સાબરમતી : ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ પૈકીની એક. ભૌગોલિક સ્થાન : 22° 18´ ઉ. અ. અને 72° 22´ પૂ. રે.. તે રાજસ્થાનની અરવલ્લી હારમાળાના નૈર્ઋત્ય ઢોળાવ પર આવેલા વેકરિયા નજીકથી નીકળે છે અને ખંભાતના અખાતમાં ઠલવાય છે. આ નદી સાબરકાંઠા-બનાસકાંઠા, સાબરકાંઠા-મહેસાણા, સાબરકાંઠા-ગાંધીનગર, ખેડા-અમદાવાદ તથા આણંદ-અમદાવાદ જિલ્લાઓને જુદા પાડતી ભૌગોલિક સીમા રચે છે. મૂળથી મુખ સુધીની 416 કિમી. જેટલી તેની કુલ લંબાઈ પૈકી ગુજરાત રાજ્ય પૂરતો તેનો પ્રવાહપથ 300 કિમી. જેટલો છે. તેનો થાળાવિસ્તાર 5,936 ચોકિમી. જેટલો તેમજ સ્રાવક્ષેત્ર 9,500 ચોકિમી. જેટલું છે. નદીના ઉપરવાસના કેટલાક ભાગોમાં તેના કાંઠાની ઊં ચાઈ 10થી 15 મીટર જેટલી જોવા મળે છે, જ્યારે હેઠવાસના કેટલાક ભાગોમાં આ નદીએ પંકમય કાંપ પાથરેલો છે, જે ‘ભાઠા’ તરીકે ઓળખાય છે. અમદાવાદની દક્ષિણમાં આ નદીએ ઘણી વાર વહેણ બદલેલાં છે, તેને પરિણામે ત્યાંના કાંઠા પરનાં ગામડાં તારાજ થયેલાં છે; તેમ છતાં જ્યાં જ્યાં કાંપનો નિક્ષેપ પથરાયેલો છે ત્યાં ફળદ્રૂપ મેદાનો પણ રચાયાં છે.

સાબરમતીનો સ્રાવ-વિસ્તાર

સહાયક નદીઓ : રાજસ્થાનમાં આશરે 116 કિમી. જેટલો પ્રવાહપથ કાપીને તે સાબરકાંઠા જિલ્લાના મામાના પીપળા ગામથી પૂર્વમાં ગુજરાતમાં પ્રવેશ કરે છે, તે પછી તેને ખેરોજ નજીક પન્નારી નદી મળે છે. ખેડબ્રહ્મામાંથી પસાર થતી હરણાવ (હિરણ્યવતી) નદી ધરોઈથી ઉપરવાસમાં તેને મળે છે. અહીં સાબરમતી નદી પર ધરોઈ ગામ ખાતે બંધ (ધરોઈ બંધ) બાંધવામાં આવેલો છે, તેને કારણે નજીકનાં હેઠવાસનાં ગામોની જમીનોને સિંચાઈનો લાભ મળે છે. સાબરકાંઠાના ઈશાન ભાગમાંથી આવતી કણાદર, ભિલોડા અને હિંમતનગર નજીકથી પસાર થતી હાથમતી (હસ્તીમતી) તેને મહુડીથી ઉપરવાસમાં મળે છે. મહુડી નજીકનું તેના જમણા કાંઠે મળતું કોતર ધર્માવતી નામથી ઓળખાય છે. વાસ્તવમાં અહીં સુધી તે ‘સાબર’ નામથી અને હાથમતીનો સંગમ થયા પછી તે ‘સાબરમતી’ નામથી ઓળખાય છે. તે પછી નિકોડા, તલોદ, દોલતાબાદ થઈને આવતી ખારી (ભદ્રા) નદી; તથા શામળાજી, મેઘાસણ, હરસોલ, રખિયાલ, દહેગામ થઈને આવતી મેશ્ર્વો (મેશ્વતી અથવા શ્વેતા) નદી; મોડાસા, વડગામ અને ઉત્કંઠેશ્વર થઈને આવતી માઝમ (વલ્કની) નદી; મેઘરજ, માલપુર, ખેડા થઈને આવતી વાત્રક (વેત્રવતી) નદી તેમજ ખેડા નજીકથી શેઢી (સેતિકા) સાબરમતીને મળે છે. આ રીતે કુલ સાત નદીઓનાં પાણી વૌઠા ખાતે ભેગાં થાય છે. અમદાવાદ ખાતે ગાંધી આશ્રમ નજીક ચંદ્રભાગા (ચંદનવતી અથવા ચંદના) તેને મળે છે. તેનું માત્ર કોતર જોવા મળે છે. આ ઉપરાંત લીંબડી તરફથી આવતી ભોગાવો નદી પણ છેક છેલ્લે ખંભાતના અખાતના મુખ નજીક તેને મળે છે. આ વિસ્તાર ‘કોપાલાની ખાડી’ તરીકે ઓળખાય છે. અહીં નદીનો પટ લગભગ સાત કિમી. જેટલો પહોળો બની રહે છે. સાબરમતી નદીનો આખોય પ્રવહનપથ ઓછા વરસાદવાળા પ્રદેશમાંથી પસાર થતો હોવાથી તેમજ તે રેતાળ, મરડિયાવાળી જમીનોથી બનેલો હોવાથી તેમાં બારે માસ પાણી રહેતું નથી, એ દૃષ્ટિએ આ નદી મોસમી (મુદતી અથવા હંગામી) નદી ગણાય. ભોગાવો સિવાયની બધી જ સહાયક નદીઓ તેને પૂર્વ કાંઠે મળે છે, આ બાબત સાબરમતી નદીખીણની ભૂપૃષ્ઠરચનાત્મક વિશેષતા ગણી શકાય.

ખંભાતની પશ્ચિમ તરફ આવેલા વડગામથી નૈર્ઋત્ય તરફ કોપાલાની ખાડી છે. વડગામથી દક્ષિણ તરફ દાંડીની ખાડી આવેલી છે. આ બે ખાડી વચ્ચે આશરે 6થી 7 કિમી.નું અંતર છે. વડગામની ઉત્તરે તરકપુર નજીક તરકપુરનો નાવીડો (ખાડી) છે, આ સ્થળે સાબરમતી ખંભાતના અખાતને મળે છે. ત્યાંથી વધુ ઉત્તરે ગોલાણા નજીક ગોલાણાનો નાવીડો છે, તે સાબરમતીમાં ભળે છે. ગોલાણાની ઉત્તરે ખંભાત તાલુકાનું પચેગામ આવેલું છે. ખંભાતના અખાતમાંથી ભરતીનાં પાણી સાબરમતીના મુખ મારફતે છેક પચેગામ સુધી, આશરે 40 કિમી. સુધી પાછાં ધકેલાય છે.

આર્થિક મહત્ત્વ : નદીની ભાઠાની જમીનોમાં શાકભાજી, ટેટી અને તડબૂચનું વાવેતર થાય છે. ઉપરવાસના નદીકાંઠે ચિનાઈ માટી અને અગ્નિજિત માટીના જથ્થા રહેલા છે. એકલારા અને આરસોડિયા ખાતે આ પ્રકારની માટીનું ખનનકાર્ય ચાલે છે. આ ઉપરાંત, સાબરમતી નદીપટમાંથી મળતી સૂક્ષ્મ સિલિકા રેતી કાચ-ઉદ્યોગમાં ઉપયોગમાં લેવાય છે.

જોવાલાયક સ્થળો : અમદાવાદ અને ગાંધીનગર જેવાં ગુજરાતનાં અગત્યનાં શહેરો સાબરમતીને કાંઠે વસેલાં છે. મહુડી, પ્રાંતિજ-ગલતેશ્વર, ઇન્દ્રોડા પાર્ક – હરણઉદ્યાન – સરિતાઉદ્યાન, અમદાવાદ ઇલેક્ટ્રિસિટી સંકુલ, અભયઘાટ, સાબરમતી આશ્રમ, ભીમનાથનો આરો, નારાયણઘાટ, દધીચિ-આરો, દૂધેશ્વર-આરો, સપ્તર્ષિ-આરો, ખડગધારેશ્વર, ગાયત્રી-મંદિર, પતંગ હોટલ, સંન્યાસ-આશ્રમ, હરિહરાનંદ આશ્રમ, શાહજહાંની સૂબાગીરી (શાહીબાગ મહેલ 1630), સંસ્કાર-કેન્દ્ર, નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન (NID), વાસણા બૅરેજ જેવાં જોવાલાયક સ્થળો તેમજ અમદાવાદના પૂર્વ-પશ્ચિમ ભાગોને જોડતા ઇન્દિરા પુલ, રેલવે પુલ, સુભાષ પુલ, ગાંધી પુલ, નહેરુ પુલ, વિવેકાનંદ પુલ (એલિસબ્રિજ), સરદાર પુલ, શાસ્ત્રી પુલ વગેરે આવેલા છે. લંડનમાં વહેતી થેમ્સ નદીને અનુરૂપ અમદાવાદ ખાતે પસાર થતી સાબરમતી નદીના કાંઠાઓને વધુ રમણીય બનાવવાના હેતુથી ‘સાબરમતી રીવરફ્રન્ટ’ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સાત નદીઓના સંગમસ્થાન તરીકે ગણાતા વૌઠા ખાતે દર વર્ષે કાર્તિકી પૂનમે મેળો ભરાય છે, આ મેળામાં વિશેષે કરીને ગધેડાંનું ખરીદ-વેચાણ મોટા પાયા પર થાય છે.

ઇતિહાસ : ઉપલબ્ધ માહિતી અનુસાર, હજારો વર્ષો પહેલાં, તે ‘કાશ્યપી-ગંગા’ને નામે, સત્યયુગ(કૃતયુગ)માં તે ‘કૃતવતી’ને નામે, ત્રેતાયુગમાં તે ‘ગિરિકર્ણિકા’ને નામે, દ્વાપરયુગમાં તે ‘ચંદનવતી’ને નામે ઓળખાતી હતી. કળિયુગના પ્રારંભમાં તે ‘શ્વભ્રવતી’, ‘શુભ્રવતી’, ‘સાબ્રમતી’, ‘સાભ્રમતી’ – જેવાં નામોથી અને હવે તે ‘સાબરમતી’ તરીકે ઓળખાય છે. જૂના વખતમાં તે ‘શ્વભ્રવતી’ નામથી ઓળખાતી હતી એવો ઉલ્લેખ દશમી સદીમાં અહીં આવેલા આરબ મુસાફરોના વર્ણનમાં જોવા મળે છે. આ જ પ્રકારનો ઉલ્લેખ સંસ્કૃત પ્રબંધોમાં પણ મળે છે. પદ્મપુરાણમાં ‘સાભ્રમતી’નો ઉલ્લેખ મળે છે. હેમચંદ્રાચાર્યનાં લખાણોમાં ‘શ્વભ્રવતી’ની નોંધ છે. ‘શ્વભ્ર’ એટલે કોતર. એ વખતે આ નદીને કોતરવાળી નદી તરીકે ઓળખવામાં આવતી. અગાઉના સમયમાં તેને મળતી મોટાભાગની નાની નાની સહાયક નદીઓ આજે માત્ર કોતરો રૂપે જ જોવા મળે છે. માણેક નામની એક સહાયક નદી પણ તેને મળતી હોવાનું કહેવાય છે. તે સંભવત: લુપ્ત થઈ ગઈ છે. આજના અમદાવાદની આજુબાજુનો વિસ્તાર તે વખતે ‘શ્વભ્રપ્રદેશ’ તરીકે ઓળખાતો હતો.

સાબરમતી નદીનો અમદાવાદની મધ્યમાંથી પસાર થતો આજનો પ્રવાહ અગાઉ આવો ન હતો. આજનો માણેકચોકનો વિસ્તાર નદીના કાંઠા પર હતો અને તે ભાગના કાંઠા પર કાગદી ઓળ નજીક માણેકનાથ બાવાની ઝૂંપડી હતી. ત્યાંથી નદી તરફ જવાનો પથ્થરનો ઢાળ બાંધેલો હતો. નદી કાગદી ઓળમાં થઈને વહેતી હતી. ત્યાં સ્મશાન ઘાટ પણ હતો. આજે કદાચ ત્યાં માંડવીની પોળ આવેલી છે. ત્યાંથી ઢાલગર-વાડમાં થઈને રાયખડ દરવાજા તરફ નદી વળતી હતી. આ બધી હકીકતો દર્શાવે છે કે સાબરમતી નદીનું ક્રમે ક્રમે પશ્ચિમાયન થયેલું છે.

સાબરમતી નદી પર બંધાઈ રહેલ રીવરફ્રન્ટ યોજના

સાબરમતીના લાંબા ઇતિહાસકાળ દરમિયાન તેનાં રૂપરંગ બદલાતાં રહ્યાં છે. એમ કહેવાય છે કે સાબરમતી અને તેને મળતી સહાયક નદીઓનો સમગ્ર પ્રદેશ ‘વિકીર્ણ’ તરીકે ઓળખાતો હતો. વિકીર્ણ પ્રદેશના ત્રણ ભાગ પડતા હતા : (i) ઉત્તર વિકીર્ણ : કોબાથી ઉપરવાસનો વિસ્તાર, જેમાં વલાદ અને ચિલોડાનો સમાવેશ થાય – તે ગિરિવિકીર્ણ નદીતટ કહેવાતો હતો. (ii) મધ્ય વિકીર્ણ : કોબાથી વાસણા સુધીનો વિસ્તાર – તે ચંદના-ભદ્રા નદીતટ કહેવાતો હતો. (iii) દક્ષિણ વિકીર્ણ : વાસણાથી દક્ષિણ તરફનો નવાગામ – નાયકાનો હેઠવાસનો વિસ્તાર – તે સાબરમતી તટ કહેવાતો હતો.

પ્લાયસ્ટોસીન હિમયુગનો છેલ્લો તબક્કો પૂરો થયા પછી, અર્થાત્ છેલ્લાં 10,000 વર્ષમાં, વિશેષે કરીને તો છેલ્લાં 5,000 વર્ષમાં અરવલ્લીના તેના ઉપરવાસના ભાગમાંથી સ્થાનાંતરિત થયેલા રેતી અને કાંપદ્રવ્યથી નદીપટનું સ્તર ઊંચું આવ્યું છે. છેલ્લાં 10,000 વર્ષમાં કોબાથી ઉપરવાસનો ગિરિવિકીર્ણ વિસ્તાર આશરે 20 મીટર ઊંચો આવ્યો છે, દક્ષિણ વિસ્તારનું નદીતળ આશરે 6 મીટર જેટલું ઊંચું આવ્યું છે, જ્યારે મધ્ય વિકીર્ણ વિસ્તારનું નદીતળ આશરે 10થી 15 મીટર ઊંચું આવ્યું છે. ગોખુરા અને બકુલા (અનુક્રમે પેથાપુર અને કોબા નજીકનાં જમણા કાંઠાનાં કોતરો) નાળાં ગિરિવિકીર્ણ વિભાગમાં સાબરમતીને મળતાં હતાં.

ઉપલબ્ધ માહિતી અનુસાર હજારો વર્ષો પહેલાં ડભોડા બાજુથી વહેતી ભદ્રા (ખારી) નરોડા પાસે (કોતરપુર) આ નદીને મળતી હતી અને તેમનો સંયુક્ત પ્રવાહ આજના સરદારનગર, કુબેરનગરથી અસારવા તળાવ, ત્યાંથી શહેરકોટડા અને સારંગપુર થઈને, ચંડોળા તળાવથી પીરાણા તરફ આગળ જતો હતો.

તે પછીના દ્વાપરયુગના પ્રારંભના ગાળા દરમિયાન ચંદના (ચંદ્રભાગા) નદીનો પ્રવાહ ગોતાથી ચાંદલોડિયા થઈ, વાડજ નજીક ક્યાંક વળાંક લઈ ઉસ્માનપુરાથી છેક બહેરામપુરા સુધીનો પટ રચતો હતો. ત્યાંથી પશ્ચિમ તરફી વળાંક લઈ ચંડોળા પાસે ભદ્રા અને ગિરિકર્ણિકા સાથે સંગમ રચી તે પ્રવાહ પીરાણા તરફ વહેતો હતો. દ્વાપરયુગના મધ્યકાળમાં ફેરફારો થતાં ભદ્રા અને ગિરિવિકીર્ણ વિભાગના પ્રવાહનું પશ્ચિમાયન થવાથી કોતરપુરથી ઉસ્માનપુરા તરફ વળાંક લઈ ચંદનાના પ્રવાહમાં ભળી જઈ હાલના સાબરમતીના પ્રવાહમાં રૂપાંતર થયેલું.

જાણીતા ઇજનેર વિસાવાડિયાના કહેવા પ્રમાણે અમદાવાદની સ્થાપના થઈ તે સમયે માણેક નદીનો પ્રવાહ રખિયાલ અને અસારવા તરફથી આવીને સારંગપુર નજીક માણેકચોકમાં પ્રવેશી ગાયકવાડ હવેલી પાસે સાબરમતીને મળતો હતો. મરાઠાઓના શાસનકાળમાં, ગાયકવાડની હવેલી પાસે માણેક નદીના પટ પર બાંધકામ કરી તેના પટને સુરંગમાં ફેરવી નાખવામાં આવ્યો હતો.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી