મોદી, ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’

February, 2002

મોદી, ચિનુ ચંદુલાલ, ‘ઇર્શાદ’ (જ. 30 સપ્ટેમ્બર 1939, વિજાપુર) : ગુજરાતી કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક. વતન કડી. પ્રાથમિક શિક્ષણ વિજાપુરમાં, માધ્યમિક શિક્ષણ ધોળકા, અમદાવાદમાં. 1954માં મૅટ્રિક. ગુજરાત યુનિવર્સિટીમાંથી 1958માં ગુજરાતીઇતિહાસ વિષય સાથે બી. એ. 1960માં એલએલ. બી.; 1961માં ગુજરાતી–હિન્દી સાથે એમ. એ., 1968માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી ‘ખંડકાવ્ય’ પર મહાનિબંધ લખી વિદ્યાવાચસ્પતિ (પીએચ.ડી.) થયા. 1961થી ’64 સુધી કપડવંજ તથા તલોદની કૉલેજોમાં અધ્યાપન. 1965થી ’75 સુધી અમદાવાદની સ્વામિનારાયણ આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક. 1975થી ’77 સુધી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનિઝેશનમાં સ્ક્રિપ્ટ-રાઇટર. 1977થી જાહેરાત ક્ષેત્રે ફ્રી-લાન્સર. એપ્રિલ 1994થી ગુજરાત યુનિવર્સિટીના ભાષા સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગમાં રીડર તરીકે. ‘રે’, ‘કૃતિ’, ‘ઉન્મૂલન’ અને હોટેલ પોએટ્સ ગ્રૂપ ઍસોસિયેશનના તંત્રી.

પ્રારંભિક સ્તબકની ‘વાતાયન’(1963)ની કવિતા અનુભૂતિ અને અભિવ્યક્તિ પરત્વે રાજેન્દ્ર-નિરંજનયુગીન સૌંદર્યાભિમુખ કવિઓને અનુસરતી લાગે છે. ‘રે’ મઠના કવિઓના સંપર્ક પછી એમની કવિતામાં આધુનિક કવિતાનો મિજાજ પ્રગટતો અનુભવાય છે. ‘વાતાયન’ની રચનાઓને સમાવી એમાં અન્ય રચનાઓ ઉમેરી પ્રગટ કરેલા સંગ્રહ ‘ઊર્ણનાભ’(1974)માં છાંદસની સાથે અછાંદસ રચનાઓ પણ પ્રાપ્ત થાય છે. ‘શાપિત વનમાં’ (1976) અને ‘દેશવટો’(1978)ની રચનાઓમાં આધુનિક અવાજ વિશેષ પ્રભાવક બને છે. આધુનિક કવિતાની અનેક લાક્ષણિકતાઓ આ રચનાઓ પ્રગટ કરે છે.

ચિનુ ચંદુલાલ મોદી, ‘ઇર્શાદ’

અછાંદસ રચનાઓની સાથે ગઝલમાં પણ ‘રે’ મઠના કેટલાક કવિઓ આધુનિક સંવેદના વ્યક્ત કરે છે. ગઝલનું આ નૂતન રૂપ સિદ્ધ કરવામાં  આ કવિનો ફાળો પણ ઓછો નથી. ‘ક્ષણોના મહેલમાં’ (1972), ‘દર્પણની ગલીમાં’ (1975), ‘ઇર્શાદગઢ’(1979)ની ગઝલો પર ર્દષ્ટિપાત કરતાં એનો અંદાજ આવશે. ‘ઇનાયત’(1996)ની ગઝલોમાં નવો મિજાજ જોવા મળે છે. ‘તસ્બી’ પ્રકારની નવા સ્વરૂપવાળી ગઝલ કવિનો આગવો ઉન્મેષ પ્રગટ કરે છે. ‘બાહુક’ (1982) ‘નળાખ્યાન’ના પૌરાણિક પાત્ર ને સંસ્કૃતાઢ્ય શૈલી અને અલંકારવૈભવથી ખંડકાવ્યના નૂતન રૂપને સિદ્ધ કરવા મથતું પરલક્ષી કાવ્ય છે. ‘એ’ રુબાઈ મુક્તકોનો સંચય છે; તો ‘સૈયર’ (2000) પત્નીના અવસાન પછી રચાયેલાં અંજલિ-કાવ્યોનો સંગ્રહ છે.

કવિતા પછી ચિનુભાઈનો બીજો પ્રેમ નાટક સાથે. ‘રે મઠ’ના કવિમિત્રો સાથે તેમણે પ્રયોગશીલ નાટકો આપ્યાં છે. ‘ડાયલનાં પંખી’-(1967)નાં ઍબ્સર્ડ એકાંકીઓ પદ્યમાં રચાયાં છે. ‘કૉલબેલ’(1973)નાં એકાંકીઓમાં પ્રયોગશીલતા વિશેષ છે. ‘હુકમ માલિક’(1984)નાં નાટ્યતત્વથી સભર એકાંકીઓ ‘આકંઠ સાબરમતી’ની કાર્યશિબિરનું ફળ છે. ‘જાલકા’(1985) એ ‘ રાઇનો પર્વત’ નાટકના એક અગત્યના પાત્ર જાલકાને કેન્દ્રમાં રાખી રચાયેલું ત્રિઅંકી નાટક છે. ‘અશ્વમેધ’ (1986) યજ્ઞના અશ્વ અને અશ્વમેધ કરનાર રાજાની રાણી વચ્ચેના સંભોગની શાસ્ત્રોક્ત વિધિને વિષય બનાવી રચાયેલું ત્રિઅંકી નાટક છે. ‘ખલીફાનો વેશ યાની ઔરંગઝેબ’, ‘ઔરંગઝેબ અને નૈષધરાય’, ‘નવલશા હીરજી’, ‘શુકદાન’ (2000) તથા ‘ચિનુ મોદીનાં પ્રતિનિધિ એકાંકીઓ’માં એકાંકી અને અનેકાંકી નાટકો પ્રાપ્ત થાય છે. ‘અખો’ (2010) ત્રિઅંકી નાટક છે.

કવિતા અને નાટકની સાથે સાથે લેખકનું નવલકથાસર્જન પણ થતું રહ્યું છે. તેમની પ્રથમ નવલકથા ‘શૈલા મજમુદાર’ (1966) આત્મકથાત્મક રીતિમાં રચાયેલી આધુનિક યુવતીની સંવેદનકથા છે. ‘ભાવચક્ર’(1975)ના એક ખંડમાં ‘શૈલા મજમુદાર’ની કથાનું પુનરાવર્તન જણાય છે. ‘લીલા નાગ’ (1971) મનુષ્યમાં રહેલા કામાવેગ તથા તેની વિકૃતિની કથા છે. ‘હગઓવર’ (1985) કામાવેગથી સ્ત્રીમાં જન્મતી ઉદ્દંડ પ્રગલ્ભતાને પ્રગટ કરે છે. ‘ભાવ-અભાવ’ (1969) પોતાના અસ્તિત્વથી સભાન મનુષ્યની કથા છે. આ લઘુનવલમાં વિચારતત્વનું ભારણ અનુભવાય છે. ‘પહેલા વરસાદનો છાંટો’ (1987) ચીલાચાલુ ધારાવાહી નવલ છે. ‘કાળો અંગ્રેજ’ સાંપ્રત સ્થિતિને સ્પર્શતી કટાક્ષકથા છે. ‘માણસ હોવાની મને ચીડ’ પણ વિશિષ્ટ નવલ છે.

લેખકના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ડાબી મૂઠી જમણી મૂઠી’(1986)માં કવિ ચિનુ મોદી ઠેર ઠેર ડોકાય છે. બીજા સંગ્રહમાં લેખક ‘છલાંગ’ (1997) તો લગાવે છે, પણ અધકચરી–અલબત્ત સંગ્રહની 31 પૈકી લગભગ અડધોઅડધ રચનાઓ પ્રયોગશીલ છે. રૂપનિર્મિતિ પર તેમણે ઠીક ઠીક ધ્યાન આપ્યું છે. લેખકનું દર્શન આધુનિક વેદનશીલતાએ વિકસેલું જોવા મળે છે.

‘મારા સમકાલીન કવિઓ’(1973)નું સંવર્ધિત રૂપ ‘બે દાયકા : ચાર કવિઓ’ (1974) રૂપે મળે છે. તેમાં મણિલાલ દેસાઈ, રાવજી પટેલ, લાભશંકર ઠાકર અને મનહર મોદીની કવિતાની સમીક્ષા સાંપડે છે. ‘ખંડકાવ્ય–સ્વરૂપ અને વિકાસ’ (1974) તેમનો મહાનિબંધ છે. ‘કૃષ્ણલાલ શ્રીધરાણી’ (1979) ગુજરાતી ગ્રંથકાર શ્રેણીની પુસ્તિકા છે. આ વિવેચનગ્રંથો લેખકની કાવ્યવિષયક સૂઝ-સમજનો ખ્યાલ આપી રહે છે. ‘કલશોર ભરેલું વૃક્ષ’ (1995) સતીશ વ્યાસ સાથે મળીને કરેલું રાવજીવિષયક વિવેચનલેખોનું સંપાદન છે.

‘ચઢો રે શિખર રાજા રામનાં’ (1975) ચં. ચી. મહેતાની પ્રતિનિધિ કવિતાનું સંપાદન છે. ‘ગમી તે ગઝલ’ અને ‘ગુજરાતી પ્રતિનિધિ ગઝલો’ તથા ‘સુખનવર’ શ્રેણી અંતર્ગત 20 ગઝલકારોનું સંપાદન તેમણે કૈલાસ પંડિત સાથે આપ્યું છે. ‘સ્વાતંત્ર્યસંગ્રામનાં એકાંકી’નું સંપાદન પણ એમણે અન્ય સાથે કર્યું છે. ‘વસંતવિલાસ’ (1957) મધ્યકાલીન અજ્ઞાત કવિના ફાગુકાવ્યનો અનુવાદ છે. નરસિંહ મહેતા પુરસ્કાર મળ્યો છે.

પ્રસાદ બ્રહ્મભટ્ટ