મહેતા, દીપક ભૂપતરાય (જ. 26 નવેમ્બર 1939, મુંબઈ) : વિવેચક, અનુવાદક, સંપાદક. વતન ભાવનગર. 1957માં મુંબઈની ન્યૂ ઇરા હાઇસ્કૂલમાંથી મૅટ્રિક. 1961માં ગુજરાતી, સંસ્કૃત વિષયો સાથે બી.એ. 1963માં એમ.એ.; એમ.એ.માં ગુજરાતીમાં સૌથી વધુ ગુણ મેળવવા માટે તેમને બ. ક. ઠાકોર સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. 1963થી 1974 સુધી કે. જે. સોમૈયા કૉલેજ, મુંબઈમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય. 1974–76 દરમિયાન પરિચય ટ્રસ્ટમાં સહાયક-સંપાદક. 1976થી 1982 સુધી યુ. એસ. લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ, નવી દિલ્હીના ગુજરાતી અને મરાઠી ભાષાના વિશેષજ્ઞ તરીકે કાર્ય કર્યા બાદ પાછળથી ત્યાં જ કાર્યકારી અધ્યક્ષ તરીકે સેવાઓ આપેલી. પછી મુંબઈમાં અમેરિકન સરકારની માહિતી કચેરીમાં સાંસ્કૃતિક બાબતોના વિશેષજ્ઞ તરીકે કામગીરી. ગુજરાતી સાહિત્ય સભા, દિલ્હીના સંવાહક તરીકે રહી ચૂકેલા. તેમણે ગુજરાત લેખકમિલન તથા વિલે પાર્લે સભા, મુંબઈના મંત્રી તરીકે પણ કામ કરેલું.

તેમની પાસેથી ‘નવલકથા : કસબ અને કલા’ (1976) તથા ‘કથાવલોક’ (1978) જેવા સાહિત્યના અભ્યાસમાં ઉપયોગી થાય તેવા વિવેચનગ્રંથો મળ્યા છે. ‘રમણલાલ વ. દેસાઈ’ (1980) એ તેમનો ‘ગ્રંથકાર શ્રેણી’ નિમિત્તે લખાયેલ લઘુપ્રબંધ છે. તેમની પાસેથી સમયાંતરે ‘શામળની કવિતા’, ‘જગતની શ્રેષ્ઠ નવલકથાઓ’, ‘રમણલાલ દેસાઈ’, ‘કનૈયાલાલ મુનશી’, ‘મુનશીની નવલત્રયી’, ‘ધૂમકેતુ’, ‘ચંદ્રવદન મહેતા’, ‘ઝવેરચંદ મેઘાણી’ વગેરે પરિચય-પુસ્તિકાઓ મળી છે. આ બધાં પુસ્તકોમાં તેમની અભ્યાસનિષ્ઠા જોવા મળે છે. તેમની પાસેથી ઓછા પણ સુંદર અનુવાદો મળ્યા છે. ‘માહિમની ખાડી’ (1977) અને ‘સરદાર પટેલનો પસંદ કરેલો પત્રવ્યવહાર’ (ભાગ 1-2, 1977) – એ તેમના અનુવાદો છે. આમાંના બીજા પુસ્તકને તો 1977નું ગુજરાત રાજ્ય સરકારનું અનુવાદ માટેનું પારિતોષિક પણ મળેલું.

પ્રસિદ્ધ અને પ્રતિષ્ઠિત લેખિકા મહાશ્વેતાદેવીના પુસ્તકનો ‘એક કોડીનું સપનું’ (1979) નામે તેમણે અનુવાદ કર્યો. અન્યના સહયોગથી બાળકો માટે તેમણે બે કથામાળાઓ આપી છે. એક ‘સબરસ કથામાળા’ (1977) અને બીજી ‘પરીકથામાળા’ (1980). આમાં કથાનકની પસંદગી અને તેની રજૂઆતમાં બાલમાનસનો ખ્યાલ સતત રખાયો હોઈ બાળકો માટે તે ઇષ્ટ અને મિષ્ટ વાચનસામગ્રી બની રહે છે.

‘કથાસંદર્ભ’ (1984, અન્ય સાથે), ‘માતૃવંદના’ (ભાગ 1-2, 1983–85), ‘લગ્નકથા’ (1988), ‘માતૃછાયા’ (1993), ‘માતૃમંગલા’ વગેરે તેમની પાસેથી મળેલાં વિશિષ્ટ સંપાદનો છે. આમાંનું ‘કથાસંદર્ભ’ અભ્યાસીઓને ખૂબ ઉપયોગી થાય તેવું છે, તો ‘માતૃવંદના’ ઘણું લોકપ્રિય થયેલું સંપાદન છે. તેમાં સાહિત્યકારોએ પોતપોતાની માતાઓ વિશે કરેલી હૃદયસ્પર્શી સંસ્મરણાત્મક રજૂઆતોનું સંકલન છે.

શ્રદ્ધા ત્રિવેદી