રાવળ, અનંતરાય મણિશંકર, ‘શૌનક’

January, 2003

રાવળ, અનંતરાય મણિશંકર, ‘શૌનક’ (જ. 1 જાન્યુઆરી 1912, અમરેલી; અ. 18 નવેમ્બર 1988, અમદાવાદ) : સંનિષ્ઠ અધ્યાપક, તટસ્થ સમભાવશીલ અને સમતોલ વિવેચક તથા સંપાદક. વતન સૌરાષ્ટ્રનું વળા (વલભીપુર). બે વર્ષની વયે માતાનું અવસાન થતાં દાદીમા દ્વારા ઉછેર. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં. 1928માં મેટ્રિક. 1932માં ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી સંસ્કૃત ઑનર્સ અને ગુજરાતી સાથે બી.એ.. યુનિવર્સિટીમાં પ્રથમ આવવા બદલ હરગોવિંદદાસ કાંટાવાળા પારિતોષિક પ્રાપ્ત. 1934માં પ્રથમ વર્ગ સાથે એમ.એ.. 1932થી બે વર્ષ શામળદાસ કૉલેજમાં ફેલો. 1934માં એમ.એ. થયા બાદ મુંબઈમાં ‘હિન્દુસ્તાન પ્રજામિત્ર’ નામક દૈનિકમાં ઉપતંત્રી તરીકે વ્યાવસાયિક કારકિર્દીનો આરંભ. એમ.એ.માં ગુજરાતીમાં તેઓ એકલા જ પ્રથમ વર્ગમાં આવેલા. પરીક્ષક નરસિંહરાવ દિવેટિયા એમના ઉત્તરોથી એટલા બધા પ્રસન્ન થયા હતા કે તેમણે સામેથી સરકારને જણાવ્યું કે અનંતરાયને ગુજરાત કૉલેજમાં અધ્યાપક તરીકે નીમે. એક તેજસ્વી વિદ્યાર્થી આમ ગુજરાતીના અધ્યાપક થયા. આમ 1934ના ઑગસ્ટથી અમદાવાદની ગુજરાત કૉલેજમાં શ્રી કે. હ. ધ્રુવને સ્થાને તેઓ નિયુક્ત થયા અને લાગલગાટ 25 વર્ષ સુધી એટલે કે 1959 સુધી ત્યાં  રહ્યા. આટલો દીર્ઘ કાળ એક જ સંસ્થામાં ગાળ્યો તેથી એવું પણ બન્યું કે લગભગ ત્રણ પેઢીઓને એમના અધ્યાપનનો લાભ મળ્યો. ગુજરાતીના અધ્યાપકો અને વિવેચકોની બે પેઢીઓ તેમના થકી તૈયાર થઈ ઘડાઈ. તેમની સંશોધનવૃત્તિ, અભ્યાસનિષ્ઠા અને સઘન-સંકુલ રજૂઆતે તેમને વિદ્યાર્થીઓમાં શ્રદ્ધેય બનાવ્યા.

ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે અનંતરાય(રાવળ સાહેબ)ની સંગીન સેવાને ધ્યાનમાં લઈ ગુજરાત સાહિત્ય સભા તરફથી તેમને 1955નો શ્રી રણજિતરામ સુવર્ણચંદ્રક અર્પણ કરવામાં આવ્યો. એ ચંદ્રક સ્વીકારતાં તેમણે કહેલું કે, ‘મને હું ઓળખું છું તે મુજબ સત્વાભિ-વ્યક્તિ કે મારું પ્રગટીકરણ કે મારો વિશેષ સાહિત્યના અધ્યાપકનો છે; પછી બીજા નંબરે વિવેચકનો – ના, વિવેચક શબ્દ બહુ મોટો લાગે છે – સહૃદયનો. મારામાંનો અધ્યાપક જ સહૃદય બન્યો છે. અને સહૃદય જ બન્યો દેખાશે અધ્યાપક.’ વિવેચક, સંપાદક અને ઇતિહાસકાર અનંતરાય રાવળની મુખ્ય અને સાચી ઓળખ તો સંનિષ્ઠ અધ્યાપકની જ. 1959 સુધીની ગુજરાત કૉલેજની દીર્ઘ કામગીરી બાદ 1959-60 દરમિયાન જામનગરની ડી. કે. વી. કૉલેજમાં આચાર્યપદે રહ્યા. બાદ એક દસકો ગુજરાત રાજ્યના ભાષાવિભાગમાં રાજ્યવહીવટની ભાષાના ગુજરાતીકરણની કામગીરી કરી. 1970માં તેઓ ભાષાનિયામક-પદેથી નિવૃત્ત થયા. નિવૃત્તિ બાદ ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતીના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરી, 1977માં એક વર્ષ માટે ભવનના નિયામક પણ રહ્યા.

અનંતરાય મણિશંકર રાવળ, ‘શૌનક’

1932-33માં તેમણે પહેલો લેખ કૉલેજ મૅગેઝીનમાં ન્હાનાલાલ વિશે લખ્યો. આમેય ગોવર્ધનરામ અને ન્હાનાલાલ તેમના પ્રિય લેખકો હતા. 1933માં શ્રી વિજયરાય વૈદ્ય સંપાદિત ‘નર્મદ શતાબ્દી ગ્રંથ’ નિમિત્તે લખાયેલ ‘નર્મદ પ્રજાઘડતરનો વિધાયક’ લેખથી તેમની વિવેચનપ્રવૃત્તિનો પ્રારંભ થયો. પછી તો ‘કૌમુદી’, ‘પ્રસ્થાન’ આદિ સામયિકોમાં તેઓ નિયમિત લખતા થયા. વિવેચ્ય વિષયની નિ:શેષ, સર્વલક્ષી ચર્ચા અને તેની સંકુલ છતાં મુદ્દાસર રજૂઆતે તેમને અભ્યાસીઓમાં સારા આદર-માન અપાવ્યાં. તેઓ વિવેચનને ‘ધરમનો કાંટો’ કહેતા. તેમના ‘તારતમ્ય’ વિવેચનગ્રંથને 1974નો સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો. 1982માં તેમને નર્મદ-ચંદ્રક એનાયત થયો હતો. 1980માં વડોદરા ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રીસમા અધિવેશનનું પ્રમુખપદ તેમણે શોભાવેલું. સાહિત્ય અકાદમી, નૅશનલ બુક ટ્રસ્ટ, ગુજરાત વિદ્યાસભા તથા ગુજરાત સાહિત્ય સભા જેવી સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા હતા. એમના અનૂદિત, સંપાદિત અને વિવેચનનાં પુસ્તકોની સંખ્યા લગભગ 45 જેટલી થવા જાય છે. વિવેચનક્ષેત્રે તેમની પાસેથી ‘સાહિત્યવિહાર’ (1946), ‘ગંધાક્ષત’ (1949), ‘સાહિત્યવિવેક’ (1958), ‘સાહિત્યનિકષ’ (1958), ‘સમીક્ષા’ (1962), ‘સમાલોચના’ (1966), ‘ગ્રંથસ્થ વાઙ્મય’ (1967), ‘તારતમ્ય’ (1971), ‘ઉન્મીલન’ (1974), ‘અનુદર્શન’ (1988) વગેરે ગ્રંથો મળ્યા છે. ‘કવિવર્ય ન્હાનાલાલ’ (1985, અભ્યાસગ્રંથ), ‘ઉપચય’ (1971, લેખ-પ્રવચનસંગ્રહ), ‘ગુજરાતી સાહિત્ય : મધ્યકાળ’ (1954, ઇતિહાસગ્રંથ) જેવા ગ્રંથો તેમની ઊંડી અભ્યાસનિષ્ઠા અને ઊંચી સૂઝસમજ દર્શાવે છે. સંપાદનક્ષેત્રે ‘બોટાદકરની કાવ્યસરિતા’ (1956), ‘ન્હાનાલાલ મધુકોશ’ (1959), ‘નળાખ્યાન’ (1960), ‘ગુજરાતીનો એકાંકીસંગ્રહ’ (1960), ‘સ્નેહમુદ્રા’ (1960), ‘ચંદ્રહાસ આખ્યાન’ (1961, ડૉ. ધીરુભાઈ ઠાકર સાથે), ‘મદનમોહના’ (1966), ‘કલાપીનો કાવ્યકલાપ’ (1974), ‘ચૂનીલાલ વ. શાહની શ્રેષ્ઠ વાર્તાઓ’ વગેરે નોંધપાત્ર ગ્રંથો છે. ‘સરકારી વાચનમાળા’, સાહિત્ય અકાદમી માટે ‘સાહિત્યચર્ચા’ (1981) અને અન્ય કેટલાંક સંપાદનો પણ તેમણે કરેલાં છે. ‘ગ્રામલક્ષ્મી’(ર. વ. દેસાઈ કૃત નવલકથા)નો સંક્ષેપ તેમણે કર્યો છે. ‘ટૉલ્સ્ટૉયની નવલિકાઓ’ (અન્ય સાથે) અને ‘પ્રેમચંદ’ (સાહિત્ય અકાદમી, દિલ્હી) એ અનુવાદગ્રંથો છે. વળી ‘આહારવિજ્ઞાન’ (અન્ય સાથે), ‘રામ અને રામાયણદર્શન’ જેવાં પુસ્તકો પણ તેમની પાસેથી મળ્યાં છે. એમના વિવેચનલેખોનો સંગ્રહ ‘સૌહાર્દ અને સહૃદયતા’ (2001, સંપા. શ્રી આર. યુ. જાની, શ્રી કુમારપાળ દેસાઈ) એ મરણોત્તર પ્રકાશન છે.

એક તેજસ્વી અધ્યાપક અને નીડર-નિષ્પક્ષ વિવેચક તરીકે તેઓનું ગુજરાતી સાહિત્યમાં આગવું માનભર્યું સ્થાન છે. તેઓ સાચા અર્થમાં શીલભદ્ર સાહિત્યકાર હતા.

તેમના અવસાન બાદ તેમના સ્નેહીઓ તેમજ શિષ્યોએ રચેલી ‘પ્રો. અનંતરાય મ. રાવળ સ્મારક સમિતિ’ દ્વારા દર વર્ષે ‘અનંતરાય રાવળ વિવેચન ઍવૉર્ડ’, ‘શ્રેષ્ઠ અધ્યાપક ઍવૉર્ડ’ અપાય છે અને અધિકારી વિદ્વાન દ્વારા સ્મૃતિ- વ્યાખ્યાન અપાય તેવું આયોજન કરાય છે.

શ્રદ્ધા ત્રિવેદી