શર્મા, રાધેશ્યામ (. 5 જાન્યુઆરી 1936, વાવોલ, જિ. ગાંધીનગર) : ગુજરાતી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, સંપાદક, અનુવાદક, પત્રકાર. રૂપાલ(ઉ. ગુ.)ના વતની. ગુજરાત કૉલેજ અમદાવાદમાંથી ગુજરાતી અને મનોવિજ્ઞાન વિષયો સાથે 1957માં બી.એ., સ્વતંત્ર લેખનનો વ્યવસાય. એમના પિતા સીતારામ શર્મા સુપ્રસિદ્ધ કથાકાર-કીર્તનાચાર્ય. 1958થી 1965ના ગાળામાં પિતાના પગલે અલગ અલગ સ્થળે સંગીત સમેત ભાગવત-કથા-પ્રવચન. 1965થી 1983 સુધી ધાર્મિક પાક્ષિક ‘ધર્મલોક’નું સંપાદન. ‘અક્રમવિજ્ઞાન’ના માનાર્હ સંપાદક. ‘યુવક’ તથા ‘ધર્મસંદેશ’નું સંપાદન પણ કરેલું. 1985 સુધી પત્રકારત્વ. વિવિધ દૈનિકપત્રોમાં સ્વતંત્ર કટારલેખન. પૂર્વ-પશ્ચિમના સાહિત્યનો સતત અભ્યાસ. આસ્વાદ-અવલોકન-વિવેચન-અનુવાદ સંપાદનપ્રવૃત્તિ. આધુનિકતા તથા પ્રયોગશીલતાનું સેવન. દૃશ્ય-શ્રાવ્ય કળા-સંગીત તથા ફિલ્મકળાની સૂઝબૂઝ એમને સર્જનમાંય ખપ લાગી છે. એમના કથાસાહિત્યમાં ચલચિત્રસંયોજનની ટૅક્નિકનો વિનિયોગ જોવા મળે છે. ગ્રામજીવન તેમજ નગરજીવનનો અનુભવ, અંદર-બહાર જોતી-નીરખતી સૂક્ષ્મ દૃષ્ટિ, મનોવિજ્ઞાનની સૂઝ, મનુષ્યની આંતર-બાહ્ય તાણને, મનુષ્યના આંતરસંચલનોને શ્યાત્મક રીતે રૂપક-કલ્પન-પ્રતીક દ્વારા રજૂ કરવાનો કસબ. અરૂઢ ગદ્યકવિતા, આધુનિક કૃતિઓના આસ્વાદ-વિવેચન આદિ દ્વારા તેમણે આધુનિક સાહિત્યમાં પોતાનો અવાજ સ્થાપિત કર્યો છે.

રાધેશ્યામ શર્મા

‘આંસુ અને ચાંદરણું’(1963)માં કલ્પન-પ્રતીકના સંયોજનવાળાં આધુનિક ગદ્યકાવ્યો છે. ‘નૅગેટિવ્ઝ ઑવ્ ઇટરનિટી’ (1974) એમનાં અંગ્રેજી કાવ્યોનો સંગ્રહ છે. ‘સંચેતના’ (1983) વિષયવૈવિધ્ય ધરાવતાં છંદમુક્ત કાવ્યોનો સંગ્રહ છે.

‘ફેરો’ (1968) એ ‘કવિ’ રાધેશ્યામની લઘુનવલ છે, જેમાં તરસ અને અતૃપ્તિ સંકેતો-પ્રતીકો દ્વારા ઘૂંટાઈને પ્રગટ થાય છે. તદુપરાંત શ્રી ઉમાશંકર જોશીએ નોંધ્યું છે તેમ, ‘સંપ્રજ્ઞતાનું ચક્રાકારે ઉચ્ચતર અને બૃહત્તર થવું એ એની ઉત્તરોત્તર લાધતી ફળશ્રુતિ છે.’ ‘સ્વપ્નતીર્થ’  (1979) પ્રયોગશીલ લઘુનવલ છે, જે સ્વપ્ન અને જાગૃતિની સંકલનાથી ચાલતી, આધુનિક પુરાકલ્પનનું ચિત્રણ રચતી, ‘કાચ એને તાકી રહ્યો’ – જેવા વિધાનથી અનેક અર્થસંકેતો જગવીને પૂરી થતી લઘુનવલ છે. સ્વપ્ન, રૂપક, પ્રતીક, ચલચિત્રના તરીકાઓ આદિને લેખકે ખપમાં લીધા છે.

‘બિચારાં’ (1969), ‘પવન-પાવડી’ (1977), ‘વાર્તાવરણ’ (1986), ‘કથાસૂત્ર’ (2000) વગેરે એમના વાર્તાસંગ્રહો છે. ‘રાધેશ્યામ શર્માની શ્રેષ્ઠ વાર્તાઓ’ (1984), ‘રાધેશ્યામ શર્માની વિશિષ્ટ વાર્તાઓ’ (2000) એ એમની વાર્તાઓનાં સંપાદનો છે. પરંપરાગત શૈલીથી એમણે વાર્તાલેખન શરૂ કર્યું પણ પછીથી તેઓ સતત પ્રયોગશીલ રહ્યા છે. ‘નવી વાર્તા’ માટે એમણે સંપાદન તથા વાર્તા-આસ્વાદ દ્વારા ‘વાર્તાવરણ’ પૂરું પાડ્યું છે. ‘સળિયા’, ‘વાડીનું ભૂત’, ‘ચર્ચબેલ’, ‘હાથીપગો’, ‘તરંગની નૅગેટિવ’ વગેરે વાર્તાઓ નોંધપાત્ર ગણાઈ છે. બોલકા થયા વિના, લાગણીવેડામાં સર્યા વિના, વાર્તામાં જરીકે મેદ વધે નહિ તે જાળવીને તેમણે મનુષ્યના અસ્તિત્વને, આંતર-બાહ્ય તાણને, એકલતા-હતાશા-લાચારી-કરુણને રૂપક-કલ્પન-પ્રતીકો થકી સંયમપૂર્વક ઉપસાવ્યાં છે.

‘વાચના’(1972)માં આસ્વાદમૂલક લેખો છે, જેમાં સર્જકતાને ધ્યાનમાં રાખીને કરાયેલ કૃતિલક્ષી વિવેચન મળે છે. વિવેચનમાં તેમનો અભિગમ સિદ્ધાંતલક્ષી નહિ એટલો રચના-સૌંદર્યપ્રધાન રહ્યો છે. ‘સાંપ્રત’ (1978), ‘ગુજરાતી નવલકથા’ (રઘુવીર ચૌધરી સાથે, 1974), ‘કવિતાની કળા’ (1983), ‘આલોકના’ (1989), ‘શબ્દસમક્ષ’ (1991), ‘કર્તા-કૃતિવિમર્શ’ (1992), ‘વિવેચનનો વિધિ’ (1993), ‘ઉલ્લેખ’ (1993) અને ‘અક્ષર’ (1995)  એ એમના અન્ય વિવેચનસંગ્રહો છે. ‘જયંતી દલાલની પ્રતિનિધિ વાર્તાઓ’ (1971), ‘નવી વાર્તા’ (1975), ‘સમકાલીન ગુજરાતી વાર્તાઓ’ (1986), ‘101 ઇન્દ્રધનુષ’ (1995), ‘ભૂપત વડોદરિયાની 27 વાર્તાઓ’ – એ એમનાં સંપાદનો છે. ‘સાક્ષરનો સાક્ષાત્કાર’ – દસ ગ્રંથોમાં (2004 સુધીમાં) આશરે સાડા ચારસો લેખકો-પત્રકારો-કળાકારોનાં જીવન-કવનને વણી લેતા ઇન્ટરવ્યૂ છે. ‘આપણો માનવીય વારસો’, ‘મલયાળમ શ્રેષ્ઠ વાર્તાઓ’, ‘ગ્રામાયણ’, ‘જંગલના સૂરો’ વગેરે તેમનાં ભાષાંતરનાં પુસ્તકો છે. એમને 2004નો રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો.

યોગેશ જોષી