રાઠોડ, અરવિંદ (જ. 14 ફેબ્રુઆરી 1941) : ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા. પિતા દરજીકામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાનો વ્યવસાય સ્વીકારવાના બદલે શાળા-કૉલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિ કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવું શરૂ કરી દીધું હતું. અરુણા ઈરાનીના પિતા એફ. આર. ઈરાનીના નાટક ‘મોટા ઘરની વહુ’માં ભૂમિકા કર્યા બાદ અમદાવાદમાં કેટલાંક નાટકોમાં અભિનય કર્યો. 1967-68માં વિનોદ જાનીના નાટક ‘પ્રીત પિયુ ને પાનેતર’ને કારણે મુંબઈ આવવાનું થયું. તેઓ ‘ગુજરાત સમાચાર’ના અખબારી છબીકાર તરીકે પણ સક્રિય હતા અને ફિલ્મ જગતમાં છબીકાર તરીકે ઘૂમતા હતા. આ દરમિયાન જ રાજકપૂરે તેમને જોયા અને ‘મેરા નામ જોકર’માં એક નાનકડી ભૂમિકા આપી અને ત્યારથી ફિલ્મના પડદા સાથે સંબંધ જોડાયો, જે એમની વ્યાવસાયિક કારકિર્દી બની ગયો. 1967થી જ તેમને ગુજરાતી ફિલ્મો મળવા માંડી. પ્રથમ વર્ષે ‘ગુજરાતણ’ પછી 1969માં ‘કંકુ’, ‘સંસારલીલા’ અને ‘જનનીની જોડ’; 1973માં ‘જન્મટીપ’ પછી 1976માં તેમની છ ફિલ્મો આવી. તે પૈકીની ‘ભાદર તારાં વહેતાં પાણી’માં ભજવેલી ‘જેઠા’ની ભૂમિકાએ તેમને ખલનાયક તરીકે એવા સ્થાપી દીધા કે ત્યારપછી લાગલગાટ 46 ફિલ્મો સુધી તેમને ખલનાયકની ભૂમિકા મળતી રહી. એમણે પોતે પણ છ-સાત ફિલ્મોમાં નાયક(હીરો)ની ભૂમિકા ભજવ્યા બાદ ખલનાયકની ભૂમિકામાં પોતાને સ્થિર કર્યા. કારકિર્દીના સાડાત્રણ દાયકામાં સો ઉપરાંત ગુજરાતી ફિલ્મો કરી ચૂકેલા અરવિંદ રાઠોડે ગુજરાતના રવીન્દ્ર દવે, કૃષ્ણકાંત, સુભાષ શાહ, મેહુલ કુમાર, જશુભાઈ ત્રિવેદી સહિતના મહત્વના દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. અરુણ ભટ્ટે તેમને 18 જેટલી ફિલ્મોમાં સતત ભૂમિકા આપી છે. ‘ભાદર તારાં વહેતાં પાણી’ ઉપરાંત ‘ઘરઘરની વાત’, ‘માબાપ’, ‘પંખીનો માળો’, ‘સોનાની જાળ’, ‘લોહીભીની ચૂંદડી’, ‘ક્ધયાવિદાય’, ‘મનડાનો મોર’, ‘સંત સવૈયાનાથ’, ‘હાલોને માડી ગરબે રમાડું’ અને ‘મારે ટોડલે બેઠો મોર’ જેવી ફિલ્મોમાં તેમને પ્રસિદ્ધિ પણ ખૂબ મળી. ‘સંત સવૈયાનાથ’માં હકારાત્મક ચરિત્ર ભજવનાર અરવિંદ રાઠોડે પાત્રોમાં વૈવિધ્ય દાખવવા પણ પ્રયત્ન કર્યા છે.

ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે ‘મેરા નામ જોકર’ બાદ ‘કોરા કાગઝ’, ‘અગ્નિપથ’ અને ‘ખુદાગવાહ’ જેવી હિન્દી ફિલ્મોમાં પણ ભૂમિકા ભજવી છે. મુંબઈનાં ગુજરાતી નાટકોમાં પણ તેઓ સમય મળ્યે ભૂમિકા ભજવતા રહ્યા છે. શફી ઇનામદાર દિગ્દર્શિત ‘એક સપનું બડું શેતાની’માં પિતાની યાદગાર ભૂમિકા ભજવનાર અરવિંદ રાઠોડે ‘મુખવટો’, ‘શિકસ્ત’, ‘મહાયાત્રા’ જેવાં નાટકોથી માંડી ‘બાસાહેબ’, ‘ઘટના-2003’ સહિત ઘણાં નાટકોમાં ભૂમિકા ભજવી છે. ‘મને અજવાળાં બોલાવે’ નાટકનું દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું. ખાસ પ્રકારનાં વસ્ત્રો અને અભિનયની શૈલીને કારણે ગુજરાતી ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકાને વિશિષ્ટ બનાવનાર અરવિંદ રાઠોડ 120 જેટલી ફિલ્મોમાં કામ કર્યા બાદ પણ 2003ના વર્ષમાં સક્રિય છે.

હરીશ રઘુવંશી