અંગલક્ષણવિદ્યા : માનવીની આકૃતિ અને તેનાં વિવિધ અંગો તથા તેના પરનાં ચિહનો પરથી તેના સ્વભાવની લાક્ષણિકતાઓ સૂચવતી વિદ્યા. જ્યોતિષશાસ્ત્રના એક અંગ તરીકે આની રચના થયેલી છે. જન્મસમય કે જન્મતારીખની ખબર ન હોય તે સંજોગોમાં ચહેરો, કપાળની રેખાઓ, હાથની રેખાઓ, હાસ્ય, તલ વગેરે ઉપરથી જ્યોતિષીઓ ભવિષ્યકથન કરતા હોય છે. તેને લગતા વિવિધ ગ્રંથોમાં આને અંગે માહિતી આપેલી છે; દા.ત., કપાળમાં સાત રેખાઓ હોય છે. તેમાં વાળની નીચેના કપાળના ભાગમાં શનિની રેખા, પછી અનુક્રમે ગુરુની, મંગળની, સૂર્યની, શુક્રની, બુધની અને ચંદ્રની રેખાઓ હોય છે. કપાળમાં ગુરુની રેખા વચમાં વાંકીચૂકી ને સ્પષ્ટ હોય તો તે વ્યક્તિ જ્ઞાની, ધનાઢ્ય, યશસ્વી અને સરળ સ્વભાવની હોય. ગુરુની રેખા વર્તુળાકાર અને વાંકીચૂકી હોય તો તે વ્યક્તિ ચિત્તભ્રમવાળી અને સાંસારિક દુ:ખોથી તપ્ત હોય એમ આ શાસ્ત્રમાં ધારણા આપેલી છે.

એ રીતે માનવશરીરની સ્ત્રી કે પુરુષ આકૃતિઓનાં વિવિધ લક્ષણો પરથી જ્યોતિષશાસ્ત્ર તે વ્યક્તિનાં સ્વભાવલક્ષણો, પ્રકૃતિ અને શુભ-અશુભ ફળ અંગે ધારણા રજૂ કરે છે.

પદ્મનાભ અગ્નિહોત્રી