રાણપુર : અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકામાં સુકભાદર નદીને કાંઠે આવેલું ગામ. ભૌગોલિક સ્થાન : તે 22° 21´ ઉ. અ. અને 71° 43´ પૂ. રે. પર તાલુકામથક ધંધુકાથી 28 કિમી. દૂર આવેલું છે. રાણજી ગોહિલે તેની સ્થાપના કરેલી હોવાથી તેનું નામ રાણપુર પડેલું છે.

રાણપુર સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ રહે છે. મે માસનું સરેરાશ તાપમાન 42° સે.થી 45° વચ્ચે રહે છે; જ્યારે જાન્યુઆરીનું સરેરાશ લઘુતમ તાપમાન 10° સે. જેટલું રહે છે. વાર્ષિક વરસાદ સરેરાશ 550 મિમી. જેટલો પડે છે, જે પૈકી જુલાઈમાં 210 મિમી. વરસાદ પડી જાય છે.

રાણપુરની આજુબાજુના પ્રદેશમાં મુખ્યત્વે કપાસ, જુવાર, બાજરી તથા મગફળીનું વાવેતર થાય છે. રાણપુર વેપારી કેન્દ્ર હોઈને ખરીદ-વેચાણનું કામ અહીંથી થાય છે. તે જિન-પ્રેસ, તેલ-મિલ, ખાદી-ગ્રામોદ્યોગ સંચાલિત ઉત્પાદન-કેન્દ્ર પણ ધરાવે છે. સુથારી-લુહારીકામ માટે તે જાણીતું છે. અહીં જુદી જુદી બૅંકોની શાખાઓ આવેલી છે. બૅંકો ખેડૂતોને, વેપારીઓને અને લઘુઉદ્યોગકારોને ધિરાણ કરે છે. અહીં તાર-ટપાલ તેમજ ટેલિફોન કચેરીની પણ સગવડો છે. રાણપુર સુરેન્દ્રનગર-ભાવનગર મીટરગેજ રેલમાર્ગનું મહત્વનું મથક છે. તે ધંધુકા, બોટાદ, લીંબડી, બરવાળા, સુરેન્દ્રનગર, ભાવનગર તથા અમદાવાદ સાથે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. 1991ની વસ્તીગણતરી મુજબ તેની વસ્તી 11,786 જેટલી હતી. અહીં બાલમંદિરો, પ્રાથમિક શાળાઓ, હાઈસ્કૂલ તથા પુસ્તકાલયની સુવિધાઓ છે. આઝાદી પૂર્વે અહીં અમૃતલાલ શેઠ દ્વારા ‘સૌરાષ્ટ્ર’ દૈનિક શરૂ કરાયું હતું. ઝવેરચંદ મેઘાણી અહીંના હતા. તેમણે ‘ફૂલછાબ’નું તંત્ર સંભાળ્યું હતું. ડિટેક્ટિવ-રહસ્ય-કથાઓનું ‘બહુરૂપી’ માસિક પણ અહીંથી જ પ્રસિદ્ધ થતું હતું.

ગુજરાતના સુલતાન મહમૂદ બેગડા(1459-1511)એ રાણજી ગોહિલને મારીને રાણપુરની ગાદી રાણજીના ભાણેજ હાલુજી પરમારને મુસ્લિમ બનાવીને આપી હતી. તેના વંશજો ‘મોલેસલામ’ ગરાસિયા તરીકે જાણીતા છે.

રાણપુરમાં 800 વર્ષ પૂર્વે અમદાવાદના સૂબા આઝમખાને સુકભાદર અને ગોમા નદીના સંગમસ્થાને કિલ્લો, ઝરણા મસ્જિદ તથા સૂબાને રહેવાનો મહેલ બંધાવ્યાં હતાં. કિલ્લામાં વાવ, બગીચો, સ્નાનાગાર, ભૂગર્ભમાર્ગ વગેરેની સગવડો ઊભી કરી હતી. આજે કિલ્લો ખંડિયેર સ્થિતિમાં છે. કંદોઈ જ્ઞાતિની કુળદેવી રાજબાઈ ભવાની માતાનું જોવાલાયક પ્રાચીન મંદિર અહીં આવેલું છે.

અઢારમી સદીના મધ્યકાળથી મુઘલ સત્તા નિર્બળ થતાં તેનો લાભ લઈને વઢવાણના ઠાકોરે રાણપુર ઉપર ચઢાઈ કરેલી. રાણપુરના થાણેદારે દામાજીરાવ ગાયકવાડની સહાયથી વઢવાણના સૈન્યને હાર આપેલી. આ સહાયને બદલે આલમભાઈ પરમારે રાણપુર શહેર અને કિલ્લો ગાયકવાડને સોંપ્યાં હતાં. 1802ની વસઈની સંધિ પેશ્ર્વા, ગાયકવાડ સરકાર તથા ઈસ્ટ ઇંડિયા કંપની વચ્ચે થતાં ધંધુકા તાલુકો ઈસ્ટ ઇંડિયા કંપનીની હકૂમત હેઠળ આવેલો અને તેથી રાણપુર અંગ્રેજ હકૂમતનો એક ભાગ બનેલું.

મહાત્મા ગાંધીના ભારતમાં આગમન બાદ મીઠા ઉપરના ભારે કર વિરુદ્ધ 1930-31 દરમિયાન વીરમગામ અને ધોલેરા ખાતે મીઠું પકવવા સત્યાગ્રહ કરાયો હતો. ધોલેરા સત્યાગ્રહની ચાર છાવણીઓ પૈકી એક છાવણી રાણપુર ખાતે હતી. રાણપુરે સૌરાષ્ટ્રનાં જામનગર, રાજકોટ, ધ્રાંગધ્રા, જૂનાગઢ, મોરબી વગેરે રાજ્યોના જુલમ સામે તથા બ્રિટિશ હકૂમત સામેની લડતમાં સક્રિય સાથ આપી મહત્વનો ફાળો આપ્યો હતો.

શિવપ્રસાદ રાજગોર