માલવણિયા, દલસુખભાઈ ડાહ્યાભાઈ

January, 2002

માલવણિયા, દલસુખભાઈ ડાહ્યાભાઈ (જ. 22 જુલાઈ 1910, સાયલા, જિ. ઝાલાવાડ, સૌરાષ્ટ્ર; અ. 28 ફેબ્રુઆરી 2000) : જૈન, બૌદ્ધ તથા ભારતીય દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન. માતા પાર્વતીબહેનની કૂખે જન્મ. જ્ઞાતિએ ભાવસાર, ધર્મે સ્થાનકવાસી જૈન. સાવ સામાન્ય ગરીબ કહી શકાય તેવા પરિવારના. પિતા કટલરીની દુકાન ચલાવતા અને ચાર દીકરા તથા એક દીકરીનું ભરણપોષણ કરતા. પ્રાથમિક શિક્ષણનાં બે ધોરણ સાયલામાં. વડવાઓ માલવણમાં સ્થિત થયેલા તેથી માલવણિયા અવટંક બની. તેમની 10 વર્ષની વયે પિતા અવસાન પામ્યા. સુરેન્દ્રનગરના અનાથાશ્રમે દલસુખભાઈ વગેરે ચાર ભાઈઓને આશ્રય આપ્યો. ત્યાં 7 વર્ષ રહી તેમણે અંગ્રેજી પાંચ ધોરણનો અભ્યાસ કર્યો. ફાજલ સમયમાં આશ્રમની લાઇબ્રેરીનાં પુસ્તકોના અભ્યાસ સાથે લાઇબ્રેરી સુવ્યવસ્થિત કરી. આ પ્રવૃત્તિથી તેમની જ્ઞાનપિપાસાને પ્રોત્સાહન મળ્યું અને એક હોશિયાર વિદ્યાર્થી તરીકે ઊભર્યા. દરમિયાનમાં સ્થાનકવાસી જૈન ટ્રેનિંગ કૉલેજ – જયપુરના મંત્રી તથા પ્રાણસમા દુર્લભજી ત્રિભોવનદાસ ઝવેરી પાસેથી 1928–29 દરમિયાન તેમને જૈન આગમોના અભ્યાસની મુખ્ય ચાવી તથા સત્ય શોધવા-સ્વીકારવાની વિશિષ્ટ દૃષ્ટિ પ્રાપ્ત થઈ. 1929–30 દરમિયાન બિયાવર જૈન ગુરુકુળમાં તેઓ દાખલ થયા. આ અભ્યાસ બે વર્ષ સુધી ચાલ્યો. તેમના વિદ્યાવિકાસ તથા જીવનવિકાસમાં મુનિ રત્નચંદજી મહારાજ પાસેનાં આ બે વર્ષ વિશિષ્ટ સીમાસ્તંભ બની રહ્યાં. 1931માં તેમને બિયાવર જૈન ગુરુકુળ તરફથી જૈનદર્શનવિશારદની ઉપાધિથી સન્માનિત કરાયા. અમદાવાદના નિવાસ દરમિયાન એમને પૂજ્ય પંડિતવર્ય સુખલાલજીની તથા પં. બેચરદાસની ઓળખ થઈ. 1932માં રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવાથી તેમને જેલવાસ થતાં અમદાવાદનો તેમનો અભ્યાસકાળ સમાપ્ત થયો.

દલસુખભાઈ ડાહ્યાભાઈ માલવણિયા

ત્યારબાદ 1932માં દુર્લભજીએ દલસુખભાઈ, શાંતિભાઈ વગેરેને વિશ્વસંસ્કૃતિના સંગમસ્થાન એવા ગુરુદેવ ટાગોરના શાંતિનિકેતન જેવા વિદ્યાધામમાં ભારતીય વિદ્યા ઉપરાંત પૌરસ્ત્ય વિદ્યાના અધ્યયન માટે મોકલ્યા. 1931માં બંગાળ સંસ્કૃત પરિષદ, કલકત્તામાંથી ન્યાયતીર્થની પરીક્ષામાં તેઓ ઉત્તીર્ણ થયા. શાંતિનિકેતનમાં મહામહોપાધ્યાય વિધુશેખર શાસ્ત્રી ભટ્ટાચાર્ય પાસે પાલિભાષા અને બૌદ્ધ ધર્મશાસ્ત્રોનો અભ્યાસ કર્યો. પૂજ્ય પુરાતત્વાચાર્ય મુનિશ્રી જિનવિજયજી પાસે પ્રાકૃતભાષા અને જૈન આગમોનો વિશેષ અભ્યાસ કર્યો. તેમને શાંતિનિકેતનના પુસ્તકાલયમાં જૈન આગમો અને અન્ય ગ્રંથોના બહોળા વાચન અને મનનનો તથા સર્વાંગી વિકાસ માટેનો શ્રેષ્ઠ અવસર એક વર્ષ સુધી મળ્યો. પરિણામે તેમની વિદ્યાવૃત્તિ શતદળ કમળ જેમ વિકસી અને તેમની ગણના વિદ્વાન કે પંડિતની કક્ષામાં થવા લાગી. 1934માં તેમણે શાંતિનિકેતન છોડ્યું.

22 વર્ષની ઉંમરે 1932માં તેઓ મથુરાબહેન (મથુરાગૌરી) સાથે લગ્નગ્રંથિથી જોડાયા. 1934માં તેઓ મુંબઈમાં સ્થાનકવાસી જૈન કૉન્ફરન્સના મુખપત્ર ‘જૈનપ્રકાશ’ની કચેરીમાં રૂ. 40ના માસિક પગારથી જોડાયા. 1965માં તેમનાં પત્ની અવસાન પામ્યાનો વજ્રપાતશો અનુભવ થયો. એક વર્ષ બાદ તેમનું ‘आगमयुग का जैन दर्शन’ નામક પુસ્તક આગ્રાના સન્મતિ જ્ઞાનપીઠ તરફથી પ્રગટ થયું. તેમનું મન વિદ્યાવૃદ્ધિ ઝંખ્યા કરતું હતું, તેવામાં 1936માં પંડિત સુખલાલજી બનારસથી મુંબઈ આવ્યા ત્યારે તેમનું હીર પારખીને માસિક રૂ. 35ના પગારે બનારસ હિંદુ યુનિવર્સિટીની ઑરિયેન્ટલ કૉલેજમાં પોતાના વાચક તરીકે બનારસ આવવા નિમંત્ર્યા. પંડિતજીની માગણી સ્વીકારી અને સમય જતાં તેઓ પંડિતજીના શિષ્ય, મિત્ર ઉપરાંત સાથી બની ગયા. પંડિતજી પાસેથી તેઓ ભારતીય તત્વજ્ઞાનના ચાવીરૂપ ગ્રંથોનો અભ્યાસ અને ગ્રંથસંશોધન શીખ્યા. પછી તેમને પાટણ ખાતે પૂજ્ય શ્રી કાંતિવિજયજી તથા મુનિવર્ય પુણ્યવિજયજી પાસે ‘પ્રમાણમીમાંસા’ના સંશોધન અર્થે જવાનું થયું. ગ્રંથસંશોધન અને ગ્રંથસંપાદનમાં તેમની અસાધરણ શક્તિ જોઈને 1944માં પંડિતજી નિવૃત્ત થતાં એમના સ્થાને તેઓ બનારસ યુનિવર્સિટીમાં જૈન ચેરના પ્રોફેસર બન્યા. તત્કાલીન ઉપકુલપતિ ડૉ. રાધાકૃષ્ણને આ યુવાન વિદ્વાનને સહર્ષ આવકાર્યા. અધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓમાં અને સંશોધક તરીકે વિદ્વાનોમાં ખૂબ પ્રીતિપાત્ર બન્યા. જાપાનના પ્રોફેસર અને મ્યાનમારના બૌદ્ધ ભિક્ષુએ તેમની વિદ્વત્તાનો લાભ લીધો. તેમના તલસ્પર્શી પાંડિત્યે વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અધિકાર-વૃદ્ધોને પણ પ્રભાવિત કર્યા. તેઓ તદ્દન સાદાઈથી જીવન જીવતા.

1952માં પૂ. પુણ્યવિજયજી મહારાજની ભલામણ અને સદગત રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રબાબુના પ્રયાસથી દિલ્હીમાં પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીની સ્થાપના થઈ. દલસુખભાઈને તેના મંત્રી નીમવામાં આવ્યા અને દુર્લભ તથા મહત્વપૂર્ણ ગ્રંથોનું પ્રકાશન કરવામાં આવ્યું. 1957માં પૂ. પુણ્યવિજયજી મહારાજની પ્રેરણા અને શેઠ કસ્તૂરભાઈ લાલભાઈની ઉદાર સખાવતથી અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના કરવામાં આવી. 1959માં તેઓ પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીના માનાર્હ મંત્રી બન્યા અને પાછળથી લા. દ. ભારતીય સંસ્કૃતિ. વિદ્યામંદિરના નિયામક નિમાયા. તેમણે 8 વર્ષ સતત કામ કરીને આ વિદ્યામંદિરની પ્રતિષ્ઠા ખૂબ વધારી અને તેમની વહીવટી કુશળતાની પ્રતીતિ કરાવીને 1976માં સેવાનિવૃત્ત થયા.

1967માં ટૉરેન્ટો યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રોફેસર અને ડિપાર્ટમેન્ટ ઑવ્ ઈસ્ટ એશિયન સ્ટડીઝના અધ્યક્ષ-પ્રોફેસર એ. કે. વૉર્ડરે તેમને ભારતીય તત્વજ્ઞાનના અધ્યાપન માટે નિમંત્રેલા. તેમની જૈન આગમો અને ભારતીય દર્શનોની વ્યાપક અને તલસ્પર્શી વિદ્વત્તાનું મૂલ્યાંકન ભારતના તેમજ વિદેશના કેટલાક પ્રાચ્યવિદ્યા અને તત્વવિદ્યાના વિદ્વાનોએ સારી રીતે કર્યું. 1957માં ઑલ ઇન્ડિયા ઓરિયેન્ટલ કૉન્ફરન્સના દિલ્હી અધિવેશનમાં તેઓ પ્રાકૃત અને જૈનવિભાગના અધ્યક્ષ નિમાયા હતા. તેમની સત્યશોધક સર્વગ્રાહી અને સર્વસ્પર્શી વિદ્વત્તાએ અખંડ અને ધ્યેયનિષ્ઠ સરસ્વતી-ઉપાસનાનું શિખર સર કર્યું. દિલ્હીમાંની આંતરરાષ્ટ્રીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં, 1966માં અલીગઢમાં યોજાયેલી અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદમાં, બૅંગાલુરુમાં યોજાયેલ ધર્મોના અભ્યાસ અંગેની જ્ઞાનગોષ્ઠિમાં ઉચ્ચ કોટિના વિદ્વાનોમાં તેમણે સ્થાન શોભાવ્યું. જ્ઞાનોદય ટ્રસ્ટના ટ્રસ્ટી અને પાર્શ્ર્વનાથ વિદ્યાશ્રમના સલાહકાર તરીકે પણ તેમણે કામગીરી બજાવી હતી.

સરસ્વતીની સતત સાધનાને કારણે તેમણે મહાન આચાર્ય શ્રી હેમચંદ્ર, મણિલાલ નભુભાઈ દ્વિવેદી, આચાર્ય આનંદશંકર ધ્રુવ, પ્રજ્ઞાચક્ષુ સુખલાલજીની પરંપરાની એક મહાન વિદ્યાવિભૂતિ તરીકે ગુજરાતનું ગૌરવ વધાર્યું.

તેઓ સંસ્કૃત, પ્રાકૃત, પાલિ, અપભ્રંશ આદિ પ્રાચ્ય ભાષાઓના પ્રકાંડ પંડિત તેમજ જૈન-બૌદ્ધ આગમોની સાથે વૈદિક વાઙ્મયના પણ ગહન અધ્યેતા હતા. સૌમ્ય વ્યક્તિત્વયુક્ત તેમનું જીવન ખૂબ જ સરળ, નિર્મળ અને સૌજન્યસભર હતું. તેમનામાં રાગદ્વેષની કઠોર લાગણીનો સર્વથા અભાવ હતો. તેઓ વિવેકશીલ અને પરગજુ હતા. તેમના જીવનમાં સર્વસમદર્શનભાવ જોવા મળતો હતો. પ્રસિદ્ધિની ઝંખના તેમજ ધનસંપત્તિના લોભથી વેગળા રહેલા, નમ્ર અને નિખાલસ એવા આ પ્રખર પંડિતની વિદ્વત્તાનું બહુમાન 1974માં દિગંબર મુનિશ્રી વિદ્યાનંદજી પ્રેરિત ‘વીર નિર્વાણભારતી’ સંસ્થા તરફથી તેમને ‘સિદ્ધાંતભૂષણ’ પદવી ઉપરાંત પુરસ્કાર અને સન્માનપત્ર અર્પણ કરીને કરાયું હતું. ભારત સરકારે તેમને ‘પદ્મભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા.

બળદેવભાઈ કનીજિયા