મહેતા, રમેશ (જ. 22 જૂન 1932, નવાગામ, ગોંડલ; અ. 11 મે 2012 રાજકોટ) : ગુજરાતી ચલચિત્રોના હાસ્યઅભિનેતા. ગુજરાતના ચાર્લી ચૅપ્લિન ગણાવી શકાય. પિતાનું નામ ગિરધરલાલ મહેતા. માતાનું નામ મુક્તાબહેન. રમેશ છ માસના હતા ત્યારે મકાનની બાજુમાં જ ચાલતી નાટક કંપનીએ તેમનાં માબાપની સંમતિથી એક નાટકમાં બાળકના રોલમાં તેમને રજૂ કરી દીધા હતા. વિદ્યાભ્યાસ કરતાં કરતાં તેઓ નાટકના પ્રેમમાં પડ્યા અને નાટક ભજવતા તથા લખતા પણ થયા. પિતાનો સાહિત્યશોખ વારસામાં મળેલો તેથી સંસ્કૃત પુરાણો, અંગ્રેજી નાટકો તથા પ્રશિષ્ટ ગુજરાતી ગ્રંથોનાં અવતરણો ટાંકીને નાટકોના સંવાદ રચી શકતા. તેમનાં નાટકો રાજકોટની ખ્યાતનામ ધર્મેન્દ્રસિંહજી કૉલેજમાં પણ ભજવાતાં. સત્તર વર્ષની વયે ગુજરાતના જાણીતા ગઝલકાર અમૃત ઘાયલની દૂરની ભત્રીજી વિજયાગૌરી સાથે તેઓ વિવાહગ્રંથિથી જોડાયા. 1953માં ચાળીસ રૂપિયાના પગારે ઈરાની શેઠની નાટક કંપનીમાં જોડાયા તે પછી વધારે પગાર માટે નાટક કંપની છોડી સરકારી નોકરીમાં જોડાયા. જાહેર બાંધકામ ખાતામાં નોકરી કરતાં કરતાં આમ જનતાના સહવાસમાં આવવાનો લાભ તેમને મળ્યો, જેણે અભિનય માટેના અવલોકનની સારી તક પૂરી પાડી. સરકારી નોકરીમાં નાટકિયો જીવ અકળાતો રહ્યો. અંતે નોકરી છોડી થોડો સમય પ્રૂફરીડિંગ કર્યા બાદ મુંબઈ પહોંચ્યા. મનસુખ જોશીની ભલામણથી સો રૂપિયાના માસિક પગારે તેઓ મુંબઈની જાણીતી નાટ્યસંસ્થા આઇ. એન. ટી.માં પડદા પાછળના કલાકાર તરીકે જોડાયા. આ સમયે બે સુખાંત નાટકો ‘સૂડી વચ્ચે સોપારી’ તથા ‘હું એનો વર છું’ લખ્યાં. ગુજરાતી અભિનેત્રી અને નિર્માત્રી કલ્પના દીવાનને તે ગમ્યાં. તેથી રમેશ મહેતાને પોતાના ઘરે 6 વર્ષ રાખ્યા. 1969માં ભાગ્ય ખૂલ્યું. મશહૂર ગુજરાતી પટકથાલેખક ચત્રભુજ દોશી બીમાર પડતાં તેમના લેખનવાળી ‘હસ્તમેળાપ’ ફિલ્મનાં કેટલાંક ર્દશ્યો તેમણે લખ્યાં અને તેમના આશીર્વાદથી તેઓ પટકથાલેખક બની ગયા. તેમણે નાની ભૂમિકા પણ ભજવી. રવીન્દ્ર દવેની ગુજરાતી ફિલ્મ ‘જેસલ તોરલ’માં સૂરતના કલાકાર કૃષ્ણકાંતની હાસ્યનટની ભૂમિકામાં વરણી થયેલી. અકસ્માતે તેઓ શૂટિંગ સમયે ન પહોંચી શક્યા. તેથી તે ભૂમિકા રમેશ મહેતાએ ભજવી અને તેઓ એ રીતે હાસ્યનટ તરીકે પ્રતિષ્ઠિત થયા. પછી તો તેમણે પાછું વળીને જોયું જ નથી. 190 જેટલી ગુજરાતી ફિલ્મોમાં તેમણે હાસ્ય-કલાકાર તરીકે અભિનય કરીને વિક્રમ સર્જ્યો છે. રમેશ મહેતાએ બાવીસ ફિલ્મોની કથાઓ પણ લખી છે. તેમાંથી સત્તર ફિલ્મો સફળ નીવડી છે. નામ વિના પણ તેમણે કેટલીક ફિલ્મ-કથાઓ લખી હતી. તેમનું નામ પડદા ઉપર ‘ટાઇટલ’માં આવતું ત્યારે સિનેમાહૉલ સીટીઓથી ગાજી ઊઠતો. તેથી ‘રેતીનાં રતન’ ફિલ્મમાં તેમની ઓળખ જ ‘સીટીસમ્રાટ’ તરીકે આપવામાં આવી હતી. રમેશ મહેતા અને રજનીબાળા તથા ત્યારબાદ રમેશ મહેતા અને મંજરી દેસાઈની હાસ્યબેલડી ગુજરાતી ફિલ્મોમાં મશહૂર બની ગઈ. એક અકસ્માતમાં મંજરીનું મૃત્યુ થયું; પરંતુ રમેશ મહેતા સદભા ગ્યે બચી ગયા. 1969થી આજ પર્યંત હાસ્યકલાકારની ભૂમિકામાં રમેશ મહેતાનું એકચક્રી શાસન ચાલુ છે.

હરીશ રઘુવંશી