રાસમાલા : અંગ્રેજ અધિકારી ઍલેક્ઝાન્ડર કિન્લૉક ફૉર્બ્સે લખેલ ગુજરાત પ્રાંતનો ઇતિહાસ. તેમણે 1850-56 દરમિયાન ગુજરાતના ઇતિહાસને લગતી માહિતી વહીવંચાઓના ચોપડા; રાસના ભંડાર; દેવાલય, વાવ, કૂવા અને છત્રીઓ ઉપરના લેખો; ‘પ્રબંધચિંતામણિ’, ‘દ્વયાશ્રય’, ‘શત્રુંજય માહાત્મ્ય’, ‘કુમારપાલચરિત્ર’ વગેરે ગ્રંથો; ઇંગ્લૅન્ડમાંનું ઇન્ડિયા હાઉસનું દફતર વગેરે સાધનો દ્વારા એકત્ર કરી, અંગ્રેજીમાં એક સળંગ વિસ્તૃત તવારીખ તૈયાર કરી. તે તવારીખ તૈયાર કરવામાં કવિ દલપતરામની પણ મોટી મદદ તેમને મળી હતી. તે તવારીખ ‘રાસમાલા’ નામે 1856માં બે ગ્રંથોમાં પ્રકાશિત થઈ.
તેમાં કુલ ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. તેમાંના વિભાગ-1માં પ્રાચીન સમયનો, વિભાગ-2માં સલ્તનતકાળનો અને વિભાગ-3માં મરાઠા અને બ્રિટિશ કાળનો ઇતિહાસ આલેખવામાં આવ્યો છે. તેમાં વિભાગ-3માં ગાયકવાડ, કાઠિયાવાડની મુલકગીરી, ઇડર તથા મહીકાંઠાના ઇતિહાસની વિસ્તૃત માહિતીનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિભાગ-4માં હિન્દુની જ્ઞાતિઓ, શહેરનો નિવાસ, રજપૂતોનો જમીનનો વહીવટ, ધર્મોપચાર, લગ્ન, ઉત્તરક્રિયા, શ્રાદ્ધ વગેરે વિશેની રસપ્રદ માહિતી તત્કાલીન સમાજનું આબેહૂબ ચિત્ર રજૂ કરે છે. મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ દીવાનબહાદુર રણછોડભાઈ ઉદયરામ પાસે તેનો ગુજરાતીમાં અનુવાદ કરાવી 1869માં પ્રગટ કર્યો. એની બીજી આવૃત્તિ 1899 તથા ત્રીજી આવૃત્તિ 1922માં પ્રગટ કરવામાં આવી. એના પરિશિષ્ટમાં આપેલી કેટલાક દેશી રાજ્યોના રાજવંશોની વંશાવળી પણ ઉપયોગી છે.
જયકુમાર ર. શુક્લ