પારેખ, પ્રહલાદ (જ. 12 ઑક્ટોબર 1912, ભાવનગર; અ. 2 જાન્યુઆરી 1962, મુંબઈ) : ગુજરાતી કવિ. તેમનું ઘડતર ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં થયું હતું. ત્યાંથી ‘વિનીત’ થઈ તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાં અને પછી શાંતિનિકેતનમાં અભ્યાસ કરેલો. ઈ. સ. 1937માં વિલે પારલેની પ્યૂપિલ્સ ઓન સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા હતા અને થોડો સમય ભાવનગરની ઘરશાળામાં કાર્ય કરી, 1945થી છેક સુધી મુંબઈની મૉડર્ન સ્કૂલમાં શિક્ષક તરીકે તેમણે સેવા આપી હતી. 1930માં રાષ્ટ્રીય આંદોલનમાં સક્રિય રહી જેલવાસ પણ ભોગવ્યો હતો.
આ કવિના ‘બારી બહાર’ (1940) કાવ્યસંગ્રહથી ગાંધીયુગીન ગુજરાતી કવિતાથી જુદી તરી આવતી સૌન્દર્યાભિમુખ ધારાનો નવરોમાંચ અનુભવાય છે. ગાંધીયુગની સ્વાતંત્ર્યાદિ ભાવનાઓને આ કવિ પોતાનાં કાવ્યોમાં સ્પર્શતા નથી. એ સમયે પ્રચલિત કાવ્યનાં બહિરંગી પરિવર્તનોથી પણ ઊફરા ચાલી ‘રસૈકલક્ષી’ રહીને કાવ્યસર્જન કર્યાં હતા.
હૃદયના મુલાયમ ભાવોને નિરૂપવામાં વર્ષા, તારક વગેરેનાં લયવાહી સ્વરવ્યંજનાની સંકલનાવાળાં મનોરમ સુરેખ ચિત્રોના આલેખનમાં અને માનવીય સંવેદનના વૈવિધ્યભર્યા ભાવલોકના પ્રકટીકરણમાં આ કવિએ નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે. માનવ અને પ્રકૃતિની સૂક્ષ્મતાને એમણે કલાત્મકતાથી કાવ્યમાં ઝીલી છે. અમૂર્ત ભાવોને આ કવિ લયની મનોહર લીલાથી સજીવતા અર્પે છે. ‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો…’થી આરંભાતું ‘આજ’ કાવ્ય, નખશિખ સુંદર ‘વિદાય’ સૉનેટ, પુષ્પો તેમજ દરિયા વિશેનાં લયાન્વિત ઋજુ ગીતો, ‘પરાજયની જીત’ જેવું મનોહર અને ‘દાન’ જેવું અનુસર્જનાત્મક ખંડકાવ્ય વગેરે અનેક રચનાઓ પ્રહલાદની ઉત્તમ કવિ તરીકેની છબીને ઉપસાવે છે.
‘સરવાણી’ (1948) નામક ગીતસંગ્રહનો કવિએ ‘બારી બહાર’ની બીજી આવૃત્તિમાં સમાવેશ કરેલો છે.
કાવ્યો ઉપરાંત ભાઈબહેનના શૈશવજીવનનું મનોવૈજ્ઞાનિક નિરૂપણ કરતી ‘ગુલાબ અને શિવલી’ (1938) નામક ગદ્યકથા આપી છે. તેમણે લાંબી બાલવાર્તાઓ (‘રાજકુમારની શોધમાં’ અને ‘કરુણાનો સ્વયંવર’), બાલકાવ્યો (‘તનમનિયાં’) પણ લખ્યાં છે, જે હજુ અપ્રગટ છે. ‘રૂપેરી સરોવરને કિનારે’ (1962) અને ‘અજાણીનું અંતર’ અનુક્રમે મિસિસ લોરા ઇન્ગોલ્સ બાઇલ્ડરની ગદ્યકથા અને સ્ટીફન ઝ્વાઇગની નવલકથાના એમણે કરેલા અનુવાદો છે. ‘શિસ્તની સમસ્યા’ (1962) એ એમની પરિચયપુસ્તિકા છે. એમનાં કેટલાંક કાવ્યોનું સંપાદન ચંદ્રકાન્ત શેઠ, વિનોદ જોશી વગેરે એ કર્યું છે.
ચિમનલાલ ત્રિવેદી