પારેખ નગીનદાસ નારણદાસ ‘ગ્રંથકાર’ ‘ગ્રંથકીટ’

January, 1999

પારેખ, નગીનદાસ નારણદાસ, ‘ગ્રંથકાર’, ‘ગ્રંથકીટ’ (. 30 ઑગસ્ટ 1903, વલસાડ; . 19 જાન્યુઆરી 1993, અમદાવાદ) : ગુજરાતના શ્રેષ્ઠ અનુવાદક, વિદ્વાન વિવેચક તથા સંપાદક. માતા જીવકોરબહેન; પિતા નારણદાસ. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ વલસાડમાં. વિદ્યાર્થી તરીકે તેમની કારકિર્દી તેજસ્વી. કિશોરવયથી જ મનોબળ દૃઢ. શાળામાં અભ્યાસકાળ દરમિયાન ગાંધીજીની સત્યાગ્રહની ચળવળનો નાદ લાગવાથી અભ્યાસ છોડ્યો. મૅટ્રિકની પરીક્ષા આપી નહિ. અમદાવાદમાં ગાંધીજીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠમાં તેઓ જોડાયા અને 1921માં ‘વિનીત’ની પરીક્ષા પસાર કરી. ઉચ્ચ અભ્યાસમાં તેમણે મુખ્ય વિષય તરીકે ગુજરાતી અને બંગાળી રાખ્યા. રામનારાયણ વિ. પાઠકે તેમને ગુજરાતી ભાષાસાહિત્યમાં પ્રેર્યા-દોર્યા અને ચાલના આપી. ઇન્દુભૂષણ મજુમદારે એમને બંગાળી સાહિત્યનો નેડો લગાડ્યો. વિદ્યાપીઠમાં એમની વિદ્યારસિકતા, સાહિત્યરસિકતા કૉળી ઊઠી. ત્યાં છાત્ર હતા તે દરમિયાન અંગ્રેજીમાં ‘ક્રિટિક’ અને ગુજરાતીમાં ‘પ્રભાત’ નામનાં હસ્તલિખિત પત્રોનું સંપાદન કરતા.

નગીનદાસ નારણદાસ પારેખ

1925-26માં ગૂજરાત વિદ્યાપીઠ તરફથી અનુસ્નાતકકક્ષાએ અભ્યાસ કરવા માટે વિશ્વભારતી  શાંતિનિકેતન ગયા અને કવિવર રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યનો તેમજ અન્ય બંગાળી સર્જકોનો સઘન અભ્યાસ કર્યો, બંગાળી ભાષામાં ઊંડી દિલચસ્પી કેળવી. ત્યાં ક્ષિતિમોહન સેને તેમને અભ્યાસમાં ઉત્તમ માર્ગદર્શન પૂરું પાડ્યું. શાંતિનિકેતનના નિવાસ દરમિયાન ટાગોરનાં નાટકોમાં નાનીમોટી ભૂમિકાઓ ભજવીને ટાગોરની પણ પ્રશંસા તેમણે મેળવી.

શાંતિનિકેતનથી પાછા આવીને 1926માં તેઓ ગૂજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા. એ દરમિયાન ગાંધીજીની અંગ્રેજી શાસન સામેની સત્યાગ્રહની લડતમાં ભાગ લઈને તેમણે કારાવાસ પણ ભોગવ્યો. 1930, 1931 તથા 1933માં – એમ ત્રણ વાર કારાવાસ દરમિયાન તેમણે ઉર્દૂનો અભ્યાસ કર્યો તેમજ બંગાળી ભાષામાંથી ઉત્તમ કૃતિઓના ગુજરાતીમાં અનુવાદ પણ કર્યા. 1947થી તેઓ ગુજરાત વિદ્યાસભામાં અધ્યાપક બન્યા. એ દરમિયાન તેમની લેખનપ્રવૃત્તિ-અનુવાદપ્રવૃત્તિ સતત ચાલતી રહી.

1955થી તેઓ શ્રી રામાનંદ મહાવિદ્યાલય(આજની એચ. કે. આર્ટ્સ કૉલેજ)માં ગુજરાતીના પ્રાધ્યાપક થયા હતા અને પંદરેક વર્ષ સેવા આપી 1969ની સાલમાં નિવૃત્ત થયા.

નગીનદાસ પારેખની વિદ્વત્તા બેનમૂન, પણ એમની ખ્યાતિ મુખ્યત્વે ઉત્તમ અનુવાદક અને વિવેચક તરીકે તેમજ કાવ્યશાસ્ત્રના ઊંડા અભ્યાસી અને પરામર્શક તરીકે. નગીનદાસે સંપાદનો પણ કર્યાં છે – પુસ્તકોનાં તેમજ સામયિકોનાં. બાળપોથીથી માંડીને સાત ધોરણ સુધીની વાચનમાળાઓ અને પાંચમા, છઠ્ઠા, સાતમા ધોરણો માટેની વિશેષ વાચનમાળાઓથી માંડીને ઠેઠ એમ.એ.ના વિદ્યાર્થીઓને અને ગુજરાતી વિષયમાં રસ અને જિજ્ઞાસા ધરાવતા અન્યોને પણ ઉપયોગી કાવ્યશાસ્ત્રના પાંચ પ્રધાન આચાર્યોના ગ્રંથોના વિવરણ સાથેના અનુવાદો તેમને હાથે થયા છે. રવીન્દ્રનાથ ટાગોર, શરદબાબુ, જરાસંધ, મૈત્રેયીદેવી વગેરે સર્જકોની કૃતિઓના પણ અનુવાદ કર્યા છે. 1928માં તેમનો પહેલો અનૂદિત વાર્તાસંગ્રહ ‘વામા’ (1947; તેની બીજી આવૃત્તિ  તે ‘ચુંબન અને બીજી વાતો’) પ્રગટ થયો તે પછી તેમની સાહિત્યપ્રવૃત્તિ સતત વિસ્તરતી અને વિકસતી જ રહી. રવીન્દ્રનાથ ટાગોરની કૃતિઓના અનુવાદો આપીને તેમણે ગુજરાતની પ્રજાને ટાગોરનો રસ લગાડ્યો. ‘વિસર્જન’ (1932), ‘પૂજારિણી અને ડાકઘર’ (1932), ‘ઘરેબાહિરે’ (1935), ‘ચતુરંગ અને બે બહેનો’ (1936), ‘નૌકા ડૂબી’ (1938), ‘ગીતાંજલિ અને બીજાં કાવ્યો’ (1942) તેમજ ‘સ્વદેશી સમાજ’ (1934), ‘પૂર્વ અને પશ્ચિમ’ (1942), ‘વિશ્વપરિચય’ (1944), ‘લક્ષ્મીની પરીક્ષા’ (1947), ‘પંચભૂત’ (1947), ‘સતી’ (1947), ‘શાંતિનિકેતન’ ખંડ 1-2-3 (1963 અને 1965) તેમનાં નોંધપાત્ર અનૂદિત પુસ્તકો છે. ટાગોરનાં કેટલાંક પુસ્તકોનો તેમણે અન્યના સહયોગમાં પણ અનુવાદ કર્યો છે તેમાં ‘ચારિત્ર્યપૂજા’ (1950), ‘રવીન્દ્ર નિબંધમાળા’ (1963), ‘રવીન્દ્રનાથનાં નાટકો’ (1963)નો સમાવેશ થાય છે. શરદબાબુની કેટલીક કૃતિઓના તેમણે કરેલા અનુવાદોમાં ‘પરિણીતા’ (1931), ‘પલ્લીસમાજ’ (1933), ‘ચંદ્રનાથ’ (1933) મુખ્ય છે. ‘જરાસંધ’ – (ચારુચન્દ્ર ચક્રવર્તી)ની બે વિખ્યાત નવલકથાઓ ‘લોહકપાટ’નો તેમજ ‘ન્યાયદંડ’નો અનુવાદ પણ તેમણે અનુક્રમે ‘ઊજળા પડછાયા, કાળી ભોંય’ (1964) અને ‘ન્યાયદંડ’ (1966) નામથી કર્યો છે. મૈત્રેયીદેવીની સુખ્યાત નવલકથા ‘ન હન્યતે’નો અનુવાદ (1978) પણ તેમણે કર્યો છે. એ જ લેખિકાના બીજા એક ટાગોર-વિષયક પુસ્તકનો અનુવાદ ‘સ્વર્ગની લગોલગ’ (1985) પણ તેમને હાથે થયો છે. બંગાળના અન્ય લેખકોની તેમને હાથે અનૂદિત થયેલી કૃતિઓમાં દિલીપકુમાર રૉયની ‘તીર્થસલિલ’ (1942), સુરેન્દ્રનાથ દાસગુપ્તકૃત ‘કાવ્યવિચાર’ (1944), અતુલચંદ્ર ગુપ્તકૃત ‘કાવ્યજિજ્ઞાસા’ (1960) મુખ્ય છે. અબુ સઈદ ઐયુબનાં બે પુસ્તકોના અનુવાદ ‘કાવ્યમાં આધુનિકતા’ (1969) અને ‘પાન્થજનના સખા’ (1977) પણ એમની કલમમાંથી અવતર્યા છે.

નગીનદાસ પારેખનો ભારતીય તેમજ પાશ્ર્ચાત્ય સાહિત્યમીમાંસામાં જીવંત રસ હોવાના ફળરૂપે ગુજરાતને અંગ્રેજી વિવેચનસિદ્ધાંતોના સાહિત્યના તેમજ ભારતીય રસમીમાંસાના પણ કેટલાક ઉત્તમ ગ્રંથો મૌલિક તેમજ અનુવાદ રૂપે મળ્યા છે. ઍબરક્રૉમ્બીના પુસ્તક ‘પ્રિન્સિપલ્સ ઑવ્ લિટરરી ક્રિટિસિઝમ’નો તેમણે ગુજરાતીમાં કરેલો અનુવાદ ‘સાહિત્યવિવેચનના સિદ્ધાંતો’ (1957) અને વર્સફોલ્ડના ‘જજમેન્ટ ઇન લિટરેચર’નો અનુવાદ ‘સાહિત્યમાં વિવેક’ (1958) નામથી મળ્યા છે; પણ રસમીમાંસાના ક્ષેત્રે અનુવાદક અને મીમાંસક તરીકે તેમનું એક ઉત્તમ કાર્ય સંસ્કૃત કાવ્યશાસ્ત્રગ્રંથોના તેમણે કરેલા અનુવાદો છે. અનુવાદની સાથે તેમણે કરેલાં ટિપ્પણ-વિવરણ તેમની રસમીમાંસક તરીકેની અનોખી સૂઝના દ્યોતક છે. એ ગ્રંથોમાં ‘ધ્વન્યાલોક : આનંદવર્ધનનો ધ્વનિવિચાર’ (1981), ‘કાવ્યપ્રકાશ : મમ્મટનો કાવ્યવિચાર’ (1987) અને ‘વક્રોક્તિજીવિત : કુંતકનો કાવ્યવિચાર’(1988)નો સમાવેશ થાય છે.

પણ આ ઉત્તમ અનૂદિત ગ્રંથોના અનુવાદ પૂર્વે રસમીમાંસામાં તેમની એક મૌલિક મીમાંસક તરીકેની શક્તિ કેવી હતી તેના નમૂનારૂપ મૌલિક ગ્રંથ ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ (1969) મળે છે. એક અનોખા મૌલિક દૃષ્ટિસંપન્ન, સ્વસ્થ અને નિર્ભીક વિવેચક તરીકેની તેમની મુદ્રા તેમનાં વિવેચનનાં પુસ્તકોમાં ઊપસે છે  ‘પરિચય અને પરીક્ષા’ (1968), ‘સ્વાધ્યાય અને સમીક્ષા’ (1968) અને ‘વીક્ષા અને નિરીક્ષા’(1981). અંગ્રેજી સાહિત્યવિવેચનમાં પણ તેમની કેવી સૂક્ષ્મ દૃષ્ટિ હતી તેનું દ્યોતક પુસ્તક ‘ક્રોચેનું ઇસ્થેટિક અને બીજા લેખો’ (1972) છે.

નગીનદાસ પારેખે ‘નવલરામ’ (1961), ‘મહાદેવ દેસાઈ’ (1962), ‘ગાંધીજી’ (1964), ‘સાત ચરિત્રો’ (1947) જેવાં નાનકડાં ચરિત્રલક્ષી પુસ્તકો પણ રચ્યાં છે. ‘સત્તાવન’ (1938) 1857ના અંગ્રેજો સામેના હિંદના સંગ્રામનો સુંદર ચિતાર આપતું તેમનું મૌલિક પુસ્તક છે. તેમણે પ્રેમાનંદ અને દયારામનાં કાવ્યોનું જરૂરી ભૂમિકાસંપાદન કરી ‘પ્રેમાનંદ’ (1963) તથા ‘દયારામ’ એવાં બે પુસ્તકો આપ્યાં છે. અનુવાદના ક્ષેત્રમાં પૂરા પારંગત એવા નગીનદાસ પારેખની નાનકડી પુસ્તિકા ‘અનુવાદની કળા’ (1958) ઊગતા તેમજ પીઢ અનુવાદકોને પણ માર્ગદર્શન આપી રહે છે. અન્યના સહયોગમાં ‘સરકારી વાચનમાળા (1949-1951)’, ‘વિશેષ વાચનમાળા’ પુસ્તક 5-6-7 (1952-53), ‘વાર્તાલહરી’ ખંડ 1-2 (1955), ‘સાહિત્ય પાઠાવલિ’ ભા. 1-2-3 વગેરે તેમનાં સંપાદનો છે. તેમણે ‘કિશોર’, ‘બુદ્ધિપ્રકાશ’ અને ‘પરબ’ સામયિકોનું પણ કેટલોક સમય સંપાદન કર્યું હતું. એમાં ‘બુદ્ધિપ્રકાશ’નું સંપાદન તેમની સમાજહિતચિંતક તેમજ નિર્ભીક પત્રકાર તરીકેની ગુણવત્તાનું દ્યોતક છે. નગીનદાસ પારેખે કૃપાલાનીની આત્મકથાનો અનુવાદ ‘આત્મચરિત્ર’ નામથી કર્યો (1994) એ તેમનું મરણોત્તર પ્રકાશન છે. એવું જ બીજું એક મરણોત્તર પ્રકાશન ‘રવીન્દ્ર પૂર્વચરિત’ (1997) છે.

નગીનદાસ પારેખનાં પુસ્તકો સંખ્યા તેમજ ગુણવત્તા બંને દૃષ્ટિએ ધ્યાન ખેંચે છે. તેમ છતાં એમનું અનુવાદક તરીકેનું એક મહાન જીવનકાર્ય તે ઇસુદાસ કવેલી સાથે અંગ્રેજી બાઇબલનો કરેલો ગુજરાતી અનુવાદ ‘સંપૂર્ણ બાઇબલ’ (1981) છે. પંદર વર્ષના પરિશ્રમનું એ ફળ છે. નગીનદાસે એમનો સમગ્ર આત્મા તેમાં પરોવ્યો છે. એવું જ એમના જીવનનું એક ઉત્તમ કાર્ય તે ‘ગાંધીજીનો અક્ષરદેહ’ના ત્રીસેક જેટલા ખંડોમાં તેમણે કેટલાક લેખોના કરેલા અનુવાદનું છે. ખુદ અનુવાદકે આ બે જીવનકાર્યોની મહત્તા વર્ણવી છે.

નગીનદાસ પારેખને એમના અનુવાદો માટે તેમજ મૌલિક વિવેચનગ્રંથો માટે અનેક પારિતોષિકો-ચંદ્રકોથી વિવિધ સંસ્થાઓએ સન્માન્યા છે. ‘અભિનવનો રસવિચાર અને બીજા લેખો’ માટે તેમને દિલ્હીની સાહિત્ય અકાદમીએ સન્માન્યા હતા (1970). 1981માં કૉલકાતાની ટાગોર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે તેમને ‘રવીન્દ્ર તત્વાચાર્ય’ની પદવીથી વિભૂષિત કર્યા હતા. 1990નો રણજિતરામ સુવર્ણચંદ્રક, અમદાવાદની ગુજરાત સાહિત્ય સભા તરફથી તેમને એનાયત થયો હતો. બંગીય ભાષા પરિષદે તેમને ‘હરનાથ ઘોષ ઍવૉર્ડ’ અર્પણ કર્યો હતો. 1991માં તેમને અનુવાદક તરીકે ‘ન હન્યતે’ માટે દિલ્હીની સાહિત્ય અકાદમીએ ઍવૉર્ડથી નવાજ્યા હતા.

મધુસૂદન પારેખ