતક નામના ભાગ સાથે દંડ (stalk) વડે જોડાયેલી હોય છે. તેના મુખ્ય બે ખંડો હોય છે  – અગ્રખંડ (anterior lobe) અને પશ્ચ ખંડ (posterior lobe). બંને ખંડો વચ્ચે લોહીની નસો સહિત એક મધ્યભાગ (pars intermedia) આવેલો હોય છે. અગ્રખંડ ગ્રંથિનો પોણા ભાગનો વિસ્તાર છે, જે મુખ્યત્વે અંત:સ્રાવોનું ઉત્પાદન કરી શરીરની અન્ય અંત:સ્રાવી ગ્રંથિઓનું તથા શરીરની વૃદ્ધિ અને ચામડીના રંગનું નિયંત્રણ કરે છે (આકૃતિ 8).

આકૃતિ 8 :  અધશ્ચેતક-પીયૂષિકા ગ્રંથિ-અંત:સ્રાવી ગ્રંથિઓની ધરી દ્વારા અંત:સ્રાવોનું ઉત્પાદન અને નિયંત્રણ. નોંધ : ACTH-અધિવૃક્ક-બાહ્યક ઉત્તેજી અંત:સ્રાવ, LH- પીતપિંડકારી અંત:સ્રાવ, FSH-પુટિકા ઉત્તેજી અંત:સ્રાવ, TSH-ગલગ્રંથિ ઉત્તેજી અંત:સ્રાવ, RH-વિમોચક અંત:સ્રાવ, RIH-વિમોચન વિરોધી અંત:સ્રાવ, TRH-ગલગ્રંથિ ઉત્તેજી અંત:સ્રાવનો વિમોચક અંત:સ્રાવ, GH-વૃદ્ધિકારક અંત:સ્રાવ, P-દુગ્ધકારી અંત:સ્રાવ(prolactin), MSH-કૃષ્ણકોષ ઉત્તેજી અંત:સ્રાવ, ADH-અલ્પમૂત્રક અંત:સ્રાવ. (જુઓ સારણી 1) નોંધ : (+) ઉત્તેજન, (-) નિગ્રહણ અથવા અવદાબન.

પશ્ચખંડ અધશ્ચેતકમાંના ચેતા-અંત:સ્રાવી (neuroendocrine) કોષોમાં ઉત્પન્ન થયેલા બે અંત:સ્રાવોને લોહીમાં ભેળવે છે. પશ્ચખંડમાં આ અંત:સ્રાવો અધશ્ચેતક પીયૂષિકા ગ્રંથિને જોડતા ચેતાપથ દ્વારા આવે છે (આકૃતિ 4). અગ્ર પીયૂષિકાના અંત:સ્રાવોનું ઉત્પાદન અને વિમુક્તિ અધશ્ચેતકમાં ઉત્પન્ન થતા વિમોચક (releasing) અંત:સ્રાવો કે ઘટકો (factors) અને વિમોચનવિરોધી (realease inhibitory) અંત:સ્રાવો કે ઘટકોથી થાય છે. આ અંત:સ્રાવો અધશ્ચેતકમાંથી અગ્ર પીયૂષિકામાં વિશિષ્ટ લોહીની નસોના ગૂંથણ દ્વારા આવે છે (આકૃતિ 4). આને પીયૂષિકાનિવાહી તંત્ર (pituitary-portal system) કહે છે.

પશ્ચ પીયૂષિકા ખંડ અંત:સ્રાવી ગ્રંથિ નથી. અધશ્ચેતકમાંના ચેતાસ્રાવી (neuro-secretory) કોષોમાં ઉત્પન્ન થયેલા ગર્ભાશય-આકુંચની અંત:સ્રાવ (oxytocin) તથા અલ્પમૂત્રક અંત:સ્રાવ અધશ્ચેતક પીયૂષિકા-ચેતાપથ વાટે પશ્ચ પીયૂષિકામાં આવેલી લોહીની નસોમાં પ્રવેશે છે. ગર્ભાશય આકુંચની અંત:સ્રાવ, ગર્ભધારી ગર્ભાશયના શિશુજન્મ સમયે સ્નાયુઓને સંકોચે છે તથા સ્તનની દુગ્ધગ્રંથિઓના આકુંચનશીલ કોષોને સંકોચીને દૂધનો સ્રાવ કરાવે છે. અલ્પમૂત્રક અંત:સ્રાવ જરૂર પડ્યે પેશાબનું પ્રમાણ ઘટાડીલોહી વહી જતું હોય ત્યારે લોહીનું દબાણ વધારવા માટે કાર્યશીલ બને છે.

પીયૂષિકા ગ્રંથિ દરેક પૃષ્ઠવંશી પ્રાણીમાં આવેલી હોય છે. વિહગોમાં અગ્ર અને મધ્ય પીયૂષિકા એકબીજીમાં વિલીન થયેલી હોય છે. અહીં પીયૂષિકા LHનો સ્રાવ કરે છે, પરંતુ તેની અસર હેઠળ પીતપિંડ(corpus luteum)નો વિકાસ થતો નથી. દરેક પૃષ્ઠવંશી પ્રાણીમાં પ્રોલેક્ટિનનો સ્રાવ થાય છે, પરંતુ તે માટે અસરકારક નીવડે તેવા અવયવો માત્ર સસ્તન પ્રાણીઓમાં જ જોવા મળે છે.

પીયૂષિકાના GH(વૃદ્ધિકારક અંત:સ્રાવ)ની વધઘટ સાથે સંકળાયેલી ક્ષતિઓ : અંત:સ્રાવનું પ્રમાણ વધુ થવાથી શરીરનો વિકાસ રાક્ષસી બને છે (જુઓ અતિકાયતા, સમ અને વિષમ). GH અંત:સ્રાવનું પ્રમાણ ઘટવાથી શરીરનો વિકાસ બરાબર થતો નથી, તેમજ ગલગ્રંથિનો સ્રાવ ઘટે છે. પરિણામે માનવી ઠિંગુજી (dwarf) બને છે. TSHનો સ્રાવ ઘટવાથી મિક્ઝિડીમાની ક્ષતિ પણ ઉત્પન્ન થાય છે.

રુધિરમાં વાસોપ્રેસિન(ADH, અલ્પમૂત્રક અંત:સ્રાવ)નું પ્રમાણ ઘટવાથી શરીરનું પાણી, પેશાબ વાટે વધુ પ્રમાણમાં બહાર નીકળી જાય છે. આ ઘટના અતિમૂત્રતા (diuresis) તરીકે ઓળખાય છે. ઑક્સિટોસિનના સ્રાવનું પ્રમાણ ઘટવાથી દૂધનો સ્રાવ ઓછો થઈ જાય છે, એથી નવજાત શિશુની તંદુરસ્તી જળવાતી નથી.

સારણી 1 : અગ્ર પીયૂષિકા ગ્રંથિના અંત:સ્રાવો

અંત:સ્રાવો કાર્ય નિયમન વિકાર
વૃદ્ધિકારક

અંત:સ્રાવ (GH)

શરીરની વૃદ્ધિ,

લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ

વધારે.

અધશ્ચેતક :

વિમોચન અંત:સ્રાવ (ઘટક)

(GH-RH)  વિમોચનવિરોધી

અંત:સ્રાવ (ઘટક) (GH-RIH)

અતિસ્રાવ :

અતિકાયતા સમ અથવા

વિષમ અલ્પસ્રાવ; વામનતા

ગલગ્રંથિ-ઉત્તેજક

અંત:સ્રાવ (TSH)

ગલગ્રંથિના અંત:સ્રાવનું

ઉત્પાદન અને સ્રાવ.

અધશ્ચેતક :

વિમોચક અંત:સ્રાવ

અતિ:સ્રાવ : અતિગલગ્રંથિતા

(hyperthyroidism)

અંત:સ્રાવ અલ્પગલગ્રંથિતા

(hypothyroidism)

અંડપુટિકા-ઉત્તેજક

(follicular stimulating)

અંત:સ્રાવ (FSH)

સ્ત્રીઓમાં : અંડગ્રંથિમાં દરેક

ઋતુચક્રમાં એક અંડકોષનું તથા

ઇસ્ટ્રૉજનનું ઉત્પાદન, પુરુષોમાં :

શુક્રગ્રંથિમાં શુક્રકોષનું ઉત્પાદન.

અધશ્ચેતક : વિમોચક અંત:સ્રાવ

(FSH-RH)

(menstrual cycle)ના વિકારો

અલ્પસ્રાવ : અફલિતતા

(infertility) અને ઋતુચક્ર

પીતપિંડકારી

(leutinising)

(LH)

સ્ત્રીઓમાં : ઇસ્ટ્રૉન સાથે રહીને

આ અંત:સ્રાવ અંડકોષની મુક્તિ

તથા ફલિત અંડકોષને સ્વીકારવા

ગર્ભાશયને તૈયાર કરે છે તે

પીતપિંડ  (corpus leuteum) તથા

સ્તનગ્રંથિઓને  તૈયાર કરે છે.

પુરુષોમાં : ટેસ્ટિરૉનનું ઉત્પાદન.

અધશ્ચેતક તથા જરાયુ

(placenta) : વિમોચક અંત:સ્રાવ

(LH-RH)

અલ્પસ્રાવ : અફલિતતા

ઋતચક્રના વિકારો

અધિવૃક્ક-બાહ્યક-ઉત્તેજક

(adrenocortico trophic)

અંત:સ્રાવ (ACTH)

અધિવૃક્ક-બાહ્યક

(adrenal cortex)ના

અંત:સ્રાવોનું ઉત્પાદન.

અધશ્ચેતક : વિમોચક

અંત:સ્રાવ (ACTH-RH)

અતિસ્રાવ: કુશિંગનું સંલક્ષણ

અલ્પસ્રાવ : એડીસનનો રોગ

કૃષ્ણકોષ-ઉત્તેજક

(melanocyte

stimulating)

અંત:સ્રાવ (MSH)

ચામડીમાં કાળા રંગના

કણોનો વધારો કરવો.

અધશ્ચેતક : વિમોચક અંત:સ્રાવ

(MSH-RH) વિમોચન વિરોધી

અંત:સ્રાવ (MSH-RIH)

અતિસ્રાવ : ચામડીનું કાળા

પડવું

દુગ્ધકારી અંત:સ્રાવ

(prolactin)

સ્તનગ્રંથિઓમાં દૂધનું ઉત્પાદન

શરૂ કરવું તથા યથાવત્

ચાલુ રાખવું.

દુગ્ધકારી અંત:સ્રાવ-વિમોચન-

વિરોધી અંત:સ્રાવ (P-RIH)

(અધશ્ચેતકીય)

અતિસ્રાવ : પ્રોલેક્ટિનોમા,

અતિ દુગ્ધસ્રાવતા અથવા

અતિસ્તન્ય સ્રાવતા

(galactorrhoea) તથા

ઋતુચક્રના વિકારો

(2) શંકુ પિંડ (pineal body) : તે અંતર્ મસ્તિષ્કમાંથી ઉત્પન્ન થતી ગોળાકાર ગ્રંથિ છે અને દંડ પર ગોઠવાયેલી હોય છે. આ દંડ એક અથવા બે શાખાવાળો હોઈ શકે છે. કેટલાંક પ્રાણીઓમાં અગ્ર અને પશ્ચ તરીકે ઓળખાતી બે પિનિયલ ગ્રંથિઓ જોવા મળે છે. પિનિયલ ગ્રંથિમાંથી બાયૉજેનિક એમાઇન અંત:સ્રાવ ઉત્પન્ન થાય છે, જેમાં મુખ્યત્વે મેલાટોનિન, સેરોટોનિન, 5-હાઇડ્રૉક્સિઇન્ડોલ-એસિટિક ઍસિડ, 5-મિથૉક્સિ ટ્રિપ્ટોફોલ અને 5-મિથૉક્સિઇન્ડોલ. એસેટિક ઍસિડ, નોર-એડ્રીનાલિન વગેરેનો સમાવેશ થાય છે. આ અંત:સ્રાવ પર્યાવરણમાં આવેલા પ્રકાશની અસર હેઠળ મધ્યવર્તી ચેતાતંત્રમાં થતા ફેરફારને આભારી છે.

મેલાટોનિન : મેલાટોનિન પ્રજનનમાં અગત્યનો ભાગ ભજવે છે, કારણ કે તે જનનગ્રંથિના વૃદ્ધિકારક અંત:સ્રાવો, FSH અને LHના કાર્યમાં અવરોધ ઉત્પન્ન કરે છે. મેલાટોનિનનું નિર્માણ માત્ર રાત્રિના સમયે થઈ શકે છે. પ્રાણીઓની શિશિરનિદ્રા(hybernation)ના સમય દરમિયાન મેલાટોનિનનું ઉત્પાદન વધારે પ્રમાણમાં થતું હોય છે, જેથી તેઓની જનનગ્રંથિઓ નાની અને નિષ્ક્રિય હોય છે. મેલાટોનિનનું પ્રમાણ વધતાં FSH અને LHની ક્રિયાશીલતા ઘટે છે. આનાથી વિપરીત સ્થિતિ એટલે કે પ્રાણીઓને કાયમ માટે પ્રકાશમાં રાખવામાં આવે તો મેલાટોનિનનું પ્રમાણ ઘટીને, જનનગ્રંથિઓ સદાકાળ ક્રિયાશીલ બને છે.

(3) ગલગ્રંથિ : ગલગ્રંથિના બે ખંડો સ્વરપેટીની નીચે અને શ્વાસનળીની બંને બાજુએ આવેલા છે. આ બંને ખંડો એકબીજા સાથે સેતુ (isthmus) દ્વારા જોડાયેલા હોય છે. દરેક ગલગ્રંથિના ખંડની પાછળ એક જોડ નાની ગોળાકાર પરાગલગ્રંથિ આવેલી હોય છે. દરેક પૃષ્ઠવંશી પ્રાણીમાં આવેલી ગલગ્રંથિનું નિર્માણ કંઠનાલીય દીવાલના અધોગ્રસની ખાંચના (endostyle) ભાગમાંથી થાય છે. ગલગ્રંથિનું ચેતાકરણ (innervation) આ વિસ્તારમાં આવેલી અનુકંપી ચેતાઓ અને સર્વગામી (vagus) ચેતામાંથી નીકળતી શાખાઓ દ્વારા થાય છે.

ગલગ્રંથિ પુટિકાઓ(follicles)ની બનેલી હોય છે. પુટિકાઓમાં કોષો એક સ્તરમાં ગોઠવાયેલા હોય છે અને આ કોષોમાંથી કલિલી પ્રકારનો અંત:સ્રાવ ઉત્પન્ન થઈ, તે પુટિકાઓના પોલાણમાં ઠલવાય છે. પુટિકાઓના કોષો બે પ્રકારના હોય છે : પ્રધાનકોષો અને કલિલકોષો. પ્રધાનકોષો અંત:સ્રાવના ઉત્પાદનમાં અગત્યનો ભાગ ભજવે છે, જ્યારે કલિલકોષો અંત:સ્રાવનું ઉત્પાદન કરી શકતા નથી. ગલગ્રંથિના સ્રાવને થાયરૉક્સિન કહે છે, જે સ્રાવી કોષોના અગ્રભાગમાં એકઠો થાય છે. તેનો અણુભાર વધુ હોવાથી તે કોષ તરલપટમાંથી પસાર થઈ શકતો નથી. પરિણામે ભારની અસર હેઠળ અગ્ર તરલપટનો ભાગ તૂટી જતાં અંત:સ્રાવનો સંગ્રહ પુટિકાના પોલાણમાં થાય છે, જે પછીથી કલિલ (colloid) તરીકે ઓળખાય છે; જ્યારે અંત:સ્રાવનો રુધિરમાં પ્રવેશ થતાં પહેલાં કોષમાં આવેલા નત્રલ-વિઘટક ઉત્સેચકો થાયરૉગ્લોબ્યુલિનને નાના નાના ઘટકોમાં ફેરવે છે. આ નાના ઘટકો પશ્ચ ભાગમાંથી પસાર થઈ રુધિરમાં ઠલવાય છે. આમ ગલગ્રંથિ અંત:સ્રાવ બને છે.

અલ્પકૅલ્શિયમકારી અંત:સ્રાવ : ગલગ્રંથિની પુટિકાઓની બહારની બાજુએ આવેલા કોષોમાં ઉત્પન્ન થાય છે.

ગલગ્રંથિની અંત:સ્રાવી અસર હેઠળ ચયાપચયની ક્રિયાઓનું નિયંત્રણ થાય છે, જેથી મૂળ ચયાપચયિક દર (basal metabolic rate) જળવાય છે, શરીરના વિકાસની ગતિનું નિયંત્રણ થાય છે. દેડકામાં આ ગલગ્રંથિ રૂપાંતરણની ક્રિયા (metamorphosis) પર કાબૂ રાખે છે.

અધશ્ચેતક, પીયૂષિકા ગ્રંથિ કે ગલગ્રંથિના સ્રાવોનું પ્રમાણ વધે ત્યારે અતિગલગ્રંથિતા થાય છે, આંખો મોટી થાય છે અને બહાર નીકળે છે, ગલગ્રંથિ મોટી થાય છે (ગલગંડ, goitre, આકૃતિ 9). હૃદયની ગતિ વધે છે, ચામડી ગરમ અને ભીની રહે છે, ભૂખ વધે છે પરંતુ વજન ઘટે છે તથા વ્યક્તિ ગરમી સહન કરી શકતી નથી. સમય જતાં ચેતાતંતુઓ તથા સ્નાયુઓની શિથિલતા થાય છે. આ જ ગ્રંથિઓની અલ્પસ્રાવતામાં અલ્પગલગ્રંથિતા થાય છે. વિકાસ અને વૃદ્ધિનાં વર્ષોમાં તે ક્રેટિનિઝમ અને પુખ્ત વયમાં તે મિક્ઝિડીમાને નામે ઓળખાય છે. ક્રેટિન ઠીંગણો અને અલ્પબુદ્ધિવાળો હોય છે. મિક્ઝિડીમાનો દર્દી શરીર પરના ઘટ્ટ સોજા, ધીમી અને અતાલબદ્ધ હૃદયગતિ, સૂકી અને ફાટેલી ચામડી, ઠંડક ન સહી શકવાની ફરિયાદ, સ્નાયુઓની શિથિલતા, વજનનો વધારો તથા બુદ્ધિની તીવ્રતામાં થયેલો ઘટાડો અનુભવે છે. ગલગ્રંથિનો અલ્પકૅલ્શિયમકારી (calcitonin) અંત:સ્રાવ લોહીમાંના કૅલ્શિયમનું પ્રમાણ ઘટાડે છે. તેનું પ્રમાણ ગલગ્રંથિના મધ્યક-કૅન્સર(medullary carcinoma of thyroid)માં વધે છે. ક્યારેક આયોડિનની ઊણપ હોય ત્યારે ગલગ્રંથિનું કદ મોટું થાય છે જેને સાદી ગલગંડિતા (simple goitre) કહે છે.

આકૃતિ 9 : અતિગલગ્રંથિતાવાળી સ્ત્રી : (1) બહિર્નેત્રતા, (exophthalmos)વાળી મોટી આંખો અને (2) ગલગંડિતા

(4) પરાગલગ્રંથિ : બે જોડમાં આવેલી આ પરાગલગ્રંથિઓ ગલગ્રંથિની પાછળની સપાટી પર ગોઠવાયેલી હોય છે. દરેક પરાગલગ્રંથિ 6થી 7 મિમી. લાંબી અને 2થી 3 મિમી. જાડી હોય છે, જ્યારે તેનું વજન આશરે 35 મિ.ગ્રામ જેટલું હોય છે.

પરાગલગ્રંથિમાં વધારાની સંખ્યામાં આવેલા મુખ્ય કોષો અને ઓછી સંખ્યામાં આવેલા ઑક્સિફિલ કોષો  એમ બે પ્રકારના કોષો હોય છે, જેમાં મુખ્ય કોષ ગોળાકાર કોષકેન્દ્ર અને સ્વચ્છ કોષતરલનો બનેલો હોય છે. આ કોષો પરાગલગ્રંથિ-અંત:સ્રાવનું ઉત્પાદન કરે છે, જે મુખ્યત્વે રુધિરમાં કૅલ્શિયમનું સ્તર જાળવી રાખે છે. ઑક્સિફિલ કોષો કદમાં મોટા હોય છે અને ઇઓસિનોફિલિક પ્રકારના કોષ તરલ ઉપરાંત કદમાં નાનાં કોષકેન્દ્રો ધરાવતા હોય છે.

અલ્પપરાગલગ્રંથિતા(hyporparathyroidism)ના રોગમાં લોહીમાંનું કૅલ્શિયમનું પ્રમાણ ઘટે છે. કૅલ્શિયમની અલ્પતા સમયે સ્નાયુઓ ખેંચાય છે, તેમનું સતત આકુંચન (spasm) થાય છે અને આંચકી (convulsions) પણ આવે છે. આને અંગુલિવંકતા (tetany) કહે છે (જુઓ અંગુલિવંકતા).  પરાગલગ્રંથિનો સ્રાવ વધે ત્યારે હાડકામાંનું કૅલ્શિયમ ઘટે છે, લોહીમાં કૅલ્શિયમનું પ્રમાણ વધે છે તથા શરીરના જુદા જુદા અવયવોમાં કૅલ્શિયમ જમા થાય છે. જઠરમાં ચાંદી પડે છે તથા પેશાબમાર્ગમાં પથરી ઉત્પન્ન થાય છે. કૅલ્શિયમ વગરના પોચા પડેલા હાડકામાં સતંતુ કોષ્ઠો (fibrous cysts) ઉત્પન્ન થાય છે. આવી, સામાન્ય રીતે, અતિ પરાગલગ્રંથિતા ગ્રંથિમાં થયેલી ગાંઠને કારણે થાય છે (જુઓ અતિકૅલ્શિયમતા).

(5) સ્વાદુપિંડ અને લૅંગરહાન્સના કોષપુંજ : સ્વાદુપિંડ એક મિશ્ર ગ્રંથિ છે, જે ઉત્સેચકો તેમજ અંત:સ્રાવોનું નિર્માણ કરે છે. સ્વાદુપિંડ પક્વાશયના ગૂંચળામાં આવેલું હોય છે. તે 12.5 સેમી. લાંબું અને 85 ગ્રામ વજનનું હોય છે અને તે પુટિકાઓનું બનેલું હોય છે. આ પુટિકાઓ ઉત્સેચકોનો સ્રાવ કરે છે, જે પાચક રસ તરીકે આંતરડામાં ઠલવાય છે. પુટિકાઓની વચ્ચે આવેલા લૅંગરહાન્સના કોષપુંજના બીટા (β) કોષો ઇન્સ્યુલિન અને આલ્ફા (α) કોષો ગ્લુકાગૉન અંત:સ્રાવોને ઉત્પન્ન કરે છે, જે રુધિરમાં ઠલવાય છે. આ બંને નત્રલયુક્ત અંત:સ્રાવો કાર્બોહાઇડ્રેટ ચયાપચય પર એકબીજાથી વિપરીત અને પરસ્પરવિરોધી રીતે અસર કરે છે. ઇન્સ્યુલિન રુધિરમાં ગ્લુકોઝના સ્તરને ઘટાડે છે. કોષતરલકલાની ગ્લુકોઝ માટેની પ્રવેશશીલતા વધારે છે. ગ્લુકાગૉનની અસર હેઠળ યકૃતમાં ગ્લાયકોજનનું વિઘટન થાય છે. પરિણામે છૂટા થયેલા ગ્લુકોઝના અણુઓ પ્રવેશવાથી રુધિરમાં ગ્લુકોઝનું સ્તર વધે છે. વળી ગ્લુકાગૉન અંત:સ્રાવ ઍમિનોઍસિડમાંથી ગ્લુકોઝ બનાવવામાં મદદરૂપ બને છે. ચૂષમુખા (cyclostomate) પ્રાણીઓ સિવાય અન્ય અમેરુદંડી પ્રાણીઓમાં સ્વાદુપિંડ આવેલું હોતું નથી, જ્યારે બધાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં સ્વાદુપિંડ જોવા મળે છે.

ઇન્સ્યુલિનની ઊણપથી મધુપ્રમેહ (diabetes mellitus) નામનો રોગ થાય છે (જુઓ મધુપ્રમેહ). બીટા કોષપુંજોની કૅન્સરની ગાંઠને કારણે અતિઇન્સ્યુલિનતા (hyperinsulinism) થાય છે. ક્યારેક થતા આ રોગને કારણે માનસિક શિથિલતા, આંચકી, બેભાન અવસ્થા, આઘાત તથા લોહીમાં ગ્લુકોઝ-અલ્પતા થાય છે.

(6) જઠરાંત્રીય અંત:સ્રાવો : અન્નમાર્ગમાં પણ કેટલીક અંત:સ્રાવી ગ્રંથિઓ આવેલી હોય છે. તે અન્નના પાચનની ક્રિયાઓને એકસૂત્રી કરે છે. જઠરની દીવાલની ગ્રંથિઓમાં ઉત્પન્ન થઈને રુધિરમાંથી વહેતો ગૅસ્ટ્રિન અંત:સ્રાવ જઠરની ઉત્સેચક ગ્રંથિઓને પેપ્સિનનો સ્રાવ કરવા ઉત્તેજે છે તેમજ જઠરના સ્નાયુઓને સંકોચવા પ્રેરે છે. વળી, અમ્લયુક્ત ખોરાક જ્યારે પક્વાશયમાં પ્રવેશે છે ત્યારે ત્યાં આવેલા શ્લેષ્મસ્તર કોષો (intestinal mucosal cells) સિક્રિટિન તેમજ કોલિસિસ્ટોકાઇનિન પૅન્ક્રિયોઝાયમિન(CCK-PZ)ના  અંત:સ્રાવને રુધિરમાં રેડે છે. તેની અસર હેઠળ સ્વાદુપિંડની ગ્રંથિઓ ક્રિયાશીલ બને છે. વધુમાં તેઓ યકૃત, પિત્તાશય અને આંતરડાની ક્રિયાશીલતા પર કાબૂ ધરાવે છે. વળી, સિક્રિટિનની અસર હેઠળ જઠરામ્લના સ્રાવમાં ઘટાડો થાય છે. CCK-PZ અંત:સ્રાવ થતાં, જઠરીય અંત:સ્રાવી ગ્રંથિઓમાંથી નીકળતો અંત:સ્રાવ મર્યાદિત બને છે.

(7) અધિવૃક્ક ગ્રંથિ : અધિવૃક્ક ગ્રંથિ મૂત્રપિંડની ઉપર આવેલી હોય છે. તેનું કદ 50 મિમી. × 30 મિમી. × 10 મિમી. જેવડું છે. આ ગ્રંથિ બાહ્યક (cortex) અને મધ્યક (medulla)  એમ બે ભાગમાં વિભાજિત હોય છે. જોકે, માત્ર સસ્તન પ્રાણીઓમાં આ બંને ભાગ સ્પષ્ટપણે જુદા થયેલા જોઈ શકાય છે.

અધિવૃક્ક ગ્રંથિનો બાહ્યક ભાગ ત્રણ સ્તરમાં વહેંચાયેલો હોય છે; જે અનુક્રમે ગ્લોમેરુલોસા સ્તર, ફેસિક્યુલેટા સ્તર અને રેટિક્યુલેટા સ્તર તરીકે ઓળખાય છે. આ ત્રણેય સ્તરના કોષો બે પ્રકારના સ્ટીરૉઇડ અંત:સ્રાવો ઉત્પન્ન કરે છે. તેમાં ગ્લુકોકોર્ટિકૉઇડ અંત:સ્રાવો યકૃતમાં થતી કાર્બોહાઇડ્રેટની ચયાપચયની ક્રિયાઓનું અને મિનરલોકોર્ટિકૉઇડ રુધિરના ક્ષારોનું નિયંત્રણ કરનાર અંત:સ્રાવ છે.

બાહ્યકમાં ઉત્પન્ન થતા સ્ટીરૉઇડ અંત:સ્રાવો : કોલેસ્ટેરૉલ સૌપ્રથમ ACTHની અસર હેઠળ Δ 5  પ્રેગ્નેનોલોનમાં રૂપાંતર પામે છે. આ પ્રક્રિયાથી કોલેસ્ટેરૉલ જે C-27 સ્ટીરૉઇડ છે તે વિઘટન પામીને C-21 સ્ટીરૉઇડમાં ફેરવાય છે. હવે Δ 5  પ્રેગ્નેનોલોનને ઉત્સેચકો 3P  ઑલ  ડિહાઇડ્રોજિનેસ અને Δ 4-5 આઇસોમરેઝની હાજરીમાં પ્રોજેસ્ટેરૉનમાં ફેરવે છે. પ્રોટેસ્ટેરૉન બાહ્યકમાં ઉત્પન્ન થતા બીજા અંત:સ્રાવો માટે અગત્યનો છે. પ્રોજેસ્ટિરૉન બે જુદા જુદા પથ દ્વારા ભિન્ન ભિન્ન અંત:સ્રાવોનું ઉત્પાદન કરે છે.

માનવોમાં ત્રણ મિનરલોકોર્ટિકૉઇડ (ક્ષાર-નિયંત્રક) અંત:સ્રાવો ઉત્પન્ન થાય છે, જેમાંનો 95 % ભાગ આલ્ડૉસ્ટીરૉન નામનો અંત:સ્રાવ છે. તે મૂત્રપિંડમાંની મૂત્રકનલિકાઓ દ્વારા સોડિયમ અને પાણીનું પુન:શોષણ વધારે છે. જ્યારે પણ શરીરમાં પાણી કે સોડિયમનો ઘટાડો થાય અથવા ઘણું લોહી વહી જાય ત્યારે મૂત્રપિંડમાંના ગુચ્છક-સમીપ તંત્ર(juxta-glomerular system)માંથી રેનિન નામનું દ્રવ્ય લોહીમાં પ્રવેશે છે. રેનિન એન્જિઓટેન્સિનોજન નામના લોહીમાંના પદાર્થને અનુક્રમે પ્રથમ અને પછીથી દ્વિતીય એન્જિઓટેન્સિનમાં ફેરવે છે. એન્જિઓટેન્સિન (દ્વિતીય) અધિવૃક્કના બાહ્યકમાંથી આલ્ડૉસ્ટીરૉનનું ઉત્પાદન અને સ્રાવ વધારે છે. તેથી લોહીમાં પાણી અને ક્ષારનું પ્રમાણ વધે છે અને લોહીનું દબાણ જળવાઈ રહે છે. લોહીમાં પાણીનું પ્રમાણ વધે ત્યારે આની વિપરીત ક્રિયા દ્વારા આલ્ડૉસ્ટીરોનનું પ્રમાણ ઘટે છે. આમ, આલ્ડૉસ્ટીરૉન રેનિનએન્જિઓટેન્સિન તંત્ર દ્વારા નિયંત્રિત રહે છે. આલ્ડૉસ્ટીરૉનનો સ્રાવ વધે ત્યારે અતિઆલ્ડૉસ્ટીરોનિતા થાય છે (જુઓ આલ્ડૉસ્ટીરૉન).

મુખ્ય ગ્લુકોકોર્ટિકૉઇડ અંત:સ્રાવો ત્રણ છે – હાઇડ્રૉકોર્ટિસોન, કૉર્ટિકૉસ્ટિરોન અને કૉર્ટિઝોન. તેમની ઉપર જણાવેલ ચયાપચયી અસર ઉપરાંત અન્ય અગત્યની અસરો છે, જે આઘાત જેવા તણાવ(stress)ના સમયે જીવનરક્ષક અસર ઉત્પન્ન કરે છે. જીવન ટકાવવા માટે આ અંત:સ્રાવ અતિઆવશ્યક છે. તે ઉપરાંત પ્રતિશોથકારી (anti-inflammatory) શક્તિને કારણે તે મૃદુ પેશીઓના સોજાના રોગોમાં ઉપયોગી ઔષધ પણ છે. તેની અતિસ્રાવતા કુશિંગનો સંલક્ષણ અને અલ્પસ્રાવતા એડિસનનો રોગ સર્જે છે.

એડ્રીનાલિન અને નોરએડ્રીનાલિનનું નિર્માણ : સૌપ્રથમ ટાયરોસિન ઑક્સિડાઇઝ થઈને 3, 4 ડાયહાઇડ્રૉક્સિફિનાઇલ એલેનિન યાને ડોપા(DOPA)માં ફેરવાય છે. પછી ડોપાનું ડિ-કાબૉર્ક્સિલેશન થતાં ડોપામિન બને છે. ત્યારબાદ ડોપામિનના ઑક્સિડેશનથી નોર-એડ્રીનાલિન બને છે, જ્યારે નોર-એડ્રીનાલિનના મિથાઇલીકરણથી એડ્રીનાલિન બને છે. નોર-એડ્રીનાલિન ચેતાતંત્રના ઉદ્દીપનમાં અગત્યનો ભાગ ભજવે છે. જ્યારે એડ્રીનાલિન કાર્બોહાઇડ્રેટની ચયાપચયની ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. એડ્રીનાલિનની અસર હેઠળ યકૃતમાં આવેલા ગ્લાયકોજનનું વિઘટન થવાથી રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધે છે, અને સ્નાયુપેશીમાં આવેલા ગ્લાયકોજનને તે લૅક્ટિક ઍસિડમાં ફેરવે છે. આ લૅક્ટિક ઍસડ રુધિર દ્વારા યકૃતમાં પ્રવેશતાં તે ફરીથી ગ્લાયકોજનમાં રૂપાંતર પામે છે.

અધિવૃક્કના મધ્યકના ક્રોમાફિન (ધૂલિવર્ણક) કોષાની ગાંઠને ધૂલિવર્ણક-કોષાર્બુદ (pheochromocytoma) કહે છે. તેમાં મધ્યક અંત:સ્રાવોનું પ્રમાણે વધે છે, જેથી લોહીનું દબાણ, હૃદયની ગતિ, લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ તથા ચયાપચયનું પ્રમાણ વધે છે, પરસેવો વળે છે, દર્દીના શરીરમાંથી પાણી તથા ક્ષારનું પ્રમાણ ઘટે છે, દર્દીના લોહીના દબાણમાં અચાનક સખત વધઘટના ફેરફારો થાય છે. શસ્ત્રક્રિયા દ્વારા તેનો ઉપચાર શક્ય છે.

(8) શુક્રપિંડ : નરમાં જનનગ્રંથિ તરીકે એક શુક્રપિંડની જોડ આવેલી હોય છે. શુક્રકોષજનન તેમજ સ્ટીરૉઇડના અંત:સ્રાવોનું નિર્માણ  – એ એનાં બે મુખ્ય કાર્યો છે.  શુક્રકોષજનન ક્રિયા માટે આશરે 330 થી 340 સે. તાપમાન અગત્યનું છે, જ્યારે ઉદરગુહાનું તાપમાન 370 સે.થી વધુ હોય છે. તાપમાનની વિપરીત અસર ટાળવા શુક્રપિંડ બહાર લટકતી વૃષણકોથળી(શુક્રગ્રંથિકોશા)માં આવેલી હોય છે. વહેલ, હાથી, સીલ જેવાં કેટલાંક સસ્તન પ્રાણીઓમાં શુક્રપિંડ સામાન્યપણે ઉદરગુહામાં જોવા મળે છે; પરંતુ પ્રજનન-ઋતુ દરમિયાન તે વૃષણકોથળીમાં ઊતરે છે. આ પ્રાણીઓની શુક્રગ્રંથિની આસપાસ ટ્યુનિકા આલ્બુજિનિયા કહેવાતું એક જાડું આવરણરૂપ પડ હોવાથી ઉદરપ્રદેશના તાપમાનની અસર શુક્રકોષજનનની ક્રિયા પર થતી નથી. (જુઓ અનવસ્થિત શુક્રગ્રંથિતા.)

શુક્રપિંડની સૂક્ષ્મ રચના : શુક્રપિંડ શુક્રજનક-નલિકાઓની બનેલી હોય છે અને નલિકાઓની ફરતે આવેલા મધ્યાવકાશોમાં લેડિગના કોષો હોય છે. આ કોષો પીયૂષિકા ગ્રંથિના LH અંત:સ્રાવની અસર હેઠળ, ટેસ્ટૉસ્ટિરોન કહેવાતા અંત:સ્રાવનું સંશ્લેષણ કરે છે. શુક્રજનક-નલિકાઓમાં વિકાસના વિવિધ તબક્કાના કોષો જોવા મળે છે. નલિકાઓની ફરતે આવેલા આવરણને આધારકલા (basal membrane) કહે છે. નલિકાઓના પોલાણમાં અનુક્રમે આદિશુક્રકોષો, પૂર્વશુક્રકોષો, પ્રશુક્રકોષો અને શુક્રકોષો ગોઠવાયેલા જોવા મળે છે. આધારકલા ઉપર સરટોલીના કોષો ગોઠવાયેલા હોય છે. તે FSHની અસર હેઠળ સક્રિય બની અન્ય નત્રલ પદાર્થોનું સંશ્લેષણ કરે છે, જેમાં એંડ્રોજન બાઇન્ડિંગ પ્રોટીન મુખ્ય છે (આકૃતિ 10).

આકૃતિ 10 : (અ) સસ્તનના શુક્રપિંડનો લંબછેદ. (આ) શુક્રજનક નલિકાનો છેદ

(9) અંડપિંડ : માદામાં અંડપિંડની એક જોડ ઉદરગુહામાં આવેલી હોય છે, જે અંડકોષો અને અંત:સ્રાવોનું નિર્માણ કરે છે.

અંડપિંડની સૂક્ષ્મ સંરચના : સસ્તન પ્રાણીઓની અંડગ્રંથિ નક્કર હોય છે, જે બાહ્યક અને મધ્યક  એમ બે ભાગમાં વિભાજિત હોય છે. બાહ્યકમાં આવેલ જનન અધિચ્છદના કોષો અનેક વાર વિભાજન પામતાં આદિપુટિકાઓ બને છે. આદિપુટિકાની ફરતે પરિપેશી (stroma) આવેલી છે. પ્રત્યેક વિકસતી આદિપુટિકામાં નાના અંડકોષને ઘેરતું ગ્રૅન્યુલોસા કહેવાતા કણિકામય કોષોનું એક સ્તર હોય છે. FSHની અસર હેઠળ આ એકસ્તરીય કણિકામય કોષો સમવિભાજન (mitosis) ક્રિયા દ્વારા વિભાજન પામી બહુસ્તરીય બને છે. કણિકામય (granulosa) કોષોના સમૂહમાં એક નાનો આંતરકોષીય અવકાશ ઉત્પન્ન થાય છે. તેનો વિસ્તાર થતાં એક મોટી ગુહા બને છે, તે પુટિકાગુહા તરીકે ઓળખાય છે. પુટિકાગુહાવાળી પુટિકાને ગ્રાફિયન પુટિકા કહે છે. FSHની અસર હેઠળ ગ્રૅન્યુલોસાના કોષો ઇસ્ટ્રૉજનનો સ્રાવ કરે છે, જે માદાનાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ સાધે છે. વળી અંગુષ્ઠધારી સસ્તનોની માદામાં ઋતુચક્ર તેમજ લિંગી ચક્રોની પ્રક્રિયાનું તે નિયમન કરે છે. ગ્રાફિયન પુટિકાનો વિકાસ પૂરો થતાં LH અંત:સ્રાવની અસર હેઠળ અંડકોષ પુટિકામાંથી છૂટો પડીને અંડગ્રંથિની બહાર ઉદરગુહામાં પ્રવેશે છે. આ ઘટનાને અંડકોષમોચન કહે છે. હવે અંડકોષ સિવાયની ગ્રાફિયન પુટિકાના કોષો પીતપિંડ તરીકે ઓળખાય છે. ત્યારબાદ LHની અસર હેઠળ, પીતપિંડ પ્રોજેસ્ટેરૉનનો સ્રાવ કરે છે, જે માદાનાં જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ અને ઋતુચક્ર સાથે સંકળાયેલા ઇસ્ટ્રૉજનનું નિયંત્રણ કરે છે (જુઓ અંડકોષજનન અને અંડકોષમોચન તથા આકૃતિ-11).

આકૃતિ 11 : અંડપિંડની સૂક્ષ્મરચના

અંગુષ્ઠધારી સિવાય અન્ય સસ્તનોમાં આવેલા લિંગી ચક્રને ઇસ્ટ્રસ ચક્ર કહે છે, જ્યારે અંગુષ્ઠધારીઓમાં આવેલા લિંગી ચક્રને ઋતુચક્ર કહે છે.

ક. ઇસ્ટ્રસ ચક્ર : આ ચક્રને બે ભાગમાં વહેંચી શકાય : (1) પુટિકા-નિર્માણ અને (2) સ્રાવનિર્માણ. પુટિકાના વિકાસ દરમિયાન FSHની અસર હેઠળ ગ્રાફિયન પુટિકા વિકાસ પામે છે, જ્યારે ઇસ્ટ્રૉજનના સ્રાવથી ગર્ભાશય તથા યોનિમાર્ગના અધિચ્છદોની સંખ્યામાં વધારો થાય છે. આ વિકાસના તબક્કામાં પૂર્વઇસ્ટ્રસ અને ઇસ્ટ્રસ આવેલા છે. કાચની નળી મારફતે જો યોનિમાર્ગમાંથી કોષો કાઢવામાં આવે તો તેમાં માત્ર કોષકેન્દ્રવાળા અધિચ્છદીય કોષો દેખાય છે. કોષોનો આકાર ઇસ્ટ્રસ ચક્ર દરમિયાન ભીંગડા જેવો દેખાય છે. પૂર્વઇસ્ટ્રસના અંતે LHની અસર હેઠળ અંડપાત થાય છે અને પ્રોજેસ્ટેરૉનનું પ્રમાણ રુધિરમાં વધે છે. આમ ઇસ્ટ્રૉજન અને પ્રોજેસ્ટેરૉન બંને ગર્ભાશય અને યોનિમાર્ગના અધિચ્છદીય કોષોને સ્રાવનું ઉત્પાદન કરવા ઉત્તેજે છે.

ઇસ્ટ્રસ પછીની અવસ્થાને મેટાઇસ્ટ્રસ કહે છે. આ અવસ્થા દરમિયાન યોનિમાર્ગમાં કોષોમાં અધિચ્છદીય કોષો, ભીંગડા આકારના કોષો અને શ્વેત રુધિર કોષો જોવા મળે છે. ત્યારપછીની અવસ્થામાં એટલે કે ડાયઇસ્ટ્રસમાં માત્ર શ્વેત રુધિર કોષો જોવા મળે છે. ક્રમવાર પૂર્વઇસ્ટ્રસ, ઇસ્ટ્રસ, મેટાઇસ્ટ્રસ અને ડાયઇસ્ટ્રસની દરેક તબક્કાની અવધિ ફક્ત એક એક દિવસની હોય છે. આમ ઇસ્ટ્રસ ચક્રનો અંત માત્ર ચાર દિવસમાં પૂરો થાય છે.

ખ. ઋતુચક્ર : (આકૃતિ 12) સસ્તન વર્ગનાં અંગુષ્ઠધારી પ્રાણીઓમાં ઋતુચક્ર ત્રણ વિભાગમાં વહેંચાયેલું હોય છે : (1) ઋતુ-અવસ્થા, (2) પુટિકા-અવસ્થા અને (3) સ્રાવ-અવસ્થા. ઇસ્ટ્રસ ચક્રમાં ઋતુ-અવસ્થા હોતી નથી. ઋતુ-અવસ્થા ઋતુચક્રની પ્રથમ અવસ્થા છે. પીતપિંડ અવનતિ પામતાં પ્રોજેસ્ટેરૉનનો સ્રાવ થતો અટકી જાય છે, જેને પરિણામે ગર્ભાશયની અંત:ત્વચા તૂટવા માંડે છે. ઋતુ-અવસ્થામાં ગર્ભાશયની તૂટતી અંત:ત્વચા તેમજ તૂટતી રુધિરવાહિનીઓમાંથી રુધિર યોનિમાર્ગ દ્વારા બહાર આવે છે. ઋતુઅવસ્થા 3થી 4 દિવસ ચાલે છે.

પુટિકા અવસ્થા દરમિયાન FSH અને LHની અસર હેઠળ આદિપુટિકા વિકાસ પામીને ગ્રાફિયન પુટિકામાં ફેરવાય છે. આ પુટિકાની દીવાલના કોષો ઇસ્ટ્રૉજનનો સ્રાવ કરે છે, જેની અસર હેઠળ ગર્ભાશયની અંત:ત્વચા ખૂબ વિકાસ પામીને જાડી બને છે અને તેમાં રુધિરકેશિકાઓની સંખ્યા વધે છે. ગર્ભાશયની ગ્રીવા પાતળા શ્લેષ્મનો પુષ્કળ સ્રાવ કરે છે, જેમાં આવેલો ગ્લાયકોપ્રોટીન શુક્રકોષોનો પ્રવેશ સરળ બનાવે છે. ગ્રાફિયન પુટિકામાં વિકાસ પામતો અંડકોષ LHની અસર હેઠળ અંડકોષમોચન બાદ પુટિકાની બહાર આવે છે. આ અંડકોષમોચન ઋતુચક્રની બરાબર વચ્ચે થાય છે.

સ્રાવ અવસ્થામાં અંડકોષમોચન બાદ પુટિકાના કોષો મધ્યમાં પીળા રંગનો કોષસમૂહ બનાવે છે, જેને પીતપિંડ કહે છે; જેમાંથી પ્રોજેસ્ટેરૉન તેમજ ઇસ્ટ્રૉજનનો સ્રાવ થાય છે. ગર્ભાશયની અંત:ત્વચા પ્રોજેસ્ટેરૉનની અસર હેઠળ વધુ રુધિરકેશિકાયુક્ત, સ્રાવી અને નરમ બને છે, જે ગર્ભના સ્થાપન માટે અત્યંત જરૂરી હોય છે. આ ઉપરાંત ગર્ભાશયની ગ્રીવા જાડી અને ચીકણી બને છે. તેમાંથી ઉત્પન્ન થતો ગ્લાયકોપ્રોટીનનો સ્રાવ સૂક્ષ્મ સઘન જાળી જેવી રચના બનાવી શુક્રકોષના માર્ગને અવરોધે છે.

અંડકોષનું ફલન ન થયું હોય અથવા તો ફલન થવા છતાં ગર્ભાશયમાં સ્થાપન (implant) ન થાય તો પીતપિંડ અવનતિ પામે છે અને તે શ્વેતપિંડ (corpus albicans) બને છે. પરિણામે પ્રોજેસ્ટેરૉનનો સ્રાવ અટકે છે, અને નવા ઋતુચક્રની ઋતુઅવસ્થાની શરૂઆત થાય છે.

સ્ત્રી(માનવ)માં ઋતુચક્ર 25થી 30 દિવસ(સરેરાશ 28 દિવસ)નું હોય છે. અંડકોષનું ફલન થાય અને ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય તો સગર્ભાવસ્થા દરમિયાન ઋતુસ્રાવ થતો નથી.

(10) જરાયુ : જો અંડકોષ ફલિત ન થાય તો માસિક અટકાવ (ઋતુસ્રાવ) દરમિયાન શરીરમાંથી તેને બહાર કાઢવામાં આવે છે, પણ અંડકોષ ફલિત થાય તો ગર્ભાશયમાં તેનો વિકાસ, ફલિતાંડ તરીકે થાય છે. ત્યારબાદ વિકાસ પામતા ગર્ભને માતાના જરાયુ દ્વારા રુધિરમાંથી પોષક તત્વો મળે છે.

જરાયુમાં ઉદભવતા અંત:સ્રાવો : જરાયુ અને અંડગ્રંથિમાં થતી ઇસ્ટ્રોજન-સંશ્લેષણની પ્રક્રિયા સરખી હોય છે. જરાયુ પ્રોજેસ્ટેરૉન તેમજ ગર્ભમાં થતા અંત:સ્રાવોના ઉત્પાદનમાં મદદરૂપ બને છે. તેથી જરાયુને ‘અપૂર્ણ અંત:સ્રાવી ગ્રંથિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે. જરાયુ માનવ ગોનેડોટ્રોપિન(HCG)નું સંશ્લેષણ કરે છે, જેની અસર LHના જેવી છે. જરાયુ-લૅક્ટૉજન અથવા જરાયુ-પ્રોલૅક્ટિનની અસર પીયૂષિકાના વૃદ્ધિ-અંત:સ્રાવ(GH)ના જેવી હોય છે. વળી પ્રોલૅક્ટિનનો અણુભાર તથા તેની પ્રોટીનશૃંખલા GHને મળતી આવે છે.

પ્રસૂતિકાળ દરમિયાન રિલૅક્સિન અંત:સ્રાવ કેડના સંધાનપ્રદેશના સ્નાયુઓને શિથિલ થવા પ્રેરે છે. જરાયુ-MSH પણ પીયૂષિકા ગ્રંથિના MSHની જેમ ત્વચાના રંજક કોષોમાં આવેલા મેલેનિનના વિસ્તરણમાં મદદરૂપ બને છે.

(11) થાયમસ ગ્રંથિ : થાયમસ ગ્રંથિ, ઉરોસ્થિ(sternum)ના ઉપરનો ભાગ અને પરિહૃદ્-આવરણ વચ્ચે આવેલી હોય છે. માનવી 14થી 16 વર્ષની ઉંમરનો થાય ત્યારે આ ગ્રંથિ સૌથી વધુ વિકાસ પામે છે ને ત્યારબાદ ગ્રંથિ ક્ષીણ થતી જાય છે. તેથી આ ગ્રંથિ કાયમી હોતી નથી. થાયમસ ગ્રંથિનો વિકાસ જનનગ્રંથિ સાથે સંકળાયેલો હોય છે, તેથી જ્યારે માનવીની જનનગ્રંથિ સક્રિય બને ત્યારે થાયમસ ગ્રંથિ નિષ્ક્રિય બને છે.

આકૃતિ 12 : ઋતુચક્ર : અંડગ્રંથિચક્ર અને ગર્ભાશયકલાચક્રની ત્રણ અવસ્થાઓ (પુટિકાઅવસ્થા, સ્રાવઅવસ્થા, ઋતુસ્રાવ), અંડકોષમોચન અને તેમનું અંત:સ્રાવી નિયંત્રણ. નોંધ : FSH – પુટિકા-ઉત્તેજક અંત:સ્રાવ, LH – પીતપિંડકારી અંત:સ્રાવ, RH – વિમોચક અંત:સ્રાવ

થાયમસ ગ્રંથિ અંત:સ્રાવી ગ્રંથિ છે અને લસિકાતંત્ર(lymphatic system)ની ક્રિયાશીલતામાં અગત્યનો ભાગ ભજવે છે. આ ગ્રંથિ બે પિરામિડ આકારના પિંડોની બનેલી હોય છે. બે વર્ષના બાળકમાં થાયમસ ગ્રંથિ સહુથી વધુ વિકાસ પામેલી હોય છે. માનવીની પુખ્તાવસ્થા દરમિયાન આ ગ્રંથિ 35થી 40 ગ્રામ જેટલું વજન ધરાવે છે. થાયમસ ગ્રંથિ સંયોજક પેશીનું આવરણ ધરાવે છે અને કેટલીક જગ્યાએથી આ પેશી ગ્રંથિની અંદર પ્રવેશી વિભાજક પડદાઓ રચે છે અને આખી ગ્રંથિને પિંડિકાઓમાં વિભાજિત કરે છે. દરેક પિંડિકામાં બાહ્યક અને મધ્યક એમ બે ભાગો આવેલા હોય છે અને તેમાં લસિકાકોષો (lymphocytes) જોવા મળે છે.

ઈ. સ. 1961 સુધી થાયમસ ગ્રંથિનાં કાર્યો વિશે સ્પષ્ટ માહિતી ન હતી, પરંતુ ત્યારબાદ ડૉ. જે. એફ. ઓ. પી. મિલરના પ્રયોગોથી સ્પષ્ટ થયું કે થાયમસ ગ્રંથિ શરીરને પ્રતિકારક શક્તિ મેળવી આપવામાં ઉપયોગી હોય છે. આ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતા લસિકાકોષો રુધિરમાં ઠલવાય છે, અને ત્યાંથી બરોળ તથા લસિકાગ્રંથિઓમાં દાખલ થાય છે. બાળકના જન્મ પછી થાયમસ ગ્રંથિ થાયમોસિન અંત:સ્રાવનું ઉત્પાદન કરે છે. થાયમોસિન પ્રતિકારક શક્તિનાં વિકાસ અને વૃદ્ધિ માટે અગત્યનું છે. થાયમોસિન દ્વારા ટી-લસિકાકોષોનું પ્રમાણ વધે છે. વળી તેની અસર હેઠળ પ્રતિદ્રવ્ય(antibody)નું સંશ્લેષણ કરનાર પ્લાઝમાકોષો ઉત્પન્ન થતાં પ્રાણીની પ્રતિકારક શક્તિ વધુ સક્રિય બને છે.

અંત:સ્રાવી ગ્રંથિઓના રોગોનું નિદાન : વેળાસરના નિદાન માટે દર્દીના ઇતિહાસનું તાર્કિક પૃથક્કરણ અને કાળજીપૂર્વકની શારીરિક અને પ્રયોગશાળાકીય તપાસ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. રોગનાં કેટલાંક લક્ષણો અને ચિહનો અંત:સ્રાવી ગ્રંથિઓના રોગનો સીધો નિર્દેશ કરે છે; દા. ત., જાતીય આવેગનો ઘટાડો, પુરુષોના દાઢીના વાળમાં ઘટાડો, માસિક બંધ થવું, સ્ત્રીઓમાં દાઢી પર વાળ ઊગવા, એક અથવા બંને આંખો ઊપસી આવવી અથવા ચામડીના રંગમાં દેખીતો વધુ પડતો ફેરફાર.

અંત:સ્રાવી ગ્રંથિતંત્રના રોગોનું નિદાન હમેશાં સરળ હોતું નથી. તેના પ્રથમ પગલારૂપે અંત:સ્રાવી ગ્રંથિના રોગ હોવાની શંકા ઉપસ્થિત થવી તે છે. ગલગંડ કે નપુંસક જેવો દેહ-આકાર હોય કે ઉપર જણાવેલ ચિહ્નો કે લક્ષણો હોય ત્યારે આવી શંકા ઉત્પન્ન થાય છે. નિદાનનું બીજું પગલું ઝીણવટભરી શારીરિક તપાસ છે. કેટલાંક ચિહ્નો અને લક્ષણો સારણી 2માં દર્શાવ્યાં છે. આ ચિહ્નો અને લક્ષણોના કારણરૂપે અંત:સ્રાવી ગ્રંથિતંત્ર સિવાયના અવયવોના રોગો પણ હોઈ શકે. નિદાનનું ત્રીજું અને અગત્યનું પગલું પ્રયોગશાળાકીય તપાસ છે. કેટલીક નિદાનકસોટીઓ અન્ય રોગોમાં પણ ઉપયોગી હોય છે (સારણી 3), જ્યારે અમુક નિદાનકસોટીઓ અંત:સ્રાવી ગ્રંથિના રોગ માટે નિશ્ચિત હોય છે, જેવી કે અંત:સ્રાવના લોહીમાંના પ્રમાણનું આમાપન (assay). લગભગ બધા જ અગત્યના અંત:સ્રાવોનું આમાપન શક્ય છે. સામાન્ય રીતે અંત:સ્રાવો વિકિરણીય પ્રતિરક્ષાલક્ષી આમાપન કસોટીઓ (radioimmunoassays) દ્વારા થાય છે (જુઓ આમાપન). ક્યારેક અંત:સ્રાવના શમન (suppression) અથવા ગ્રંથિઓની ઉશ્કેરણીજનક (provocative) કસોટીઓ પણ કરવામાં આવે છે. અંત:સ્રાવી ગ્રંથિના રોગનું નિદાન થાય ત્યારે ચોથું અને અગત્યનું પગલું તેનાં કારણ જાણવાનું છે; જેમ કે, તે રોગ, તે ગ્રંથિમાંની ગાંઠને કારણે છે કે પછી તેમાં લોહી વહેવાથી તેનો નાશ થયો છે તે કારણે છે. ક્યારેક તેનું કારણ આત્મપ્રતિરક્ષાલક્ષી (autoimmune) વિકાર પણ હોય છે, તો ક્યારેક જનીની (genetic) કે આનુવંશિક (hereditary) વિકાર પણ હોય.

અંત:સ્રાવી ગ્રંથિઓના રોગોની ચિકિત્સા(સારવાર)ના સિદ્ધાંતો : ઉપર જણાવ્યા પ્રમાણે નિદાન કર્યા પછી કેટલાક સિદ્ધાંતોને આધારે સારવાર કરવામાં આવે છે. જીવનજોખમી સંકટ સિવાય વિકારને ધીમે ધીમે કાબૂમાં લેવામાં આવે છે. ગ્રંથિની ગાંઠને શસ્ત્રક્રિયા વડે દૂર કરીને અથવા દવાઓ વડે શમન કરીને દર્દીના અંત:સ્રાવનું વધેલું પ્રમાણ સામાન્ય (normal) કરવામાં આવે છે. જો અંત:સ્રાવનું પ્રમાણ ઓછું હોય તો બહારથી અંત:સ્રાવ અપાય છે; દા.ત., ઇન્સ્યુલિન, વૃદ્ધિકારક અંત:સ્રાવ, ગલગ્રંથિ-અંત:સ્રાવ, અધિવૃક્ક-બાહ્યકનો ગ્લુકોકૉર્ટિકૉઇડ અંત:સ્રાવ.

અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંત:સ્રાવી તંત્ર : અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંત:સ્રાવ મુખ્યત્વે ચેતાકીય-અંત:સ્રાવી કોષો દ્વારા થાય છે. આ કોષો ચેતાકોષો હોવા છતાં ચેતાતંત્રનાં કાર્યો ન કરતાં, અંત:સ્રાવી બને છે. આ કોષો શરીરને અનેક રીતે ઉપયોગી નીવડે છે. તેમાંથી એક કાર્ય તરીકે, ચેતાકીય-અંત:સ્રાવી નિયમનને અધીન અંત:સ્રાવનું ઉત્પાદન કરવાનું હોય છે.

આકૃતિ 13 : નિદર્શક ચેતા-અંત:સ્રાવી કોષ

ચેતાકીય અંત:સ્રાવી નિયમન ત્રણ પ્રકારે થાય છે : (અ) ઉદ્દીપનની અસર હેઠળ, સંવેદનાંગોમાંથી નીકળતા ઊર્મિવેગો કેન્દ્રીય ચેતાતંત્રમાં પ્રવેશવાથી અંત:સ્રાવી કોષો સક્રિય બને છે. પરિણામે ત્યાં ઉત્પન્ન થયેલા અંત:સ્રાવો રુધિર દ્વારા પસાર થઈ લક્ષ્યરૂપ અવયવોને ઉત્તેજિત બનાવે છે. (આ) ઉપર મુજબ કેન્દ્રીય ચેતાતંત્ર સક્રિય બનવાથી ત્યાંથી વહેતા અંત:સ્રાવો, વિશિષ્ટ અંત:સ્રાવી ગ્રંથિને ઉત્તેજે છે. પરિણામે ગ્રંથિમાંથી નીકળતો અંત:સ્રાવ રુધિર દ્વારા લક્ષ્યરૂપ અવયવમાં પ્રવેશી તેને સક્રિય બનાવે છે. (ઇ) આ પ્રકારમાં પણ ‘આ’માં જણાવ્યા મુજબ પ્રક્રિયા થાય છે. પણ એક અંત:સ્રાવી ગ્રંથિ બીજી અંત:સ્રાવી ગ્રંથિને સક્રિય બનાવે છે. બીજી અંત:સ્રાવી ગ્રંથિનો અંત:સ્રાવ અંતે લક્ષ્યરૂપ અવયવ પર અસરકારક ઠરે છે.

ચેતાકીય અંત:સ્રાવ એક નત્રલ પદાર્થ છે અને ચેતાકીય અંત:સ્રાવી કોષોમાં તેનું ઉત્પાદન થાય છે અને અંત:સ્રાવી કણિકાઓ ચેતાક્ષ(neuraxon)માંથી પસાર થઈ સીધી રુધિરમાં ઠલવાય છે. પછી એક્સૉસાયટૉસિસ (exocytosis) દ્વારા અંત:સ્રાવનું સીધું પ્રસરણ પણ થાય છે. (આકૃતિ 13)

સારણી 2 : મુખ્ય અંત:સ્રાવી ગ્રંથિના રોગોનાં કેટલાંક ચિહ્નો અને લક્ષણો

(નોંધ : ચિહ્નોનાં કારણ અન્ય રોગો પણ હોઈ શકે.)

ચિહ્નો અને લક્ષણો પીયૂષિકા ગ્રંથિ ગલગ્રંથિ અધિવૃક્ક ગ્રંથિ અંડગ્રંથિ(પિંડ) શુક્રગ્રંથિ (પિંડ) પરાગલગ્રંથિ અન્ય
A B C D E F G H
1. સ્ત્રીને દાઢીએ વાળ ઊગવા વિષમઅતિકાયતા બાહ્યકની અતિસ્રાવતા (કુશિંગનું સંલક્ષણ) ગાંઠ અથવા બહુકોષ્ઠિતા (polycystic)
2. વાળ ખરવા અલ્પસ્રાવતા અલ્પસ્રાવતા
3. ખૂજલી અતિસ્રાવતા મધુપ્રમેહ ઋતુસ્રાવ નિવૃત્તિ
4. ખૂબ પરસેવો થવો વિષમ અતિકાયતા અતિસ્રાવતા ફિસ્સોક્રોમો- સાયટોમા
5. અતિવર્ણકતા hyper pigmentation) અતિસ્રાવતા બાહ્યકની અલ્પસ્રાવતા (એડિસનનો રોગ)
6. શિરદર્દ ગાંઠ અતિસ્રાવતા ફિયોક્રોમો- સાયટોમા લોહીમાં ગ્લુકોઝ ઘટવો
7. તીવ્ર મનોવિકાર અતિસ્રાવતા બાહ્યક અતિસ્રાવતા ઉપર પ્રમાણે
   (psychosis) અલ્પસ્રાવતા અતિસ્રાવતા    (psychosis) અલ્પસ્રાવતા અતિસ્રાવતા
8. થાક વિષમ

અતિકાયતા

અતિ

અલ્પસ્રાવતા

અલ્પસ્રાવતા અતિસ્રાવતા ઉપર પ્રમાણે
9. અંગુલિવંકતા (tetany) અતિસ્રાવતા
10. ગૂઢ બેભાનાવસ્થા
(coma) અને/
અથવા આંચકી
(convulsions)
અલ્પસ્રાવતા અતિસ્રાવતા ઉપર પ્રમાણે

મધૂપ્રમેહ

11. ઘેરો અવાજ વિષમ

અતિકાયતા

અલ્પસ્રાવતા બાહ્ય અતિવૃદ્ધિ

(સ્ત્રીઓમાં)

ગાંઠ
12. આંખોના ડોળા

મોટા થવા

અતિસ્રાવતા

હાશિમોટાનો

રોગ

કુશિંગનું

સંલક્ષણ

13. દ્વિદૃષ્ટિ

(diplopia)

ગાંઠ અતિસ્રાવતા કુશિંગનું સંલક્ષણ અતિસ્રાવતા
14. લોહીનું દબાણ

વધવું

વિષમ

અતિકાયતા

અલ્પસ્રાવતા કુશિંગનું

સંલક્ષણ,

ફિયોક્રોમો-

સાયટોમા

અતિસ્રાવતા
15. હૃદયની ઝડપી

ગતિ

અતિસ્રાવતા ઉપર પ્રમાણે
16. પરિહૃદ્ સજલ

શોફ (pericardial

effusion)

અલ્પસ્રાવતા
17. હૃદયની ધીમી

ગતિ

અલ્પસ્રાવતા
18. પેપ્ટિક વ્રણ

(peptic ulcer)

અતિસ્રાવતા
19. પાતળા ઝાડા અતિસ્રાવતા,

મેડ્યુલરી કૅન્સર

બાહ્યક

અલ્પસ્રાવતા

મધુપ્રમેહ કાર્સિનૉઇડ ગાંઠ
20. પેટમાં દુખાવો,

અપચો, અરુચિ,

વજનમાં ઘટાડો

અલ્પસ્રાવતા બાહ્યક

અલ્પસ્રાવતા

અતિસ્રાવતા ઉપર પ્રમાણે
21. કબજિયાત અલ્પસ્રાવતા ફિયોક્રોમો-

સાયટોમા

અતિસ્રાવતા
22. વધુ તરસ,

વધુ પેશાબ

ડાયાબિટીસ

ઇન્સિપિડસ

અતિસ્રાવતા અતિસ્રાવતા મધુપ્રમેહ
23. સ્નાયુઓની

અશક્તિ

અતિસ્રાવતા કુશિંગનું

સંલક્ષણ,

બાહ્યકની

અતિસ્રાવતા

અતિસ્રાવતા
24. ઋતુસ્રાવ

વિકારો

(અતિઅલ્પસ્રાવ)

ગાંઠ અતિ/

અલ્પસ્રાવતા

કુશિંગનું

સંલક્ષણ

અલ્પસ્રાવતા અતિદુગ્ધકારી

અંત:સ્રાવતા

25. ઘટેલો જાતીય

આવેગ

ગાંઠ અલ્પસ્રાવતા અલ્પસ્રાવતા અલ્પસ્રાવતા
26. પુરુષોમાં

સ્તનનો વિકાસ

થવો

ગાંઠ અતિ/

અલ્પસ્રાવતા

અલ્પસ્રાવતા
27. વામનતા વૃદ્ધિકારક

અંત:સ્રાવની

અલ્પતા

ક્રેટિનિઝમ ટર્નરનું

સંલક્ષણ

 

સારણી 3 : કેટલીક સામાન્ય નિદાનકસોટીઓ અને અંત:સ્રાવી ગ્રંથિના રોગોનું નિદાન

(આવાં પરિણામ અન્ય રોગોમાં પણ આવે છે.)

કસોટીનું પરિણામ શક્ય નિદાન
1. લોહીમાં સોડિયમનું ઘટેલું પ્રમાણ અધિવૃક્ક-બાહ્યકની અલ્પતા, પીયૂષિકા ગ્રંથિની અલ્પતા, ગલગ્રંથિની અલ્પતા, અલ્પમૂત્રક, અંત:સ્રાવનું વધુ પ્રમાણ
2. પાંડુતા (anaemia) ગલગ્રંથિની અલ્પતા, પીયૂષિકા ગ્રંથિની અલ્પતા, અધિવૃક્ક-બાહ્યકની અલ્પતા, અતિપરાગલગ્રંથિતા
3. લોહીમાં પોટૅશિયમનું ઘટેલું પ્રમાણ અધિવૃક્ક-બાહ્યકની અલ્પતા, અતિઆલ્ડૉસ્ટીરોનિતા
4. અલ્પકૅલ્શિયમતા અલ્પપરાગલગ્રંથિતા
5. અતિકૅલ્શિયમતા અતિપરાગલગ્રંથિતા, અતિગલગ્રંથિતા, કૅન્સર, અધિવૃક્ક-બાહ્યકની અલ્પતા
6. લોહીમાં ખાંડનું ઘટવું સ્વાદુપિંડના કોષપુંજો (islet cells)ની ગાંઠ, મધુપ્રમેહની શરૂઆત, અધિવૃક્ક-બાહ્યકની અલ્પતા, વૃદ્ધિકારક અંત:સ્રાવની અલ્પતા, અતિઇન્સ્યુલિનતા
7. લોહીમાં મેદનું વધેલું પ્રમાણ અલ્પગલગ્રંથિતા, કુશિંગનું સંલક્ષણ
8. હૃદ્-વીજાલેખ (E. C. G.)ની અનિયમિતતા અલ્પગલગ્રંથિતા, અધિવૃક્ક-બાહ્યકની અલ્પતા, અતિઆલ્ડૉસ્ટીરોનિતા, કુશિંગનું સંલક્ષણ, અતિ/અલ્પ કૅલ્શિયમતા.

જુદાં જુદાં અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંત:સ્રાવી તંત્ર નીચે મુજબ પ્રવર્તે છે :

જળવ્યાળ : ચેતાકીય અંત:સ્રાવી કોષો અધોમુખ પ્રદેશના ચેતાજાળમાં આવેલા છે. આ કોષો પોતાનો અંત:સ્રાવ મધ્યશ્લેષમાં ઠાલવે છે. અંત:સ્રાવની અસર વૃદ્ધિ પર અને અલિંગી પ્રજનન પર જોવા મળે છે.

ચિપિટ પર્ણ (turbellaria) : પાંદડા જેવા ચપટ વર્ગનાં આ પ્રાણીઓમાં ચેતાકીય અંત:સ્રાવી કોષો મગજના અધોવક્ષ ભાગમાં આવેલા હોય છે. અંત:સ્રાવ પ્રજનન અને રસાકર્ષણ જેવી ક્રિયાઓનું નિયંત્રણ કરે છે.

સૂત્રકૃમિ (nematoda) : આ સમુદાયનાં પ્રાણીઓમાં મગજ તથા મસ્તિષ્કના અવયવમાં ચેતાકીય અંત:સ્રાવી કોષો આવેલા હોય છે, જેનો સ્રાવ પ્રજનન અને રસાકર્ષણનું નિયંત્રણ કરે છે.

આકૃતિ 14 : (અ) કીટક અને (આ) સ્તરકવચીનાં અંત:સ્રાવી તંત્રો

નૂપુરક : આ સમુદાયના બહુલોમી અને અલ્પલોમી વર્ગનાં પ્રાણીઓમાં મગજ અને વક્ષ ચેતારજ્જુમાં ચેતાકીય અંત:સ્રાવી કોષો જૂથમાં આવેલા હોય છે. અંત:સ્રાવ જનનપિંડ વિકાસ, શુક્રકોષજનન અને અંડકોષજનન, પ્રજનન વગેરે ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. ઉપરાંત, અલ્પલોમી પ્રાણીઓમાં પ્રજનનનિષ્ક્રિયતા, રસાકર્ષણ અને શરીરનો રંગ બદલવો વગેરે ક્રિયાઓનું નિયંત્રણ અંત:સ્રાવો દ્વારા થાય છે.

જલૌકા (hirudinea) : આ વર્ગનાં પ્રાણીઓનાં મગજમાં આલ્ફા (α) અને બીટા (β) પ્રકારના અંત:સ્રાવી કોષો જોવા મળે છે.

મૂદુ શરીર(mollusca)માં ચેતાકીય અંત:સ્રાવી કોષો મસ્તિષ્ક ચેતાકંદ, પાદકીય (pedal) ચેતાકંદ અને પાર્શ્વ (pleural) ચેતાકંદમાં આવેલા હોય છે. તેના અંત:સ્રાવોની અસર હેઠળ જનનપિંડનો વિકાસ અને પ્રજનનક્રિયા જેવાં કાર્યોનું નિયંત્રણ થાય છે.

સંધિપાદ : અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં અંત:સ્રાવી તંત્રનો સૌથી વધુ વિકાસ સંધિપાદ સમુદાયનાં પ્રાણીઓમાં જોવા મળે છે. મુખ્યત્વે સ્તરકવચી અને કીટક વર્ગનાં પ્રાણીઓમાં આ તંત્ર ખૂબ જ સારી રીતે વિકાસ પામેલું હોય છે.

સ્તરકવચી પ્રાણીઓમાં ચેતાકીય અંત:સ્રાવી કોષો મગજ તથા ચેતાકંદોમાં આવેલા છે. આ ઉપરાંત, આ પ્રાણીઓમાં અંત:સ્રાવોનો સંગ્રહ કરતાં ચેતારુધિર (neurohaemal) અંગો પણ હોય છે. અંત:સ્રાવી ગ્રંથિ દ્વારા ઉદભવતા અંત:સ્રાવો રુધિરમાં ઠલવાય છે (આકૃતિ 14).

સ્તરકવચી પ્રાણીઓમાં ચેતાકીય અંત:સ્રાવી કેન્દ્રો નીચે પ્રમાણે છે :

(1) ‘X’ અવયવ : આ અવયવ નેત્રદંડમાં જોવા મળે છે, જે બે પ્રકારના છે : (અ) ચેતાકંદીય ‘X’ અવયવ, (આ) સંવેદી છિદ્ર ‘X’ અવયવ.

(2) કોટર ગ્રંથિ (sinus gland) : નેત્રદંડમાં આવેલી આ ગ્રંથિ અંત:સ્રાવનો સંગ્રહ કરે છે.

(3) પશ્ચ સંયોજક અંગો અને પરિહૃદને પણ ચેતારુધિર અવયવો તરીકે ઓળખવામાં આવે છે અને તેમનામાં પણ અંત:સ્રાવોનો સંગ્રહ થાય છે. Y-અવયવ (Y-organ); એન્ડ્રોજેનિક ગ્રંથિ અને અંડપિંડ કહેવાતી બીજી ત્રણ અંત:સ્રાવી ગ્રંથિઓ પણ સ્તરકવચીઓમાં આવેલી હોય છે. Y-અવયવ હન્વીય (maxillary) ખંડમાં હોય છે. આ ગ્રંથિઓનું નિયમન નેત્રદંડમાંથી સ્રાવ થતા ચેતાકીય અંત:સ્રાવો દ્વારા થાય છે.

અંત:સ્રાવોનાં કાર્યો : Y-અવયવના અંત:સ્રાવો નિર્મોચનક્રિયાનું નિયંત્રણ કરે છે. ઉપરાંત, ચેતાકંદમાંથી ઉત્પન્ન થતા 6 ચેતાકીય અંત:સ્રાવો અન્ય કાર્યોનું નિયમન કરે છે. તેમનામાં નેત્રપટલ-રંજકકારકો, નિર્મોચન-અવરોધકો, નિર્મોચન-ઉત્તેજકો, શર્કરાનું પ્રમાણ વધારનાર અંત:સ્રાવો અને અંડપિંડના અવરોધક અંત:સ્રાવોનો સમાવેશ થાય છે. પશ્ચ સંયોજક અંગના અંત:સ્રાવો ત્વચા તેમજ શરીરમાં આવેલા રંજક કોષો પર કાબૂ ધરાવે છે, જ્યારે પરિહૃદ્ અંગના અંત:સ્રાવો સ્પંદન વધારે છે. અંડપિંડના અંત:સ્રાવો અંડપિંડનો વિકાસ તેમજ માદાનાં જાતીય લક્ષણો ઉપર અસર કરે છે, જ્યારે નરમાં એન્ડ્રોજેનિક ગ્રંથિ નરનાં જાતીય લક્ષણો તથા શુક્રકોષજનનક્રિયાનું નિયમન કરે છે. આ ઉપરાંત, ચયાપચય તથા રસાકર્ષણ જેવી અન્ય ક્રિયાઓનું નિયંત્રણ કરનાર અંત:સ્રાવો પણ આ પ્રાણીઓમાં આવેલા હોય છે.

કીટકોમાં ચેતાકીય અંત:સ્રાવી કોષો, મગજ, કૉર્પસ એલેટમ, કૉર્પસ કાર્ડિયાકમ અને ઉરસીય ગ્રંથિઓમાં આવેલા હોય છે. મગજમાંના ચેતાકીય અંત:સ્રાવી કોષો અંત:સ્રાવો દ્વારા કૉર્પસ કાર્ડિયાકમને ઉત્તેજિત કરીને તેમના અંત:સ્રાવોને રુધિરમાં ઠાલવે છે, જેની અસર હેઠળ પૂર્વ ઉરસીય ગ્રંથિ ઉત્તેજિત થાય છે અને તે નિર્મોચન અંત:સ્રાવ ઉત્પન્ન કરે છે, જેની અસર હેઠળ કોશેટો પુખ્ત પ્રાણીમાં રૂપાંતર પામે છે. આ ઉપરાંત બીજા અંત:સ્રાવ કૉર્પસ એલેટમમાંથી શૈશવ (juvenile) અંત:સ્રાવ વહે છે. તેની અસર હેઠળ ડિમ્ભાવસ્થા જાળવી રખાય છે. મગજના અંત:સ્રાવો રૂપાંતરણ, નિર્મોચન તથા શરીરના રંજકકણોનાં કાર્યોનું નિયંત્રણ કરે છે. કૉર્પસ કાર્ડિયાકમ અંત:સ્રાવો રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે છે તથા હૃદયના સ્પંદનમાં પણ વધારો કરે છે. આ બધા અંત:સ્રાવો પ્રજનનક્રિયાનું નિયંત્રણ પણ કરે છે. માદા વંદો રાસાયણિક સંદેશક ફેરોમોન કહેવાતા રાસાયણિક પદાર્થ દ્વારા નરને સંવનન કરવા પ્રેરે છે. ઉરસીય ગ્રંથિનો અંત:સ્રાવ જલનિયમનનું કાર્ય કરે છે. નિર્મોચન-અંત:સ્રાવની અસર હેઠળ કેટલાક કીટકોમાં લાળગ્રંથિમાં આવેલા રંગસૂત્રોનાં ઝૂમખાં (puff) જેવા ભાગમાં આવેલા DNAને ક્રિયાશીલ બનાવીને RNA ઉત્પન્ન કરવામાં મદદરૂપ થાય છે.

હસમુખ ચીમનલાલ મહેતા

નીલોફર જ. ચિનૉય

કનુભાઈ જોશી

નવનીત શાહ

શિલીન નં. શુક્લ