અંત:કૃત ખડકો (Plutonic rocks) : અગ્નિકૃત ખડકોનો એક પ્રકાર. પોપડાની અંદર વધુ ઊંડાઈએ મૅગ્મામાંથી તૈયાર થતા અંતર્ભેદિત ખડકો. અગ્નિકૃત ખડકોનો આ પ્રકાર ભૂગર્ભમાં મૅગ્માની ઠંડા પડવાની ક્રિયા દરમ્યાન થતા સ્ફટિકીકરણથી તૈયાર થયેલા ખનિજ-સ્ફટિકોનો બનેલો હોય છે. સ્ફટિકીકરણની આ ક્રિયા ખૂબ જ ઊંડાઈએ ઊંચા તાપમાને વાયુઓ તેમજ બાષ્પની હાજરીમાં અત્યંત ઉગ્ર દબાણ હેઠળ ધીમે ધીમે થાય છે. આ પ્રકારના સંજોગોની અસર હેઠળ અસ્તિત્વમાં આવતા અંત:કૃત ખડકોની કણરચના (texture) હમેશાં સંપૂર્ણ સ્ફટિકમય (holocrystalline-granitic) હોય છે. સંપૂર્ણ સ્ફટિકમય કણરચના એ આ ખડકોની પરખ માટેનું મહત્વનું લક્ષણ બની રહે છે, અર્થાત્ સંપૂર્ણ સ્ફટિકમય કણરચના ધરાવતા અગ્નિકૃત ખડકોને અંત:કૃત ખડકપ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. વ્યાપક પ્રમાણમાં મળી આવતો ગ્રૅનાઇટ ખડક અંત:કૃત પ્રકારનું ઉત્તમ ઉદાહરણ છે અને તે ઇડર, અંબાજી, બાલારામ, માઉન્ટ આબુ, ગોધરા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સારા પ્રમાણમાં મળી આવે છે. સાયનાઇટ, ડાયોરાઇટ, ગેબ્બ્રો વગેરે ખડકપ્રકારો પણ અંત:કૃત ખડકોનાં જ ઉદાહરણો છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે

ગિરીશભાઈ પંડ્યા