સાબરગામુવા (Sabargamuwa) : શ્રીલંકાના નૈર્ઋત્ય ભાગમાં આવેલો અંતરિયાળ પ્રાંત. વિસ્તાર 4,968 ચોકિમી. તેનું ભૂપૃષ્ઠ પહાડી છે. તેની પૂર્વ ધાર શ્રીલંકાના મધ્યના પહાડી પ્રદેશમાં ભળી જાય છે. તેની આબોહવા ગરમ ભેજવાળી રહે છે અને લગભગ આખું વર્ષ વરસાદ પડે છે.

ઉપલબ્ધ જાણકારી મુજબ આ પ્રદેશ પ્રાગ્-ઐતિહાસિક કાળથી વસવાટવાળો રહ્યો છે, પરંતુ ત્યાંની તત્કાલીન સંસ્કૃતિમાં તેનું વિશેષ મહત્વ ન હતું. અહીં પોર્ટુગીઝો આવ્યા ત્યારે તે એક પ્રાંત હતો. ડચ લોકોએ અહીં આવીને તજ ઉગાડવાની શરૂઆત કરેલી. ડાંગર અને રબર અહીંના મુખ્ય કૃષિપાકો છે. રબરમાંથી રસ મેળવવામાં આવે છે. આ ઉપરાંત અહીં ચા, નાળિયેરી અને અન્ય પાકો મેળવાય છે. નાળિયેરી અને નાળિયેરમાંથી ઘણી આડપેદાશો તૈયાર કરવામાં આવે છે. ગ્રૅફાઇટ અને કીમતી-અર્ધકીમતી રત્નો પણ અહીંથી ખોદી કાઢવામાં આવે છે. અહીંની વસ્તીના મોટાભાગના લોકો સિંહાલી અને ભારતીયો છે. 1994 મુજબ તેની વસ્તી 17,35,000 જેટલી છે.

 

ગિરીશભાઈ પંડ્યા