વેગડ, અમૃતલાલ ગોવામલ

February, 2005

વેગડ, અમૃતલાલ ગોવામલ (. 3  ઑક્ટોબર 1928, જબલપુર, મધ્યપ્રદેશ) : હિંદી તથા ગુજરાતી લેખક. તેમણે કલાભવન, શાંતિનિકેતનમાંથી લલિત કલામાં ડિપ્લોમા (1952) મેળવેલો. 1955માં તેમણે બી.એ.ની ડિગ્રી મેળવી. 1953થી જબલપુરમાં શાસકીય કલાનિકેતનમાં ચિત્રકલાના શિક્ષક તરીકે કામગીરી કરી.

તેમણે હિંદી તેમજ ગુજરાતીમાં ગ્રંથો આપ્યા છે. તેમના હિંદી ગ્રંથોમાં ‘બાપુ સૂરજ કે દોસ્ત’ (1969); ‘બાપુ કો દસ અંજલિયૉં’ (1969); ‘ભારત મેરા દેશ’ (1972)  આ તમામ જાણીતા નિબંધસંગ્રહો છે. ‘સૌંદર્ય કી નદી નર્મદા’ (1972) તેમનું પ્રવાસ-વર્ણન અંગેનું પુસ્તક છે.

ગુજરાતીમાં તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘નર્મદાનો પ્રવાસ’ (1990) અને ‘પરિક્રમા નર્મદામૈયાની’(1994)નો સમાવેશ થાય છે.

તેમની સાહિત્યસાધના બદલ તેમને 1972માં શિક્ષણ અને સમાજ કલ્યાણ મંત્રાલય ઍવૉર્ડ; 1992માં મધ્ય પ્રદેશ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ ઍવૉર્ડ; 1994માં મધ્યપ્રદેશ સાહિત્ય પરિષદ ઍવૉર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. તદુપરાંત તેમને ‘સૌંદર્યની નદી નર્મદા’ નામક તેમના ભ્રમણવૃત્ત બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે.

બળદેવભાઈ કનીજિયા