બિલખા : સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢથી અગ્નિખૂણે ગિરનારની તળેટી નજીક આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 21° 26´ ઉ. અ. અને 70° 36´ પૂ. રે. આઝાદી પૂર્વે આ એક દેશી રાજ્ય હતું, તે વખતે તેના કબજા હેઠળ 25 જેટલાં ગામોનો વહીવટ હતો.

તેની આજુબાજુનું ભૂપૃષ્ઠ લાવાના ખડકોથી બનેલું હોવાથી તેનો ભૂમિભાગ ડુંગરાળ બની રહેલો છે, કેટલોક ભાગ લૅટરાઇટજન્ય છે તો કેટલોક કાંપની જમીનોથી બનેલો છે. ખેડાણલાયક જમીનો કાળી, ચીકણી અને ફળદ્રૂપ છે. આ નગરની પશ્ચિમે આશરે 7 કિમી.ને અંતરે ગુંદાજળી નદી પસાર થાય છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં તાપમાન અનુક્રમે 27° સે. અને 15° સે. જેટલાં રહે છે. વર્ષ દરમિયાન ભેજનું  પ્રમાણ લગભગ 35 %થી 40 % જેટલું રહે છે. અહીં આશરે 750  મિમી. જેટલો વરસાદ પડે છે.

1991 મુજબ બિલખાની કુલ વસ્તી 11,041 જેટલી જાણવા મળી છે, તે પૈકી 60 % લોકો અક્ષરજ્ઞાન ધરાવે છે. અહીં મોટેભાગે કણબી, કોળી, આહીર અને ખાંટ જાતિના લોકો વસે છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી ઉપરાંત જંગલ-પેદાશો એકઠી કરવાનો છે. બિલખા નગર ખાતે અનાજનું પીઠું આવેલું છે. બાજરો, જુવાર, મગફળી અને કઠોળ જેવી પેદાશો અહીં ભેગી થાય છે.

1958–59માં અહીં સર્વપ્રથમ વાર નગરના વહીવટ માટે નગરપાલિકાની રચના થયેલી છે. અહીં સૌરાષ્ટ્ર બૅંકની તેમજ મધ્યસ્થ સહકારી બૅંકની શાખાઓ છે. ઉદ્યોગોમાં તેલની 3 મિલો, જિન-પ્રેસ અને અનાજ દળવાની ઘંટી છે. બિલખા નગરમાં બાલમંદિર, પ્રાથમિક શાળાઓ, એક માધ્યમિક શાળા, પુસ્તકાલય, પોસ્ટ અને તાર કચેરી, તાલુકા પંચાયત-સંચાલિત દવાખાનું, કુટુંબનિયોજન-કેન્દ્ર તથા આરામગૃહની સગવડ છે.

બિલખામાં શ્રીમન્ નથુરામ શર્માના ‘આનંદઆશ્રમ’ની સર્વપ્રથમ સ્થાપના થયેલી.

બિલખા જૂનાગઢ–વીસાવદર મીટરગેજ રેલમાર્ગ પરનું મહત્વનું રેલમથક છે. તાલુકાનાં અન્ય મથકો સાથે પણ તે પાકા રસ્તાઓથી જોડાયેલું છે. રાજ્ય-પરિવહનની બસો દ્વારા તે જૂનાગઢ, અમરેલી, વીસાવદર, બગસરા, ભેંસાણ વગેરે સ્થળો સાથે સંકળાયેલું છે.

મૈત્રક વંશના રાજા ધારાસેન બીજાના ઈ. સ. 571ના ઝરમાંથી મળેલા તામ્રપત્રમાં તેનો ‘બિલ્વખટ’ તરીકે ઉલ્લેખ મળે છે; આ ઉપરાંત ‘સ્થલી’ તરીકે પણ તેનો ઉલ્લેખ મળે છે. તે સ્થલી રાજ્યનું મુખ્ય મથક હતું. અનુશ્રુતિ પ્રમાણે પ્રાચીનકાળમાં તે બલિરાજાનું નિવાસસ્થાન હોવાને કારણે બલીશનાથ (અથવા બાલીશનાથ) તરીકે ઓળખાતું હતું. આતિથ્ય માટે જાણીતા બનેલા ગુજરાતી વણિક વેપારી શેઠ સગાળશાએ પોતાના અંતિમ દિવસો અહીં ગાળેલા.

બિલખામાં ખાંટ જ્ઞાતિના ઠાકોરનું રાજ્ય હતું. જેસલ મેરે મહમ્મદ તઘલખને જૂનાગઢ જીતવામાં ઈ. સ. 1350માં મદદ કરી હતી, તે બદલ તેને ગિરનારના જંગલની જાગીર આપી હતી. બીજા મેર ઠાકોરે મહમૂદ બેગડાને ખૂબ ત્રાસ આપ્યો હતો, તેથી તેનો વધ કરીને રાજ્યને ખાલસા કર્યું હતું. જૂનાગઢના નવાબે જેતાણી શાખાના જેતપુરના વીરાવાળાને બિલખાના વસંતરાય પુરબિયા સામે લડવા મદદ કરી હતી. જપ્તી (attachment) યોજના અનુસાર બિલખા રાજ્યને 1943માં અમરેલી પ્રાંતના વહીવટ હેઠળ મૂક્યું હતું. આઝાદી બાદ 1949માં બિલખા જૂનાગઢ જિલ્લામાં મુકાયું હતું.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી