અંત:કર્પરી અર્બુદો

January, 2001

અંત:કર્પરી અર્બુદો (intracranial tumours) : ખોપરીના પોલાણમાં થતી મગજ ઇત્યાદિની ગાંઠો. તેને કારણે ખોપરીમાં દબાણ વધે છે. પરિણામે દર્દીને માથાનો દુખાવો, ઊલટી અને દૃષ્ટિના વિકારો પેદા થાય છે, જે સતત વધ્યા કરે છે. તેને અંત:કર્પરી અતિદાબ (intracranial hypertension) કહે છે. ઝાંખું દેખાવું, બેવડું દેખાવું (દ્વિદૃષ્ટિ, diplopia) કે થોડા સમય માટે દેખાવું બંધ થવું એ દર્દીમાં થતા દૃષ્ટિના મુખ્ય વિકારો છે. જો 25 વર્ષથી ઉપરના દર્દીને પ્રથમ વખત આંચકી (convulsions) આવે તો મગજમાં ગાંઠ થઈ હોય તેવું અનુમાન કરવામાં આવે છે. મગજ(મસ્તિષ્ક; brain)ના અગત્યના ભાગ પર દબાણ કરતાં કે તેમાં ફેલાઈને આ અર્બુદો તેના કાર્યમાં વિઘ્ન પેદા કરે છે; દા.ત., જો વાણીકેન્દ્ર સપડાય તો બોલવાની તકલીફ થાય, એક બાજુના ચાલક બહિ:સ્તર (motor cortex) પર પડે તો બીજી બાજુએ પક્ષઘાત (hemiplegia) થાય અને નાનું મગજ (અનુમસ્તિષ્ક, cerebellum) સપડાય તો શરીરના સમતોલનની ખામી ઊભી થાય. મસ્તિષ્કના અગ્રખંડ(frontal lobe)નાં અર્બુદો માનસિક શિથિલતા, સ્મૃતિલોપ (amnesia), સ્થળ-સમયની સભાનતામાં વિક્ષેપ (disorientation) તથા માનસિક ગૂંચ (confusion) ઉત્પન્ન કરે છે, અને અંતે દર્દી પેશાબ પરનો કાબૂ ગુમાવે છે. પીયૂષિકા ગ્રંથિ અંત:સ્રાવી ગ્રંથિનો અવયવ છે. તેનાં અર્બુદોમાં લિંગીય (sex) તેમજ વૃદ્ધિકારક (growth) અંત:સ્રાવો(hormones)નું ઉત્પાદન વિષમ બને છે. આથી ઋતુસ્રાવનો અટકાવ, વંધ્યતા, કામવૃત્તિ(libido)નો અભાવ તથા શિશ્નની શિથિલતા (impotence) અથવા શરીરના કદ કે ઘાટમાં ફેરફાર લાવતી સમ કે વિષમ પ્રકારની અતિકાયતા (gigantism or acromegaly) થાય છે. શ્રવણચેતાનું અર્બુદ (acoustic neuroma) : શરૂઆતમાં તે બાજુના કાનમાં ઘંટડીનાદ અને બહેરાશ લાવે છે અને અંતે સંપૂર્ણ બહેરાશ, ચક્કર, સમતોલનમાં વિક્ષેપ (ataxia) થાય છે. આ ઉપરાંત અંત:કર્પરી અતિદાબનાં લક્ષણો ઉત્પન્ન થાય છે. જેવાં કે, માથાનો દુખાવો તથા ઊલટી.

અંત:કર્પરી અર્બુદો વિવિધ પ્રકારનાં હોય છે. તેમનાં ઉદભવકોષ અને પેશીવિકૃતિ(histopathology)ને આધારે તેમનું વર્ગીકરણ કરવામાં આવેલું છે :

અંત:કર્પરી અર્બુદોનું વર્ગીકરણ

(i) અંતરાલી અર્બુદો (gliomas)
                ક.      તારિકાકોષ-અર્બુદ (astrocytoma)
                        મસ્તિષ્કી (cerebral)
                        અનુમસ્તિષ્કી (cerebellar)
                        કોષ્ઠીય (cystic)
                ખ.     અંતરાલીબીજકોષ-અર્બુદ (glioblastoma)
                ગ.     અલ્પશિખાતત્વી કોષ-અર્બુદ (oligodendrioblastoma)
                ઘ.     મિશ્ર અંતરાલી અર્બુદ (mixed glioma)
                ચ.     નિલયાંત:કલાર્બુદ (ependymoma)
                છ.     મજ્જાબીજકોષ-અર્બુદ (medulloblastoma)
(ii) તાનિકાર્બુદ (meningioma)
(iii) પીયૂષિકાર્બુદ (pituitary adenoma)
(iv) ચેતાતંતુ-અર્બુદો (neurofibroma)
(v) વિકાસશીલ પેશી (developmental)-અર્બુદો
ક. કર્પરી-ગ્રસની-અર્બુદ અથવા કંઠકપાલી અર્બુદ (craniopharyngioma)
ખ. કલિલકોષ્ઠ (colloid cyst)
ગ. બહિસ્ત્વચાભ (epidermoid)
ઘ. ત્વચાભ (dermoid)
ચ. ગર્ભપેશી-અર્બુદ (teratoma)
(vi) વાહિનીસર્જી (vasoformative)-અર્બુદો
ક. વાહિનીબીજકોષાર્બુદ (haemangioblastoma)
ખ. હેમાર્ટોમા (hemartoma)
ગ. વાહિની-અર્બુદ (haemangioma)
ઘ. વાહિનીકુરચના (vascular malformation)
(vii) અન્યત્ર થયેલા કૅન્સરની રોગસ્થાનાંતરતા (metastasis)ને કારણે ફેલાયીને આવેલી ગાંઠો
(viii) પ્રકીર્ણ (miscellaneous)

શરીરનાં સઘળાં અર્બુદોમાં 2 %થી ઓછા પ્રમાણમાં થતાં આ (અંત:કર્પરી) અર્બુદો 60 %થી વધુ કિસ્સાઓમાં અંતરાલી અર્બુદો (gliomas) હોય છે. આશરે 80 % ચેતાતંત્રી અર્બુદો મગજમાં પેદા થાય છે. આશરે ચોથા ભાગના દર્દીઓમાં ફેફસાં, સ્તન ઇ.નું કૅન્સર, કૃષ્ણકોષી કૅન્સર (malignant melanoma) વગેરે હોય છે. એક્સ-રે ચિત્રણો નિદાન માટે ઉપયોગી છે. ખોપરીના એક્સ-રેમાં નીચેનાં અગત્યનાં લક્ષણો સ્પષ્ટ થાય છે : (1) સાંધામાંથી છૂટાં પડતાં ખોપરીનાં હાડકાં, (2) ક્લિનોઇડ છાજલી(clinoid process)માં કૅલ્શિયમ ઘટતાં દેખાતો ઘસારો, (3) ટિપાયેલી ચાંદીના પડ જેવી દેખાતી ખોપરીની અંદરની સપાટી, (4) પીયૂષિકાના અર્બુદમાં પહોળી થયેલી ગ્રંથિની બખોલ, (5) શ્રવણચેતાના અર્બુદમાં પહોળું થયેલું અંદરનું કર્ણછિદ્ર, અને (6) તાનિકાર્બુદ(meningioma)માં કૅલ્સીકરણ (calcification) અથવા નજીકના હાડકામાં થયેલો ઘસારો. ધમનીચિત્રણ (arteriography) માર્ગમાંથી ગાંઠ વડે ખસેડાયેલી ધમની અથવા અર્બુદ માટેની નવી લોહીની નસો દર્શાવે છે. મસ્તિષ્કી વાયુચિત્રણ (pneumo-encephalography) અને નિલયચિત્રણ (ventriculography) નિલય(ventricle)નાં આકાર, કદ અને સ્થાનનો ફેરફાર દેખાડે છે. સી.એ.ટી. ચિત્રણ (CAT-scan) સૌથી વધુ ઉપયોગી અને નિશ્ચિત માહિતી આપે છે. તે મસ્તિષ્કના આડછેદને ચિત્રિત કરે છે અને સામાન્ય તથા રોગવાળા ભાગની રચના સ્પષ્ટ બતાવે છે. ઘણી વખત તે અર્બુદના દેખાવ અને પ્રકાર પણ નિશ્ચિત કરી આપે છે. દા.ત., પૂર્ણપૃથકગુણી અંતરાલી અર્બુદ (well-differentiated glioma), ફેલાતું અંતરાલી અર્બુદ (glioma), મગજમાં ફેલાયેલું કૅન્સર. વળી અર્બુદ સાથે સામાન્ય રીતે થતું અતિજલશીર્ષ (hydrocephalus) પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. મસ્તિષ્કી વીજાલેખ(electro-encephalography, E.E.G.)-માંના ધીમા તરંગો અંત:કર્પરી અતિદાબ અને સ્થાનીય રોગોનો નિર્દેશ કરે છે. અંત:કર્પરી અર્બુદોની આદર્શ ચિકિત્સા મગજના સ્વસ્થ ભાગોને ઈજા પહોંચાડ્યા વગર આખા અર્બુદને શસ્ત્રક્રિયા વડે દૂર કરવું, તે છે. મોટાભાગનાં તાનિકાર્બુદો (meningiomas), ચેતાકોષાર્બુદો (neuromas), ત્રીજા નિલયના કલિલકોષ્ઠો (colloid cysts), કર્પરી

વિવિધ અંત:કર્પરી અર્બુદો તથા અંત:કર્પરી અતિદાબ : (1) ગાંઠને કારણે ખોપરીમાં વધતું દબાણ (અંત:કર્પરી અતિદાબ), (2) અંત:કર્પરી અતિદાબને કારણે (અ) લોહીની નસ પર દબાણ અને તેથી (આ) નેત્રચકતીનો સોજો (papilloedema), (3) ગાંઠના દબાણને કારણે પહોળાં થતાં નિલયો (verticles), (4) અનિયમિત આકાર અને કિનારીવાળું તારિકાકોષ-અર્બુદ (astrocytoma), (5) કોષનાશ (gangrene) અને રુધિરસ્રાવ(haemorrhage)વાળું અંતરાલીબીજકોષ-અર્બુદ (gliobiastoma), (6) મગજ તથા ખોપરીનાં હાડકાં પર દબાણ કરતું તાનિકાર્બુદ (meningioma), (7) કૅન્સરની મગજમાં ફેલાયેલી ગાંઠો, (8) મગજના આવરણ(તાનિકાઓ)માં ફેલાયેલી ઝીણી ગાંઠો.

ગ્રસની-અર્બુદો (craniopharyngioma), નિલયાંત:કલાર્બુદો (ependymornas), અનુમસ્તિષ્કી કોષ્ઠીય તારિકાકોષર્બુદો (cerebellar cystic astrocytomas), ત્વચાભ (dermoid) અને બહિસ્ત્વચાભ(epidermoid)ને ઉચ્છેદન (excision) દ્વારા સંપૂર્ણ રીતે કાઢી શકાય છે. મગજની અંદર અને આસપાસ પ્રવાહી ભરાઈને અતિજલશીર્ષ અને અંત:કર્પરી અતિદાબ કરે છે. તેની સારવાર માટે મગજમાંના પોલાણ(ventricle)ની સાથે પેટની પરિતનગુહા(peritoneal cavity)ને પાર્શ્વપથ(shunt)થી જોડવામાં આવે છે. તેનાથી વધુ દબાણ કરતું મસ્તિષ્ક-મેરુતરલ (cerebrospinal fluid, CSF) નામનું પ્રવાહી બહાર વહી જાય છે અને ખોપરીમાંનું દબાણ ઘટે છે. બહારથી ફેલાઈને આવેલી કૅન્સરની ગાંઠ અથવા  મગજના અગત્યના કેન્દ્રમાંની ગાંઠ પૂરેપૂરી કાઢી શકાતી નથી. અંત:કર્પરી દાબ ઘટાડવા શક્ય એટલી ગાંઠ દૂર કરી તેની પેશીવિકૃતિ(histopathology)ની તપાસ કરવામાં આવે છે. ત્યારબાદ વિકિરણ-ચિકિત્સા (radiotherapy) આપી શકાય છે. કૅન્સરની ઔષધચિકિત્સા માટે વિન્ક્રીસ્ટીન, પ્રોકાર્બેઝીન તથા મેદદ્રાવી (lipophilic) નાઇટ્રોસોયુરિયા જૂથમાં સી.સી.એન.યુ., બી.સી.એન.યુ. અને મિથાઇલ સી.સી.એન.યુ. નામની દવાઓ વપરાય છે. ડી.ટી.આઇ.સી., સિસ-પ્લેટીન, બ્લિઓમાઇસીન જેવાં ઔષધો અંગે તથા પ્રતિરક્ષા-ચિકિત્સા (immunotherapy) ઉપર હાલ સંશોધન ચાલી રહ્યું છે. અંત:કર્પરી અતિદાબ ઘટાડવા માટે ડેક્ઝામિથેઝોન, મેનિટોલ અને ઔષધીય ગ્લિસરૉલ વપરાય છે. અર્બુદનાં પ્રકાર, સ્થાન અને તીવ્રતાના તબક્કા (grade) અનુસાર સારવારનું પરિણામ મળે છે; જેમ કે, તીવ્રતાના પ્રથમ બે તબક્કાવાળાં કેટલાંક અંતરાલી અર્બુદો(glioma)માં પૂર્ણ ઉચ્છેદન અને વિકિરણ-ચિકિત્સાથી 90 % દર્દીઓને પાંચ વર્ષ સુધી જીવિત રાખી શકાયા છે, પરંતુ જો પૂર્ણ ઉચ્છેદન શક્ય ન બને તો આ આશા ઘટીને 15 %થી 40 % જેટલી થાય છે. તીવ્રતાના ત્રીજા અને ચોથા તબક્કામાં એક વર્ષના આયુષ્યનું પ્રમાણ અનુક્રમે 10-40% અને 5-25% જેટલું જ થઈ જાય છે.

સનત ભગવતી

શિલીન નં. શુક્લ