માળિયા : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 10´ ઉ. અ. અને 70° 20´ પૂ. રે. ની આજુબાજુનો 535 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે કેશોદ અને મેંદરડા, પૂર્વે તલાળા, દક્ષિણે વેરાવળ, નૈર્ઋત્યમાં અરબી સમુદ્ર અને પશ્ચિમે માંગરોળ તાલુકો આવેલા છે. માળિયાની પશ્ચિમે આશરે 1.6 કિમી.ના અંતરે દરિયાકાંઠે ચોરવાડનું જાણીતું હવા ખાવાનું સ્થળ આવેલું છે. આ સ્થળે વીર સાવરકરની સ્મૃતિમાં 28 નૉટિકલ માઈલની અખિલ હિંદ દરિયાઈ તરણસ્પર્ધા દર વર્ષે યોજાય છે.

તાલુકાનો ઢોળાવ દક્ષિણતરફી છે. દરિયાકિનારા નજીકના સપાટ પ્રદેશની જમીન ગોરાડુ છે. અંદરના ભાગની જમીન મધ્યમ કાળી છે. દરિયાકિનારાની જમીન રેતાળ, થોડા કાંપવાળી અને પ્રમાણમાં હલકી છે. ત્યાં ચેરનાં વૃક્ષો જોવા મળે છે. નજીકના ચોરવાડના બગીચાની કેસર કેરી ગુજરાત તેમજ અન્યત્ર ખૂબ વખણાય છે. મેઘલ અહીંની મુખ્ય નદી છે, તે મેંદરડા તાલુકાના મેઘલ ગામ પાસેથી નીકળી માળિયા તાલુકામાં પ્રવેશે છે, અને તાલુકાના નૈર્ઋત્ય ભાગમાં અરબી સમુદ્રને મળે છે. તેની લંબાઈ 35 કિમી. જેટલી છે. તરસિંહગઢ, માતર-વાણિયા, ભાંખરવડ, વડાલ, માળિયા, ઘાંઘળી, ભંડૂરી, નાની ધણેજ, સમઢિયાળા, ગડુ, વાસણવેલ, સુખપુર અને સીમર ગામો તેને કાંઠે આવેલાં છે. તાલુકામાં મે માસનું દરિયાકિનારા નજીકનાં સ્થળોનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 30.3° સે. અને 27.5° સે. તથા જાન્યુઆરી માસનું મહત્તમ અને લઘુતમ તાપમાન અનુક્રમે 27.8° સે. અને 15.4° સે. જેટલું રહે છે. તાલુકાના અંદરના ભાગોમાં 2° સે. વધુ તાપમાન રહે છે. અહીંનો સરેરાશ વાર્ષિક વરસાદ 600થી 700 મિમી. જેટલો પડે છે. 1991માં 453 મિમી. અને 1992માં 909 મિમી. વરસાદ પડેલો.

આ તાલુકામાં જંગલો નથી. ગામની ભાગોળે, ખેતરોને શેઢે કે કૂવાઓ નજીક લીમડો, પીપળો, પીપર, ખીજડો, બાવળ, આંબલી, વડ વગેરે જેવાં છૂટાંછવાયાં વૃક્ષો જોવા મળે છે. પશુધનમાં ગાય, બળદ, ભેંસ, ઘેટાં-બકરાં અને ડુક્કર મુખ્ય છે. તાલુકાની ખેડાણયોગ્ય જમીનો પૈકી 17 % જમીનમાં ખાદ્યપાકોનું અને 83 % જમીનમાં અખાદ્ય પાકોનું વાવેતર થાય છે. ઘઉં, જુવાર, બાજરી, કઠોળ, મરચાં, કોથમીર તથા કપાસ, મગફળી અને ઘાસ અહીંના મુખ્ય કૃષિપાકો છે. અહીં સિંચાઈ મુખ્યત્વે કૂવાઓ દ્વારા કરવામાં આવે છે, થોડીઘણી સિંચાઈ નહેરો દ્વારા પણ થાય છે. દરિયાકિનારા નજીક ચૂનાખડકો/કૅલ્સાઇટ, રેતી અને મુરમ મળે છે. તાલુકામાં માળિયા ખાતે તેલ-મિલ, જિન, લાટીઓ તથા બીડીનો ગૃહઉદ્યોગ આવેલાં છે. માળિયા તેમજ અન્ય ચાર સ્થળોએ વાણિજ્ય-બૅંકો અને સહકારી બૅંકોની સગવડ છે. આ ઉપરાંત ખરીદ-વેચાણ સંઘ તથા ખેતી સહકારી મંડળીઓ આવેલાં છે. તે ખેડૂતોને વાજબી ભાવે ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓ પૂરાં પાડે છે.

તાલુકામાં 26 કિમી. લંબાઈ ધરાવતી મીટરગેજ રેલવે છે. માળિયા રેલમાર્ગ દ્વારા કેશોદ, વેરાવળ, વંથળી અને જૂનાગઢ સાથે જોડાયેલું છે. અહીં ત્રણ રેલમથકો આવેલાં છે. માળિયા આ પૈકીનું મુખ્ય રેલમથક છે. તાલુકામાં 85 કિમી.ના પાકા અને 4 કિમી.ના કાચા રસ્તા છે. આ ઉપરાંત જિલ્લા-પંચાયત અને ઇજનેરી ખાતા હસ્તકના રસ્તા પણ છે. આ રીતે માળિયા તાલુકામાં કુલ 308 કિમી.ની લંબાઈના રસ્તાઓ આવેલા છે. તાલુકામથક માળિયા રાજ્ય-પરિવહનની બસ દ્વારા સાસણગીર સાથે પણ જોડાયેલું છે. કેશોદ માળિયા તાલુકા માટેનું નજીકનું હવાઈ મથક છે.

તાલુકામાં બાલમંદિરો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પૂરતી સગવડ છે. તાલુકાનું એક પણ ગામ પ્રાથમિક શાળા વિનાનું નથી. 1991 મુજબ માળિયા તાલુકાની વસ્તી 1,28,039 જેટલી છે. સ્ત્રીપુરુષોની વસ્તી લગભગ સરખી છે. તાલુકામાં માળિયા ઉપરાંત 63 ગામ આવેલાં છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ આશરે અનુક્રમે 90 % અને 10 % જેટલું છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે. તાલુકામાં 32 જેટલી દૂધમંડળીઓ છે. દરિયાકિનારે વસતા લોકો માછીમારીના કામમાં રોકાયેલા રહે છે. આ ઉપરાંત કેટલાક લોકો ગૃહઉદ્યોગોમાં, વેપારમાં, વાહનવ્યવહારમાં કામ કરે છે.

શહેર : તાલુકામથક માળિયા આ તાલુકાનું એકમાત્ર નગર છે. 1991 મુજબ તેની વસ્તી 11,057 જેટલી છે, તે પૈકી 52 % પુરુષો અને 48 % સ્ત્રીઓ છે. માળિયામાં સાક્ષરતાનું પ્રમાણ 66 % જેટલું છે. માળિયા તાલુકાનાં ગામો માટેનું ખરીદ-વેચાણ માટેનું વેપારી મથક બની રહેલું છે. માળિયા નગરમાં 4.5 કિમી.ના પાકા અને 3.5 કિમી.ના કાચા રસ્તા છે. અહીં વસતી હાટી જ્ઞાતિના લોકોને કારણે આ માળિયા માળિયા હાટીના તરીકે ઓળખાય છે, જ્યારે મોરબી તાલુકાનું માળિયા, ત્યાંની મિયાણા વસ્તીને કારણે માળિયા-મિયાણા તરીકે ઓળખાય છે.

શિવપ્રસાદ રાજગોર