રુચિ (જાન્યુઆરી 1963થી ડિસેમ્બર 1968) : ગુજરાતી સાહિત્યકાર અને પત્રકાર ચુનીલાલ મડિયા દ્વારા સંપાદિત અને પ્રકાશિત ગુજરાતી સાહિત્યિક માસિક.

1962ના ડિસેમ્બરમાં મડિયાએ ‘યુસિસ’(યુનાઇટેડ સ્ટેટ્સ ઇન્ફર્મેશન સર્વિસ)માંથી પત્રકાર-સંપાદકની જવાબદારીમાંથી મુક્ત થઈ ‘રુચિ’ સામયિક શરૂ કર્યું. મડિયાએ પોતાના માસિક ‘રુચિ’ને ગુજરાતીમાં ‘સૌંદર્યલક્ષી સામયિક’ તરીકે તથા અંગ્રેજીમાં ‘એ મૅગઝિન ફૉર ક્રિયેટિવ થૉટ’ તરીકે ઓળખાવ્યું હતું.

‘રુચિ’ સામયિકનું આવરણ-પૃષ્ઠ

‘રુચિ’માં ગુજરાતી, અન્ય ભારતીય ભાષાઓ તેમજ વિદેશના તત્કાલીન, સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવાહોનું વિવિધ આલોચકોએ કરેલ વિશ્લેષણ પ્રકટ થતું. સાહિત્યિક અને સાંસ્કૃતિક મૂલ્યોની માવજત માટેનું ‘રુચિ’ એક મહત્વનું સાધન બની રહ્યું.

‘રુચિ’માં ‘ચોપાટીને બાંકડેથી’ને મળતી શૈલીમાં મડિયાએ ‘અખો રૂપેરો’ ઉપનામથી ‘છીંડું ખોળતાં’ કટાર લખી. ‘બાહ્યાંતર’ નામની કટાર હેઠળ મડિયાએ બિનસાહિત્યિક પણ સામાજિક પાસા પર લખ્યું. આ ઉપરાંત ‘રુચિ’માં જૂની-નવી પેઢીના અનેક મૂર્ધન્ય સાહિત્યકારોએ વિવેચન, નિબંધ તેમજ અન્ય સાહિત્યપ્રકારો વિશે વૈવિધ્યપૂર્ણ સામગ્રી પીરસી છે.

‘રુચિ’માં મડિયાએ વીરચંદ ગાંધી, ક્રિશ્નાજી હોલાજી આરા, અબ્દુલ રહીમ, આપાભાઈ આલમેલકર, જયંત ખત્રી, ઈશ્વર પેટલીકર, ઉમાશંકર જોશી, કામૂ, સાર્ત્ર, હેન્રી મિલર, આર્થર મિલર, બેહેરામજી મેહેરવાનજી મલબારી, ઑક્ટેવિયો પાઝ, કાર્લ માર્કસ, શયદા, ઝવેરચંદ મેઘાણી, જ્યોતીન્દ્ર દવે, ‘ધૂમકેતુ’, સૅમ્યુઅલ જૉન્સન, ડાગ હૅમરશોલ્ડ, એવતુશેન્કો, મિખાઇલ શોલોખોવ, રોમાં રોલાં, બૉરિસ પૅસ્તરનૅક, ટૉલ્સ્ટૉય, ચેખૉવ, હેમિન્ગ્વે, ડી. એચ. લોરેન્સ જેવા મહાનુભાવો વિશે તેમજ પી.ઈ.એન. કૉન્ફરન્સો, નોબેલ ઇનામની પસંદગીમાં ખેલાતું રાજકારણ, આધુનિક ટૂંકી વાર્તા, આધુનિક નવલકથા, આધુનિક વિવેચન જેવા અનેક વિષયો પર મૌલિક વિચારો રજૂ કરતા લેખો લખ્યા છે.

‘રુચિ’માં વાડીલાલ ડગલીએ ‘મુંબઈની ડાયરી’ નામે કટાર લખેલી. તેમાં તત્કાલીન મુંબઈ અને ભારતના કેટલાક પ્રશ્નોની માહિતીસભર છણાવટ થતી હતી.

‘રુચિ’માં જ જયંત પાઠકની ‘વનાંચલ’ આત્મકથા હપતાવાર પ્રકાશિત થઈ હતી. વળી મનુભાઈ પંચોળી–‘દર્શક’ની નવલકથા ‘કુરુક્ષેત્ર’ પણ તેમાં હપતાવાર શરૂ થઈ હતી. પરંતુ થોડાં પ્રકરણો પછી તે અટકી ગઈ હતી. ‘રુચિ’માં મડિયાએ એલન પૅટનના લાંબા નાટક ‘ક્રાય માઇ બિલવેડ લૅન્ડ’નો અનુવાદ ‘ભોમ રડે ભેંકાર’ શીર્ષક હેઠળ આપવો શરૂ કર્યો હતો, પરંતુ તે ત્રણ હપતા પછી અધૂરો રહેલો.

‘રુચિ’ના પૂંઠા પર તેમજ અંદર રાઘવ કનોરિયા, અભય ખટાઉ, કે. કે. હેબ્બર, ક્રિશ્નાજી હોલાજી આરા, અબ્દુલ રહીમ, આપાભાઈ આલમેલકર, ભાનુ શાહ, લીના સંઘવી, દિનેશ શાહ, છગનલાલ જાદવ, જ્યોતિ ભટ્ટ, લક્ષ્મણ પાઈ, શ્યાવક્ષ ચાવડા, સુધીર ખાસ્તગીર, રાજુ જેવા કલાકારોની લાક્ષણિક કૃતિઓ પ્રગટ થઈ છે. આ ઉપરાંત પૂંઠા પર સદગત સાહિત્યકારોના હસ્તાક્ષરો પણ છાપ્યા છે. વળી ઇન્દ્રદેવ આચાર્ય અને બંસીલાલ વર્મા‘ચકોર’નાં કાર્ટૂનો પણ આ પત્રમાં સ્થાન પામ્યાં છે.

‘રુચિ’એ જવાહરલાલ નહેરુ અને ઝવેરચંદ મેઘાણી પર તેમજ નવલકથા અને ટૂંકી વાર્તા પર વિશેષાંકો પ્રગટ કર્યા હતા.

1968ના ડિસેમ્બરમાં મડિયાનું અકાળે અવસાન થતાં 1969ના જાન્યુઆરીથી ‘રુચિ’ જેવા સત્વશીલ અને સુવાચ્ય સામયિકનું પ્રકાશન બંધ પડ્યું.

અમિતાભ મડિયા