પારેખ મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’)

January, 1999

પારેખ, મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’) (. 14 જુલાઈ 1923, અમદાવાદ) : ગુજરાતીના નિવૃત્ત અધ્યાપક, વિવેચક, હાસ્યલેખક, નાટ્યલેખક, બાળસાહિત્યકાર, અનુવાદક અને સંપાદક.

પિતા હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ સાહિત્યોપાસક હતા. માતા જડાવબહેન. વતન સૂરત. ઈ. સ. 1939માં  પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક. 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને 1952માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ.. 1958માં ‘ગુજરાતી નવલકથા-સાહિત્યમાં પારસીઓનો ફાળો’  એ વિષય પર મહાનિબંધ લખીને તેમણે પીએચ.ડી.ની પદવી મેળવી. 1945થી 1955 સુધી શિક્ષક. 1955થી 1983 સુધી અમદાવાદની હ. કા. આર્ટ્સ કૉલેજમાં અધ્યાપક અને પછીથી આચાર્ય. 1961થી ‘બુદ્ધિપ્રકાશ’ના તંત્રી. 1974થી 2000 સુધી ગુજરાત સાહિત્યસભા, અમદાવાદના મંત્રી; 2003થી 2006 સુધી તેના ઉપપ્રમુખ અને 2006થી 2010 સુધી પ્રમુખ.

તેમનું સાહિત્યપ્રદાન વિપુલ છે. તેમને અનેક પુરસ્કારો મળ્યા છે. ‘અંગ્રેજી સાહિત્યનું આચમન’  એ ગ્રંથ માટે તેમને 1972માં ‘કુમાર’-ચંદ્રક; 1982-83ના સમયગાળામાંના હાસ્યરસના શ્રેષ્ઠ પુસ્તક તરીકે ‘વિનોદાયન’ માટે ગુજરાતી સાહિત્ય પરિષદનું ‘જ્યોતીન્દ્ર દવે હાસ્યપારિતોષિક’; 1991માં ગુજરાત સાહિત્યસભા તરફથી ‘ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક’; 2001માં ‘અનંતરાય રાવળ વિવેચન ઍવૉર્ડ’; 2003માં રણજિતરામ સુવર્ણચંદ્રક તથા ગુજરાત સાહિત્ય અકાદમીનો ‘ગૌરવ પુરસ્કાર’ તેમને મળ્યા.  તેમનાં સાતેક પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી તેમજ ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પારિતોષિકો પ્રાપ્ત થયાં છે.

મધુસૂદન પારેખનું સર્જનક્ષેત્રે હાસ્યનિબંધો અને હાસ્યકથાઓ ઉપરાંત બાળસાહિત્ય તેમજ નાટ્યસાહિત્યમાંય કેટલુંક ઉપયોગી પ્રદાન છે. અલબત્ત, તેમનું ઉલ્લેખનીય પ્રદાન તો હાસ્યનિબંધોના ક્ષેત્રે ગણાય છે.

‘પ્રિયદર્શી’ના ઉપનામે 1960થી ‘ગુજરાત સામાચાર’માં ‘હું, શાણી અને શકરાભાઈ’ કૉલમની શરૂઆત થઈ ને આજે 2021માં પણ સુંદર રીતે ચાલે છે. તેમના વિનોદમાં માર્મિકતા, શિષ્ટતા અને મિષ્ટતા હોય છે. તેમણે જીવન અને જગતને ખુલ્લી આંખે, ખુલ્લા કાને અને ચિત્તે ગ્રહણ કર્યું છે અને હળવાશથી તેમના અનુભવો નિરૂપ્યા છે. જીવનનો આસ્વાદ લેવાની સહજવૃત્તિ એમના નિબંધોની આસ્વાદ્યતાના મૂળમાં છે. સામાજિક દૂષણો, વ્યક્તિઓના સંબંધો, કુટુંબજીવન, સમાજજીવન, તહેવારો ઉત્સવો  આ સર્વને તેમણે વક્રદૃષ્ટિથી જોઈ, હળવા કટાક્ષો સાથે રજૂ કર્યાં છે.

લેખકની સામે વિશાળ વાચકવર્ગનું મનોરંજન એ મુખ્ય લક્ષ્ય હોઈ દેખીતી રીતે જ સરેરાશ વાચકવર્ગ ગ્રહી-માણી શકે એવી ભૂમિકા હાસ્યમાં જાળવવાની જહેમત દેખાય છે. આ માટે તેઓ શબ્દરમત, શ્લેષાદિ અલંકારો વગેરેનો પણ આસાનીથી પ્રયોગ કરે છે. તેઓ અવારનવાર ભાવગત સૂક્ષ્મ હાસ્યનું આલેખન પણ કરે છે. તેમના નિબંધો પથ્ય આનંદ આપવા સાથે સુરુચિની સુવાસ પણ પ્રસરાવે છે. ‘હું, શાણી અને શકરાભાઈ’ (1965), ‘સૂડીસોપારી’ (1967), ‘રવિવારની સવાર’ (1971), ‘આપણે બધાં’ (1975), ‘અવળાં ચશ્માં’ (1976), ‘શ્રેષ્ઠ હાસ્યરચનાઓ’ (સંપા. વિનોદ ભટ્ટ, 1981), ‘વિનોદાયન’ (1982), ‘પેથાભાઈ પુરાણ’ (1985), ‘હાસ્યકુસુમ’ (1988), ‘આંખનું કાજળ ગાલે ઘસ્યું’ (1991), ‘હાસ્યદેવાય નમો નમ:’ (1992), ‘સ્મિતલહરી’ (1997), ‘પ્રિયદર્શીની હાસ્યલીલા’ (2006), ‘પ્રિયદર્શીની નિબંધિકાઓ’ વગેરે તેમનાં હાસ્યસાહિત્યનાં પુસ્તકો છે.

બાળસાહિત્યક્ષેત્રે ‘શામળ ભટ્ટની વાર્તાઓ’ (1966, 1992), ‘વૈતાળપચીસી’ (1967), ‘સિંહાસનબત્રીસી’ (ભાગ 1-2; 1970, 1988, 1993), ‘મૂરખરાજ’ (1973, 1993), ‘બુધિયાનાં પરાક્રમો’ (ભાગ 1-2; 1973, 1985), ‘માખણલાલ’ (ભાગ 1-4; 1976), ‘બાર પૂતળીની વાતો’ (ભાગ 1-3; 1981), ‘સાહસિક સુંદરલાલ’ (1991), ‘મિયાં અકડુ’ (1992), ‘મધુર મધુર વાતો’ (1996), ‘વરુણનું સોનેરી સ્વપ્ન’ (1998), ‘સસ્સાજી સટાકિયા’ (2005) વગેરે પુસ્તકોનો સમાવેશ થાય છે. રસાળ શૈલીમાં લખાયેલું તેમનું બાળસાહિત્ય બાળકોનું સારી રીતે મનોરંજન કરે છે. તેઓ બાળવિકાસમાં પ્રેરક-પ્રોત્સાહક કથાસામગ્રી સતત આપતા રહ્યા છે. બાળકોની આસપાસની સૃષ્ટિ તેમણે બહુ હળવાશથી રજૂ કરી છે. પ્રસન્નતા અને મધુરતા તેમની શૈલીની વિશેષતા છે.

મધુસૂદન હીરાલાલ પારેખ

‘નાટ્યકુસુમો’ (1962) શાળા-કૉલેજમાં ભજવી શકાય તેવાં એકાંકીઓનો સંગ્રહ છે. 1981માં તેમની પાસેથી ‘પ્રિયદર્શીનાં પ્રહસનો’ તથા ‘ફૂલફટાક નાટકો’(1995) મળ્યાં છે. તેમણે શેક્સપિયરનાં નાટકો પરથી ‘શેક્સપિયરની નાટ્યકથાઓ’ આપી છે, જે ખૂબ પ્રચલિત થઈ છે. એ જ રીતે 1975માં તેમની પાસેથી ‘સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ’ મળી છે.

‘કનૈયાલાલ મુનશી – સાહિત્ય, જીવન અને પ્રતિભા’ (1967) અને ‘ગુજરાતી અસ્મિતાના સ્વપ્નદ્રષ્ટા કનૈયાલાલા મુનશી’ (1991) તેમના મુનશી ઉપરના અભ્યાસપૂર્ણ ગ્રંથો છે. ‘આવિર્ભાવ’ (1973), ‘દલપતરામ’ (1980) અને ‘અર્વાચીન ગુજરાતી સાહિત્યનો આસ્વાદ’માં સ્વસ્થ રુચિના એક વિવેચકનું સામર્થ્ય તેમણે દાખવ્યું છે. ગુજરાત સાહિત્યસભાના નિમિત્તે તેમણે વાર્ષિક સમીક્ષાનું જહેમતભર્યું કામ (1957, 1958, 1981, 1982, 1983, 1984, 1991, 1992, 1993, 1994, 1995) કર્યું છે. આમાં જે તે વર્ષમાં પ્રકાશિત સાહિત્યની સંક્ષિપ્ત નોંધ તથા મૂલ્યાંકનો છે. ગુજરાતી સાહિત્યના અભ્યાસીઓને તે ઉપયોગી સંદર્ભસેવા પૂરી પાડે છે.

‘અમેરિકન સમાજ’ (1966), ‘હેન્રી જેમ્સની વાર્તાઓ’ (1969), ‘આધુનિક ભારતમાં સમાજપરિવર્તન’ (1975)  એ તેમના અનુવાદો છે. ‘હિંદુસ્તાન મધ્યેનું એક ઝૂંપડું’ (1968), ‘અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન’ (1976), ‘દલપત-ગ્રંથાવલિ’ (ખંડ, 4-5, ગદ્યવિભાગ, ભાગ 1-2, 1999) વગેરેનું તેમણે સંપાદન કર્યું છે. કુટુંબજીવન અને સમાજજીવનને સાંકળીને તેમણે પત્ની કુસુમબહેન સાથેના દાંપત્યજીવનને રજૂ કરતી કૃતિ ‘કુસુમાખ્યાન’ (2017) આપી છે, જેમાં તેમનું ઋજુ હૃદય તથા સ્ત્રીદાક્ષિણ્યની ભાવના સરસ રીતે વ્યક્ત થયાં છે.

ચન્દ્રકાન્ત શેઠ

શ્રદ્ધા ત્રિવેદી